Bindya Jani

Tragedy

4.5  

Bindya Jani

Tragedy

જીવન રંગ

જીવન રંગ

3 mins
254


  નાનકડી પ્રિયાંશી કેટલાય દિવસથી તેની મમ્મીને રંગ અને પિચકારી લાવવા માટે કહ્યા કરતી હતી. પણ પ્રિયાને ઘર અને ઓફિસમાંથી સમય મળતો ન હતો. તે રોજ પ્રિયાંશીને કહેતી કે તે આજ ચોક્કસ લઈને આવશે. પણ કોઈ ના કોઈ કારણસર રંગ અને પિચકારી લાવવાનું ભૂલી જતી અને પ્રિયાંશી નારાજ થઈ જતી.

    આજે તે ઓફિસ જતાં પહેલાં પ્રિયાંશીને પ્રોમીસ દઈ નીકળી ગઈ. સાંજે તે ઓફિસથી વહેલી નીકળી રંગ લેવા બજારમાં પહોંચી ગઈ. અને રંગોની દુકાનમાં જઈ અલગ - અલગ રંગો અને એક સરસ મોટી પિચકારી લીધી. થોડીક મીઠાઈ લીધી. અને તરત જ સ્કુટી સ્ટાર્ટ કરી ત્યાંથી નીકળી ગઈ. મનમાં થયું હા... શ આજે પ્રિયાંશી ખુશ થશે. તેને માનસિક સંતોષ થયો. થોડીક આગળ ગઈ ત્યાં જ અચાનક પાછળથી તેની સ્કુટીને ટક્કર લાગી અને તે ઉથલી પડી. લોકો ભેગા થઈ ગયા. કોઈકે 108 ને બોલાવી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અને તેના મોબાઈલમાં ઘરનો નંબર નામે સેવ થયેલા નંબર પર ફોન કરીને જાણ કરી. અંશ અને પ્રિયાંશી પ્રિયાની રાહ જોઈને બેઠા હતા. 

    સમાચાર સાંભળી અંશ તરત જ હોસ્પિટલ દોડ્યો. ડોક્ટરને મળ્યો. અંશ પહોંચ્યો ત્યારે પ્રિયા ભાનમાં ન હતી. અંશે પ્રિયાનો હાથ પકડી લીધો અને મનોમન બોલ્યો. પ્રિયા હું અને પ્રિયાંશી તારી રાહ જોઈએ છીએ તને કાંઈ જ નહીં થાય. ધૂળેટીતો તારો ગમતો તહેવાર છે ને ? પ્રિયાને ઈમરજન્સી ઓપરેશનમાં લઈ ગયા. અંશ ચિંતિત હતો. તેના સગામાં કોઈ અહીં હતું નહીં. એટલે પ્રિયાના અકસ્માતે તે ગભરાઈ ગયો હતો. ઓપરેશન રૂમમાંથી પ્રિયાને બહાર લઈ આવ્યા એ જોઈને અંશને શાંતિ થઈ. તે ઘરે ગયો અને પ્રિયાંશીને લઈ આવ્યો. પ્રિયાને ઘેનનું ઇંજેક્શન આપેલું તેથી તે સૂતી હતી. તેના કપાળ પર પાટો બાંધેલો હતો. લોહીનો બાટલો ચડતો હતો. પ્રિયાંશી તેની મમ્મીને આ રીતે જોઈને હેબતાઈ ગઈ. તે અંશના ખોળામાં બેઠી હતી. અને થોડી-થોડી વારે તે પૂછ્યા કરતી હતી. "પપ્પા, મમ્મી કેમ કાંઈ બોલતી નથી". 

