જાદુ
જાદુ
જયારે કુસુમબેન ઊઠ્યા અને એમને જે જોયું એ જોઈને એમને એમની આંખો પર વિશ્વાસ આવતો ન હતો. પુત્રવધૂ રસોડામાં હતી અને એના પતિનું ટિફિન બનાવી રહી હતી. કુસુમબેને પતિને ઊઠાડીને કહ્યું, " તમે જુઓ તો ખરા, મને તો મારી આંખો પર વિશ્વાસ જ નથી આવતો. આ બધુ કંઈ રીતે બન્યું ? "કુસુમબેન આગળ કંઈ કહે એ પહેલાં જ એમની પુત્રવધૂનો અવાજ સંભળાયો, " મમ્મી પપ્પા, ચા નાસ્તો તૈયાર છે. ડાયનીંગ ટેબલ પર આવી જાવ".
કુસુમબેનને પહેલાં આંખો પર વિશ્વાસ ન હતો અને હવે તો એમને એમના કાન પર પણ વિશ્વાસ બેસતો ન હતો. જેને કદી સૂર્યોદય જેાયો જ ન હતો. એ વ્યક્તિ આજે સવારે સાત વાગ્યામાં ચા નાસ્તો તૈયાર કરે. કુકર પણ ચડાવી દીધેલું. રોટલીનો લોટ પણ બાંધી દીધો હતો. એના પતિનું ટિફિન પણ એ જ તૈયાર કરવાની હતી. જોકે કુસુમબેને કહ્યું, "બેટા, હું રોટલી વણાવીશ.હું સ્નાન કરીને આવું."
"ના, મમ્મીજી તમે અત્યાર સુધી ઘણુંજ કર્યું છે. હવે પાછલી ઉંમરમાં તમે આરામ કરો".
સવારથી એમને ઉપરાછાપરી આશ્ચર્ય જોવા મળતાં હતાં. સ્નાન કર્યા બાદ એ રસોડામાં આવ્યા ત્યારે પુત્રવધૂ એ કહ્યું, "મમ્મીજી, તમે અને પપ્પાજી મંદિર જઈને મંગળાના દર્શન કરી આવો."
અત્યાર સુધી આ પુત્રવધૂ કહેતી હતી કે, "બંને ભગતડા મંદિર ચાલ્યા. "
જયારે પતિપત્ની મંદિર જવા નીકળ્યા ત્યારે કુસુમબેનથી રહેવાયું નહિ અને પતિને પૂછી લીધું, "આ બધો ચમત્કાર કરી રીતે થયો ? જાણે કે ઉપરવાળાએ કોઈ જાદુ કર્યો ના હોય ! "
કુસુમબેનના પતિ પત્ની સામે જોઈને બોલ્યા,"કાલે તમે બાજુવાળાને ત્યાં લગ્નમાં ગયેલા. ઘરમાં હું અને આપણી પુત્રવધૂ જ હતાં. ત્યારે એના મમ્મી પપ્પા આપણે ત્યાં આવેલા. મને કહેતાં હતાં,
"અમારી દીકરી સામે કોઈ ફરિયાદ તો નથી ને ? "
મેં તરત કહ્યું, "ફરિયાદ કરવા જેવું શું છે ? તમારી દીકરી તો અમને અઢળક પ્રેમ આપે છે. એની સાસુને ઘરનું કોઈ જ કામ કરવા દેતી નથી. સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને જ રસોડામાં જાય છે. દીકરાનું ટિફિન પણ બનાવી દે છે અને અમારા માટે ચા નાસ્તો તૈયાર કરી દે છે." વહુના માતાપિતાને તો જાણે કે વિશ્વાસ જ ન હતો આવતો. એની મમ્મી ને તો જાણે કે મારી વાત પર વિશ્વાસ જ આવતો ન હતો તેથીજ બોલ્યા, "વેવાઈ તમે કહો છો એટલે માનું છું બાકી મારી દીકરી સવારે નવ વાગ્યા પહેલાં ઊઠતી જ ન હતી. મને થતું કે એ સાસરે જઈને શું કરશે ? બસ મારા મન પરથી બોજ ઉતરી ગયો."
એટલુંજ નહિ જતાં જતાં એના મમ્મી કહેતાં ગયા કે, "અમને તારી આદતથી બહુજ ચિંતા થતી હતી. પરંતુ આજે અમે ખુબ જ ખુશ છીએ તારા વખાણ સાંભળી ને. તેં તો અમારા સંસ્કાર દિપાવ્યા."
બસ પછી મેં એના જે પ્રમાણે વખાણ કરેલા એવું થવા પ્રયત્ન કરે છે.
એક વાત કહું, "જાદુગર હાથ ચાલાકી કરીને જાદુ કરે છે. પણ જીભ પણ જાદુ કરી જાણે છે. " એટલું કહેતાં પતિપત્ની બંને હસી પડ્યા.
જો કે કુસુમબેનના પતિએ કહ્યું, "સૌથી મોટો જાદુગર તો ઉપરવાળો છે. એ ચાંદ મોકલે છે અને એને છૂપાવીને સૂર્ય મોકલે છે. પૃથ્વી પર જે કંઈ થાય છે એ ઈશ્વરનો જાદુ જ છે. ફળફૂલ એના જાદુથી જ થાય છે. બાકી મનુષ્ય આવા જાદુ ના કરી શકે.
