purvi patel

Drama

4  

purvi patel

Drama

ઈર્ષ્યા

ઈર્ષ્યા

3 mins
286


સીમા અને સીતા, બાળપણથી ખાસ બહેનપણાં. સાવ એવું પણ નહીં, કે બધું સારું જ થતું, ક્યારેક ઝઘડો પણ થતો. પણ, બંનેનો ઝગડો ક્યારેય વધુ ન ચાલે. સીમા થોડી કાચા કાનની, પરંતુ સીતા સમજદાર અને ઠાવકી. તે કોઈપણ વાતનું નિરાકરણ ખૂબ જ સરળતાથી લાવી દે. સોસાયટીની બીજી છોકરીઓને તેમની ઈર્ષ્યા થતી.

બંને બહેનપણીઓ હવે યુવાવસ્થામાં પ્રવેશી. સીમાનું વેવિશાળ સમીર સાથે નક્કી થયું. એક વર્ષ પછી લગ્ન હતા. દરમિયાન સીમા અને સમીર મળવા લાગ્યા. સમીર સ્વભાવે બોલકણો. સમીર 'સાલી આધી ઘરવાલી કહી મજાક કરતો'. એક-બે વાર સમીરે સીતા સાથે ફોન પર વાતો કરી હતી, એવી એક બહેનપણી હસ્તક સીમાને ખબર પડી, ત્યારે સમીર અને સીમાનો ઝગડો પણ થયેલો. સોસાયટીની બહેનપણીઓ તો આવી તક મળતાં જ સીમાને ભડકાવતી રહેતી.

એક દિવસ સમીરે સીતાને કોઈ કારણસર એકલામાં મળવા બોલાવેલી. બહેનપણીઓએ આ વાત સીમાના કાનો સુધી પહોંચાડી. બસ, પછી જોવાનું શું ? શંકાનો કીડો હવે સીમાના મગજમાં સળવળવા લાગ્યો હતો. ધીમે ધીમે સીમાનું સીતા સાથેનું વર્તન બદલાવા લાગ્યું. સીતાએ પૂછ્યું, પણ સીમાએ, 'કઈ નથી', એમ કહી વાત વાળી લીધેલી. લગ્નના દિવસે સીતા ખૂબ ખુશ હતી, પરંતુ સીમાની ખુશી દેખાતી ન હતી. સીતાને થયું કે હવે જુદા પડવાના એટલે આમ હશે. લગ્નના બીજે જ દિવસે સમીર અને સીમા ફરવા જવાના હોવાથી લગ્નની પહેલી રાત પિયરમાં જ રહી, બીજે દિવસે સવારે હનીમૂન માટે નીકળી જવાનું નક્કી થયું. આછા ગુલાબી રંગના દુલ્હનના જોડામાં સીમા ખુબ સુંદર લાગતી હતી. બહેનપણીઓ સીમાને લઈને રૂમ તરફ જઈ રહી હતી, બરાબર એ જ સમયે સીતા રૂમમાંથી બહાર નીકળી. બહેનપણીએ સીમાને કોણી મારી. સીમા તો આભી જ બની ગઈ. સુહાગરાતે પતિના રૂમમાંથી પોતાની જ બહેનપણીનું બહાર નીકળવું તેને આઘાત આપી ગયુ. 

બસ, એ પળ અને એ જ દિવસથી સીમાએ સીતા સાથે અબોલા લીધા. બીજા દિવસે સવારે સમીર અને સીમા હનીમૂન માટે નીકળી ગયા. સીતા અને સીમાનો મેળાપ થયો નહીં. ત્યાર પછી સીતાએ કેટલા કાગળો લખ્યા, ફોન કર્યા પરંતુ, સીમાએ કોઈ જવાબ આપ્યો નહી. થોડા જ સમય બાદ સીતા પરણીને બીજા શહેરમાં ચાલી ગઈ. પરંતુ લગ્નની વિદાયવેળાએ સીતાની આંખ છેલ્લે સુધી સીમાને શોધતી રહી. 

  આજે પાંચ વર્ષ પછી અચાનક એક પ્રસંગ દરમિયાન બંનેનું મળવાનું થયું. સીમાએ નજર ફેરવી લઈ ત્યાંથી નીકળી જવા ધાર્યુ, પરંતુ સીતાએ આગળ વધી સીમાનો હાથ પકડી લીધો. સીતાએ સીમાને એની નારાજગીનું કારણ પૂછ્યું, પણ સીમા કશું બોલી નહીં. તે હાથ છોડાવી જવા માંગતી હતી, પરંતુ સીતાએ કસમ આપીને પૂછ્યું, તો ખબર પડી કે સમીર સાથે તેનું એકાંતમાં મળવું અને સુહાગરાતે રૂમમાંથી નીકળવું આ બે કારણો તેમની વચ્ચે ખલનાયકની ભૂમિકા ભજવી ગયા.

 સીતાએ કહ્યું," અમે ફોન પર વાતો એટલા માટે કરતા હતા કે, જેથી સમીર તારી પસંદ-નાપસંદ જાણી શકે. હા, અમે એક વાર એકાંતમાં મળ્યા, તારા દુલ્હનના કપડા પસંદ કરવા માટે. આ સુંદર વીંટી, જે તારી આંગળીમાં શોભે છે, એ વીંટી સમીર તને સુહાગરાતે જ ભેટ આપવા માંગતો હતો, પરંતુ વીંટી બનીને આવતા મોડું થયું એટલે હું તે વીંટી સમીરને રૂમમાં આપવા ગયેલી. ઈર્ષ્યા અને શંકાના કારણે તારા દિમાગ પર અંધારું છવાઈ ગયું, તું સચ્ચાઈ જોઈ ન શકી."

 સચ્ચાઈ ખબર પડતા જ સીમા સીતાને વળગી પડી અને પોતાની ભૂલની માફી માંગતી રહી. બંનેની આંખોમાંથી સતત આંસુની ધારા વહી રહી હતી. સાથોસાથ ખૂણામાં ઉભેલા સમીરની આંખો પણ વર્ષોથી વિખૂટી પડેલી બે બહેનપણીઓ મિલન સાથે વહી રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama