હું કોણ છું
હું કોણ છું


અજાણ્યાં પગથિયાં ચડતાં પગ તો ધ્રુજી રહ્યાં હતાં અને આંખો પણ ચોમેર ફરતી ચારેય દિશાએ જોઈ રહી હતી કે મારું કોઈ જાણીતું મને આ અંધારી ગલીમાં જોઈ જશે તો મારા વિશે શું વિચારશે, એક આ અંધારી ગલી એના નામ જેટલી ખરાબ ઉપરથી અંધારી આ રાત એમાં પણ જો કોઈ મને કોઈ જોઈ ગયું તો મારું તો આવી બન્યું એવા અનેક સવાલ પત્રકાર વિહાનનાં મનમાં થઈ રહ્યાં હતા છતાં વિહાન હિમતભેર એક એક પગથિયું ચડી અંતે રજીમાઈનાં મુખ્ય દરવાજે પહોંચ્યો ખરો.
દરવાજે પહોંચી દરવાજો બહુ ખખડાવ્યો પણ અંદરથી કોઈ જવાબ ન મળતાં વિહાને આસપાસ નજર કરી તો દરવાજાથી થોડે દૂર એક બારી દેખાણી અંતે વિહાન એ બારી પાસે ગયો તો એ બારી અંદરથી ખુલ્લી હતી. એટલે વિહાને બારીમાં ડોકિયું કર્યું જોયુ તો અંદર એક મોટા હોલમાં રૂપરૂપનાં અંબાર પાંચ યુવતીઓ "સલામ કરનેકી આરઝૂ હૈ ઈધર જો દેખો સલામ કરલે" ગીત પર નૃત્યની પ્રેક્ટિસ કરી રહી હતી.
પણ વિહાનને તો ચાર વચ્ચે જે યુવતી હતી એની હાથની મુદ્રા અને એનું રૂપ,લીંબુની ફાડ જેવી આખો અને આંખોમાં આંજેલું કાજલ, કમર સુધીના કાળાભમ્મર કેશ, અને એમને પહેરેલ પગની પાની સુધીનો લાલ કલરનો અનારકલી ડ્રેસ પરથી એની નજર જાણે હટતી ન'હોતી, વારંવાર એ બસ એ યુવતીને નિહાળતો હતો અને મનોમન બોલતો હતો આ ઇન્દ્રની અપ્સરા આ અંધારી ગલીમાં. ? લગભગ આ ચંદા જ હોવી જોઈએ એવું અનુમાન લગાવી રહ્યો હતો, અને એ ચંદાના રૂપને એના માધુર્યને નિહાળવામાં એની પ્રશંશા કરવામાં એટલો મશગુલ હતો કે બાજુમાં ઉભેલો ચોકીદાર ક્યારનો વિહાનને સાબજીનું સંબોધન કરી બોલાવી રહ્યો હતો પણ વિહાનને કશી ખબર ન'હતી.
અંતે ચોકીદારે વિહાનના ખભા પર ટપલી મારી ત્યારે ખબર પડી કે પાછળ કોઈ બોલાવી રહ્યું છે,વિહાને પાછળ વડી જોયું તો પહેલા "ચોકીદારે કહ્યું સાબજી યે રજીમાઈકી ખીડકી હૈ, યહાસે તાકઝાક કરના બહાર વાલોકો મના હૈ, આપ કોન હો..? ક્યાં કામ હૈ..? આપ કો ક્યાં કામ હૈ આપ મુજસે કહો."
"વિહાન : આપ રજીમાઈ કો બોલો વિહાન શેઠ ન્યૂઝપેપર સે આયા હૈ ઔર આજકી હમારી અપોઇમેન્ટ હૈ."
ચોકીદારે ખિસ્સામાંથી ચાવી કાઢી બહારથી લોક ખોલી અંદર જઈ રજીમાને વિહાન વિશે જણાવ્યું. રજીમાએ વિહાનને અંદર લઈ આવવા માટે ચોકીદારને કહ્યું અને ચોકીદારે વિહાનને અંદર જવાનું કહ્યું અને વિહાનને અંદર ગયો.
