જાદુઈ ડાયરી
જાદુઈ ડાયરી
એક નાનકડું શહેર. શહેરમાં અરવિંદભાઈ તેના પરિવાર સાથે રહે છે. તેમનાં પરિવારમાં દીકરો રમણ અને વહુ રમા બંને નોકરી કરે. એમને એક પૌત્ર. નામ એનું દીપ. દીપ ખરેખર અરવિંદભાઈના ઘરનો દીવો. દીપના દાદી સ્વર્ગમાં લીલા લહેર કરતા હશે એવું વિચારી અરવિંદભાઈ ઘણીવાર પત્નીના ફોટા સામે જોઈ વાતચીત કરી લેતાં. દીપ ઘણીવાર જુએ, પણ કંઈ સમજાતું નહીં.
દીપને શાળાએ લેવા મૂકવા જવાનું કામ અરવિંદભાઈએ પોતાની ઉપર લીધું હતું. રમાએ ના પણ પાડેલી કે પપ્પા, તમે બંધાઈ જશો. બસમાં મોકલી દેશું. પણ અરવિંદભાઈને તો સમય જ પસાર કરવો હતો. એમણે ના પાડી કે બેટા, હું નિવૃત છું. સમય પણ છે. તો આયોજન કરી લઈશ. તમતમારે બેય આરામથી નોકરી કરો.
રમા સવારે વહેલી ઊઠી કામ પતાવી, રસોઈ કરીને જાય. જેથી દાદા - દીકરાને તકલીફ ન પડે. રોજની જેમ જ બધું કામ પતાવીને રમણ અને રમા નીકળી ગયા. દાદા દીપ દૂધ પીએ લે એની રાહ જોતા ઊભા હતા. ત્યાં તો રમણના ફઈબા અને પોતાની બહેન અનસુયાબહેનનું નામ ચમકાવતો મોબાઈલ રણકી ઉઠ્યો. દીપ દોડતો આવી ગયો. દાદા ફોન લેવા જતા હતા ને ત્યાં દીપે ના પાડતા કહ્યુ કે અત્યારે નહીં દાદાજી, રસ્તામાં તો મારે વાતો કરવી હોય. તમે પછી ફોન કરી લેજો. અરવિંદભાઈ કંઈ બોલ્યા નહીં પણ વિચારમાં પડી ગયા કંઈ કામ હશે તો ....? તાળું મારીને બંને શાળાનાં રસ્તે નીકળી ગયા.
ઘરે આવીને અરવિંદભાઈ ફટાફટ ફોન કરે છે.અનસૂયાબેન ખુબ જ અધીર થઈ ને બોલ્યા કે ભાઈ, તમારા બનેવીને દવાખાને દાખલ કર્યા છે, તમે આવી જજો. અરવિંદભાઈ સમજી ગયા કે બનેવીને લોહીના શુદ્ધિકરણ માટે લઈ ગયા હશે. પોતાના બનેવીને કીડનીની ગંભીર તકલીફ હતી. અરવિંદભાઈ દવાખાને જાય છે.
સાંજે ઘરે બધા સાથે જમવા બેઠા. અરવિંદભાઈ દવાખાનેથી સીધા દીપને તેડવા ગયા હતા. દીપને લઈને ઘરે આવી ગયા હતા. ત્યાં સુધીમાં દીપ ફોનની વાત ભૂલી ગયો હતો કાં તો મહત્વ ન જણાયું હોય એવું બને. અરવિંદભાઈ જમતાં જમતાં વાત કરે છે કે ફોન આવ્યો, આ દવાખાને છે, વગેરે વગેરે.
રમણ એના પપ્પાને પૂછે છે કે હું અને રમા આવતીકાલે ખબર પૂછતા આવીએ. આવતીકાલે રવિવાર પણ છે.અરવિંદભાઈ હા પાડે છે.
બીજે દિવસે રમણ અને રમા દવાખાને પહોંચે છે. ફઈબા કોઈ જોડે વાત કરતાં હતાં. ફોનમાં વાત પુરી કરીને ફઈબા રમણ અને રમા જોડે બધી વાત-ચીત કરે છે. ફૂઆ આઈસીયુમાં અંદર હતા. ત્યાં રમા બહાર બેસીને ફઈને ચા-નાસ્તો કરાવી દે છે. ત્યાં જ ડોક્ટર બહાર આવીને કહે છે કે હવે ફૂઆ આ દુનિયામાં નથી. અચાનક જ ફુઆને હ્રદયરોગનો હુમલો આવી ગયો.
રમણ અને રમા થોડી વાર પછી પોતાની ધરે આવી ગયા હતા. દવાખાને ફઈબાનું કુટુંબ હાજર હોવાથી ફઈબાએ જ મોકલી દીધા હતા. ઘરે આવીને અરવિંદભાઈને જાણ કરે છે.
પછી પાછા અરવિંદભાઈ ને રમણ સ્મશાનયાત્રા માટે જાય છે.
બધું રાબેતા મુજબ ચાલવા લાગ્યું.
