JHANVI KANABAR

Drama

4.3  

JHANVI KANABAR

Drama

ઈન્ટરનેટ - ટેક્નોલોજી કે રોગ ?

ઈન્ટરનેટ - ટેક્નોલોજી કે રોગ ?

4 mins
11.5K


આજની મારી આ વાર્તા 13 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ માટે છે, જેમના જીવનમાં ઈન્ટરનેટ એક અભિન્ન અંગ બની ગયું છે. હજુ કાલે જ મેં સમાચારમાં જોયું કે કેટલાક ટીનએજ બાળકો ઈન્ટરનેટનો દુરુપયોગ કરી રહ્યા છે. તેઓની માનસિકતા પર ઈન્ટરનેટનો દુઃપ્રભાવ જોવા મળ્યો છે. આવા બાળકો આગળ જતા સમાજ માટે ખતરો બની શકે છે. તેમને આજથી જ રોકવા એ આપણું પ્રાથમિક કર્તવ્ય છે. તેમની માનસિકતાને બીજી તરફ વાળવી જોઈએ, માતા-પિતાએ પૂરતુ ધ્યાન આપવું જોઈએ તેમજ તેમને મનોરંજન માટે સારી સામગ્રી પૂરી પાડવી જોઈએ. આજે આ વાર્તા દ્વારા હું તમામ બાળકોને કંઈક સંદેશ આપવા માંગુ છું.

******

રોનક આજે ખૂબ ખુશ હતો. આજે તેનો 13મો જન્મદિવસ હતો દરેક જન્મદિવસની જેમ આજે પણ મમ્મી-પપ્પા તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ મળવાની હતી. સવારે ઊઠતા જ દોડીને ડ્રોઈંગરૂમ તરફ દોટ મૂકી. મમ્મી-પપ્પા અને દાદાએ હેપી બર્થ ડે ટુ રોનક.... ગાવા લાગ્યુ. સામે જ ચોકલેટ આલ્મન્ડ કેક મૂકી હતી. રોનક દોડીને આવ્યો દાદાને ભેટી પડ્યો. મમ્મી-પપ્પાને કિસ કરી થેન્કયુ કહ્યું. કેક કટીંગ કરી. કેક દાદાના અને મમ્મી પપ્પાના મોં માં મૂકી તરત જ ગીફ્ટ માટે હાથ લંબાવ્યો. દાદા એ ગીફ્ટ પેક રોનકના હાથમાં મૂકી દીધું. તરત જ ગીફ્ટ પેક ખોલ્યું તો તેમાંથી એક મૂર્તિ નીકળી. ત્રણ બંદરોવાળી....રોનક ને નવાઈ લાગી... `આ શું દાદા ?' રોનકે પૂછી લીધું.... `એ હું સમજાવીશ.. આજે તારે મારી જોડે આમને મળવા પણ જવાનું છે... આવીશને ? એમને મળીને તારા મમ્મી-પપ્પા જોડે ડિનર પર જઈશું... બોલ...' `ડન દાદુ.. લવ યુ...' રોનકે કહ્યું. હવે રોનકની નજર પપ્પા-મમ્મી બાજુ હતી જે ગિફ્ટ માંગી રહી હતી... પપ્પાએ એક સુંદર રિબનવાળું લેપટોપ રોનકને હાથમાં આપ્યું. રોનકની આંખો ફાટી ગઈ. તેનો આનંદ આજે ચરમસીમા પર હતો. થેન્કયુ કહી જોરથી તે પપ્પાને વળગી પડ્યો. સાંજ પડી.. દાદા અને રોનક તૈયાર થઈ નીકળી પડ્યા. દાદાએ ટેક્ષીને ગાંધી આશ્રમ પાસે રોકી. રોનક અહીં પહેલા પણ આવી ગયો હતો પણ એને બહુ યાદ નહોતું. દાદાએ ગાંધી આશ્રમમાં રોનકને બધુ સમજાવા માંડ્યું. ગાંધીબાપુનો રેંટિયો, તેમના ચશ્મા, લાકડી... મહાદેવભાઈનો ઓરડો, પ્રાર્થનાસભા, કસ્તુરબા વિશે પણ માહિતી આપી.. રોનકને મજા આવી.. એક જગ્યાએ રોનક અચાનક અટકી ગયો. દાદાએ આપેલી ગીફ્ટ જેવા ત્રણ વાંદરા... રોનકે દાદાને કહ્યું, `દાદા હું પહેલા આવ્યો હતો અહી પણ આજે જેટલુ સમજી શક્યો એટલી પહેલા મજા નહોતી આવી.. હવે કહો આ ત્રણ વાંદરા... એક જોતો નથી.. એક બોલતો નથી અને એક સાંભળતો નથી.. આનું રહસ્ય શું ?'

