Dina Vachharajani

Fantasy

2.0  

Dina Vachharajani

Fantasy

ઈશ્વર તારો આભાર

ઈશ્વર તારો આભાર

2 mins
213


સવારના સાત વાગ્યા છે. હું શહેરના અમારા ઘરની બાલ્કનીમાં બેઠો છું. ચીં-ચીં કરતી નાની -નાની દેવચકલીઓ અને ચારે બાજુ ઊડતાં પતંગિયા વાતાવરણને રંગીન બનાવી રહ્યાં છે. . . વાંચતા-વાંચતા અટકી ગયા ને ! ના . . . પણ તમે સાચું જ વાંચ્યું છે. હું શહેરમાં આવેલા ઘરની બાલ્કનીમાં જ બેઠો છું. બાલ્કનીમાં મૂકેલા નાના-મોટાં કુંડામાં અનેક ફૂલો ખીલ્યા છે. બાલ્કનીની આસપાસ કમાન ઉગાડી એના પર અનેક વેલ ચડાવવામાં આવી છે. નજરમાં આવે એ બધા જ ઘરો આમ જ લીલાંછમ લાગી રહ્યાં છે. અમારી સોસાયટી અને આસપાસની બધી જ સોસાયટીની દિવાલો પણ જાણે લીલોતરી ઓઢી ઊભી છે . . . બધાંની દીવાલો પર વર્ટીકલ ગાર્ડનસ્ બનાવ્યા છે !

સામે દેખાતી સોસાયટીની ખુલ્લી જગ્યામાં સરસ બગીચો લૂમેઝૂમે છે. મારા પૌત્ર સહીત બીજા બે-ચાર જુવાનિયા ઝાડપાનને પાણી પાઈ રહ્યાં છે કે પછી નવા છોડ રોપી રહ્યાં છે અને આતો એમનો રોજનો ક્રમ છે. મારો પુત્ર ને પુત્રવધુ બાજુમાં આવેલા વિશાળ મ્યુનિસિપલ ગાર્ડનમાં ચાલવા ગયા છે જેથી શુધ્ધ્ હવા ફેફસામાં ભરી શકાય.

પુત્રવધુએ બાજુમાં રાખેલા કપમાંથી મેં આદુ-ફુદીનાનાં સ્વાદિષ્ટ કાઢાની સીપ ભરી અને મારું મન મને આજથી વીસ-વરસ પહેલાંના સમયમાં ઘસડી ગયું જ્યારે ભયાનક મહામારીના સંક્રમણથી બચવા અમે આવા જ કાઢા દિવસમાં ચાર વાર પીતાં. એ મજબૂરી હતી અને હવે અનુભવે શીખવાડ્યું છે કે સ્વસ્થ રહેવા કુદરતી ખાન-પાનનો બીજો કોઈ પર્યાય નથી. એટલે એવા જ ખાન-પાન હવે રોજિંદા થઈ ગયા છે. ત્યારે અમે કેટલાય સ્વજનોને પ્રાણવાયુ માટે વલખાં મારતાં મરતાં જોયા છે . એટલે આજે આખી દુનિયા ' ગ્રીન ઈઝ ગોડ ' સૂત્રને આત્મસાત કરી લીલોતરી ઉછેરે છે, જે બદલામાં ભરપૂર પ્રાણવાયુ આપે છે.

રજાના દિવસે મારા દીકરો -વહુ વૃક્ષારોપણ-વનોત્સવ જેવા કાર્યક્રમોમાં મને અચૂક લઈ જાય. પેલ્લા ખૂણે નાની પીપળાની કલમ પડેલી જુઓ છો ને ? એ મેં જ મંગાવી છે. કોરોનામાં એક-એક શ્વાસને વલખી વલખીને મૃત્યુ પામેલી મારી પત્નીની યાદમાં સામે રહેલા બગીચામાં વાવવા. . આ એક જ વૃક્ષમાંથી બનતો પ્રાણવાયુ અનેક લોકોના ફેફસાંને લીલાંછમ રાખશે એની મને ખાત્રી છે. ! મને જ શું કામ ? પૂરી મનુષ્ય જાતને એ વાત સમજાઈ છે. એટલે જ અત્ર-તત્ર સર્વત્ર પથરાયેલી લીલોતરી સ્વર્ગમાં હોવાની અનુભૂતિ આપે છે.

આ 2040ના વર્ષ સુધી જીવાડી આ પૃથ્વી પર જ સ્વર્ગની અનુભૂતિ આપવા બદલ ઈશ્વર તારો આભાર !


Rate this content
Log in

Similar gujarati story from Fantasy