Sharad Trivedi

Drama Romance

5.0  

Sharad Trivedi

Drama Romance

ઈન્ટરનેટથી અંતરનેટ

ઈન્ટરનેટથી અંતરનેટ

3 mins
424


  આજે તમારા દીકરા ઋષિના લગ્ન છે. એ ચૉરીમાં આહુતિ સાથે ફેરા ફરી રહ્યો છે. તમે એને પરણવા માટે છેક પાલનપુરથી પોરબંદર સુધી લાંબા થયા છો. હા, ચિરંતન. જેની સાથે તમારા દીકરા ઋષિના લગ્ન થઈ રહ્યા છે, તે આહુતિના ઘરનાને પણ તમે છેલ્લા છ માસથી ઓળખો છો. હા પહેલા સાવ અજાણ્યા અને હવે તમારા સબંધી બનેલા ચિરાગ શુકલ પોરબંદરના જ રહેવાસી છે. તો મારો સવાલ એ છે કે તમારે પોરબંદર સુધી લાંબા થવાની જરૂર શી પડી?


      ઋષિ અને આહુતિ પણ કંઈ એક સાથે ભણતા નહોતા કે તેમનો પ્રેમ થઈ જાય અને તમારે ઋષિને પરણાવવા માટે અહીં સુધી આવવું પડે. હા ચિરંતન, તમારો ઋષિ એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ, અમદાવાદમાં ભણેલો ઇલેક્ટ્રિક એન્જિનિયર છે  અને વડોદરા ખાતે જોબ કરે છે. જ્યારે આહુતિ પોરબંદરમાં જ ભણેલી એમ.એ.બી.એડ. છે અને નોકરીની તલાશમાં છે. તો પછી તમારે છેક અહીં શું કામ આવવું પડ્યું, ચિરંતન?


વાત જાણે એમ છે કે તમારો ઋષિ એક સારો ગાયક છે, સામે પક્ષે આહુતિ પણ. બંનેની મુલાકાત ફેસબુક પર થયેલી. સંગીત સાધના નામના ફેસબુક પેજ પર. બંનેના એક સરખા શોખના કારણે પરિચયમાં આવ્યાં. એફ.બી.ફ્રેન્ડ બન્યાં. એકબીજાની પોસ્ટ લાઈક કરતાં-કરતાં એકબીજાને લાઈક કરવા લાગેલાં. પછી તો વોટ્સઍપ નંબરની આપ-લે થઈ. પછી ચેટિંગ, વિડીયો કૉલના સથવારે એકબીજા સાથે જીવવાના કૉલ આપી બેઠેલાં બંને.


બંનેએ પોતાના પરિવારની એ બાબતની જાણ કરી. પછી તમે અને ચિરાગ શુકલે બન્ને મોબાઈલ પર આ અંગે વાત કરી. તમે બંને પરિવાર વેલ એજ્યુકેટેડ અને આધુનિક વિચારધારા ધરાવતાં હોવાથી આ બાબતે મળવાનું ગોઠવાયું. દીકરા-દીકરીના નિર્ણય પર બંને પરિવારે મંજૂરીની મહોર મારી. આમ આહુતિ અને ઋષિની ફેસબુક મિત્રતા તમને પાલનપુરથી પોરબંદર સુધી લઈ આવી છે ચિરંતન.


     ઈન્ટરનેટની ઓળખાણ આખરે અંતરનેટ સુધી પહોંચી ગઈ. વાત આટલેથી અટકતી નથી ચિરંતન. પોરબંદર સાથે તમારો જૂનો નાતો છે. કોલેજકાળ દરમિયાન તમે યુનિવર્સિટી યુવક મહોત્સવમાં ભાગ લેતાં. એક વખત ઝોન કક્ષાના યુવક મહોત્સવ તમે એકપાત્રિય અભિનયમાં તમારી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવાં ગયેલાં. ત્યારે એ જ વિભાગમાં ધારા નામની એક છોકરી એની યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા આવેલી. એ પોરબંદરની જ હતી. એકપાત્રિય અભિનયની સ્પર્ધા યોજાયેલી. તમારો પ્રથમ અને ધારાનો બીજો નંબર આવેલો. ત્રણ દિવસના એ યુવક મહોત્સવમાં તમારે અને ધારાને સાથે રહેવાનું થયેલું. અભિનયના એક સરખા શોખના કારણે બંનેનો પરિચય પણ ખાસ્સો કેળવાયેલો. ત્રણ દિવસ પછી તમે છૂટાં પડેલાં. બાય- બાય કહેતી ધારા તમારા મનમાં વસી ગયેલી. એના મનમાં શું હતું એ ખબર નહી પણ તમારાં મનમાં કંઈક હતું એ ચોકકસ. પણ કયાં પોરબંદરને કયાં પાલનપુર? સમય જતાં ધારા ભુલાઈ ગયેલી. આ તો પોરબંદરની વાત નીકળી એટલે યાદ આવી.

     

એ વખતે ઈન્ટરનેટ વગરની દુનિયા હતી. શાયદ ઈન્ટરનેટ હોત તો તમે ધારાને શોધી કાઢી હોત. એવુંય બનત કે તમારી એ શોધ ચિરંતન-ધારામાં ફેરવાઈ જાત. જો એવું બન્યું હોત તો પાલનપુરનો પોરબંદર સાથેનો આ સબંધ સત્યાવીસ પહેલાં જોડાઈ ગયો હોત.

અરે હા ચિરંતન, એ ધારા ફેસબુક પર છે. આજે યાદ આવી જ છે તો સર્ચ કરજો. અલબત્ત એ માટે તમારે ધારા હિરેન શાસ્ત્રી સુધી પહોંચવું પડશે. કદાચ સત્યાવીસ વર્ષ પહેલાંની ધારાને તેના પ્રોફાઈલ ફોટો પરથી તમે ન પણ ઓળખી શકો.

દીકરાના લગ્નની મુબારકબાદી ચિરંતન.


Rate this content
Log in

Similar gujarati story from Drama