Mrugtrushna Tarang

Abstract Fantasy

3  

Mrugtrushna Tarang

Abstract Fantasy

જીવન ઋતુચક્ર

જીવન ઋતુચક્ર

4 mins
41


   ઊગતો સૂર્ય હોય કે પછી ખીલતું પુષ્પ, આથમવા અને મુરઝાવાનો કાળ નિશ્ચિત કરવા અસમર્થ હોય છે. અને કદાચ એટલે જ સૃષ્ટિમાં સર્જાતી પ્રત્યેક કૃતિ તથા આકૃતિ અનિયમિતતા માણવા માટે સર્જાયેલી છે.

   એવી જ એક વ્યક્તિએ અજાણપણે મને તથા મારાં જીવન તરફનાં અભિગમને જડમૂળથી બદલી નાખ્યો. 

   એમનાં થકી મારાં કર્ણપટલ પર અંકિત થયેલ શબ્દો : "તમે ફક્ત એક જ સિઝન દ્વારા કોઈ વૃક્ષ અથવા વ્યક્તિનો ન્યાય ન કરી શકો, અને તેઓ કોણ હતાં, હાલમાં કોણ છે તેનો સાર - અને તેમણે તેમનાં જીવનમાંથી જે આનંદ, ઉલ્લાસ, સંવેદના અને ચાહત મેળવી છે તે પાછળનો સંઘર્ષ ફક્ત અંતમાં જ માપી શકાય છે, જ્યારે બધી ઋતુઓ પૂર્ણ થાય છે. એટલે કે માણસ તરીકેનું જીવન જીવવા માટે જે તે વ્યક્તિ સક્ષમતા પુરવાર કરવા યોગ્ય છે કે નહીં એ નક્કી કરનાર ત્રાહિત વ્યક્તિ તો ન જ હોય!!"

   ગુરુ દત્ત, એક વિરલ વ્યક્તિમત્વ ધરાવનાર જીવ.

   મારી એમની સાથેની મુલાકાત 'ફિલ્મીઇન્ડિયા' નામક ઈંગ્લિશ મેગઝિનનાં ઉદ્ઘાટન દરમ્યાન થઈ હતી.

   ફિલ્મનાં પ્રોમોમાં કલાકારોને નજદીકથી મળવાનો લ્હાવો મળે એટલી જ ખુશી ગુરુ દત્ત સાહેબને મળતાં મને થઈ. અને પછી તો એકમેકનાં ઘરે આવન-જાવન શરૂ. ઉમદા લેખક તેમજ નિર્દેશક હોવા બાદ પણ રત્તીભરનું અભિમાન એમની આસપાસ ને એમની ભીતર ન જોતાં પહેલીવાર લાગ્યું કે દંભ કરતો હશે. અને સમય પસાર થતામાં મને મારી ભૂલ સમજાણી. મેં માફી પણ માંગી. અને નિખાલસભાવે એમણે મને માફ પણ કરી દીધો.

   "જીવનમાં ઉતાર ચઢાવ દરેકને આવતા હોય છે, ઓછે વત્તે અંશે. પણ, જીવન સંઘર્ષોથી ઘેરાઈ જાય એટલે માનવી ભૂલો કરવા પ્રેરાય, નૈં!!" 

   "હું આપના મંતવ્યનો સાક્ષી બનવા પ્રેરાયો છું. કોઈ ઉદાહરણ આપશો ?"

   અમારી વચ્ચે ઇન્ટરવ્યૂ લેતા હોય એવો વાદ વિવાદ છેડાયો, અને એને શાંત પાડવા તથા એમાં ઘી હોમવા ય ઘણાં આસપાસ ઘેરો નાખી બેઠાં.

   અને, અજાણપણે અમે બંન્નેવ હોટ સ્પોટ ટોપિક બની બેઠાં.

   ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે ઘણાં કલાકારો હાજર હતાં. પ્રોડ્યુસર્સ તેમજ ડિરેક્ટર્સ પણ બાબુરાવ પટેલનાં 'ફિલ્મીઇન્ડિયા' ઈંગ્લીશ મેગેઝિનને વખોડી રહ્યા હતાં. તો કેટલાંક મજાકમાં ઉડાવી નવી નવી ગોસિપ વાંચવા ઉત્સુક છે એવો અલેખ દોરવામાં અને પોતાની ઓળખાણ વધારવામાં મશગૂલ હતા.

   મધ્યરાત્રિએ એક લલના દત્ત સાહેબ પાસે આવી, કમર લચકાવી, લટકમટક ચાલ ચાલી કંઈક ઈશારો આપી ગાયબ થઈ ગઈ. મારી નજર સામેથી ચપટી વગાડતામાં ઓઝલ થઈ ગઈ એ મારા માટે અમાન્ય થઈ પડ્યું. પણ, હકીકત કંઈક ભિન્ન જ નીકળી. હું વ્યાકુળ થઈ ઉઠ્યો. આમથીતેમ આંટા મારવા લાગ્યો. કંઈક અંશે અજાણપણે હું એ લલનાને જ ત્રાંસી નજરે ખોજી રહ્યો હતો.

   નાઈટ રાઈડર્સ ધીમે ધીમે વિખેરાવા લાગ્યાં. મારો ય છૂટા પડવાનો વારો આવ્યો, અને હું બેંગોલી સ્ટાઈલની શેરવાની અને ધોતી ઠીક કરતાં કરતાં ગુરુ દત્ત સાહેબને 'બિદાય' કહ્યું અને એમની તરફ જોયા વગર જ હું ત્યાંથી નીકળી ગયો.

   કેટલાંક મહિનાઓ અમારી વચ્ચેની મુલાકાતોને વિરામ મળ્યો. અને, એક દિવસ પુણે શહેરની ફિલ્મીસ્તાન સ્ટુડિયો ખાતે ફરી દત્ત સાહેબનો ને મારો ભેટો થયો.

