ઝેર
ઝેર


નાની ઓરડીના ખાટલે મંગો, ઠોઠો..ઉધરસ ખાતો પડ્યો રહેતો અને એનાં કુશ થઈ ગયેલા શરીરે બધી શક્તિ હણી લીધી હતી. પંડે એકલો હોય, એટલે ગામડેથી રોટલા રળવા આવેલો કાનાને રહેવા જગા કરી આપેલી, બદલામાં બે ટંક પેટનું પૂરું કરવાની જવાબદારી કાનાએ સ્વીકારી હતી.
કાનો ગામડાની શુદ્ધ હવામાનમાં રહેલો એટલે ધુમાડા ઓકતા શહેરમાં નભવું કાઠું પડતું હતું. પણ જરૂરત આગળ મુશ્કેલીઓ નાની લાગતી હતી. મિલમાં છૂટીને ઓરડીમાં આવી આડો પડી જાતો અને મંગા ડોસાને ખાસ્તો જોઈને બોલી ઉઠતો...
" કાકા આના કરતાં ગામડું હારું આ શેરમાં તો આ ધુમાડો ઝેર ઓકે છે."
આ સાંભળીને...ખાંસી ખાતો મંગો જવાબ આપતો..."ગગા..આ ઝેર તો સારું છે..માણાનાં ફેફસાં બગાડે પણ માણાના મનનું ઝેર જીવરત બગાડી નાખે."
લાંબો નિસાસો મુક્યો.
કાનો પૂછતો "એવું તો શું થયું તું કાકા? એવું કેમ બોલો?"
"આ...જો તારી કાકી "એમ કહી એની બૈરીના ફોટા સામે નજર કરી... "આ ઝેરનું પરીણામ..મને તારી કાકીથી દૂર કરી દીધો."
મંગો અતીતમાં ખોવાઈ ગયો.
રૂપાળી શોભાને પરણીને શહેરમાં મિલની મજૂરી કામે વળગી ગયો હતો. એ વખતે મિલમાં નોકરી કરવી શાન હતી. કેવો સુખી સંસાર ચાલતો હતો. મિલમાં એનો સાથીદાર પ્રવીણ થોડો લંપટ વૃત્તિનો હતો. એની નજર શોભા પર હતી..એની સાથે વાત કરવાની તક મળે એટલે વ્હાલો થવા પ્રયત્ન કરતો.
મંગો આજે રાતપાલીએ રોકાણો એ વાતનો લાભ લઈને પ્રવીણ શોભાને પટાવવાનો પેંતરા કરવા લાગ્યો. પણ શોભા જાતવાન બાય હતી. એમ કોઈના હાથ ના આવે.એ હાથ ચાલાકી કરવા ગયો ત્યાંજ શોભાએ રાડ્યો રિપટ કરી મેલ્યો.આજુબાજુના ચાલીવાળા ભેગા થઈ ગયા. અને પ્રવીણને હડધૂત કરીને ત્યાંથી કાઢી મેલ્યો. આ વાત મિલ મેનેજરને પહોંચી. અને ત્યાંથી પણ પ્રવીણને હાંકી કાઢ્યો.
દિવસો વીતતા બધું થાળે પડી ગયું. પણ પ્રવીણ ભૂલ્યો નહોતો એ અપમાનનો બદલો લેવાં તક ગોતતો હતો.
અને મંગો કામથી ગામડે ગયો. શોભાને એકલી મૂકીને ! આ તકનો લાભ લઈને, પ્રવીણે બેજિવાતી શોભાને અભડાવી નાખી એટલુંજ નહિ એની નિર્દયતાથી હત્યા કરી નાખી. મંગાની પેઢી શોભાના પેટમાં અવતર્યા પહેલાજ અટકી ગઈ. નાની વયે મંગો વિધુર બન્યો.
આખી જિંદગી...શોભાને ભૂલી ના શક્યો.
અને મીલની નોકરીમાં પોતાની જાતને એવી ડૂબાડી કે એનું શરીર ધૂમાડા ખાઈ ખાઈને ક્ષીણ થતું ગયું...આંખ સામે ભૂતકાળ આવી જતા એ વ્યગ્ર થઈ ગયો. અને ધમણની જેમ એની છાતી ઊછળવા લાગી.
કાનો, "કાકા શું થાય છે?...અને છાતી પર હાથ પસવારવા લાગ્યો....એ કંઈ સમજે એ પહેલાં મંગાના શ્વાસ થંભી ગયા. એની આંખો શોભાના ફોટા સામે અચેતન ખોડાઈ ગઈ. એનો નશ્વર દેહ લાકડામાં બળી ગયો, ભૂંગળાનાં ધુમાડા સાથે લાકડાનો ધુમાડો ભળી ગયો.