દાદાએ રોનકને સમજાવતા શરૂ કર્યું... `જો બેટા.. આના દ્વારા ગાંધીબાપુએ આપણને જીવનમાં ઉતારવા જેવી કેટલીક શીખ આપી છે... જેમ કે આ પહેલું બંદર કહે છે કે, કંઈ ખરાબ કે દુષ્કર્મ જોવું ન જોઈએ. બીજુ બંદર જેણે મોં બંધ કર્યું છે, એ કહેવા માંગે છે કે આપણે કોઈની નિંદાકુથલી ન કરવી જોઈએ અને ખરાબ ન બોલવું જોઈએ અને ત્રીજુ બંદર જેણે કાન બંધ કર્યા છે, એ કહેવા માંગે છે કે, કંઈ જ ખરાબ વાત સાંભળવી ન જોઈએ. આમ, આ બંદરો આપણને જીવન જીવવાની સાચી રીત સમજાવે છે.' દાદાએ વાત પૂરી કરતા કહ્યું.

`ઓહ વાઉ દાદા.. કેટલી સમજવા જેવી વાત આ રમકડા દ્વારા સમજાવામાં આવી છે. થેન્કસ દાદા..' રોનકે હસીને કહ્યું. રોનકના મમ્મી પપ્પા આવી ગયા અને બધા જ ડિનર કરવા નીકળ્યા. બધુ પતાવી લગભગ રાતે 10 વાગતા ઘરે પહોંચ્યા.

રોનક હવે પપ્પાએ આપેલુ લેપટોપ જોવા નવરો પડ્યો. તેણે ફટાફટ ચેન્જ કરી પથારીમાં જઈ લેપટોપ ઓન કર્યું. બધા ફીચર્સ જોઈ લીધા. ઈન્ટરનેટ ઓન કર્યું. આખરે તેની આંખો ઘેરાવા લાગી એટલે ઓફ કરી સૂઈ ગયો. ગાંધી આશ્રમ.. ત્રણ બંદરો... જાણે એક-એક બંદર રોનકને કાનમાં કંઈક સમજાવી રહ્યા હતા... રોનક સફાળો જાગી ગયો.. સવાર પડી ગઈ હતી.. રોનક આંખો ચોળતો દાદા પાસે આવ્યો અને સપનાની વાત કરી. દાદા જોરથી હસી પડ્યા. રોનકને પ્રેમથી માથે હાથ ફેરવતા દાદાએ પૂછ્યું, `કાલે તું લેપટોપમાં શું કરતો હતો ?' `ઈન્ટરનેટ ઓપન કર્યું હતું.' રોનકે જવાબ આપ્યો. દાદા સમજી ગયા.. રોનકે નાસ્તો કરી લીધો પછી દાદા તેને લઈ ગાર્ડનમાં ટહેલવા નીકળ્યા. દાદાએ ચાલતા ચાલતા રોનકને કહ્યું, `બેટા રોનક, આ ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં પહેલા તું એ ત્રણ બંદરોની વાત યાદ કરી લેજે, પહેલું બંદર જે કહે છે કે ખરાબ ન જોવું, આજકાલ ઈન્ટરનેટ પર ઘણું બધું એવુ દેખાડાય છે જેને જોવાથી ચારિત્રયનું પતન થાય છે, માટે એ ધ્યાન રાખવું જોઈએ. બીજો બંદર કહે છે, કંઈ ખરાબ ન બોલવું, ઈન્ટરનેટ પર એકબીજાના ધર્મ પર ખરાબ ટિપ્પણીઓ કરવામાં આવે છે. અપમાનજનક શબ્દો બોલવામાં આવે છે. માનવી એકબીજાને નીચા દેખાડવા ગમે તેમ બોલે છે એ ન કરવું જોઈએ. ત્રીજો બંદર કહે છે, ખરાબ સાંભળવું ન જોઈએ. ઈન્ટરનેટ પર આજે એકબીજાની વિરૂદ્ધ જે અપશબ્દો કે ભાષા વાપરવામાં આવે છે એ સાંભળવું પણ પાપ છે. માટે કોઈની બુરાઈ સાંભળવી ન જોઈએ.' દાદાએ વાત પૂરી કરતા રોનકની સામે જોયું.

રોનક ધ્યાનથી દાદાને સાંભળી રહ્યો હતો. તેણે દાદાનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું, `હવે સમજાયું દાદા કે કાલે રાતે સપનમાં મને ત્રણ બંદર કેમ આવ્યા હતા... તે પણ કદાચ મને કંઈક સમજાવવા માંગતા હતા. દાદા તમે મને જે કહ્યું છે એ હું હંમેશા ધ્યાન રાખીશ.'

દાદાએ રોનકને કહ્યું, `ઈન્ટરનેટ કંઈ ખરાબ છે એમ નથી બેટા, પરંતુ તેનો ઉપયોગ આપણા હાથમાં છે. આપણે જ્ઞાન વધારવા તેમજ સાત્વિક મનોરંજન માટે જ તેનો ઉપયોગ કરવો જોઈએ. એટલું જ મારુ કહેવું છે.'

`પ્રોમિસ દાદા.. હું ધ્યાન રાખીશ.' રોનકે દાદાને કહ્યું.

`ચાલ જલદી, આજે મને તારુ લેપટોપ દેખાડ.. મને પણ શીખવાડજે હો....' દાદાએ રોનકને હાથ પકડી ઘર તરફ ખેંચી જતા કહ્યું...


Rate this content
Log in

Similar gujarati story from Drama