વિહાન જેવો અંદર પ્રવેશ્યો કે ત્યાંના મકાનની વ્યવસ્થા જોઈ આંખો ચાર થઈ ગઈ. તેમને કોઈ ફિલ્મના શુટિંગનો સેટ લાગ્યો પ્રવેશતાં જ વિશાળ હોલ, હોલની ઉપર ફરતી રૂમો, અને વચ્ચોવચ દાદર અને એ દાદર પાસે મોટી ખુરશીમાં બેઠેલી જાજરમાન સ્ત્રીએ વિહાનને આવકારો આપતાં બોલી,
"તમારા ન્યુઝ પેપરના તંત્રી કાંતિભાઈએ મોકલ્યો છે હમણાં જ એમની જોડે વાત કરી એમને કહ્યું તને મોકલ્યો છે."
"વિહાન : હા પણ તમે કોણ..? તમને મેં ઓળખ્યા નહીં..?"
"પેલી સ્ત્રી : હું રજીમાઈ ,અહીંયા આવ ખુરશી પર બેશ હું ચંદાને બોલાવી લાઉ." આટલું કહી રજીમાઈ ચંદાને બોલાવવાં ઉપર ગયાં.
વિહાન ચંદાની રાહમાં હોલમાં બેઠો બેઠો નિરીક્ષણ કરી રહ્યો હતો, એટલામાં દાદરેથી ઝાંઝરનો ઝણકાર સંભળાયો વિહાન ખુરશી પરથી ઊભો થઈ ગયો, આગળ રજીમાઈ અને પાછળ વિહાને અનુમાન લગાડેલી યુવતી એટલે કે ચંદા એજ લાલ પગની પાની સુધીના અનારકલી ડ્રેસમાં સજ્જ,માથે નેટનો લાલ દુપટો ઓઢેલો, નીચી નજર વિહાન તો બસ એ સુંદરીને નિહાળવામાં એટલો મશગુલ થઈ ગયો કે બાજુમાં રજીમાઈ ક્યારે આવ્યાં એની પણ ખબર ન પડી.
રજીમાઈએ ખોંખારો ખાઈ બોલ્યાં "એ છોકરા જો આ ચંદા છે, તારે જે પૂછવું હોય એ પૂછી લે તારી પાસે માત્ર અડધી કલાકનો સમય છે, મારે થોડું કામ છે માટે બહાર જાઉં છું, ચંદા તું અહીં ખુરશી પર બેસ તને યોગ્ય લાગે તો જવાબ આપજે કંઈ જરૂરી નથી, ચાલ હું હમણાં આવી કહી રજીમાઈ ત્યાંથી ચાલતાં થયાં,"
અને વિહાન અને ચંદા ખુરશીમાં એકમેકની સામે બેસી વાર્તાલાપ શરૂ કર્યો. " વિહાન : હું વિહાન શેઠ ન્યૂઝપેપરમાં કામ કરૂં છું, તમારા વિશે એક આર્ટિકલ લખી રહ્યો છું. જેનું શિર્ષક છે હું કોણ છું...? એક એવી સ્ત્રીની વાત જે આટલી સુંદર છે છતાં પોતાનું જીવન આવી અંધારી ગલીમાં વિતાવી રહી છે એના જીવનમાં શું દુઃખ છે, એમની પીડા મારે લોકો સુધી પહોંચાડવી છે માટે હું તમારી પાસે આવ્યો છું."
" ચંદા : સારું તો તમે સવાલ પૂછી શકો છો."
" વિહાન : સૌપ્રથમ તો આપનું શુભનામ જણાવો."
"ચંદા : મારું નામ મને નથી ખબર."
"વિહાન : અરે...! આમ તે કંઈ ચાલે તમને તમારા ખુદના નામની નથી ખબર ...? ચાલો મેં માન્યું કે નામથી નથી ખબર તો એનું કારણ પણ જણાવો."
