સમજ રથયાત્રાએ
સમજ રથયાત્રાએ
"Wow, કેટલી બધી પબ્લિક. અમદાવાદના રાજમાર્ગ પર આ કોઈ ધાર્મિક ઉત્સવ લાગે છે." નવ્યા વિચારી રહી "મોમ જો તો ટીવીમાં શું બતાવે છે ?"
"અરે પાગલ" મમ્મી બોલી. "તને ખબર નથી આજે રથયાત્રા છે. મંદિરમાંથી આજે રથ બહાર નીકળશે. રથમાં જગન્નાથજી બલદેવજી અને સુભદ્રાજી બિરાજશે.બધા જ શહેરોમાં તેમની આ યાત્રાના લોકો દર્શન કરશે. " " ઓહ યસ મમ્મી ,કદાચ વર્ષો પહેલા દાદીએ મને આ વાર્તા કહી હતી. પછી તો સ્કૂલ કોલેજના ચક્કરમાં હું ભૂલી ગઈ. "
અને પછી નવ્યા વિચારે ચડી ગઈ. કેટલું સરસ જગન્નાથજી એટલે કે કૃષ્ણ, તેમના ભાઈ અને બહેન બલરામ અને સુભદ્રાજી. ત્રણેય ભાઈબહેન. મારા પપ્પાને એક ભાઈ છે પણ બહેન નથી. તો મમ્મીને બહેન છે પણ ભાઈ નથી તેમને આ આનંદ કઈ રીતે સમજાય ?
વળી હું તો એકની એક ના ભાઈ મળે ના બહેન. હા કઝીન્સ છે. પણ રીયલ સિબ્લિંગ તો નહિ જ.
મસ્તી પાર્ટી પિકનિક કઝિન સાથે કરાય. પણ મનની વાત કોને કહેવી ? હા બેનપણીઓ ઘણી છે. રિયા તો મારી બેસ્ટ ફ્રેન્ડ તેને બધું કહું છું પરંતુ સિબલીગ હોય તો કેટલો ફરક પડે. મારી અને રિયાની ફેમીલી અલગ. જેથી અમુક રીત સમજ પણ અલગ. બંનેની વિચારસરણી અને ઉછેર પણ અલગ હોય. સગા ભાઈ બહેન હોઈએ તો બધું એક જ. ભલે સ્વભાવ જુદા હોય. કેટલું વધારે અન્ડરસ્ટેન્ડિંગ બની રહે. ક્રિષ્ના તું પોતે તો ભાઈ બહેન સાથે પ્રેમથી રહ્યો અને અમને કેમ એવી સમજ ના આપી ?
મમ્મી પપ્પાના જનરેશનને કોઈને ભાઈ નથી તો કોઈને બહેન નથી. અમારા જનરેશનને તો કોઈ જ નથી.
એકના એક હોઈએ એટલે સંપત્તિના પુરા માલિક. પણ સાથે જવાબદારી પણ એકલાની જ.
અને સૌથી વધુ તો સુખ દુઃખ શેર કરવાની પણ એકલતા. સાચે જ ક્રિષ્ના, હું તો સંસાર શરૂ કરીશ તો મારા બાળકોને સિબ્લિંગ આપીશ જ. સાંભળ્યું છે કે ફોરેનમાં તો હવે ત્રણ ચાર બાળકોનો ટ્રેન્ડ ચાલ્યો છે.
તારી રથયાત્રાએ મને આ સરસ સમજાવી દીધું.