   સૂકલકડું શરીર, શરાબની લતમાં ખતમ થઈ ગયેલ ચહેરા પરની એ નૂરાની ચમક, ઊંડી ઉતરી ગયેલી આંખો અને દર્દસભર અવાજ, બધું જ એકસામટુ કંઈક કહેવા મથી રહ્યું હતું પણ, અજનબીની જેમ વર્તી દત્ત સાહેબ ત્યાંથી પલાયન થઈ ગયા.

   મહેબૂબ ખાન સાથે દેવાનંદ સાહેબની નેક્સ્ટ ફિલ્મનો પ્લોટ ડિસ્કસ કરતાં કરતાં વારે ઘડીએ બહાર જઈ પીસીઓથી પોતાની પત્નીને ફોન કરી દીકરી સાથે આખરી મુલાકાત માટે વિનંતી કરનાર એ ખમીરવંતા દત્ત સાહેબ નહીં પણ એક લાચાર પિતા કરગરી રહ્યો હતો.

   સામે છેડેથી પ્રત્યુત્તર 'ના' મળ્યો હશે એવો અણસાર મને તથા મહેબૂબ ખાનને આવી ગયો. અને એટલે જ રાત્રિનાં બાર વાગ્યે પોતપોતાને ઠેકાણે જવાને બદલે હું દત્ત સાહેબ સાથે એમનાં મહેલ સમ બાંગ્લા તરફ આગળ વધી જ રહ્યો હતો, ત્યાં, ખાન સાહેબે અંતિમ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ જતાં પાયમાલ થયેલ દત્ત સાહેબ હવે ચૌલમાં રહે છે એ જાણી ખૂબ જ દુઃખી થયો હું. ખુદને જ કોસવા લાગ્યો.

   કપરા સમયે મારી ગેરહાજરી દત્ત સાહેબને કેટલી હદે તોડતી ગઈ અને એ ભલા માણસે હરફ સુધ્ધાં ન કાઢ્યો.

   ચૌલમાં ભાડાની ખોલીમાં આવી પૅગ પર પૅગ પી પોતાની લાચારી છૂપાવવાનો દત્ત સાહેબનો યથાવત પ્રયાસ જોઈ હું રડી પડ્યો. અને ત્યાં રાત્રે દોઢ વાગ્યે એમનાં બાવરચીએ અમારાં માટે ભોજન પીરસ્યું. અમે જમ્યાં. સતત બોલતો હસમુખ ચહેરો આજે ઉદાસીનતાને વળગી મનમાં ને મનમાં રડું રડું થઈ રહ્યો હતો. 

   બે વાગ્યા સુધી ચર્ચાઓ કરવાનાં ઇરાદે મેં અને ખાન સાહેબે 'નવનિકેતન' પબ્લિકેશનનાં બેનર હેઠળની આગામી ફિલ્મ માટે ઘણાં બધાં પર્યાયો આપ્યાં.

   એ દરમ્યાન આખરી કૉલ દત્ત સાહેબે એમની પત્ની ગીતા રાનીને કર્યો. પુત્રીને મળવાની ઝંખના વ્યક્ત કરી. આવેશમાં આવી જઈ ન કહેવાના શબ્દો પણ કહી દીધા. અને પ્રાયશ્ચિતનાં અશ્રુધારા પણ વહાવી. પણ, એ અશ્રુધારા તળે ભીંજાયા માત્ર ને માત્ર દત્ત સાહેબ જ!!

   અમને બંન્નેવને 'આવજો' કહી અંતિમ વિદાય આપતાં હોય એમ વારેઘડીએ ગળે મળ્યાં.

   "અભી ના જાઓ છોડકર,

   કિ દિલ અભી ભરા નહીં..." ગીત ગણગણી ફરી એકવાર અમને રોકવાનો પ્રયત્ન કર્યો અને અંતે,

   યકાયક,

   એણે પોતાનાં બેડરૂમનો દરવાજો વાસી દીધો. ડિપ્રેશનનો શિકાર થયેલ મારો એ જીગરીજાન દોસ્ત, દત્ત, ગુરુ દત્ત, આજે હતો - નહતો થઈ ગયો.

   શરાબ સાથે ડિપ્રેશનની તથા ઊંઘની ગોળીઓ એકસામટી લઈ ઋતુ સમાન જીવતો - જીવાડતો, હસતો - હસાવતો, ખીલતો - ખીલવતો એક સિતારો તૂટી ગયો.

   બીજે દિવસે પરોઢે, વગર કારણે, હું દત્ત સાહેબને મળવા એમનાં ઠેકાણે પહોંચવા માટે ટ્રેન પકડી લીધા બાદ ખ્યાલ આવ્યો કે, એકવાર ફોન કરીને ખેરખબર પૂછી લઉં.

   ફોન પર જે જાણ્યું એનાથી હોશ ઊડી ગયાં. લગભગ દોડતો એમનાં ઘરે પહોંચ્યો. જ્યાં દત્ત સાહેબ શ્વેત ચાદરમાં વીંટળાયેલા મળ્યાં.

   પેપરમાં એમની ખિલાફ ઘણું ઘણું છપાયું. ત્યારે એમનું કહેલું કથન સાચું સુભાષિત તરીકે પુરવાર થયું...

   "વ્યક્તિ હોય કે પ્રકૃતિ, એને એના એક રૂપથી ક્યારેય ન આંકવું ! ક્યારે રંગ, રૂપ બદલે એ કહેવાય નહીં!!"

   એક ઊગતો સૂર્ય કસમયે આથમી ગયો..!


Rate this content
Log in

Similar gujarati story from Abstract