જીવન બજાર
જીવન બજાર
"જિંદગી તને થોડો વ્હાલ હું કરી લઉં,
રિસાઈ ન તું જતી ના રહે,
કરી લઉં થોડી ગુફતગુ તારી સાથે,
ઉકેલ્યા વિના રહસ્યો તું જતી ના રહે." - મિત્તલ પુરોહિત (મુસ્કાન)
'શીતલના ઈંતેજારનો અંત આવ્યો એનો વિશાલ એની અંતિમ ઈચ્છા પૂરી કરવા આવ્યો ખરો પણ શીતલ પાસે સમય ઓછો પડ્યો, વિશાલને સૉરી કહેવાનો મોકો પણ આપ્યા વિના જ એ એને આંખોમાં સમાવીને દુનિયાથી દૂર જતી રહી...
જિંદગી, સાંભળવામાં સાવ સરળ લાગતા આ શબ્દનો અર્થ કેટલો ગૂઢ છે એ તો બધું મેળવીને પણ બધું ગુમાવનાર અને બધું ગુમાવીને પણ બધું મેળવનાર બે દોસ્તો વિશાલ અને નયનને જ પૂછી શકાય.
આ બન્ને બાળપણથી જ ખાસ મિત્રો હતા. પાડોશમાં રહેતા હોવાથી તેમની મૈત્રીમાં કોઈ વિક્ષેપ પડ્યો ન હતો. વિશાલએ સ્વભાવે પહેલેથી જ થોડો અતડો. એને બસ એકજ ઇચ્છા કે હું ખૂબ પૈસા કમાઉ કે મારે કોઈની જરુર જ ન પડે. જ્યારે નયન એનાથી ઊલટી વિચારધારા ધરાવતો. નયને કેટલીયવાર વિશાલને સમજાવ્યો કે, જો સંબંધો સાચવીશું તો ખુશીઓ આપોઆપ મળશે. પરંતુ પૈસા કમાવાની તડપમાં જો સંબંધોમાં તિરાડ આવશે તો ખુશીઓ તો દૂરની વાત છે પણ દુઃખનોય કોઈ પાર નહીં રહે. પણ વિશાલ એની વાત હંમેશા તેની વાત હસીમાં ઉડાવી દેતો...
ધીમે ધીમે બન્ને મોટા થવા લાગ્યા. બન્નેનો કોલેજકાળ શરુ થયો. કોલેજમાં એક પૂજા નામની યુવતી હતી જે ખૂબ પૈસાદારની દીકરી હતી અને કદાચ એટલે જ એ વિશાલ ને ગમી ગઈ હતી. પૂજા સ્વભાવે શાંત સરળ અને સાદગી પ્રિય હતી તેને પૈસાનું જરાય અભિમાન નહીં આ આ જ કારણે તેણે વિશાલના બદલે નયન ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો. પૂજાના પરિવારને આ મંજૂર ન હતું આથી પોતાના પરિવાર વિરુધ્ધ અને નયનના પરિવારની સંમતિથી બન્નેએ લગ્ન કર્યા.
વિશાલના લગ્ન પણ એક સંસ્કારી અને સમજુ એવી શીતલ સાથે થયા.શીતલે વિશાલ ના પરિવાર ને પ્રેમ અને પોતાના કામથી પોતાનો બનાવી લીધો.વિશાલની પૈસા ખૂબ કમાવવા ની ઈચ્છા એ શીતલ નો સાથ મળવાથી વધુ જાગી. અને શીતલ નો સાથ મળવાથી ઊંચે ઉડવાની-પ્રગતિ કરવાની ઈચ્છાને પાંખો મળી. વિશાલે બિઝનેસમાં ઝંપલાવ્યું.
હવે બન્ને મિત્રોનું મળવાનું ઓછું થવા લાગ્યું પરંતુ નયન અઠવાડિયે એકાદ ફોન જરુર કરતો પણ પૂજા અને શીતલ વચ્ચે અવારનવાર સંપર્ક થતા. આ તરફ નયનને પણ થયું કે પૂજા મારા માટે પોતાની તમામ સુખ સાહ્યબી છોડીને આવી તો હું તેને તેની દરેક ખુશી ઓ આપું. આથી તેણે પૂજાને વાત કરી અને એક શાળામાં નોકરી સ્વીકાર હ્યા બાદ પાર્ટ ટાઈમ ટ્યુશન શરું કર્યા. પૂજાએ પણ ઘરે એકલી જ રહેતી હોવાથી દિવસ દરમિયાન કુકિંગ ક્લાસ શરુ કર્યાં. આમ બન્નેની સારી એવી આવક થતા તેમણે સરસ મજાનું નાનું ઘર અને ગાડી લીધા.
આ બાજુ વિશાલ બિઝનેસમાં એટલો ડૂબતો ગયો કે તે ધીમે ધીમે ઘર પરિવારથી દૂર થતો ગયો. જેમ વધુ કમાવા લાગ્યો તેમ તેમ પૈસા પ્રત્યેનો મોહ વધવા લાગ્યો. શીતલને આ વાતથી ઘણું દુઃખ થતું પરંતુ હવે સમય એવો હતો કે બન્ને ને હવે ફોન ઉપર જ વાત કરવી પડતી. શીતલ જ્યારે પ્રેગનન્ટ હતી ત્યારે વિશાલે તેની સાથે હરક્ષણ રહેવાની ફરજ હતી પરંતુ પુત્ર જન્મની ખબર પણ તેને ફોન ઉપર જ આપવી પડી અને પુત્ર જન્મના પાંચ દિવસ પછી તે બિઝનેસ ટુર ઉપરથી ઘેર આવી પુત્રનો મોઢું જોયું અને ત્યારે પણ માત્ર અડધા કલાક પછી તે બિઝનેસ માટે નીકળી ગયો.
નયનને ત્યાં પણ બાળકનો જન્મ થવાનો હતો પરંતુ નયને એટલો સમય ટ્યુશનો બંધ રાખી પૂજાની સારી એવી સંભાળ રાખી અને તેમને ત્યાં એક સુંદર પરી જેવી લક્ષ્મીરુપ બાળકીનો જન્મ થયો. પહેલી વખત તેને જોતાં તેને હાથમાં ઉઠાવતાં નયનની આંખમાંથી ખુશીના આંસુ નીકળી ગયા. બન્ને ખૂબ ખુશ હતા. નયન રોજ તેની બાળકી માટે સમય કાઢતો અને બાળકી પણ નયનને જોઈને ખૂબ ખુશ થતી.
ધીમે ધીમે સમય વીતતો ગયો, શીતલ એકાંતમાં ખોવાઈ ગઈ અને ડિપ્રેશનનો ભોગ બની. તેનો પુત્ર જાણે પિતાને ઓળખતો જ ન હતો. વિશાલના મા-બાપ પણ તેણે સમજાવતા 'હવે તો ઘણું કમાય લીધું હવે ઘર તરફ ધ્યાન આપ પણ વિશાલ આ વાતોને મનમાં લેતો નહીં. એક દિવસ શીતલ બેઠી બેઠી કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલી હતી ત્યાં અચાનક તેને લોહીની ઊલટી થઈ ઘરનાં બધાં ગભરાઈ ગયા. વિશાલના પપ્પા એ નયનને ફોન કર્યો તરત જ નયન - પૂજા પોતાની બાળકી ફોરમને લઈને ત્યાં પહોંચી ગયા. શીતલને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યાં ડૉક્ટર એ એક આઘાત જનક સમાચાર આપ્યા કે 'શીતલ ને છેલ્લા સ્ટેજ નું કેન્સર છે , તેની પાસે વધું માં વધુ એક મહિના નો જ સમય છે' આ જાણી શીતલ ના સાસુ-સસરા તો ભાંગી જ ગયા અને તેનો પુત્ર સ્મિત તો જાણે બેભાન જ થઈ ગયો, તેણે પિતાનો તો ક્યારેય પ્રેમ મેળવ્યો ન હતો અને હવે માતાને પણ ખોવાનો હતો નયને - વિશાલ ને ફોન લગાવ્યો તો વિશાલે 'હંમણાં મીટીંગમાં છું પછી કૉલ કરું' એવું કહી ફોન મૂકી દીધો તે ૧૦ દિવસ સુધી કર્યો નહીં. ઘરનાં પણ કોશિશ કરાતા ત્યારે ફોન વ્યસ્ત આવે અથવા કટ કરવામાં આવતો, શીતલની ઈચ્છા હતી કે ભલે જીવન એકલી જીવી પણ તેના મૃત્યુ સમયે પતિ તેની સાથે હોય...
એવું ન હતું કે વિશાલ શીતલને ચાહતો ન હતો. એ તો શીતલને ખૂબ પ્રેમ કરતો હતો પણ પોતાની નાનપણની ઈચ્છા પૂરી કરવામાં એ ઘર-પરિવારથી દૂર થતો ગયો. શીતલની તબિયત વધું બગડતી ગઈ એ ક્ષણે ક્ષણે વિશાલ ને યાદ કરતી... એક દિવસ પૂજાએ ફોન લગાવ્યો, સદ્ નશીબથી વિશાલ ફ્રી હોવાથી ફોન ઉઠાવ્યો ત્યારે પૂજાનો અવાજ સાંભળીને ચોંકી ઊઠે છે, પૂજા એણે બધી હકીકત જણાવી, અને ગુસ્સામાંએ પણ જણાવ્યું કે, 'તારો આ પૈસો પણ હવે શીતલ ને બચાવી શકે તેમ નથી, હવે તારો પ્રેમ જ કોઈ ચમત્કાર સર્જી શકે છે.' આ સાંભળી વિશાલનું હ્રદય જાણે ધબકાર ચૂકી ગયું. તે શીતલનો ચહેરો પોતાની આંખોમાં શોધવા મથે છે પરંતુ, તેને એ પણ યાદ ન હતું કે છેલ્લે ક્યારે તે પોતાની પત્નીને મળ્યો હતો. એ પોતાની જાતને પૈસાના ઢગલા નીચે દબાયેલો મહેસૂસ કરવા લાગ્યો... અચાનક શીતલનો વિચાર આવતા એ સફાળો બેઠો થઈ મોબાઈલ લઈ લગભગ દુનિયા ભરના શ્રેષ્ઠ ડૉક્ટરનો સંપર્ક કરવા લાગ્યો... એક ગુજરાતી ડૉક્ટર જે યુ.કે સ્થિર થયા હતા એ વિશાલ સાથે આવવા તૈયાર થયા, બન્ને તુરંતની ફ્લાઈટમાં શીતલ પાસે જવા રવાના થયા...
