‘જડી’ - એક નિર્મળ ઝરણું
‘જડી’ - એક નિર્મળ ઝરણું




પોષ મહિનો ઉતરવા આવ્યો છતાય વહેલી સવારે હજુ હાડ ગાળી નાખે તેવા સુસવાટા મારતા ઠંડા પવન ફૂંકાતા હતા. આવા વિષમ વાતાવરણમાં સમગ્ર માનવ-જાત કરોના-૧૯ના કેર સામે સંગ્રામ માટે મથી રહીછે તેમજ ,લોક સમુદાય નાત-જાતના ભેદ, ભેદી માનવ સહજ પ્રેમભાવથી એકબીજાને મદદે આવ્યા છે, તેવા ટાણે કચ્છની ધરોહર સમા ભુજીયા ડુંગરની પછીતે આડેધડ વિકરેલાં બાવળીયામાં કોઈ નિષ્ઠુર માં-બાપના અમાનવીય કૃત્ય સામે લોકોમાં ભારે રોષ ઉભરાઇ રહેલ હતો . કુદરતની લીલા અજીબ છે. બે હાથવાળા હાથ ઉપર કરીદે , ત્યારે હજાર હાથવાળો મદદે આવતો હોય છે . ખીણમાં સવારે કોઈ માલધારી તેના ઢોર લઈ જઇ રહ્યો હતો ત્યારે, કચ્છી શાલમાં લપેટેલી નવજાત બાળકીનો રડવાનો અવાજ તેના કાને પડ્યો. અને ડુંગર પર ત્યજી દીધેલ બાળકીના અવાજના ડુંગરમાં પડઘા ગુંજી ઉઠ્યા .આ અમાનવીય કૃત્ય જોઈ તે હેબતાઈ ગયો . તેણે તેની ડાંગથી બાવળીયા હટાવ્યા અને સાથે રહેલી ગોવાલણે તરત બાળકીને ગોદમાં લીધી ત્યારે નવજાત બાળકીની આંખ "માં"નો ચહેરો શોધતી હતી.
જોત જોતામાં તો માનવ મહેરામણ તમાશો જોવા ઉમટી પડ્યો,"તમાશાને તેડું" ક્યાથી હોય?, લોકો "તેલ પાઈને એરંડિયું કાઢતા" હોય તેમ વાતોના ગુબ્બારા વચ્ચે મજલતા હતા,અને સૌ કેવળ મોટી મસ વાતોના વડા કરી વિખરાઈ ગયા,પરંતુ કોઈ તે બાળકીની મદદે ન આવ્યું. આખરે તે ભીમજી ભરવાડની ઘરવાળી ભૂમિએ બકરી દોહીને તાજા દૂધમાં તેની ચુંદડીનો છેડો પલાળી તે બાળકીના મોઢામાં મૂક્યો ત્યારે તે નવજાત બાળકી આંખ મીંચી મલકી ઉઠી. ભગવાન ભરોસે ઢોર મૂકી,તે બાળકીને લઈ દોડતા પગે સિવિલ હેલ્થ સેન્ટરમાં પુગ્યા ત્યારે શિરામણનો સમય વીતી ગયો હતો, પણ તેનો રંજ ન હતો. હેલ્થ સેન્ટરના કર્મચારીએ પંચનામું કરતાં પહેલા ઊલટ તપાસ આદરતા પૂછ્યું, તો તમે કેમ આ બલા, (બાળા) ને લઈ અમારી પાસે આવ્યા ?. ત્યારે ભૂમિ ભરડાવણ આગળ આવી ટહુકી સાઈબ,હું રહી અભણ, આવડે તેવા બોલ થી સીધી વાત કરીશ, તમે અટાણે "ત્રાગું કરવું"મૂકો કોરાણે . જુવો "સન્ધુય લાભ – ખોટના ત્રાજવે નો તોલય, "સા'એબ જરા સમજો "વાત જ્યારે માણસાઈ , પ્રેમ,અને લાગણીની હોય ત્યારે દિમાગને કષ્ટ નો અપાય"."કોઇ કારણ વિના કોઈના માટે ઘસાવાની ઇચ્છા થાય એવા સંબંધો જીવનમાં કેટલા ?" એવા સંબંધો નસીબદારને ભગવાન આપતા હોય છે , કરુણાએ અમને તમારી પાસે મોકલ્યા છે . દરેક સંબંધોને કોઇ નામ- નથી હોતું "સા'એબ,. હોય છે ફકત એની સુવાસ…એ સુવાસ જેને સાંપડે છે એનું જીવન સભર બની રહેતું હોય છે. "સા'એબ તમ-તમારે, બેધડક જ્યાં અમારો અંગુઠો લેવો હોય ત્યાં લો પણ 'આ'નું' કઈક કરો.ભૂમિ ભરવાડણે કીધેલી "સીધી વાત"થી હેલ્થ સેન્ટરના કર્મચારીઓની અનુકંપના જાગતા તેઓએ ઔપચારિકતા પતાવી પંચનામું કરી બાળકીને એડ્મિટ કરી . 'ભીમજી ભરવાડ' અને તેની ઘરવાળી 'ભૂમિ' સેંટરનું કાગળ કામ પતાવી, ડુંગરે પહોચી નજર નાખી અને તેઓના બધા ઢોર જોઈ અંકે કર્યા ત્યારે બપોરનો એક વાગ્યો હતો, અને તેઓ જમવા બેઠા.
