રક્ષાબંધનનુ મૂલ્ય
રક્ષાબંધનનુ મૂલ્ય
રક્ષાબંધનનુ મૂલ્ય
"બેટા, આકાશ તારો જ ભાઈ છે. ભલે સહોદર નહી. તારે એની સાથે એકરૂપતા કેળવવી જ જોઈએ. તો જ એકબીજાને કામ લાગશો. "" ઓહ દાદી, never. Don't be centi. આકાશ મારો કઝીન છે. ભાઈ નહી. એટલું તમને ભલે યાદ ના હોય. મને તો છે જ. " અઢાર વર્ષની ધરા પગ પછાડતી રૂમમાં જતી રહી.
પૂર્ણિમા બહેન વિચારી રહ્યા. 'કેમ આવું હશે? અમે તો નાના મોટા ચાર ભાઈ બહેન હતા. બીજા કોઈની જરૂર જ ના પડે. છતાં નાના કાકાના આશુતોષ ને પણ હું રાખડી બાંધતી. અને પ્રેમથી મારા ભાઈઓ જેટલું જ માનતી. ખરૂ કહું તો મારા બંને ભાઈ કે કાકાના આશુતોષ વચ્ચે મારા મનમાં કોઈ જ ભેદભાવ નહોતો.
હા, લગ્ન બાદ તે ઓછું મળતો. પિયર જાઉં તો ભાઈઓ મળે પરંતુ આશુતોષ બીજા શહેરમાં રહેવા ગયો અને સંપર્ક ઓછો થતો ગયો. રક્ષાબંધને તો અચૂક યાદ આવે જ. પોસ્ટમાં રાખડી મોકલું. તેનો ફોન પણ અચૂક આવી જાય. '
ક્યાં ચૂક થઈ ગઈ? બંને દિકરાઓ પોતાના જીવતા જ જુદા થાય તો પ્રેમભાવ બની રહે. તેમ વિચારી બંનેને જુદા કર્યા. મોટાને એક દિકરો આકાશ. નાનાને એક દિકરી ધરા. ખબર નહોતી જુદા રહેવાથી બાળકોના મન આમ જુદા થઈ જશે. જમાનાની તાસીર.
રક્ષાબંધન આવી. પણ ધરા. તેને તો આકાશના નામથી જ કંટાળો. પોતાનામાં જ મસ્ત. દાદી અને મમ્મી- પપ્પાના કહેવાથી રાખડી બાંધી પણ કોઈ જ ભાવ વગર. જ્યારે આકાશ ખુશ ખુશ.
" દીદી હવે તું મારી જવાબદારી. હું મોટો થયો ને. "
અને ધરા ચિલ્લાઈ. " ડોન્ટ બી સ્ટુપિડ. આઈ કેન મેનેજ માયસેલ્ફ. "
બધા સ્તબ્ધ. કોઈએ તેને સમજાવી નહિ. વધુ ભડકે તો. ટીનેજર્સના પ્રોબ્લેમ વિષે વાચી - વિચારી મમ્મી પપ્પા તેને વતાવતા નહી. અને ધરા વધુ તુમાખીભરી એકલવાઈ થતી ગઈ.
આજે 31 ડિસેમ્બર. ધરા તેના મિત્રો સાથે ક્લબમાં ગઈ હતી. હલ્લા ગુલ્લા મસ્તી ધમાલ. પીણાના નશામાં તેણીને ભાન ના રહ્યું. બે મિત્રો સુદીપ અને નિલય તેને લિફ્ટમાં ઉપરની રૂમમાં લઈ ગયા. રૂમમાં અણછાજતુ વર્તન કરતા ધરા ચિલ્લાઈ ઊઠી. પણ પૂરતા હોશ ના હોવાથી નિસહાય.
અને ત્યાં જ બહારથી બારણું ખટકાવાનો અને બૂમાંબૂમનો અવાજ આવ્યો. મેનેજર તેના સ્ટાફ સાથે હાજર હતો. ધરા ગળગળી થઈ ગઈ.
" મેનેજર સાહેબ, થેન્ક્યુ. આ લોકો મને હેરાન કરતા હતા. તમે સમયસર આવી પહોંચ્યા.
" બહેન, એ માટે આભાર એક ફોન કોલનો માનવો રહ્યો. જુઓ, આ નંબર પરથી મને ફોન આવ્યો. રૂમ નંબર ૪૦૧મા જલદી પહોંચવાનો. "
ધરાએ નંબર જોયો. ' ઓહ, આ તો આકાશનો નંબર. તે અહીં? '
ત્યાં જ આકાશ આવ્યો. "દીદી, હું ફ્રેન્ડ્ઝ જોડે આવ્યો હતો. તમને મેં લિફ્ટમાં જતા જોયા. મને અજુગતું લાગ્યું. તેથી મેં મેનેજરને ફોન કર્યો. હું એકલો કદાચ કશું ના કરી શકત. વળી તમારા ગુસ્સાનો ડર. માફ કરજો તમારી અંગત વાતમાં દખલ કરવા બદલ. પરંતુ ભાઈ તરીકે મારાથી રહેવાયું નહી. "
ધરા આકાશને વળગી રડવા લાગી. " ભાઈ રક્ષાબંધને આપેલ વચન તે પાળ્યું. સમજાઈ ગયું રક્ષાબંધન અને ભાઈનું મૂલ્ય.
