ઝુરાપો
ઝુરાપો
હોસ્પિટલની બારીમાંથી એણે દૂર દૂર દરિયાની સપાટી પરના લાલઘૂમ આકાશને જોયા કર્યુ.
શિયાળાને કારણે એક દિવસે તેને જીર્ણ તાવ આવ્યો તે સાથે ઉધરસ પણ આવવા લાગી.. રાત આખી ખાંસતા રહેતા દીકરાએ દવા ચાલુ કરાવી. વહુના ઉજાગરા ચાલુ થયા તે સાથે દીકરા વહુના ઝગડા ચાલુ થયા..
એક રાતે..
વહુ ઉભરો ઠાલવતા બોલી ; જુઓ, હવે મને આ રોજ રોજ ઉજાગરા કરવા નથી ગમતા. તમે બાની કોઈ સારા ડોકટર પાસે તપાસ કરાવો એટલે ખબર પડે.. અને હા, હોસ્પિટલમાં દાખલ કરવા પડે તો કરાવી દો.. ટ્રિટમેન્ટનો ખરચો આપણે ભોગવી લઈશું પણ આ રોજનો...
પણ...
જો હવે તમે પણ અને બણ મુકો... મારે શાંતિ જોઈએ..!
દીકરાએ મિત્ર ડોકટરની સલાહથી પેશાબ અને લોહીની તપાસ કરાવી. મેડીકલ રીપોર્ટ મળતા તેને ટી.બી.ની મોટી હોસ્પિટલમાં દાખલ કરાવી દીકરો- વહુ ફરજમાંથી છૂટયા..
આજ કાલ કરતા એક.. બે... પુરા પાંચ માસ થવા આવ્યા...!
અહીં બધી વાતે દીકરાએ સગવડ કરાવી હતી. પણ તે મનને મારીને જીવતી રહી. એકલી એકલી બારી પાસે બેસતી. ઢળતી વયમાં વખત કાઢવો બહુ આકરો લાગે... ઘરનાં વિચારો ગમતા નહોતા, અને છતાં..
તે હોસ્પિટલમાં દાખલ થઈ ત્યારથી... સવાર પડતા નિત્યક્રમ મુજબ બારી પાસે ઊભી રહી સામેના ઝાડ ઉપર થતી હિલચાલ પર નજર ઠેરવી સંસારને જાણે ભૂલી જવા માંગતી હતી !
એક.. એક.. સળીથી એકમેકનાં સહારે માળો તૈયાર થયો ! માળામાં બગલીને વસાવી.. પોષી. પરિવાર પ્રત્યેની ફરજ અદા કરતા બે બચ્ચા ઉડવાલાયક થયા..!
ત્યાં..
બગલો એક સાંજે ઊડતો ઊડતો ઝાડમાં કપાઈને આવેલા પતંગની દોરીમાં ફસાઈને લટકી ગયો..!
તેણે બારી ખોલી.. માળામાંથી બેય બચ્ચા પાંખ ફફડાવતા ઊડ્યા..
ઉડવાની ઝડપ વધી..!
આર્થિક સ્થિતિ સારી ન હોવા છતા બન્નેએ ખૂબ મહેનત કરી જવાબદારી નિભાવી. ઘરનું ઘર માટે અભિ એ કેટકેટલું વેઠયું... દીકરા ખાતર, દીકરાને ભણાવવા ખાતર આખી જિંદગી એમણે ખરચી નાંખી.. દીકરીને સાસરે વળાવી.. ઘરમાં વહુ આવી. હોમલોન પુરી થઈ અભિનાં સહારે જિંદગીનો રસ્તો ટૂંકો થયો..!
ત્યાં... અભિ..!
અભિ વિનાની જિંદગીથી તે થાકી ગઈ..! થાકેલાને રસ્તો લાંબો લાગે એમ હવે જિંદગીનો રસ્તો બહુ લાંબો લાગતો હતો..! સમય કોઈ રીતે વીતતો નહોતો. તેને જયારે હૂંફ, સુખ-દુઃખની વાત કરવાનો વિસામો જોઈતો હતો ત્યારે..!
તેની આંખો ભીંની થઈ ગઈ..!
તે ખાલી માળા પાસે ઊંધે માથે લટકતા બગલાની સામે એકલી ઝુરાપો વેઠતી બગલીને જોઈ રહી..!
છ માસ પુરા થયા, આજે તેને હોસ્પિટલમાંથી રજા મળવાની હતી. દીકરો સાંજે લેવા આવવાનો હતો.
સાંજ પડી.
એણે ઉપર આકાશમાં જોયું..
સૂર્યાસ્ત, ગાઢ થઈ રહેલા અંધકારમાં સફેદ પાંખવાળા પક્ષી ઝડપથી ઊડતા જઈ રહ્યાં છે.. થોડી થોડી વારે એ પાંખો ફફડાવતાં.. એ જોઈ રહી.. જોતી જ રહી..!
જાણે .. એ જ બગલી... બચ્ચા સાથે ઉડવાનો પ્રયત્ન કરતી રહી..! બેયની ઝડપ તેજ હતી. ખુલ્લા આકાશમાં મોકળાશ હતી !
પણ..!
બગલી પાંખને સ્થિર રાખી ઊડી રહી..
દીકરી ઝડપથી ઊડી ગઈ. દીકરા-વહુ સાથે તાલ મિલાવવામાં શરીરે સાથ ન આપ્યો. અભિ.. અધ વચ્ચે...!
એણે આકાશમાં નજર કરી. અંધકારમાં બેય બચ્ચા દૂર નીકળી ગયા..!
દીકરો હજી આવ્યો નહોતો. તેને ગૂંગળામળ થતી. બધાની ઓશિયાળી અને આશ્રિત હોઈ એવું મનને લાગ્યા કરતું. એકલતા સાલતી.. મન હિજરાતું.
એણે બારી બંધ કરવા હાથ લંબાવ્યો.
ત્યાં..
દૂર આકાશમાં સંધ્યા આછા અંધકારની કોરે એકલી પડેલી અસહાય બગલી પાંખો ફફડાવ્યા વગર ઘર તરફ જવા સ્થિર રીતે ઊડી રહી..!
તે અર્ધ ખુલ્લી બારીમાંથી જોઈ રહી !