હેલ્થસેંટરનો આજનો દિવસ વ્યસ્ત રહેવાનો હતો, આજે ભગિની સંસ્થાના ચેર પર્સન 'કાવેરી મુખી' હેલ્થ સેંટરમાં ગોદડાની સહાય આપવા આવવાના હતા . અને સવારનો સમય તો વીતી ચૂક્યો હતો, પરંતુ જોત જોતામાં હેલ્થ સેંટરમાં નવાગંતુક બાળકી 'સૌ'ના હેત મેળવી અને "જડી"નું નામ-કરણ પામીચુકી હતી . બધા આવનાર મહેમાનના સ્વાગત અને સેંટરની સજાવટમાં લાગી ગયા . બરાબર ચારને ટકોરે 'કાવેરી'બેન તેમના સચિવ સાથે આવી પહોચ્યા હતા.સેંટરની મુલાકાત પછી સેન્ટરના પ્રમુખે, 'સેન્ટર' દ્વારા અપાતી સમાજ સેવાનો ચિતાર આપ્યો ત્યારે આજની બિનવારસી બાળકીનો ઉલ્લેખ પણ કરેલો . 'કાવેરી'બેને સેન્ટરના કાર્યોને બિરદાવી સાથે લાવેલ સહાય સુપરત કરી કોઈક વાર ફરી મદદ કરવાનો આશરો આપી 'સેંટરથી' પરત થતાં , તેઓને બિનવારસી બાળકીને જોવાની ઈચ્છા થઈ આવી , તેવે સમયે " જડી" , સેન્ટરની પરિચારિકાઓના એક હાથ થી બીજા હાથમાં રમતી હતી . પ્રમુખે "જડી"ને લઈ 'કાવેરી'બેનની ગોદમાં મૂકી , ત્યારે આટલી સુંદર બાળકીને આમ છોડી દેતા, તેની જનેતાનો જીવ કેમ ચાલ્યો હશે?, તેવું વિચારી તેમની આંખો ભીની થયેલી જોઈ, પરિચારિકા પાણી લઈ આવી . ગ્લાસ હાથમાં લેતા બોલ્યા, ભાઈ ,કોઈને જોઈતું બધુ મળી રહે છે એટલે , તેઓ પાસે તમામ સુખ અને સંતોષ હોવા જોઈએ તેમ બધા માને છે . પરંતુ તેમ હંમેશા નથી હોતું.ખેર જવા દો દુનિયામાં બધા સુખી હોત તો ભગવાનને કોણ યાદ કરત , કહેતા એકી શ્વાસે પાણીનો ગ્લાસ પૂરો કરતાં પરિચારિકાને પૂછ્યું, બહેન કહો, આ ઢીંગલી તમારા સેન્ટરના હાથ કેવી રીતે આવી'જડી'?. પ્રમુખે વાતનો હવાલો લેતા વિગત આપી સવારની બીના વિગતે કહી સંભળાવી, અને જેમાં લપેટાઈને બાળકી આવી હતી તે શાલ બતાવી.
