ઈર્ષ્યા
ઈર્ષ્યા


"મા, મનસુખભાઈ કૂવા પાસે પડ્યા છે. ઘણું વાગ્યું છે." બાજુમાં રહેતી પોપટની નવી પરણેલી વહુ ડાહીમાને કહી ઘરમાં ભરાઈ ગઈ.
ડાહીમા સાડીનો છેડો માથે ખેંચી, ઉઘાડા પગે જ દોડ્યા. વળી કંઈક યાદ આવતાં દસ ડગલાં પાછા વળી "પોપટ ચાલ તું પણ, ઘરડા હાથમાં જુવાન દીકરાને ઝાલવાની તાકાત નથી રહી. તારી જરૂર પડશે” કહી પોપટને પણ સાથે લઈ ગયા. ત્યાં પહોંચ્યા પછી મનસુખની દશા જોઈ ડાહીમાનું કાળજું પીંખાઈ ગયું. માથામાંથી નીકળતા લોહીથી કપડાનો રંગ બદલાઈ ગયો હતો. આંખ ખોલવાના સુધ બુધ ન હતા.
મનસુખના ભારે શરીરનું ધ્યાન આવતા પોપટ આવતા મણિલાલને લારીનું કહેતો આવ્યો હતો. ડાહીમા અને પોપટ પહોંચે ત્યાં તો લારી આવી ગઈ. લારીમાં મનસુખને પોટલાની માફક ભરી, ઘરે લાવી એક ખૂણામાં મૂકી દીધો.
ડાહીમા ઝટ ગરમ પાણી કરી લાવ્યા. પાલવને પાણીમાં બોલી બેસુધ મનસુખના ઘાને લૂછવા માંડ્યાં.
"લગ્નના દસ વર્ષ પછી, તારા જન્મ થયે મારા મનને એટલું સુખ મળ્યું કે મેં તારું મનસુખ નામ રાખી દીધું. ત્યાર બાદ બે જ વર્ષમાં થયેલા તારા
બાપાના અવસાન પછી તૂટી પડેલા દુઃખોની મેં અવગણના કરી, કે મનસુખ મોટો થશે ને મારા દુઃખની ખેર નહીં રહે! પણ..." ડાહીમાએ પાલવથી આંસુ લૂછતાં મનસુખ પર નજર કરી. મનસુખની નિ:સ્પૃહ આંખોએ તેમને અકળાવી દીધા. અવાજ બદલાયો.
"હવે આ ઘરડી કાયા તારો કેટલો બોજ ઉઠાવી શકે? માની ઠાઠડીનો બોજ ઉપાડી શકે એટલો તો સ્વસ્થ રહે તું! રોજેરોજ તને મરતો જોઈ માની આંતરડીએ ન બુઝાવી શકાય તેવો દાવાનળ ભભૂકે છે. માની જા બેટા, નહીં તો હું... " ડૂસકું ખોવાયું, ડાહીમાની અભિલાષા સાથે.
આખો દિવસ કરેલી ડાહીમાની સારસંભાળને કારણે સાંજ થતાં મનસુખને થોડી કળ વળી. સૂરજને વળાવી કાલનો દિવસ સારો લઈને આવવા માટે વિનંતી કરતા ડાહીમા રસોડે વળ્યાં ને મનસુખ વળ્યો તેના રસ્તે! જતા જતા ડાહીમાનો બટવો ખંખરતો ગયો.
"તું તો નસીબદાર છે. તારી અંદર રહેલા ધુમાડાને, કળતરને બહાર તો કાઢી શકે છે. હું તો એ પણ કરી નથી શકતી." લાચાર ડાહીમાને સામે ધુમાડો ઓકતા મિલના ભૂંગળાની ઈર્ષ્યા આવી ગઈ. આંખના આંસુ રોકી લીધા, કોને ખબર કાલની સવાર કેવી હશે?