જેમાં પ્રદર્શન થાય તે કામ નહિ
જેમાં પ્રદર્શન થાય તે કામ નહિ
તેમનું વ્યક્તિત્વ કંઈક અલગ જ હતું. બોલે ઓછું કામ વધારે કરે. હાથમાં લીધેલી જવાબદારી છોડે નહિ. નેતૃત્વ ઉત્તમ અને બેધ્યાનપણું તો જરાય નહિ. આપવડાઈ તો ગમે જ નહિ અને પલાયનવૃત્તિને તો પલાયન કરી દીધેલ. શબ્દછલના કે ખોટો પ્રલાપ કરે જ નહિ. જે વાત કરે તે સીધી કરે. તેમાં નાટયાત્મકતા કે તરંગીપણું ન રાખે. બોલવામાં કયાંય આવેગ ન લાવે કે કોઈ ગાંડી કલ્પના ન કરે. બોલે તે કરવામાં માનનારા.
તેમનો જન્મ જે કુટુંબમાં થયો હતો તે કંઈ અમીર કુટુંબ નહોતું. એકદમ સામાન્ય કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. આઝાદી મળી અને હોદ્દો મળ્યો, તોયે સામાન્ય મનુષ્યની જેમ જ રહેતા. તેમને હોદ્દાનું અભિમાન નહોતું કે નહોતો ખોટો પાવર. દેશનો પૈસો ખોટો વાપર્યો જ નહિ. વસ્તુ પણ જે હતી તે જ રાખી હતી. વર્ષો સુધી એક જ પેન વાપરી હતી. ઘડિયાળ પણ કદી' બદલાવી નહોતી. ચશ્માની એક દાંડી તૂટી ગયેલી તો દોરી બાંધીને ચલાવતા. કપડાં પણ ખાદીનાં જ પહેરતા અને તે પણ માત્ર ત્રણ જોડી જ રાખતા.
તેઓએ અનેક લોકોને હિંમત આપી. અનેકને સાચા રસ્તે વાળ્યા. મુસીબતો તો ઘણાની દૂર કરી. કુટુંબ માટે કે સંબંધી-મિત્રો માટે ખૂબ ભોગ આપ્યો. છતાંય કયારેય એમ નો'તું કીધું કે, આ બધું મારા કારણે છે. જ્યારથી દેશની આઝાદી માટેની લડતમાં જોડાયા, ઘર-કુટુંબ બધું છોડી દીધું. વકીલાતની ધોમ કમાણી છોડી દીધી. દેશ માટે ખૂબ ઘસાયા, પણ કયારેય એમ ન જ કીધું કે મને આવો હોદ્દો મળવો જોઈએ. કોઈ કાર્ય કર્યાનો કે કાર્યની સિદ્ઘિનો અહમ નો'તો રાખતા કે એ વિશે કોઈ શેખી કરતા નહિ. સિદ્ઘ ન થઈ શકે
તેઓ જાણે આવનારી પરિસ્થિતિને આગોતરી જોઈ શકતા. વર્તમાનની બાબતોનું ભવિષ્ય કેવું હોઈ શકે અને ભવિષ્યમાં કેવો પ્રશ્ન ઉદ્ભવી શકે એવી વિચારશક્તિ ધરાવનાર સરદાર વલ્લભભાઈ પટેલની વાત જ નિરાળી છે.
આજે તો થોડું કામ કરીને પોતે જ પોતાનાં ગુણ-ગાન ગાય. જાણે પોતાના કામનું પ્રદર્શન કરતા ન હોય! જે કામનું આવું પ્રદર્શન થાય તેને કામ કહી જ ન શકાય.
