એક સધિયારો
એક સધિયારો
પ્રિય પુત્ર,
આજે તું ભારત છોડી અમેરિકા જઈ રહ્યો છે. તારી પ્રગતિમાં આનંદ. પણ સાથે એક ના સમજાય તેવો ડર પણ છે. ત્યાના નવા માહોલમાં, મુક્ત વાતાવરણમાં જાતને તારે જ સાચવવાની છે પણ એક વાત તને જરૂરથી કહીશ.
તુ જ્યારે પ્રથમવાર સ્કૂલમાં-પ્રિ નર્સરીમાં ગયો હતો ત્યારે ખૂબ રડતો. હું તને સમજાવીને કહેતો, "બેટા અહીં જ છું ને બહાર બેઠો છું ડર નહીં". સ્કૂલમાં ગયા બાદ દરેક ધોરણના પરિણામ વખતે તારો રિપોર્ટ સામાન્ય સ્તરનો જ રહેતો. હું તને આશ્વસ્ત કરતો. ડર નહીં હું છું ને.
બોર્ડના રીઝલ્ટ વખતે પણ કહેતો રહ્યો," ફેલ થાય તો પણ ડરીશ નહીં. હું છું ને. ધંધો કરાવી આપીશ."
સ્કૂલ બાદ કોલેજમાં શરૂમાં તને ટેન્શન રહેતુ. રેગિંગ મસ્તી બધાનો અનુભવ થતો મને કશું ના કહેતો પણ તારા હાવભાવ ઉપરથી મને સમજાઈ જતુ. હું ફક્ત એટલું જ કહેતો 'હું છું ને તારી સાથે'
પછી તો તું એન્જિનિયર થયો. સરસ નોકરી પણ મળી. તે માટે તારે બેંગ્લોર રહેવાનું થયું. મારાથી સાથે આવી શકાય તેમ નહોતુ. મારે તો એટલું જ કહેવાનું 'ના ગમે તો નોકરી છોડીને પાછો આવી જજે. હું અહીં બેઠો છું'
લગ્ન વખતે અને ત્યારબાદ તારા લગ્ન વિચ્છેદ સુધીની તારી પીડાનો હું સાક્ષી છું. ભલે બધા તને દોષ આપે. કદાચ તારો દોષ હશે પણ ખરો.
છતાં મારી એક જ વાત તું ગભરા નહીં. તને યોગ્ય લાગે તે કર.હુ તારી સાથે છું.
હવે તું અમેરિકા જાય છે સંસારના કડવા ઘૂંટ પીને તારે ત્યાં એકલા રહેવાનું છે.ત્યાના મુક્ત માહોલમાં સેટ થવાનું છે. ત્યારે પણ દરેક વખતે કહેલા શબ્દો ફરી દોહરાવીશ.. 'કોઈપણ સંજોગોમાં નાસીપાસ ના થતો. તને સાથ આપવા સધિયારો આપવા હું છું ને.'
પપ્પાના આશિષ.