    આખી રાત અંશ પ્રિયાંશીને લઈ બેઠો રહ્યો. ડોક્ટરે તેને 24 કલાકનો મુશ્કેલ સમય આપેલો. સતત ચિંતામાં રાત પસાર કરી. સવારે સાડા આઠ વાગ્યે તેને લાગ્યું કે જાણે પ્રિયાનો હાથ ધીરે-ધીરે ઊંચો થાય છે. ડોક્ટર તપાસવા માટે આવ્યા, પણ પ્રિયા હજુ ઘેનમાં જ હતી. ડોક્ટરે તપાસીને જણાવ્યું કે હવે તે ધીમે - ધીમે ભાનમાં આવશે. હવે ચિંતા જેવું નથી અંશને હૈયે શાંતિ થઈ. તે પણ ભગવાનને પ્રાર્થના કરતો હતો. હે ભગવાન મારી પ્રિયાને જલ્દી જલ્દી સારૂ કરી દો. 

    તેણે ઘરેથી શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો લાવીને પ્રિયાના ઓશીકાં પાસે રાખી દીધો હતો. પ્રિયા શ્રી કૃષ્ણની ભક્ત હતી. તે ઘણી વાર કહેતી કે હું મારી બધીજ ચિંતા કૃષ્ણને આપી દઉં છું એટલે મને કોઈ વાતની ચિંતા ન હોય. આજે અંશે પણ તેની ચિંતા કૃષ્ણને આપી દીધી. નાનકડી પ્રિયાંશી પણ કૃષ્ણને હાથ જોડીને પ્રાર્થના કરતી હતી, હે કનૈયા ભગવાન, મારી મમ્મીને જલ્દી જલ્દી સારું કરી દીયો. મને રંગ કે પિચકારી કાંઈ જ નથી જોઈતું મને તો મારી મમ્મા જ જોઈએ છીએ. 

    અને જાણે કે કૃષ્ણ ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી હોય તેમ પ્રિયાએ ધીરે - ધીરે આંખો ખોલી. તેની નજર સામે જ અંશ ચિંતામાં ઊભો હતો. અને તેની લાડકી દીકરી આંખો બંધ કરીને હાથ જોડીને ભગવાનના ફોટા પાસે ઊભી હતી. પ્રિયાએ હાથ લાંબો કરીને પ્રિયાંશીનો હાથ પકડી લીધો. પ્રિયાંશી મમ્મા મમ્મા કરતી વળગી પડી. અંશ પણ પ્રિયાનો હાથ પકડીને તેની બાજુમાં બેસી ગયો. તેની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા. 

     એક સુંદર ખુશીનો સ્નેહ રંગ ઊપસી આવ્યો. અંશમાં પણ જાણે તાકાત આવી ગઈ હોય તેમ તેણે પણ પ્રિયાને તેની ઉષ્મા ભરી બાથમાં ઝીલી લીધી. સુંદર મનોહર દ્રશ્ય પતિ પત્ની અને પુત્રીનું મિલન જોઈ વોર્ડમાં ઊભેલા દરેક લોકોની આંખો ભીની થઈ ગઈ. 

    આજે ધૂળેટીનો દિવસ હતો. ડોક્ટરે પણ પ્રિયાને રજા આપવા માટે તૈયારી કરી. હવે પ્રિયા સંપૂર્ણપણે સ્વસ્થ હતી. અંશ પ્રિયાને લઈ ઘરે આવ્યો. અને રંગોથી ભાગનાર, કયારેય ધૂળેટી ન રમનાર અંશે આજે રંગ લઈ પ્રેમથી રંગી દીધી. તેણે કહ્યું, પ્રિયા તું અને પ્રિયાંશી મારો જીવનરંગ છો. તમારા પ્રેમરંગ વિના હું અધૂરો છું. આજે ધૂળેટીના દિવસે ભગવાને તને મારો જીવનરંગ બનાવીને મોકલી છે. અંશે પ્રિયાનું સ્વાગત રંગીન બની ગયું. અંશ પણ રંગોથી રંગાઈ ગયો પ્રિયાંશીએ પણ તેની મમ્મીને પિચકારીથી રંગ છાંટી પ્રેમ ભીની કરી દીધી. પ્રિયાની આંખોમાંથી પ્રેમાશ્રુ વરસી રહ્યાં હતાં. ક્યાંકથી ધીમું ધીમું ગીત સંભળાય રહ્યું હતું રંગ બરસે...... ભીગે ચુનરવાલી રંગ બરસે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy