Prashant Subhashchandra Salunke

Fantasy Inspirational Others

4.6  

Prashant Subhashchandra Salunke

Fantasy Inspirational Others

ઈનામ

ઈનામ

6 mins
374


“કૂતરા જોવા મને દીઠા ગમતા નથી. ખબર નહીં લોકો કેમ પોતાના ઘરમાં કૂતરાઓ પાળે છે. દીનીયા, તું નથી જાણતો પરંતુ આ કૂતરાઓને કારણે મારો ચોરીનો ધંધો ચોપટ થઈ ગયો છે. અરે ! સ્વપ્નમાં પણ મારી પાછળ ડાઘીયો કૂતરો દોડતો હોય તેમ મને દેખાયા કરે છે.”

“રઘુ, કૂતરાની આટલી જ બીક લાગતી હોય તો પછી તું મારી જેમ પાકીટમારી કેમ કરતો નથી ?”

“ના રે ના. એવા છૂટક ધંધામાં આપણને જરાયે રસ નહીં. લોકો પાકીટમાં રાખી રાખીને કેટલા રૂપિયા રાખે ? તું દસ પાકીટ મારી જેટલું કમાવે છે તેનાથી દસ ગણું હું એક ઘરમાં સેંધ લગાવી કમાવી લઉં છું.”

“એ વાત પણ સાચી.”

“રાજ લક્ષ્મી સોસાયટીમાં એક બગલો જોયો છે. જોઈએ આજે રાતે કેટલું નસીબ જોર કરે છે.”

“સેંધ લગાવતા પહેલા એ ઘરમાં કૂતરો છે કે નહીં તેની તપાસ જરૂર લગાવી લેજે.”

“લગાવી છે.”

“કૂતરા નથી ?”

“છે. બે ! કાળા રંગનો જેકી અને ભૂખરા રંગનો ટોમી”

“હે ભગવાન ! બે કૂતરા અને છતાં તું ત્યાં સેંધ લગાવવાનું વિચારી રહ્યો છું ?”

“શું કરીએ બાપા... આપણે કૂતરા હોય એવા ઘરમાં જ ચોરી કરવી પડે.”

“હું કંઈ સમજ્યો નહીં.”

“સાંભળ, લોકો ઘરમાં કૂતરા કેમ રાખે છે ?”

“ચોરી થાય નહીં એટલે ?”

“બરાબર, હવે ઘરમાં ચોરી થવાની બીક કોને હોય ?”

“જેમના ઘરમાં ભરપુર પૈસો હોય.”

“હવે સમજ્યો ?”

“વાહ ! તારું લોજીક જોરદાર છે.”

“દોસ્ત, આ ધંધામાં લોજીક જ રાખવું પડે નહીંતર ભૂખે મરવાનો વારો આવે.”

“પણ એ બે કૂતરાઓનું શું ?”

“મને તેમની કોઈ ચિંતા નથી.”

“કેમ ?”

“મેં તપાસ લગાવી છે. તેમનો માલિક રોજ રાતે તેઓને બગીચામાં બાંધી રાખે છે.”

“વાહ ! એટલે આજ રાતે તારી ચાંદી જ ચાંદી છે.”

બંને મિત્રો આનંદથી છુટા પડ્યા.