આજ પહેલી વખત વિશાલને ઘરનો રસ્તો દૂર લાગ્યો... રસ્તામાં એનાં મનમાં સતત શીતલના વિચારો હતા. એને પોતાના પુત્રને પણ જોવાની હવે તીવ્ર ઇચ્છા જાગી. આજ વિશાલને લાગ્યું કે પરિવાર સાથે પ્રેમથી વીતાવવા જેવી ક્ષણો તે ગુમાવી ચુક્યો હતો. મોટો માણસ બનવાની લાલચમાં પત્ની અને બાળકોની નજર માએ ખૂબ નાનો થઈ ને રહી ગયો...શા માટે એ પરિવાર થી દૂર રહ્યો? એ પ્રશ્ન એ એને ઝંઝોળી નાખ્યો...
હવે શીતલ ની ધીરજ પણ ખુટી, એની આંખોમાં વિશાલ માટે ની તડપ હતી...એ વારંવાર કહેતી વિશાલ ને બોલાવો હું એને મળવાનું માંગું છું, એકવાર મારે એને જોવો છે.' માની આવી હાલત જોઈને સ્મિતને પોતાના પિતા માટે નફરત થઈ ગઈ. એ પિતાનું મોઢુ જોવા તૈયાર ન હતો.
શીતલ અંતિમ શ્વાસ સુધી વિશાલને યાદ કરતી રહી. એની આંખો દરવાજા ઉપર જ મંડાયેલી હતી. વિશાલને આવતો જોઈ એની આંખો હંમેશાં માટે એને જોતી જ રહી ગઈ. કદાચ એ આંખોમાં વિશાલ પોતાના માટેની તડપ કે પ્રેમ જોઈ શકે માટે જ હશે...
અને...
શીતલના ઈંતેજારનો અંત આવ્યો એનો વિશાલ એની અંતિમ ઈચ્છા પૂરી કરવા આવ્યો ખરો પણ શીતલ પાસે સમય ઓછો પડ્યો, વિશાલને સૉરી કહેવાનો મોકો પણ આપ્યા વિના જ એ એને આંખોમાં સમાવીને દુનિયાથી દૂર જતી રહી...
વિશાલના તમામ રુપિયા નકામા નીવડ્યા. આજે એની પાસે કરોડો રુપિયા હોવા છતાં એ દુનિયાનો સૌથી લાચાર અને ગરીબ જણાતો હતો... શીતલના મૃત્યુનું કારણ વિશાલ જ છે એ વિચાર દીકરાના મનમાં સતત અટવાતો રહ્યો. એણે આખરે એક નિર્ણય કર્યો, જીવનમાં ક્યારેય કોઈ પણ સંજોગોમાં વિશાલનું મોઢું પણ નહીં જુએ. સ્મિત હવે પોતાના દાદા-દાદી સાથે જતો રહ્યો. શીતલના અગ્નિસંસ્કાર કર્યા એમાં વિશાલનો આત્મા પણ બળીને ભસ્મીભૂત થઈ ગયો. હવે વિશાલ એકલો રહેતો હતો... હંમેશા માટે... ફક્ત એકલો જ...
નયન-પૂજા પણ પોતાની દીકરી સાથે પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. પણ તેઓ નિયમિત સ્મિત સાથે સંપર્કમાં રહેતા. સ્મિત નયનના પરિવારને જોઈને હંમેશા વિચારતો, શા માટે પોતાના નસીબમાં પરિવાર સુખ નથી? અને આ જ સવાલ વિશાલના મનમાં પણ હતો કદાચ જવાબ સાથે...
વિશાલ અને નયન બન્ને મિત્રોના જીવન ખૂબ વિરોધી છતાં એકમેકને જોડતા હતાં... વિશાલ હવે રાતના અંધકારમાં આકાશના તારાઓમાં શીતલનો ચહેરો શોધવાનો વ્યર્થ પ્રયત્ન કરતો હતો... એને આશા હતી કે, ક્યારેક તો શીતલ એને માફ કરશે જ...
