ઈરાદો
ઈરાદો
ત્રીજી વારનો બોર પણ ફેલ ગયો. કાનજી માથે હાથ દઈ બેસી પડ્યો. આ વખતનું ચોમાસુ કોરું જશે એવી જોશીબાપાએ આગાહી કરી હતી. ઘણી વાર સુધી આકાશને તાકતો રહ્યો.
અચાનક કોઈએ ખભે હાથ દીધો ને વિચારોની તંદ્રા તૂટી.
"બી ગયા ને મારાથી ?" રાધા હસીને બોલી.
"હા" એણે ગંભીરતાથી કીધું.
રાધા બધું જાણતી છતાં અજાણ હોવાનો ઢોંગ કરતા બોલી: "શું થયું છે ? કેમ બરાબર બોલતા નથી ? મારાથી કોઈ ભૂલ થઈ ?"
"ના રે, આતો અમસ્તું જ..ચાલ હું જાઉં ત્યારે મારે ઘણું કામ છે.." જવાબની રાહ જોયા વગર એણે ચાલતી પકડી. રાધા પણ તેજ ચાલે ઘર તરફ ..
કાનજી ને મનજી બેઉ ભાઈમાં કાનજી નાનો પણ સમજુ ને હોશિયાર. મનજીને ત્યાં દેવના દીધેલ બબ્બે દીકરા. કાનજી ને રાધાના ઘરસંસારને બાર બાર વરસ થયા પણ હજી સુધી વાંજીયાપણાનું મેણું ભાંગી શક્યા ન'તા. બેઉ પતિપત્ની એકબીજાના દુઃખોને સારી રીતે સમજતા પણ એકબીજાની આગળ કદી ચર્ચા ના કરતા..એ દુઃખી થાશે તો..એમ વિચારી બેઉ છૂપાવતા.
જેઠાણી રમા પણ ટાણે કટાણે રાધાને સંભળાવવાનો એક પણ મોકો ચૂકતી નહીં. સાસુ જલીડોશી જીવ્યા ત્યાં લગી રોજ નિસાસા નાંખતા. એમને પણ યમરાજનું તેડું આવ્યું ને અતૃપ્ત મને સ્વર્ગની વાટ પકડી. મા ના ગયા પછી ઘર કંકાસ વધી જતાં બંને ભાઈ જુદા થયા.
ઘણા કાનજીને બીજી વાર પરણવાની વણમાંગી સલાહો આપતા. ખુદ રાધાએ પણ ધણીને બીજા લગન કરવા મનાવા ખૂબ પ્રયત્ન કર્યો પણ કાનજી એવું પાપ કરવા લગીરે ના માન્યો.
"જેઠાણીને બીજો છોરો આવ્યો ને ઓલી રાધલી વાંઝણી રહી ગઈ.." ગામમાં પીઠ પાછળ આવું ઘણું સાંભળતી. કેટલીક તો વળી એને અપશુકનિયાળ માનતી પોતાના છોકરાંને એનાથી છૂપાવતી. રાધા જાણે ગામ આખાને ભરખી જવાની હોય એમ બધા જોતા.
હદ તો ત્યારે થઈ જ્યારે પડોશમાં રહેતી કુસુમનો એકનો એક દીકરો રાધાના ઘરે રમવા આવ્યો ને એની મા એનો હાથ જાલીને ઘરે લઈ ગઈ. ઘેર જતા જ આંચકી આવી ને એનું પ્રાણ પખેરું ઊડી ગયું. એ પછી સૌ એને ડાકણ માનવા લાગ્યા. પણ રાધા જેનું નામ. આટ આટલું દુઃખ તોય હસતી રહેતી.
એક દિવસ જેઠાણીનો નાનકો રમતા રમતા કૂવામાં પડી ગયો. એની માં એ બૂમાબૂમ કરી મૂકી ત્યાંતો રાધાએ બૂમ સાંભળીને કશું વિચાર્યા વગર એને બચાવવા કૂવામાં ઝંપલાવ્યું...કાનજી ને બીજા માણસો એકઠા થઈ ગયા. કૂવામાં રાશ નાખીને નાનકાને બચાવી લેવાયો પણ રાધા..એણે કાનજી તરફ જોયું ને બે હાથ જોડ્યા..કાનજી એની આંખમાં ઈરાદો પારખી ગયો.. ઘણા કાલાવાલા કર્યા પણ રાધાએ છેલ્લા રામરામ કીધા.