એ રાતે રઘુ બંગલામાં ચોરી કરવા પ્રવેશતા પહેલા બગીચામાં કૂતરા બાંધેલા છે કે નહીં તે જોવા ગયો. જયારે તે બગીચાના ગેટ પાસે પહોંચ્યો ત્યારે તે ખુલ્લો હતો ! આ જોઈ રઘુને આશ્ચર્ય થયું. ગેટ પાસે જઈ જયારે તેણે બગીચાની અંદર જોયું તો આશ્ચર્યનો બીજો ઝટકો લાગ્યો. કારણ ત્યાં કૂતરાઓ નહોતા ! રઘુએ ધ્યાનથી જોયું તો બંને સાંકળ તૂટેલી જણાતી હતી. હવે રઘુ આખો મામલો સમજી ગયો. કોઈકે ભૂલથી બગીચાનો ગેટ ખુલ્લો રાખ્યો હતો જેનો લાગ લઈ બંને કૂતરા ભાગી છૂટ્યા હતા ! રઘુના માર્ગમાં જે બે કાંટા હતા તે આમ વગર પ્રયત્ને દૂર થઈ ગયા હતા. ખુદના નસીબની પ્રશંસા કરતો રઘુ બેધડક બંગલામાં પ્રવેશ્યો. બે માળના એ બંગલાની પાછળની દીવાલ પર એક ગટરની પાઈપ હતી જે સીધી અગાશી પરથી નીચે આવતી હતી. રઘુએ ચોમેર નજર ફેરવી. સબસલામતની ખાતરી થતા તે પાઈપને સહારે સડસડાટ ઊપર ચઢી ગયો. અગાશી પર પહોંચી તે પગથિયાં ઊતરી બીજા માળે પહોંચ્યો. અહીં માસ્ટર કી ના સહારે તેણે કબાટો ખોલવાના શરૂ કર્યા. પરંતુ ત્યાં કપડા સિવાય બીજું કશું નજરે ચડ્યું નહીં. ખૂબ તલાશી બાદ પણ કશું હાથ ન લાગતા રઘુ કંટાળીને પલંગ પર બેઠો. ઓચિંતી તેની નજર ટેબલ પર મુકેલા કાગળિયાં પર પડી. કાગળિયાં જોઈ રઘુને તેમને જોવાનું કૂતુહલ થયું. ધીમે પગલે તે કાગળિયાં પાસે પહોંચી તેમને જોવા લાગ્યો. કાગળિયાં જોતા જોતા રઘુના ધ્યાનમાં આવ્યું કે બંગલાનો માલિક નાદાર જાહેર થયો હતો. ખલાસ ! પોતે કરેલી જહેમત પર પાણી ફરી વળ્યું હતું ! જે માલિકને છોડીને તેના કૂતરા પણ ભાગી ગયા હોય તેની ઘેર પોતે ચોરી કરવા આવ્યો છે તે વિચારી રઘુને હસવું આવ્યું. પરંતુ તેના ચહેરા પર હાસ્ય વધુ ટકી શક્યું નહીં. અને તેનું કારણ હતું નીચેના માળમાંથી આવી રહેલ કૂતરાઓના ભસવાનો અવાજ ! ઓ બાપરે ! મતલબ કૂતરાઓ ઘરમાં જ હતા ! અને તે પણ છુટા ! રઘુ ત્યાંથી ભાગી છૂટવાનું વિચારતો જ હતો કે ત્યાં તેની નજર સામેના દરવાજા પર જતા તેના પગ નીચેની ધરતી સરકી ગઈ. ત્યાં જમ સમો કદાવર ટોમી ઊભો હતો. હજુ રઘુ કઈ સમજે તે પહેલા તો ટોમીએ તેની પેન્ટ ઝાલી તેને ખેંચવા માંડ્યો. રઘુ તેની ચુંગલમાંથી છટકવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ ટોમીની પકડ મજબૂત હતી. ટોમી તેને ધસડતો ધસડતો પગથિયાં પાસે લઈ આવ્યો. રઘુ ખુદને સંભાળે એ પહેલા તો ટોમીએ તેને પગથિયાં પર ધસેડવાનું શરૂ કર્યું. “બાપરે ! આ કૂતરો તો મને તેના માલિક પાસે લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો છે.” ગભરાયેલા રઘુએ પૂરી તાકાતથી ટોમીના મોઢા પર લાત મારી. ટોમી એક ચીસ પાડતો દૂર ઊછળી પડ્યો. રઘુ ફટાફટ પોતાની જગ્યાએથી ઊભા થઈ ભાગવાનો પ્રયાસ કરી જ રહ્યો હતો ત્યાં ઘૂરકાટ સાથે ટોમીએ પાછી રઘુની પેન્ટ ઝાલી. નીચેના ઓરડામાંથી જેકીના ભસવાનો અવાજ. પગથિયાં પર રઘુને ઘસડી રહેલા ટોમીનો ઘૂરકાટ આખા વાતાવરણને ભયાવહ બનાવી રહ્યું હતું. આખરે ટોમી રઘુને ધસડીને એક ઓરડા પાસે લઈ આવ્યો. રઘુ બરાબરનો ગભરાયેલો હતો. પરંતુ ઓરડામાંથી જેકીના ભસવાના અવાજ સાથે “ગુ... ગુ...” ના ગુંગળામણનો અવાજ સાંભળી રઘુ ચોંકી ઊઠયો. સહેજ બારણાને ધક્કો મારી તેને અંદર જોયું તો તે દંગ રહી ગયો. બંગલાના માલિકે ટેબલને લાત મારી દૂર ધકેલ્યો હતો અને તે પંખા પર બાંધેલ દોરીના સહારે હવામાં ઝૂલી રહ્યો હતો. ગળેફાંસો લઈ મરવાનો પ્રયત્ન કરી રહેલા માલિકને બચાવવા જેકી તેના પગ નીચે ઊભો રહી તેને ટેકો આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. રઘુને જોતા જ જેકીએ કારમી ચિચિયારી પાડી. તેની ચીસ સાંભળી રઘુ ભાનમાં આવ્યો અને તરત ટેબલ ઊઠાવી બંગલાના માલિકના પગ નીચે મૂક્યો. “આ... આ... શું કરી રહ્યા હતાં ?”

