પંખી બની ઊડવુ
પંખી બની ઊડવુ
ગીત સાંભળી મને પણ મૂડ આવી ગયો. મારે પંખીની જેમ જ જીવવું છે. તેની જીંદગી કેટલી સરસ. ફાવે ત્યારે આકાશમાં બેસવું. ફાવે ત્યારે ઝાડ પર બેસવું.
ત્યાં જ એક ચકલી બારી પર આવીને બેસી. ડોકિયા કરતી હતી મારી રૂમમાં. હુ મસ્તીમાં બોલી, "ચકીબાઈ શું કરો છો ?"
નવાઈ, ચકીબાઈ મારી સાથે વાત કરવા લાગી.
"બેનાં શું કહું, મારા રહેઠાણ માટે એક નાનકડી જગા જોઈએ છે. માળો બાંધવા હું અને મારો ચકો ઉડાઉડ કરીએ છીએ. મને ખબર છે તમારા જેવા ઘણા લોકોને તમારી ઈર્ષા આવે છે પણ અમારી નજરે જુઓ. ઉડી ઉડીને થાકીએ એટલે ઝાડ પર બેસીએ. હવે તો ઝાડ પણ ઓછા રહ્યા છે. વળી ત્યાં મોટા પક્ષીઓ રહે. નાગ અને બીજા જનાવરોનો પણ ડર. જંગલમા દાણા પણ ના મળે. અમે અને કબૂતર જેવા નાના પક્ષીઓ તમારા આવાસમાં માળો બનાવીએ તો તમે હાંકી કાઢો. પેલા કબૂતરની હવાથી કોઈ રોગ થાય છે તેવું કહે છે તેથી દાણા પણ ઓછા મળે છે. અમારી હાલત કફોડી થઈ છે."
હું સાંભળી રહી. પંખી બની ઉડવાની તમન્ના સરસ હતી પણ જીંદગી દુષ્કર. પતિ અને ઘરબાર છોડીને નીકળી જવાનો વિચાર પડતો મૂક્યો. ગગનમા ઉડવાના બદલે સલામત ઘરમાં રહેવું સારું તે સમજાઈ ગયું.