હાથવણાટની તે કચ્છી શાલને જોતાં 'કાવેરી'બેન'ની આંખમાં છુપા સ્પંદનો ઉમટી આવ્યા , પરંતુ શબ્દો મૌન ધારી બેઠા હતા, સામાજિક પ્રતિષ્ઠા, આર્થિક જાહોજલાલી અને આલીશાન આવાસનો કેફ ક્ષણમાં ઊતરી ગયો.કોઈએ આજે દુખતી રગ ઉપર હાથ મૂકી, ભૌતિક પ્રવૃતિઓમાં વ્યસ્ત રહી ભુલાયેલી ભૂતકાળની દારુણ ઘટના યાદ કરવી હોવાથી હૃદય આળું થતું ગયું. તેઓ સુન્ન થઈ વિચારતા હતા કે આજ સુધી તેમની છૂપી તવારીખના જીવાઈ ગયેલા હિસ્સાને ભૂલી ,જીવનના જૂના પાનાં ક્યારેય ઉઘડવાના નથી તેવું માનતા હતા . પરંતુ આજે આ હાથવણાટની કચ્છીશાલને જોતાં. જિંદગીના એ તમામ પાના આપોઆપ ઉઘડીને હવે સામે આવી ગયા. જૂની અંગત યાદોમાં, અત્યારે સમાયેલા જીવનનો "ટહુકો" અનુભવતા હતા. હજુ પણ ખોળે રહેલી "જડી" હવે પોતીકી, અને પરાણે વ્હાલી લાગતી હતી , તેના દરેક મલકાટે 'કાવેરી'બેનના જર્જરિત દિલમાં પ્રેમની નવી કૂંપળની ફૂટસાથે લાગણીનો નવો તાર જોડાતો હતો ત્યારે,તેમને એક સવાલ થયો કે, અહી મારા ભૂતકાળની વાત કહું કે ન કહું? હું વાત કહીશ તો એનો આલોકો, કેવો મતલબ કાઢશે? તેઓ સૌ મારી વાતને રાઇટ સ્પિરિટમાં લેશે કે, મને જજ કરશે? વિચારી .. ભૂતકાળને સહજ સ્વીકારી જે જીવાઇ ગયું છે એની જવાબદારી લઈ ,એજ સ્વસ્થતા ચહેરા ઉપર ધારણ કરતાં, બાળકીને પરિચારિકાને સોંપતા , પ્રમુખને સૂચના આપી કે , "જડી"ની બધી જવાબદારી, હવે પોતાને હસ્તક રહેશે , તેના ઉછેરમાં કોઈ પણ કચાસ ન રહેવી ઘટે.
'જડી' અને તેની સાથેની 'કચ્છી શાલની' ઝલકે કાવેરી'બેનની વ્યથા કોઈ વૈશાખી બપોરનો વંટોળિયો છૂટે તેવા વેગથી તેમના કાળજાને ઘમરોળતો હતો .હેલ્થ સેન્ટરથી રવાના થતાં 'કાવેરી'બેને તેમની ગાડી એક લીંબડાની છાંયે રોકાવી. બેસીને તેમણે ધરાઈને રોઈ લીધું.પ્રેસના ફોટોગ્રાફરને આગળ પાછળ જોઈ ,પહેલીવાર 'મુખી પરિવાર'ની જાહેરજીવનની પ્રસિધ્ધિ હવે તેમને કનડતી હોય તેમ લાગતું હતું. દુનિયા સુખેથી રડવા પણ નથી દેતી માટે રોવાનો સમય ભલે ટૂંકો રહ્યો પણ થોડું રડીલેવાથી સવિતાબેનના સુકકા ભઠ દિલમાં પહેલા વરસાદ પછીની પમરાતી ઠંડક સાથે ,'જડી' માટે સ્નેહની સરવાણી અનુભવતા હતા. ડ્રાઇવરને ગાડી નગરપાલિકાની ઓફિસે લઇ જવા, ઈશારો કર્યો
'કાવેરી'બેનની નજર સમક્ષ એકજ ક્ષણમાં , અતીતની કડવી પળો ઉજાગર થતી જતી હતી તેમ, તેઓ વધારે બેચેન થતાં જતાં હતા . માંડ માંડ ભુલાયેલા સૂરજના , વાક્યો તેમના કાનમાં ઉજાગર કરતાં હતા, " માં આ નસોમાં પણ તમારું લોહી વહે છે . માટે જીદ છોડી, મને સંધ્યા સાથે સંસાર માંડતા રોકો નહીં . અમે બંને બહુ આગળ વધી ગયા છીએ , અને જીવન પથ પર એક બીજા વગર જીવી શકીએ તેમ નથી .
"ના,'સુરજ' બેટા– "બિગ નો" તારી સગાઈ મે ડોક્ટર શિરીશભાઈ નામદારની દીકરી "ઉષા" સાથે કરવાનું વિચારેલ છે , ક્યાં તેઓનું ખાનદાન અને ક્યાં તારા આ ગિઘુભાઈ માસ્તરની દીકરી 'સંધ્યા', આમેય તું હજુ જીવન પથ ઉપર ડગ માંડવા જઇ રહ્યો છે ત્યારે , તારે સંધ્યા ને ભૂલી 'ઉષા'નું દામન થામવું જોઈએ. જિંદગીમાં અમુક નિર્ણયો હૃદયને કોરાણે મૂકી મગજથી, લેવાના હોય છે, ખેર ચાલ્યા કરે , તું હજુ મેચ્યોર નથી તને મારી વાત નહીં સમજાય ,પણ હું તારી હિતેશ્રી છું , નહીં કે દુશ્મન".'કાવેરી'બેન ઉચાટમાં એકી શ્વાસે બોલી ગયા.!
