ગીત ગાતાં હૂં મૈ
ગીત ગાતાં હૂં મૈ
ગીત ગાતા હું મૈ ગુન ગુનાતા હુ મૈ મૈને હસનેકા વાદા કિયા થા કભીઇસ લિયે અબ સદા મુસ્કુરાતા હુ મૈ.
રેડિયો પર ગીત વાગી રહ્યું હતું. અતુલ વિચારી રહ્યો આ તો જાણે મારી જ વાત.
યાદ આવી રહી હતી પોતાની જીવન રફતાર. નાનપણથી ભણવામાં હોશિયાર. પોતાનું ડોક્ટર થવાનું સ્વપ્ન. પિતાજીની નાનકડી કપડાની દુકાન. પોતે સૌથી મોટો દીકરો અને પછી બે નાની બહેનો. પાંચ જણના કુટુંબનું ભરણપોષણ થઈ જાય. વધુ આવક નહિ. એક જ આશા. અતુલ ખૂબ ભણીને ઘરને ઊંચુ લાવશે. અતુલ પણ તેવા સપના જોતો. બારમીમા સારા ટકાએ પાસ પણ થયો. એડમિશન પણ મળી ગયુ. ત્યાં જ પિતાને પેરેલિસિસનો એટેક આવ્યો. ભણતર છોડી દુકાન સંભાળવી પડી.
બે ત્રણ વર્ષ દુકાન સંભાળી અને ધીરે ધીરે પોતાની બુદ્ધિ પ્રતિભા તેમાં વાપરવા લાગ્યો. બ્રાન્ડેડ કપડાની એજન્સી લીધી અને તેનો વેપાર ચાલુ કર્યો. નામના થઈ ગઈ. પૈસા પણ આવવા લાગ્યા. એક રૂમની ઓરડીમાંથી ચાર બેડરૂમનો ફ્લેટ લીધો. હોલીડે હોમ પણ વસાવ્યા. બંને બહેનોને પણ સારા ઘરે પરણાવી. નસીબજોગે પોતાના પણ એક કરોડપતિની દીકરી સાથે લગ્ન થયા. પૈસાની તો રેલમછેલ.
આજે 'અતુલ બ્રાન્ડ' હાઈ સોસાયટીમાં એક નામ થઈ ગયું છે. વિવિધ જગ્યાએ સ્ટોર ખોલ્યા છે. દુનિયાની રીતે બધું સુખ છે. પત્ની અને બાળકો સાથે આનંદ કરે છે .
પરંતુ જ્યારે કોલેજના મિત્રોનું રિયુનિયન થાય ત્યારે ભલે દરેક જણ તેને માન આપે. આર્થિક રીતે તે બધાથી સર્વોપરી પણ છે. પોતે તેને માને પણ છે. છતાં દિલમાં કસક તો રહે જ છે. જ્યારે કોલેજ સમયમાં પોતાનાથી નબળા તેના સહાધ્યાયીમાંથી કોઈને ડોક્ટર એન્જિનિયર કે સીએ થયેલા જુએ છે. આવકની દ્રષ્ટિએ ભલે પોતે તેમની હરોળમાં છે. પણ તેમની સાથે વાતચીત કરતા જાણે પોતે લઘુતા અનુભવે છે. બહારની પ્રોફેશનલ ફિલ્ડની તેમની વાતો મનને કુંઠિત કરી જાય છે. બધા તેને નસીબદાર કહે છે. સરસ બિઝનેસમેન તરીકે વખાણે પણ છે. અને પોતે તેને હસીને માણે પણ છે પરંતુ દિલમાં રહેલી આ ચૂભન--- ના ભણી શકવાનું દુઃખ અને વિશેષ તો પ્રોફેશનલ લોકોના સર્કલમાં સ્થાન ના મળવાની વ્યથા.સમજે છે સન્માન મળે છે ફક્ત પૈસાના કારણે. ખુદની ક્ષમતા પર નહીં. ખુદની કોઈ આવડત કે જ્ઞાન પર નહીં.
હસતા રહેવાની આદત છે તેથી તે હસતો રહે છે. ધમાલ મસ્તીના ગીતો પણ બધા મળે ત્યારે ગાય છે. છતાં એક ખટકો તો દિલમાં ખટકે જ છે. કોણ સમજી શકશે? બધા તેને નસીબદાર ગણે છે .પણ મનનો આ સંતાપ કોને કહેવો?
મીના એચ. શાહ
