જીવન બિંદુ
જીવન બિંદુ
મોબો ગામ લોસ એન્જલસથી થોડે દૂર પહાડોની ઓટમાં વસેલું નાનું પણ જાગતું ગામ હતું. અહીં શિયાળાની હળવી હવા, ઘરછાંયાં તળે રમતાં નિર્દોષ બાળકો, અને જૂના ઘેઘુર ઓલિવના ઝાડો વચ્ચે એક સમાન સુખનું ચક્ર ચાલતું — શાંત, સુમેળભર્યું ચક્ર.
વિલિયમએ ગામનો ઓલિવ ઓઇલ બનાવતો ખેડૂત હતો. તેના કેળવાયેલ હાથથી છાંટેલા ઓલિવના ફળોનું તેલ સૌને પ્યારું.તે તેના વ્યવસાયને પૂજા સમજતો હતો. તેની ઘાણીના પથ્થર વચ્ચે દબાઈને નીકળતા એના ઓલિવ આઇલમાં પેઢી દર પેઢીનો સ્વાદ ભળતો રહેતો, જે સૌને ગમતો. તેની નાની પૌત્રી સોફિયા, રોજ સવારે ઓલિવના ઝાડ નીચે દોડતી, પાંદડાં ઝાડતી ઓલિવ ના સૂકા બીયા ભેગા કરી માટલી માં રાખતી,અને દાદા પાસે બેસી રહેતી તેમની વાતો સાંભળતી.
"ઓલિવ ઓઇલ એ માત્ર વેપાર નથી, સોફિયા," વિલિયમ કહે, "એ આપણાં જીવંત સ્મરણો છે."
પણ એક ઉષ્માળ શનિવારે, પર્વત માળમાં આગ લાગી. પવને દિશા બદલી. ગામમાં આગ ઘૂસી આવી.
સાંજ થતાં મોબો ગામ હવે રાખનો ઢગલો બની ચૂક્યું હતું. વિલિયમ, તેમનું સમગ્ર કુટુંબ ભસ્મ.. એક હરતું ફરતું ધબકતું મોબો ગામ સરકારી ફાયર ફાઈટરો આવે તે પહેલા નકશા માંથી નામ શેષ થઈ ચૂક્યું હતું.
માત્ર સાત વર્ષની સોફિયા પાછળના ઓટલામાં સુતી હતી, ને કોઇક ચમત્કારથી તે બચી ગઈ હતી. તે ની આંખ માં આસું સુકાઈ ગયા હતાં.
અઠવાડિયા પછી પણ મોબો ગામની ધરતી હજી તાપતી હતી, અવાચક થયેલી સોફિયાની અંદર પણ તાપ તપતો હતો. તેના અંદર શમાયેલું કશુંક દુખદ અને કશુક તાજું લાગતું હતું.સરકારે મોબો ગામના ગણ્યા ગાંઠ્યા બચી ગયેલા લોકોને ન્યૂ યોર્કમાં પુનર્વસન માટેના પ્રસ્તાવ આપ્યા. નવી શરૂઆય . નવા ઘર. નવી જગ્યા. અને સરકારી સહાય.
સોફિયા ચૂપ રહી. ત્યારબાદ એક જ વાક્ય બોલી: "મારું ઘર ત્યાં જ રહેશે જ્યાં મારા દાદા એ ઓલિવની વાડી વિકસાવેલી હતી."
સોફિયાનો એક જૂનો પાડોશી જોનાથેન કાકા પાછા આવ્યો. પાછળથી બે-ત્રણ પરિવારો પણ. એ પણ પ્રસ્તાવ નો વિરોધ કર્યો.
તેઓ જાણતા નહોતા કે આ
રાખના ટીમ્બાથી શું ઊગશે. પણ સોફિયાને ધરતી પર વિશ્વાસ હતો. તેને કહ્યું,ધરતીતો માં છે. અને માં પાસે કંઈ મમતા ની ખોટ હોય ખરી? આગે ભલે બધું તારાજ કર્યું પણ હજુ આપણી પાસે ઘણું બચી ગયેલ છે.
તેને તેની માટલી માં ભેગા કરેલા બીયાથી પાંચ ઓલિવના છોડ વાવવામાં આવ્યા.. સરકારી સહાય થી પ એક નવો કુવો ખોદાયો. ધરતી ફરીથી ધીમે ધીમે ઊંડો શ્વાસ લેવા લાગી.
મોબો ગામ હવે ગામનહિ કુટુંબ હતું. અહીં એકજ રસોડું અને ગામમાં આવે તે બધા કુટુંબીજનો ગણાવા લાગ્યા.
ધીમે ધીમે વાસવાટ વધતો ગયો.
જ્યારે પહેલી વખત વરસાદ થયો, ઓલિવના નાનાં છોડના પાંદડાં હળવી રીતે થથરાયા. ધરતી ભીની થઈ. સોફિયાને ભીની માટીની ખુશ્બૂ આવી. જાણે વિલિયમની ઘાણીથી નીકળતા તાજા ઓલિવ ઓઇલની સુગંધ હતી.
વરસતા વરસાદે લ્યુસી આન્ટી, પાદરી સેમ્યુઅલ અને બીજા ગુમ થયેલા લોકોએ પણ પગલાં મૂક્યાં. મોબો ગામનું ચર્ચ ફરી ઊભું થતું. હવે સેમ્યુલ ચાચાએ ચર્ચને માત્ર બંદગી માટે નહિ પણ લોકો માટે આશ્રય સ્થાન તરીકે વિકસાવ્યું .
એક રાત સોફિયા ઝાડ નીચે બેઠી હતી. જમીનમાંથી એક નાનું બીજાંગ થયું. એ ઓલિવના વૃક્ષમાંથી છૂટેલું બીજ હતું — એ જ જગ્યા હતી જ્યાં તેની દાદી-દાદાએ ઓલિવનું પહેલું ઝાડ વાવેલું. હવે એ જગ્યાએ સોફિયા એ વાવેલું બીજ પાંગરી ઊગી ચૂક્યું હતું .
"દાદા, આ ઓલિવતો પાછા આવ્યા, પણ તમારા હાથનો કરતપ ક્યાં ," એ પૂછી ઉઠી .
અંતિમ અવાજ – 'ગુમ ગામ'
ગામ ફરીથી વસતું થયું — ઘરોથી નહિ, પણ ભાઈચારા અને કેવળ કપટ રહિત માનવતાથી સોફિયાની યાદોથી. સરકારી રિપોર્ટો શાંત થઈ ગયાં. ઓલિવના ઝાડ તાજાં થયા. મીઠી સુગંધ ફરી માટીમાં ભળી.
મોબો હવે રાખનો ઢગલો નથી, અહીં ભયાનક ભૂતકાળ ભય વિહોણો છે.અને રાખ માંથી હસતી ખેલતી વસાહત બની ચુકી હતી.
મોબો ગામેં જગતને એક જીવંત સંકેત આપ્યો કે જમીન યાદ બધું રાખે છે. અને જયારે દિલ સાથે વસાહત સ્થપાય , ત્યારે ભસ્મમાંથી પણ શ્વાસ ઊગી શકે.
મોબો ગામ હવે કોઈ ગુમ ગામ નથી. મોબોએ હળવે થી કરવટ બદલી છે.તે હવે નકશા પરનું ધબકતું, જીવીત, અને સ્મૃતિથી સ્નેહભર્યું જીવન બિંદુ છે .
