STORYMIRROR

Pallavi Gohel

Drama Inspirational

4  

Pallavi Gohel

Drama Inspirational

ઈમાનદારીનું ઈનામ

ઈમાનદારીનું ઈનામ

3 mins
292

રઘુનાથ રાય એટલે મુંબઈ શહેરમાં શેર બજારમાં મોટું નામ. સહુ કોઈ જાણતાં હતાં કે અમુક વર્ષો પહેલાં આજ રઘુનાથ રસ્તે રઝડતો રઘુ હતો, ચોરી ચકારી કરીને ગુજરાન ચલાવનાર રઘુ એક દિવસ મુંબઈનાં માફીયા સાથે જોડાઈ ગયો. પોતાની ચાલાકીથી એણે બે નંબરી પૈસાની ઈમારત ઊભી કરી દીધી. આજની તારીખમાં હવે એજ રઘુ, રઘુનાથ શેઠ બની મુંબઈ શહેર પર રાજ કરતો હતો. અઢળક પૈસાનાં ઢગલાં વચ્ચે પણ રઘુને ક્યારેય મનની શાંતિ મળતી નહોતી, આખરે હતી તો એ હરામની જ કમાણીને...! 

મનની શાંતિ પામવા માટે એ દારૂની લત લગાડી બેઠો હતો. તેનો રોજનો નિયમ હતો રાત્રીનાં દસ વાગ્યે સોનાબારમાં જવાનું અને એ બાર બંધ થાય ત્યાં સુધી દારૂ પીવાનો. બનવા જોગ એક દિવસ તેનો ડ્રાઈવર રજા પર હતો અને તે પોતે ગાડી ડ્રાઈવ કરી આવેલો. નિયમ મુજબ એ રાતનાં બાર વાગ્યે દારૂનાં નશામાં લથબથ, લથડીયાં ખાતો પોતાની કાર સુધી પહોંચ્યો. બારની બહાર રાખેલી ડસ્ટબીનમાંથી ખાવાનું શોધતાં એક દસ વર્ષનાં બાળકનું ધ્યાન તેમની તરફ ગયું. એ બરાબર સમજી ગયો હતો કે આ સાહેબ ગાડી ચલાવી શકે તેવી સ્થિતિમાં નથી પણ શું કરે ! પોતે એક તો નાનો ઉપરથી એક ભીખારી શેઠ એને સાંભળે ખરો ? એ પણ આવાં નશામાં ધૂત થયેલાં. આ બધાં વિચારો વચ્ચે તો પણ એણે એ શેઠ અને તેની કાર પર પોતાની નજર ટેકવી રાખી.

રઘુનાથે જેવી ગાડી સ્ટાર્ટ કરીને સ્ટિયરીંગ ગુમાવ્યું એ તીવ્ર ગતિ સાથે આગળ વધી અને એક અંધારી શેરીમાં જઈ થાંભલા સાથે ધડામ કરતી અથડાઈ, અવાજ સાંભળતાં જ પેલો છોકરો તે દિશા તરફ દોડી ગયો. જોયું તો કારનો દરવાજો ખૂલી ગયો હતો અને રઘુનાથ બેભાન થઈ અડધાં કારની બહાર લટકી રહ્યા હતાં અને સાથે જ જમીન પર પૈસાથી ખચોખચ ભરેલી બ્રિફકેશ પણ ખૂલી પડેલી હતી.

પેલો છોકરાએ મૂઠ્ઠી વાળી દોડ મૂકી, નજીકમાં આવેલાં પોલીસ સ્ટેશન પહોંચી બધી વિગત કહી એ સાથે જ પોલીસની ટીમે ત્યાં પહોંચી બધું સંભાળી લીધું. લગભગ વીસ કલાક પછી રઘુનાથ ભાનમાં આવ્યાં. પોતાની સાથે બનેલ બનાવની સઘળી વિગત પોલીસે કહી સંભળાવી ત્યારે રઘુનાથનું હૃદય પેલાં છોકરાને મળી આભાર વ્યક્ત કરવા માટે અધીરું થઈ ઊઠ્યું. 

ઘણી તપાસ બાદ રઘુનાથનાં માસણોએ એ છોકરાને શોધી કાઢ્યો, તેઓ તેને રઘુનાથનાં બંગલો પર લઈ આવ્યા. રઘુનાથે તેને પૂછ્યું,"બેટા તારું નામ શું છે ?" પેલાં છોકરાએ જવાબ આપ્યો," લોકો મને છોટુ કહે છે." રઘુનાથે પછી પૂછ્યું," તારા માતા પિતા કોણ છે ? ક્યાં રહે છે ?" જવાબમાં છોટુએ કહ્યું, "ખબર નથી સાહેબ એકલો જ છું, ફૂટપાથ મારું ઘર છે અને તમે લોકો જે કપડાં, જમવાનું ફેકી દો છો એમાંથી મારા પૂરતું શોધીને લઈ લઉં છું."

રઘુનાથે તેને પૂછ્યું," હું તો બેહોશ થઈ ગયો હતો અને પૈસાથી ભરેલું બ્રિફકેશ પણ ત્યાં હતું,તો તે એમાંથી પૈસા કેમ ના લીધાં ? શું એ તારી જરૂરીયાત નહોતી ?"

છોટુએ તરત જ જવાબ આપ્યો," જરૂરીયાત તો છે પણ એ તો તમારી મહેનતનાં પૈસા હતાં, હું કઈ રીતે લઈ શકું ! હું મહેનત કરી મારા પૈસા જરૂર કમાઈશ પણ કોઈની મહેનતને હું આ રીતે મારી કરીને ના લઈ શકું." રઘુનાથે ખૂબજ ખુશ થતાં થતાં તેને હાથમાં પૈસા આપી કહ્યું,"આ તારું ઈનામ, તારી ઈમાનદારીનું, તારા હકનું જ તને આપું છું આ તો તું લેશેને ?" છોટુ એ કહ્યું," સાહેબ તમે મને ખરેખર ઈનામ આપવા ઈચ્છતા હોય તો મને પૈસા નહીં પણ સારી શાળામાં દાખલો કરાવી આપશો ? મારે ભણવું છે, ભણીગણીને ડોક્ટર બનવું છે. હું મોટો થઈ તમારો બધો કર્જો ચૂકવી દઈશ".

આ સાંભળી રઘુનાથનું કઠોર થઈ ગયેલું હૃદય મીણની જેમ પીગળવાં લાગ્યું, ક્યારેક પોતે પણ આવા સપનાઓ જોયાં હતાં પણ ગરીબીએ તેમને આ નરકનાં રસ્તે ચડાવી દીધાં હતાં. તેમનું હૃદય પરિવર્તન થઈ ગયું તેમણે હરામની આ કમાણીને અનાથાશ્રમમાં દાન કરી દીધી, છોટુને દત્તક લઈ પોતાનો દીકરો બનાવ્યો અને મહેનત કરી જીવનનું ગુજરાન ચલાવતાં ચલાવતાં છોટુને સારી શાળામાં ભણવાં પણ બેસાડ્યો. હવે તેમનાં અંતરને સાચી શાંતિ મળી ગઈ. છોટુને તેની ઈમાનદારીનું અનેરું ઈનામ મળ્યું સાથે સાથે રઘુનાથનું જીવન પણ સતકર્મો તરફ વળી ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Drama