એક નદીની વાત
એક નદીની વાત
પહાડોમાંથી ઝરણારૂપે વહેતી નદી ખળભળ કરતી આગળ વધી રહી હતી. નદી કિનારે બેસેલ દીપા તેની નિહાળી રહી. વિચારી રહી, આ નદી કેટલી હરખભેર આગળ દોડી રહી છે. પોતાના મીઠા પાણીનો ગામે ગામ લાભ આપતી સમુદ્રના રસ્તે ભાગે છે. શા માટે તેને સમુદ્રમાં વિલીન થવું છે ? અત્યારે હરેક જગાએ તેનું કેટલું માન છે. વળી લોકોપયોગી છે. માતા તરીકે તેને બધા પૂજે છે. એકવાર સમુદ્રમાં વિલીન થશે કે તરત જ પાણી ખારું થઈ જશે અને ખુદનું તો કોઈ અસ્તિત્વ જ નહીં રહે.
પોતાની પણ આજ નિયતી છે ને. ખુદની આવડત, હોશિયારી અપેક્ષાઓ બધું છોડીને નયનની બાહોમાં, તેના જીવનમાં વિલીન થવા ઘર છોડીને તેણી ભાગી અને પ્રેમલગ્ન કર્યા. આજે તેનું કોઈ માન, અસ્તિત્વ કે ઓળખ નથી રહી. નયનના ગામમાં તે નયનની પત્ની તરીકે ઓળખાય છે. પરંતુ નાનપણની દીપા વિલીન જ થઈ ગઈ છે. તેને કોઈ ઓળખતું જ નથી. તેની બાળપણની યાદોને કોઈ સાથે વહેંચી શકતી નથી. પોતાના સ્વપ્નને આવડતને કે મૂળભૂત સ્વભાવને જાણતું હોય તેવું કોઈ જ અહીં નથી. તેના ગમા તથા અણગમાને સમજનાર કોઈ નથી. પિયર સાથેનો કે ભૂતકાળ સાથેનો કોઈ સંબંધ નથી.
નયનની જીવન રીત અપનાવવામાં,તેના ગમા-અણગમાને આત્મસાત કરવામાં ખૂદની ઓળખ જ ગુમાવી બેઠી છે.
નદીની જેમ જ સમુદ્રના રસ્તે ભાગતાં ભાગતાં પોતાનું અસ્તિત્વ જ ખોઈ બેઠી છે.