અચાનક એક દિવસ વહેલી સવારે દીપ ચીસ પાડે છે. રમણ બાથરૂમમાંથી ને રમા રસોઈથી દીપના રુમમાં જાય છે. દીપ દાદા પાસે બેઠો છે, રડે છે. રમણ તપાસ કરે છે. કંઈક અજુગતું લાગતા દાક્તરને ઘરે બોલાવે છે. દાકતર તપાસીને કહે છે કે હ્રદયરોગના હુમલો આ એક કલાકમાં જ આવી ગયો. રમણ તો આઘાત પામી ગયો કે અમે ચા સવારે જોડે જ પીધી. શું બની ગયું ? ખરેખર આ શરીરનો કોઈ ભરોસો નથી. ચાલે ત્યાં સુધી જ આપણું. બાકી આત્મારૂપી પંખી આકાશમાં ઊડી જાય પછી..
બધા બંધન ફગાવી અરવિંદભાઈ અનંતયાત્રાએ ચાલી નીકળ્યા.
અગ્નિસંસ્કારની ક્રિયા પછી રમણ અને રમા માતા પિતાના ફોટા પાસે ઊભા હતા. થોડી વાર પછી દીપ આવ્યો ને તરત જ કહેવા લાગ્યો કે આ પટારો ખોલો. રમણે કહ્યુ કે બેટા, નિરાંતે ખોલશું. દીપ જિદ કરવા લાગ્યો કેમ કે દાદા એને કહીને ગયા હતા કે હું જાઉં પછી ખોલજો. રમણ વરસોથી જોતો કે પહેલાં દાદા પછી પપ્પા એનું જતન બહું કરતા હતા. એટલે એણે દીપને હા પાડી. રમણ કુતુહલતાથી પટારો ખોલે છે. રમા અને દીપ જુએ છે. પટારામાં એક નાની ચિઠ્ઠી દેખાઈ. રમણે ચિઠ્ઠી હાથમાં લીધી ને વાંચવાનું શરૂ કર્યુ .
મારો વ્હાલો પરિવાર,
હું ગમે ત્યારે તારી મમ્મી પાસે જાવ. પણ આ ચિઠ્ઠી પહેલેથી જ આમાં મૂકી દીધી છે. રમણ, તું પણ દીપના લગ્ન થઈ જાય પછી આવી જ ચિઠ્ઠી લખીને મૂકી દેજે. વરસો જુની ચિઠ્ઠી ફાટી જાય, અક્ષર બરાબર ન દેખાય એવું બને. ચિઠ્ઠી પેઢી દર પેઢી બદલતી રહે તો સારું. આ સાથે મારો થોડો સામાન છે. તળિયે એક કોરી ડાયરી છે .એમાં જે લખીએ એ સાચું થઈ જાય. પણ..........
રમણ અને રમા એકબીજા સામે જોવા લાગ્યા. દીપ નાનો હતો એટલે ઉત્સુકતાથી પટારામાં જોતો હતો. પોતાના કામનું કંઈ ન નીકળતા બહાર રમતો હતો. પટારામાં બધું દીપે ઉપર નીચે કરી નાખ્યું હતું. હવે ડાયરી તો ઉપર આવી ગઈ હતી. રમાએ ડાયરીના પાનેપાના ઉથલાવી નાખ્યા. પણ કંઈ સમજાયું નહીં.
રમણની આંખ સામે ઘણાં ચિત્ર આવી ગયા.
રમા.પૂછતી હતી કે આ ડાયરીનું શું ? આ તો કોરી છે. રમણે ચિઠ્ઠી આગળ વાંચતા કહ્યુ કે આમાં જે લખીએ -એ સાચું થઈ જાય પણ ...એનો ઉપયોગ આપણાં પરિવારે કરવાનો નથી. પોતાના અંગત ઉપયોગ માટે ક્યારેય આ ડાયરીમાં કંઈ ન લખતા. આ મારી કડક સૂચના છે.
તારી દાદી અને મમ્મીએ જિદ કરી તો....
લી. દીપના દાદા અને તમારા બંનેના પપ્પા,
અરવિંદભાઈ.
રમા સમજી ગઈ કે મારા પપ્પાની બીમારીમાં અને ભાઈને વિદેશ મોકલવાના પૈસા ક્યાંથી આવ્યા ? પોતાને મોટો દાગીનો ન હતો, એનું કારણ પણ સમજાઈ ગયું.
રમણ અને રમાએ પરોપકારના કાર્ય કરવાનું નક્કી કર્યુ. જાદુઈ ડાયરી પટારામાં મૂકી તાળું મારી દીધું.
દીપ જેને ચમત્કારિક પટારો માનતો હતો, એમાંથી કંઈ જાદુઈ ન નીકળતા ઉદાસ હતો. એને ક્યાં ખબર હતી કે એ જાદુઈ ડાયરી ભવિષ્યમાં એને જ મળવાની છે. એને જ બાપદાદાની ધરોહર સાચવવાની છે.