"માં, તમારા પ્રત્યે મને ભારોભાર માન અને લાગણી છે. તમે મને 'માં' અને 'બાપ' એમ બંનેનો પ્રેમ અર્પી , મારા દિવંગત પિતાના કેળવેલા કારોબારની પીરસેલી થાળી મારે માટે તૈયાર રાખી છે, તે મારી જાણ ,અને સમજમાં છે. તમો મારા 'માનસ-દેવી' છો . અત્યારે પણ વણ કહી મારી લાગણી તમે પણ સમજો છો, તેની મને ખબર છે . ખોટી ઔપચારિકતા વગર કહું તો 'માં, હું તમારી આંખમાં ઊપજેલા પ્રશ્નો વાંચી શકું છું. તમારા બધા પ્રશ્નોના ઉત્તર મારી પાસે છે. હું તમારા મનનો ટુકડો છું, અનુભવનો ટુકડો છું, તમારા આદર્શોનો પણ ટુકડો છું. હું તમારી માફક "સીધી વાત" કરવામાં માનુ છું. મારે હૈયે વસેલું છે, એ હોઠે આવે છે અને આવશે .સમાજનો ડર રાખીને અણગમતું કરવું પડે, તે હરગિજ મને મંજૂર નથી .આ 'સુરજ" મુખીને તમે જ કેળવ્યો છે . સત્યના સંગાથે ,આપણાં ટૂંકા જીવનમાં , છળને થોડું છેટું રાખી , જીવન જીવવામાં બંનેનું શ્રેય છે.હું 'સંધ્યા' સાથે નહીં તો "ઉષા" સાથે પણ લગ્ન નહીં કરું" . "તોળી તોળીને બોલી રહેલા" સુરજે ઉમેર્યું, "માં, આવતી કાલે સવારે હું , ભુજ છોડી ,મુંબઈ જઈશ. હું જાણું છું કે મારી હવે પછીની સફર મારા માટે "તલવારની ધાર ઉપર ચાલવા" સમાન રહેશે , પરંતુ , મુંબઇને મારી કર્મ ભૂમિ બનાવીશ. 'માં' તમે, મન મોટુ રાખી રજા આપો હવે હું પગભર થવા માગુ છું . જીવન-પથ ઉપર વાર તહેવારે આપણે મળતા રહી, આપણી આ એક 'ભવ'ની સગાઈ પૂરી કરીશું ".
"પણ બેટા તારે ક્યાં કોઈ કામ કરવાની જરૂર છે ? મુંબઈ નગરી બેરહમ છે ત્યાં "તારા જેવા તાંબિયાના તેર મળતા રહે છે." તારો ગજ ત્યાં ક્યાં વાગશે ?તું નાહકનો ત્યાં ચૂસઈ જઈશ. આ મુખી પરિવારની મહેલાત કોણ ભોગવશે ?"
"ના .. માં , મારે મારી ઓળખ પોતે ઊભી કરવી છે . અને , મારે હવે પછી ...'મારી ઓળખ કાવેરી'બેન' મુખી નો "સુરજ" , નહીં પણ 'સુરજ' મુખીની માતા '"'કાવેરી'દેવી' ની ઓળખ ઉપસાવવી છે , જે અંહી ભુજમાં શક્ય નથી . નવી જગ્યાએ જઇ ,જ્યાં કોઈ આપણને કોઈ ઓળખતું ના હોય ત્યાંની ધૂળમાં ફૂલ-ખીલવી ,મારે આપણાં 'નામ'ના સિક્કા પાડવાની નેમ છે.તમેજ મને કહેતા હતા કે... "મહોરવું હોય તો, ખીલવું પડેઅને, ખુદને ભીતરથી પાંગરવું પડે". "તમે નીડર થઈ આમ ઢીલા ના પડો . અને સહર્ષ મુંબઈ જવા દો.
મારે અંહીથી કશુજ લઈ જવું નથી પરંતુ હું જ્ન્મ ભૂમિ 'ભુજ'ને છોડતા પહેલા તમારી પાસે એકજ ચીજ લઈ જવા માંગુ છું ... તમે મને આપશો ને?"
અત્યાર સુધીની સ્વગત વાર્તાલાપ , સજીવ બની જરૂર હા..હા કેમ નહીં ,,? બોલ બેટા ,શું લઈ જવું છે ? શબ્દો ,"'કાવેરી'બેન'ના મુખેથી નીકળતા, ડ્રાઇવરે ગાડીને બ્રેક મારી સાઈડમાં લેતા પૂછ્યું, બેન તમે મને કઈ પૂછ્યું ?. ના ... તને નહીં .. ચલ હવે બીજે નથી જવું , સીધા ઘેર જઈશું .
ચાલતી ગાડીના પ'ઇડે ફરી જૂની યાદો ચાલુ થઈ આવી અને માનસી વાર્તાલાપ આગળ ધપ્યો.,"'માં' તારી 'કચ્છી શાલ' મને આપ , હું તેને તારો પ્રસાદ ગણી ગ્રહણ કરવા માંગુ છું. 'ભલે દીકરા તને નારાજ નહીં કરી શકું' . "ભલે પ્રેમથી લઈજા, મારા બાપૂની નિશાની હવે આ ઘડી પછી તારે હવાલે".
