પરલોકવાસી પિતાનો પત્ર
પરલોકવાસી પિતાનો પત્ર
વહાલા પુત્ર,
આજે તમે મને ખૂબ યાદ કરશો ખૂબ માનથી મારી વાતો કરશો. કારણઆજે હેપ્પી ફાધર્સ ડે. અહીં પરલોકમાં પણ મને તમારી એ વાતો આનંદ આપે છે.
મારા માટે વોટ્સઅપ કે ફેસબૂક જેવા સોશિયલ મીડિયા પર ખૂબ આદરભાવ સાથે મારી યાદોને લખશો. બધાને જણાવશો. પણ સાચે જ જ્યારે હું જીવતો હતો ત્યારે તમે આ બધુંઅનુભવતા હતા ? માનતા હતા ? અગર હા. તો મને તે જ વખતે કહ્યું હોત તો મારો જીવ ખૂબ ખુશ થાત. જીવનની પરિપૂર્ણતા અનુભવત.
દીકરા, તું મારું પ્રથમ સંતાન હતો. તારા જન્મ સાથે મારો પણ નવો જન્મ થયો, એક પિતા તરીકેનો. નવા અનુભવ સાથે મારે પણ ઘણું ઘડાવું પડ્યું હતું. નાનો હતો ત્યારે તને સમજાવો કે પટાવવો કઈ રીતે તે મારે પણ શીખવું પડ્યુ. તારી તરુણાવસ્થા સુધી તો હું તને હીરો લાગતો. તારો આદર્શ હતો પરંતુ જેમ જેમ મોટો થતો ગયો મને હિટલર અને જુનવાણી સમજવા લાગ્યો. તને હું સમજાવી ના શક્યો કે મારો કડપ તને દુનિયાના દૂષણોથી દૂર રાખવા અને સમાજમાં સલામત રાખવા માટેનો હતો. વગર કહે તે બંડ પોકારવાનું શરૂ કર્યું. પ્રભુ કૃપાએ તારી પ્રગતિ થતી રહી. અભ્યાસ નોકરી બધું સરળતાથી મળી રહ્યું.
આ સફળતાએ તારા મનમાં ખુદને બહુ બુદ્ધિશાળી ને અને મને એક સામાન્ય જૂના જમાનાના માણસનું લેબલ લગાડી દીધું. મારી કરકસરની વાત તને કંજુસાઈ લાગવા લાગી. આપણી વચ્ચે ઘર્ષણના પ્રસંગો વધી ગયા. મારી નામરજી છતાં તારા પ્રેમ લગ્નને આવકાર્યા. પણ તમે પૂર્વગ્રહના છોડી ના શક્યા. તારી માએ તો દુનિયામાંથી વહેલી વિદાઈ લઈ લીધી તમને લાગ્યું હું બોજારૂપ બની ગયો. મારી આદતો, શોખ દરેક બાબતમા તડજોડ કરી હું તમારી સાથે રહેતો છતાં એક અદ્રશ્ય અવહેલના જ અનુભવતો. મારી માંદગીએ તમને કંટાળો પણ આપી દીધો હું નિરૂપાય હતો.
આપણને છૂટા પડે વર્ષો થઈ ગયા. હું તમને જોઈ સમજી શકું છું.આજે તું પપ્પા બન્યો છે. તારો પુત્ર યુવાન થયો છે. અને તને મારી વાત યાદ આવે છે. કરોનાના કારણે બચત અને કરકસર જેવા શબ્દો હવે તારી ડાયરીમાં ઉમેરાઈ ગયા છે. તારા દીકરાને કશુંક પણ કહેતા તું મને યાદ કરે છે.
સંસારનો આ જ નિયમ છે.બેટા. પિતા તરીકે તું સફળ બને તેવા આજના દિવસે મારા આશીષ. આશા રાખુ છુ તારી હયાતીમાં તારો પુત્ર તને સમજી શકે.
તારા પિતાના સ્નેહાશિષ.