ઝડપથી રઘુએ બંગલાના માલિકના ગળામાંથી રસ્સી કાઢી અને તેને પલંગ પર લેટાવ્યો. એટલીવારમાં ટોમી ટેબલ પર પડેલી પાણીની બોટલ લઈ આવ્યો. રઘુએ બોટલમાંના પાણીનો છંટકાવ કરતા બંગલાનો માલિક હોશમાં આવ્યો.

“આ... આ... શું કરી રહ્યા હતાં ?”

“હું... હું...” આટલું બોલતા બોલતા બંગલાનો માલિક રડી પડ્યો.

રઘુએ સાંત્વના આપતા કહ્યું, “સાહેબ, બધા દિવસો સરખા રહેતા નથી. જેમ તમારા સુખના દિવસો આવીને જતા રહ્યા તેમ આ દુ:ખના દિવસો પણ વિતી જશે. આત્મહત્યા એ ઊપાય નથી.”

ટોમી અને જેકીએ આવીને રઘુને વહાલથી ચાટવાનું શરૂ કર્યું.

બંગલાના માલિકે કહ્યું, “તમારી વાત સાચી છે. ખરેખર હું ખૂબ મોટી ભૂલ કરી રહ્યો હતો.”

રઘુએ વહાલથી કૂતરાને પંપાળવાનું શરૂ કર્યું. તેણે વિચાર્યું, “મૂંગા પ્રાણી પણ કેટલા વફાદાર હોય છે. પોતાના માલિકને બચાવવા તેઓ લોખંડની જાડી સાંકળને તોડીને ભાગ્યા હતાં.”

ટોમી અને જેકી વહાલથી રઘુને ચાટી રહ્યા હતાં. આ જોઈ બંગલાનો માલિક બોલ્યો, “તમે ખૂબ ભલા માણસ લાગો છો. કૂતરા એવા લોકોને જ પ્રેમ કરે છે જે દિલથી સારા હોય છે.”

રઘુએ મનમાં વિચાર્યું, “ખરેખર, હું ખરાબ કૃત્યો કરતો હતો એટલે જ કૂતરાઓ મને જોઈને ભસતા હતાં. આજે જયારે મેં સારું કાર્ય કર્યું છે ત્યારે તેઓ મને જોઈને પૂંછડી પટપટાવી રહ્યા છે. જો સારા માણસની આજ ઈજ્જત હોય તો આજ પછી હું ક્યારેય ચોરી નહીં કરું. હવે હંમેશા સત્કાર્યો જ કરીશ. સૂકી રોટલી ખાઈશ પરંતુ મહેનતનું કમાવીને.”

“પરંતુ તમે અહીંયા આવ્યા કેવી રીતે ?” બંગલાના માલિકે પૂછેલા પ્રશ્નથી રઘુ ચોંક્યો. “હવે શું જવાબ આપવો ? જો પોતે ચોરી કરવા આવ્યો હતો એ વાતની જાણ બંગલાના માલિકને થશે તો ! !” આગળની કલ્પનામાત્રથી રઘુ ધ્રુજી ઉઠ્યો. રઘુ શો જવાબ આપવો તે વિચારતો જ હતો ત્યાં ટોમીએ પૂંછ પટપટાવી માલિક તરફ જોયું. એ જોઈ બંગલાના માલિકે કહ્યું, “અચ્છા આ મહાશય તમને અહીં લઈ આવ્યા હતા. દોસ્ત, ખરેખર આજે આ કૂતરા ન હોત તો મારું મૃત્યુ નિશ્ચિત હતું.”

રઘુએ નિરાંતનો શ્વાસ લીધો. “ચાલો તો હું જઉં છું.”

બંગલાના માલિકે કહ્યું, “દોસ્ત, કેવી મારી લાચારી છે કે મારા જીવ બચાવનારને હું ઈનામ પણ આપી શકતો નથી.”

રઘુએ હસીને કહ્યું, “તમને કોણે કહ્યું કે મને મારું ઈનામ નથી મળ્યું ?”

બંગલાનો માલિક આશ્ચર્યથી ઓરડામાંથી બહાર જઈ રહેલા રઘુને જતા જોઈ રહ્યો.

*****

એ રાતે રઘુને સપનામાં પોતાને કૂતરા વહાલથી ચાટી રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું. સ્મિત સાથે પડખું ફેરવતા રઘુએ વિચાર્યું કે, “ટોમી અને જેકીએ મારા અંદરની માણસાઈ જગાવી તેનાથી મોટું મારા માટે બીજું શું હોઈ શકે ઈનામ !”  


Rate this content
Log in

Similar gujarati story from Fantasy