આખો ચરખો "જડી' સાથે 'શાલ'ને જોવાથી ચાલુ થયો હતો તે અત્યારે ચરમ સીમાએ ઘૂમતો હતો . "'કાવેરી'બેન' વિચારતા હતા કે શું કરું ? તો 'મન'ના સંશય દૂર થાય ?. ગાડી ઘેર પહોચી . ને સીધા ગયા બેડરૂમમાં , જૂના ફોટા કાઢી તેમાં શાલને તરાસતા જતાં હતા તેમ તેમ તેમની વ્યથા વધતી રહેતી હતી . આખરે તેમણે હેલ્થ સેન્ટર ફોન લગાવી ,પરિચારિકાને કોઈજ પૂર્વ ભૂમિકા વગર "સીધી વાત" પૂછી લીધી. 'જડી'ની સાથે મળી આવેલી'શાલ' જોઈને કહો, ત્યાં આભલા ભેળી મહારાવની "કોરી" (કચ્છી ચલણી સિક્કો ) ભરેલી છે કે નહીં?.
'કાવેરી'બેન' સાથે પરિચય ઘનિષ્ઠ કરવાની,અચાનક આવતી તક જડપી પરિચારિકા બોલી "બેન હું "જ્યોતિ" આપની 'જડી' હમણાંજ બેબી ફૂડ ખાઈ સૂઈ ગઈ છે . તમે ફોન ચાલુ રાખો , હું જોઈને આવી .. તે અડધી મિનિટમાં 'કાવેરી'બેનના હૃદયના ધબકારા વધી પૂરા પચાસ થવા જતાં હતા , ત્યાં જ્યોતિએ આવી કહ્યું ,"બેન .. તમારી નજરને દાદ આપવી ઘટે , તમે એક "અછડતી" નજરે આભલાની વચમાં ટાંકેલી "કોરી" જોઈછે .. તે સાચું છે. સામે છેડેથી કોઈ અવાજ ન આવ્યો . ક્યાથી આવે? મુખી પરિવારના કારોબારના સામ્રાજ્યનો તાગ પળમાં લેતા 'કાવેરી'બેન .. અંહી .. "જડી" અને તેની સાથે મળેલી 'કચ્છી-શાલ'નો તાગ મેળવવામાં અટવાઈ ગયા હતા .
બીજે દિવસે નવજાત બાળકીના કપડાં લીધા અને"'કાવેરી'બેન' હેલ્થ સેન્ટર પહોચ્યા,પરિચારિકા "જ્યોતિ" દોડી આવી અને "'કાવેરી'બેન'ના હાથમાં રહેલી ફ્રૂટ અને કાપડની કેરી બેગ લઈ , તે 'જડી' પાસે તેમણે દોરી ગઈ . "'કાવેરી'બેને વહાલથી તેને પોતાના ખોળામાં લીધી , ગુલાબી કોટન કપડાંથી લપેટાયેલી જડીએ બગાસું ખાતા આંખ ખોલી મલકી. જ્યોતિ,"'કાવેરી'બેન'ના મનની વાત કળીગઈ હોય, તેમ કબાટ માથી 'કચ્છી-શાલ' લઈ આવી અને જડીને ઓઢાડી,ત્યારે કોઈને પણ પરાણે વહાલી લાગે તેવી 'જડી'એ "'કાવેરી'બેન'ની સંવેદના જગાવી દીધી હતી .'મજીઠ'ના રંગે રંગાયેલી 'શાલ'ના ખૂણે ખાંફો ભરવાથી ફાટેલી જગ્યાએ 'આહિર' ભરતના ટાંકે લીધેલા સાંધા ઉપર આંગળી ફરતા તેમના દિવંગત પતિ કંચનલાલ મુખીની મધુર યાદ આવી ગઈ . હવે "જડી'નો તાળો મળતો જતો હતો. વ્યસ્ત જીવનની દૈનિક ઔપચારિકતા પતાવી, સાંજે ઘેર પહોચ્યા. અને ડ્રાઈવરને છૂટો કરી દીધો. છેલ્લા ૨૪કલાક "'કાવેરી'બેન' મુખી એક એવા પડાવે ઊભા હતા , કે શું કરવું તે સુજતું નહતું. જૂની યાદો ફૂંફાડા મારી રહી હતી. લગ્ન અંગેના તેઓના 'સુરજ' સાથેના વિવાદે,એકના એક દીકરા 'સુરજે' બરાબર આંઠ મહિના પહેલા ભુજ છોડી મુંબઈ જવા પ્રયાણ કર્યું , ત્યારે અડધું ભુજ , 'સૂરજ'ને વળાવવા ઠેઠ ગાંધીધામ આવ્યું. તે વખતે જન-સમુદાયની વચમાં 'કાવેરી'બેને પોતાની એંટ-અહમને 'સૂરજ'ની વિકાસયાત્રામાં તબદીલ કરી "તમાચો મારી ગાલ લાલ" રાખ્યો હતો. તે વખતે તેમના હૃદયે પડેલા છુપા સોળ આજે પણ પીડા દઈ રહ્યા હતા. હજુ , 'સુરજ'ને વળાવી ભુજ આવે ત્યાં કલેક્ટર ઓફિસથી સમાચાર આવ્યા કે મુંબઈ જતી ગાંધીધામ એક્સપ્રેસને સૂરજબારીએ અકસ્માત નડતાં, ટ્રેનના અમુક ડબ્બા દરિયાની ભરતીના વહેણમાં ગરકાવ થઈ ગયા છે. મારતી ગાડીએ,"'કાવેરી'બેન' સૂરજબારી પહોચ્યા ત્યારે 'મો-સુઝણું' અજવાળું થયેલું હતું અને દૂરથી વાદળી રંગનું ઉપરણું જોતાં "'કાવેરી'બેન' ફસડાઈ પડ્યા , સમયના ક્રૂર ચક્રે ,તે ગોઝારા અકસ્માતમાં મુખી પરિવારના ઊગતા "સુરજ"ને હણી લીધો હતો.
