હું હવે ચૂપ નહીં રહુ
હું હવે ચૂપ નહીં રહુ
"મી.રસેશ કામમાં આવી ગફલત ના ચાલે. તમારી આવી બેદરકારીથી કંપનીની ક્રેડિટ ખરાબ થાય છે. સારું છે મિસ માયાએ ભૂલ સુધારી લીધી."
નતમસ્તક રસેશ બોસનો ઠપકો સાંભળી રહ્યો. કેવી રીતે કહું ભૂલ મારી નથી મિસ માયાની જ હતી. તમારી આગળ તેને સરસ રીતે કહેતા આવડ્યું. આગળની ભૂલ જેવો જ શબ્દ વાપર્યો અને ભૂલ મારી ગણાઈ ગઈ. હવે હું ચૂપ નહીં રહું.
કલ્પનાઓ કરવા લાગ્યો. પોતે પોતાની વાત બોસ આગળ મૂકે છે. બોસ તેને ખુશ થઈને પ્રમોશન આપે છે. ત્યાં જ મિસ માયા તેના ટેબલ પાસે પર્સ હલાવતી આવી.
"હાય રસેશ એક ખુશખબર આપું ! બોસે મને પ્રમોશન આપ્યું છે. હવે હું તારી પણ ઉપરી." રસેશ અવાચક. નક્કી કર્યું હતું હવે હું ચૂપ નહીં રહું. પરંતુ ચૂપ રહેવું જ પડશે. નોકરીનો સવાલ છે.
