કોને દુઃખ છે ?
કોને દુઃખ છે ?
પ્રીના જોઈ રહી. ગાર્ડનમાં કેટલા લોકો સવારમાં ચાલવા આવે છે. ઘણા નસીબદાર તો સજોડે ચાલતા હોય છે.પોતે પણ રોજ ચાલવા નીકળી પડે છે.બાળકોને સ્કુલ બસમાં બેસાડી પોતે અહીં આવી જાય છે. રૂપેશના સાથની તો આશા જ નહીં.સાવ આળસુ. ઘરે પહોંચું પછી જ ઉઠશે. નોકરે તૈયાર ચા-નાસ્તો બનાવી રાખ્યો હોય .પરવારીને સીધો ઓફિસમાં. રાત્રે મોડે સુધી લેપટોપ પર.કામ સિવાય બંને વચ્ચે કોઈ વાતચીત નહીં. સાયુજ્યનુ કોઈ સુખ નહિં.
ત્યાં જ સામેથી તેની સખી રીવા આવતી દેખાઈ. સરપ્રાઈઝ.આજે એકલી હતી. બાકી દરરોજ તેનો પતિ નિલેશ તેની સાથે જ હોય.
"હાય પ્રીના, ગુડમોર્નિગ."
"હાય રીવા, આજે તું એકલી ?"
"હા યાર, નિલેશ બહારગામ ગયો છે."
"અચ્છા. બાકી સો લકી યુ આર. તને રોજ ચાલવામાં સાથ મળે છે. તારી પ્રવૃત્તિમાં સહભાગી થાય તેવો પાર્ટનર મળ્યો છે."
"ધૂળ ને ઢેફાં યાર. સાચું કહું ? તેને કારણે મારે ચાલવા આવવું પડે છે. પરાણે લઈને આવે છે. આજે તો છૂટ્ટી મળી. અત્યારે હું આવી બધા સાથે ગપાટા મારવા. તને ખબર છે મને ગામ ગપાટા કેટલા ગમે. તે સાથે હોય એટલે બસ ચાલ્યા જ કરો ચાલ્યા જ કરો. કોઈ જ મજા નહીં. તું લકી છે. પતિ આળસુ છે તો તું સ્વતંત્ર છે ."
પ્રીના સાંભળી રહી. મને જેની ઈર્ષા આવતી તે રિવાને પણ દુઃખ છે. નાની નાની બાબતોમાં દુઃખી થવાનો કદાચ અમારો સ્વભાવ બની ગયો છે. દરેક જણને પોતાની દ્રષ્ટીએ દુઃખ છે.
બાકી ખરેખર દુઃખી છે તેઓ નાના નાના સુખને શોધી લે છે. સુખી લોકો જ નગણ્ય બાબતોથી દુઃખી બને છે.