ક્યાય સુધી સોફામાં પડી રહેલા "'કાવેરી'બેન'ને મહારાજે સાદ દઈને રાત્રે શું જમશો પૂછ્યું ત્યારે , તેમની તંદ્રા તૂટી.આજે હું ખાખરા અને દૂધ લઇશ કહી મહારાજને પરત જવા કહ્યું .મહારાજના ગયા પછી,"'કાવેરી'બેને ફટાફટ સ્નાન કરી લઈ માનસિક તણાવ માથી થોડી મુક્તિ મેળવી, અને સાદો ખાદીનો ડ્રેસ પહેરી ગાડી લઈ સીધા "નોખાણીયા" ગામે ગાડી મારી મૂકી. આખે રસ્તે ગિધૂભાઈ માસ્તર અને તેની છોડી સંધ્યાના વિચારે "નોખાણીયા" ગામે ગાડી પહોચી ત્યારે રુદ્રમાતાના મંદિરમાં આરતીની ઝાલર વાગતી હોઇ પોતે માના દરબારે પહોચી શીશ નમાવ્યું. આરતી પૂરી થઈ ત્યારે મંદિરનો પૂજારી "'કાવેરી'બેન'ને ઓળખી ગયો અને પ્રસાદનો પડિયો આપતા બોલ્યો બેન સંદેશો મુકયો હોત તો કોઈને રવાના કરાવત, બોલો શું કામ છે ? ના, પૂજારી દાદા કશુજ કામ નથી , બસ', 'માં'નો હુકમ થયો લાગે છે ! અને તેને દરબારે હાજર થઈ છું. અને હા મારે ગિધુભાઈ માસ્તરને મળવું છે.
મંદિરના પૂજારીએ "'કાવેરી'બેન'ને બહાર ઓટલે લઈ જતા કહ્યું . શું કહું બેન .. જમાનો ખરાબ છે . આ ગિધુમાસ્તર ગામ આખાને સંસ્કારના પાઠ ભણાવતા , પણ તેની છોડીએ, તેમને જ ફેઇલ કરી દીધા ! હું કઈ સમજી નહીં પૂજારી દાદા. અરે બેન તેની છોડી 'સંધ્યા'એ કોઈનું પાપ તેને પેટ 'વેંઢી' રાખી મો કાળું કરેલું હતું, નાના ગામની આબરૂનો સવાલ હતો પણ ,મૂઇ, મૂંગી થઈ ગઈ, અને ગામ આખૂય "તોબા પોકારી" ગયું . કોણ હતો તેની આ હાલત કરવા વાળો તે બોલતી નહતી એટલે સાત મહિના પહેલા માસ્તરે સ્કૂલ છોડી,અને અભાગીને લઈ તેમના ગામ 'ખાવડા' ગયા છે . કાવેરી'બેને મંદિરના ઓટલેથી માતાના મુખારવિંદ જોતાં, થોડી તેઓ ઉપર રહેમ રાખવા પ્રાર્થના કરી .