" ચંદા : હા મને મારા નામની નથી ખબર કે નથી મારા માતા પિતાની ખબર, કદાચ હું કોઈ કુંવારી મા નું પાપ પણ હોઈ શકું અથવા તો દીકરી થઈ જન્મી એટલે મને કચરાપેટીમાં ફેંકી દીધી હશે, આ તો રજીમાઈએ મને કચરાપેટીમાંથી ઉઠાવી એની છાતીએ ચાંપી મને દીકરી કરી ભણાવી ગણાવી મોટી કરી અને ચંદા નામ આપ્યું બસ ત્યારથી હું રજીમાઈની દીકરી અને રજીમાઈ મારી મા."
" વિહાન: તમે કહ્યું તમે ભણેલાં છો, તો શા માટે આ અંધારી ગલીમાં તમારું જીવન વ્યતીત કરી રહ્યાં છો..?
ભગવાને તમને આટલું સારું રૂપ આપ્યું છે તો તમે લગ્ન કરી અહીંથી શિફ્ટ કેમ ન થયા..?"
" ચંદા: રજીમાઈએ પણ મને આ અંધારી ગલીથી દૂર રાખવાની ઘણી કોશિશ કરી, મને કોઈ સારા ઘરના છોકરા સાથે પરણાવી સાસરે મોકલી દેવા માંગતા હતાં, પણ આ અંધારી ગલીની દીકરી છું એટલે અભાગણનો હાથ પણ કોણ ઝાલે એટલે આ અંધારી ગલીને જ મેં મારું ઘર અહીં બનાવી લીધું. અને અહીંયા રોજ આભે ચમકતા ચાંદની માફક હું પણ સોળેકળાએ ખીલી પુરુષોની મહેફિલમાં મારામાં રહેલી નૃત્યની કળા દ્વારા એમનું મનોરંજન કરું છું."
" વિહાન : ચંદા તમને આ અંધારી ગલીથી ડર નથી લાગતો..? તમારું આગળના ભવિષ્ય વિશે કંઈક તો વિચાર્યું હશે ને..?"
" ચંદા: જેનું કોઈ અસ્તિત્વ નથી જેને હું કોણ છું..? એ નથી ખબર નથી એને ડર શાનો. ડર તો સમાજમાં મનથી મેલાં અને તનથી ઉજળા થઈ રહેતાં લોકોને આ ગલીમાં આવતાં લાગે છે, છતાં અહીંયા એનો ચહેરો છુપાવી રોજ રાત્રે આ અંધારી ગલીમાં આવે છે. મેં મારા ભવિષ્ય વિશે કદી વિચાર્યું નથી પણ મનમાં તમારી સાથે વાર્તાલાપ કરી એક વિચાર આવ્યો કે મારી જીવન ઝરમર વિશે, મારી પીડા વિશે, મેં ભોગવેલા દુઃખો વિશે તમે મારા પર આર્ટિકલ લખી દુનિયાને જણાવવા માંગો છો,
તમે મને ઘણા સવાલ પૂછયા હું શું તમને એક સવાલ પૂછી શકું..?"
" વિહાન : એમાં પણ કઈ પૂછવાની વાત છે.એક નહીં બે સવાલ પૂછી શકો છો."
" ચંદા : હું તમને કેવી લાગી...?"
" વિહાન : કોઈ કવિ પણ પોતાની કલમે તમારા રૂપના વખાણ કરતા થાકી જાય તમે એટલાં સુંદર છો."
" ચંદા : મારા વિશે આર્ટિકલ લખવાનો કોઈ હેતુ તો હશેને તમારો..?"
"વિહાન : હા.. તમને આ નર્કથી દૂર કરી કોઈ યોગ્ય જગ્યા મળે બસ."
"ચંદા : તો તમે મારો હાથ ઝાલી અંધારી ગલીમાંથી ક્યાં રોશની તરફ લઈ જશો ? હું કોણ છું મારી ઓળખ કરાવશો..?"
વિહાન : કશું જ બોલ્યા વગર ખુરશી પરથી ઊભો થઈ ગયો. "ચંદાએ વિહાનનો હાથ પકડી વિહાનના હાથમાં રહેલો કાગળ ફાડી કહ્યું તમે હવે અહીંથી જઈ શકો છો...."