શીખ સૂર્યોદયની
શીખ સૂર્યોદયની
માલતી બેડરૂમમાંથી ઊઠીને બહાર બાલ્કનીમાં આવી. સામે જ દરિયા કિનારો હતો. આખી રાત સૂઈ નહોતી શકી. જીવનમાં આવેલ તોફાનને યાદ કરીને સમગ્ર રાત રડતી રહી. લગ્નજીવનના વર્ષો પછી દિનેશ તેને એકલી છોડીને ચાલી ગયો હતો. આમ પણ થોડા વર્ષોથી તેનાથી અલિપ્ત થઈ ગયો હતો.
યાદ આવી રહી હતી તેની વાતો. કોઈ સંતશ્રીના પ્રવચનથી તેનું મન વૈરાગ્યમય બની ગયું હતું. સંતાનસુખ નહોતું. પાછુ છોગામાં પતિનો સંગ પણ નહીં. ખૂબ પ્રયત્ન કર્યા પણ પોતે તેને પાછો ના વાળી શકી. અંતે દિવસોના જશન પછી ગયા અઠવાડિયે તેણે સંત માર્ગે પ્રયાણ કરી લીધું. દીક્ષા લઇ લીધી.
કરોડોની મિલકતની પોતે એક જ વારસદાર હતી. શું કરવાની આ મિલકત ? આખી રાત રડીને વિચારી હતી. પિયર કે સાસરીમાં કોઈ જ નહોતું. પોતે બંને મા બાપના એકના એક સંતાન હતા. બંનેના મા-બાપના સ્વર્ગવાસ થયે પણ વર્ષો વીતી ગયા હતા. મિત્રવૃંદ પણ દિનેશની ત્યાગભરી વાતોથી દૂર થઈ ગયું હતું. પોતે પણ બધાથી દૂર જ રહેતી. જાણે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. કોઈ રસ નહોતો રહ્યો.
તેથી દિનેશ ના ગયા પછી પોતે અહીં ગામમાં આવી ગઈ. મન ફેર માટે. પોતાનું ઘર હતું. બાલ્કનીમાંથી જોયું તો વહેલી સવારનો સમય. સૂર્યોદય થઈ રહ્યો હતો. ઊગતા સૂરજનું સૌંદર્ય અલગ જ આભા પ્રગટાવી રહ્યું હતું. સાથે પક્ષીઓનો કલરવ. મંદિરનો ઘંટારવ મનને ઝંકૃત કરી ગયો.
વિચારી રહી કાલે સાંજે ડૂબી ગયેલો આ સૂર્ય આજે સવારે ઊગીને વાતાવરણ કેટલું પ્રફુલ્લિત કરી મૂકે છે.
ડૂબવાનો કોઈ વિષાદ જ નહીં. ચોમાસામાં વાદળ આવીને કદાચ થોડો સમય ઢાંકી દે તો પણ પાછો એ જ અજવાસ ફેલાવવાનો.
હું પણ હવે તે જ શીખીશ. કોઈ વિષાદ નહીં. ગમ નહીં. મારી આસપાસના લોકોની દયા નજર મારે નથી જોઈતી. રડવું નથી.
મારી સમસ્ત કૂનેહ અને આવડતને લોકોપયોગી બનાવી આસપાસના લોકોમાં ઉજાસ ફેલાવી દઈશ. મારા જીવનમાં આવેલ સૂર્યાસ્તને ભૂલીને ફરી સૂર્યોદય પ્રગટાવીશ.