'કાવેરી'બેન 'ખાવડા'ના પોસ્ટમાસ્તર રામભાઇને જાણતા હોઇ , ગિધુભાઈ માસ્તરના સગડ આરામથી મળશે તે આશાએ , તેમણે ગાડી રુદ્રમાતાના મંદિરેથી"' સીધી પોસ્ટમાસ્તરને ત્યાં ઊભી રાખી . અને રામભાઇને મળવાથી ખબર પડી કે માસ્તરનો ચાર મહિના પહેલા સ્વર્ગવાસ થયેલો હતો . અને તેમની છોડી 'સંધ્યા'ને પૂરા દિવસો જતાં હતા એટલે ગયે અઠવાડિયે ભુજ સિવિલ હોસ્પિટલ જવા નીકળી છે. કાવેરી'બેન ભુજ પરત આવ્યા, આખા દિવસની હડિયા-પટ્ટી પછી પણ મનની મુઝવણમાં રાહત નહતી. રાત આખી પડખા ફેરવતા રહ્યા પણ ઊંઘ જોજન દૂર રહી . અને વહેલી સવારે આંખ મળી જતાં ઉઠતાં સાડા - સાત થઈ ગયા. તૈયાર થઈ , સિવિલ હોસ્પિટલ જઇ ગાયનેક ડિવિઝનમાં 'સંધ્યા' અંગે પૂછતાં ખબર પડી કે 'સંધ્યા'ને અને તેણે જ્ન્મ આપેલ બાળકીને બે દિવસ પહેલા રજા આપેલી છે."'કાવેરી'બેને ડિસ્ચાર્જ રિપોર્ટ જોતાં જાણ્યુ કે 'સંધ્યા'એ તેના કૂખે જ્ન્મ લેનાર બાળકીના પિતાનું નામ 'સુરજ' લખાવેલ હતું.
'સંધ્યા' ક્યાં હશે ? તેનો તર્ક લગાવવામાં તેમનું મગજ હવે સાથ નહોતું આપતું , 'સિવિલ'થી પાછા વળતાં ગાડીમાં "'કાવેરી'બેને આદત મુજબ "કચ્છ મિત્ર" દૈનિક પત્રનું ચોથુ પાનું ખોલી અવસાન નોધ અને શહેરના સમાચાર જોતાં જાણ્યું કે ભુજીયા ડુંગરની તળેટીના એક ઝાડ ઉપર લટકેલી હાલતમાં બિનવારસી લાશ મળેલ છે. કોઈ અમંગલ ઘટનાના એધાંણે કઠણ કાળજાના "'કાવેરી'બેન'ની આંખમાં આખરે ઝળઝળિયાં આવ્યા. આજે જો બંને આંખ જો જુદું જુદું રોતી હોત તો,એમની એક આંખ આંઠ મહિના પહેલા અકાળે આથમેલ " સુરજ"ની મમતા યાદ આવતા રોતી હતી, તો બીજી આંખ હવે 'સંધ્યા' માટે રડતી હતી. તેઓએ ગાડી પોલીસ સ્ટેશને લેવરાવી.
મહદ અંશે બિન-વારસી લાશોનો અગ્નિદાહ ,"'કાવેરી'બેન'ની 'ભગિની;સંસ્થા કરતી હોઇ ભુજ પોલીસ સ્ટેશન સબ ઈન્સ્પેકટરે કાવેરી'બેનને જોતાં રાહતનો શ્વાસ લીધો . તેઓએ લાશ પાસેથી બરામત થયેલું એક નાનું પર્સ અને તે મહિલાની બિનવારસી લાશ અંતિમ ક્રિયા માટે સવિતા બેનને મળે તે હેતુથી , સિવિલ હોસ્પિટલ ઉપર રીલીઝ મેમો ઇસ્યુ કરાવી,"'કાવેરી'બેન'ને સુપરત કર્યો. કાવેરી'બેને મેમો સાથેના ફોટા જોતાં 'જડી' સાથે મળી આવેલ 'કચ્છી શાલ' અંગે હવે કોઈ સંશય નહતો , લાશ 'સંધ્યા'નીજ હતી.'કાવેરી'બેને ધ્રૂજતા હાથે પોલીસ ઇન્સ્પેક્ટરે આપેલું પાકીટ ખોલ્યું.અંદરથી છ ગડી વાળી રાખેલી ચિઠ્ઠી અને થોડા રૂપિયા થોડા રૂપિયાના સિક્કા નીકળ્યા."'કાવેરી'બેન' કોઈ અગમ્ય હેતુથી ચિઠ્ઠી ખોલતા ડરતા હતા, રખેને કદાચ "મુખી પરિવાર"નું નામ નીકળે તો ?.. ત્યાં ઈન્સ્પેકટરે ચિઠ્ઠી ખોલી, કોને ઉદ્દેશીને અને કોને લખી છે તે અંગે કોઈ પણ નામ નહતા , તે નનામી ચિઠ્ઠી ઇન્સ્પેક્ટરે"'કાવેરી'બેન'ને સુપરત કરી. "'કાવેરી'બેને ' મનના આવેગો ઉપર અંકુશ રાખી પાકીટના નાણાં સરકારી તિજોરીમાં જમા કરાવજોની વિનંતી સાથે ચિઠ્ઠીનો હવાલો લેતા તેમની ઓફિસના સ્ટાફને રીલીઝ મેમો લઈ સિવિલ દોડાવ્યા અને પોતે મુક્તિધામ પહોચી શ્રાશ્રોક્ત વિધિથી દિવંગતની અંતિમ ક્રિયા પતાવી ઘેર પહોચ્યા.
કેમ જાણે પણ આજે "મુખી મેન્શન"ના દીવાનખંડમાં આદમ કદની 'સુરજ'ની સુખડના હારવાળી તસવીરની આંખોમાં "'કાવેરી'બેન'ને એક આભારની લાગણીની ઝલક વર્તાતી હતી , તેમને છ પડ વાળેલી ચિઠ્ઠી ખોલી, તેમાં લખેલું હતું... "હે મારી 'માં'"
"આ લાશને મુક્તિ ધામની ચિતાએ સોડ તાણવાનો સમય હવે આવી ગયો છે." મને જીવતા જીવ મૃત્યુ કોને કહેવાય?" અને "હાલતા ચાલતા દેહે નશ્વર કેવી રીતે થવાય?" તે મને દુનિયાએ શીખવ્યું છે ?" "બીજું હવે વધારે કઈ નથી શીખવું".
"મારી 'છોડી' આજ પછી પૃથ્વીનો ખોળે ખેલશે અને પાંગળશે", "એને કોઈ મારી નાખશે તોય ધરતીની સોડ્યમાં સુવાની જગ્યા થઈ જાશે તેનો મને આશરો છે " . પણ એ કોઈના હેતની ઓથ પામે અને ,'એને' સમજણ આવે ત્યારે એટલું 'કેજો, કે "તે","ગંગા"થી અધિક એવી "કાવેરી" નદીના પવિત્ર વહેણથી વહેલું એક નિર્મળ ઝરણું છે". "તે 'કંચન' છે, કોઈના પાપનું પરિણામ નથી" . "તેની નસોમાં ખમીરવંત કુળ અને સંસ્કારી" લોહી વહે છે . અને તે પણ કહેજો કે""નોખાણીયા" ગામના પાદરે બિરાજેલી રુદ્રમાતાને ભૂલીશ મા." "કચ્છના ભુજની,'આ' ધરા સૌને સંઘરનારી ધરતી છે". એ તેની પણ જનમ દેનારી 'માટી' છે. આથી વધુ મારી છોડીને એની હારે કોઈ લેણ- દેણ નથી.
ઊગતા 'સુરજ'થી દૂર રહેતી 'સંધ્યા", આથમતા 'સુરજ"ની પાછળ સિધાવતી હોય છે. ત્યારે હું કોઈ ફરિયાદ કરું તો મારી ખમીરવંતી ભોમકા લાજે.મારા નવ મહિનાના તપથી તપીને કંચન બનેલી મારી છોડીને તેનું ઠેકાણું મળશેજ ,તે મને ખાતરી છે! પણ આખરે રહ્યું એક જનેતાનું મન , બીજું શું આ દુનિયાના મેળાના પ્રવાસીઓ પાસે માંગુ મારી માડી ?
..આ અબોલ….મારી છોકરી'ને ક્યારેય "ઊનો' વા વાશો મા' ! તેમ છતાંય હે "રુદ્રાણી"! એની આવરદાની દોરી જો તમારે ચોપડે ટૂંકી હોય, તો મારે તમારી જોડે અંકોડા ભીડાવી, મારે કોઈ કજિયો કરવો નથી. ટૂંકી આવરદાએ એને તારી પાસે બોલાવે તો તેની, મુઠ્ઠી રાખોડીને ધરતીમાં સંગરવા જગ્યા તો કાઢી આપીશ ને? એને માથે કોઈ ઓઢાડે તે જરૂર જોજો માડી . બીજું તો કાંઇ નહિ, પણ એના દેહને સમળીઓ ઠોલે નહિ, ઇ ખ્યાલ રાખવાની કૃપા જરૂર કરશો .
ચિઠ્ઠી વાંચી છાતીએ દબાવી , કાવેરી-મુખી,બોલી ઉઠ્યા ,, "ના" 'સંધ્યા' ના , માફ કર" , "તારે માત્ર એક વાર આ 'કાવેરી'ને સાદ તો દેવો હતો", "શું હું એટલી નિષ્ઠુર લગતી હતી તને ?"', "આપણું આ નિર્મળ 'ઝરણું નોધારું નથી', તે નિરંતર આબાદ રહી વહેતું રહેશે . હજુ આ વિશાળ તટની 'કાવેરી' સબૂત છે " અને 'તેને પડખે છે' . કહેતા "'કાવેરી'બે'ને' સોલીસીટરને ફોન જોડી 'જડી'ના એડોપ્શનના લીગલ પેપર્સ તૈયાર કરાવા કહ્યું. ત્યારે તે રાત્રે "મુખી મેન્શન"માં 'કાવેરી'બેનના જીવનની લાંબી રાત્રિ પછી ઊગી રહેલા 'સુરજે' કંચનલાલ મુખી સાથેની ગૃહસ્તીનો પડાવ જડી ગયો હતો.