હસાવે પણ રડાવે પણ!
હસાવે પણ રડાવે પણ!


મારી પત્ની દીપા માળીયાની સાફ સફાઈ કરી રહી હતી. ઓચિંતા તેની નજર એક બેગ પર પડી. થોડા અચરજથી એણે બેગને નીચે કાઢી તેના પરની ધૂળને સાફ કરી. ત્યાં મને ઓરડામાં આવેલો જોઈ એણે પૂછ્યું, “શું છે આ બેગમાં?”
મેં યાદ કરવાની કોશિશ કરતા કહ્યું, “ખબર નહીં... તને આ ક્યાંથી મળી?”
દીપા બોલી, “માળિયું સાફ કરતી હતી ત્યારે મળી.”
દીપાએ બેગને ખોલીને જોયું તો તેમાં એક જૂનું આલ્બમ હતું. એ જોઈ મેં હરખથી કહ્યું, “અરે! આમાં તો જૂનું આલ્બમ છે.” ફટાફટ તેના પૃષ્ઠોને ઉથલાવી અમે તેમાંની તસવીરોને નિહાળવાનું શરૂ કર્યું. એ મારા બાળપણની જૂની બ્લેક એન્ડ વાઈટ તસવીરો હતી.
દીપા એ તસવીરો જોઈ બોલી, “આ તસવીરોમાં તમે કેટલા દુબળા પાતળા લાગો છો!”
મેં હસીને કહ્યું, “દીપા આપણે જયારે પણ કોઈ જૂની તસવીરો જોઈએ ત્યારે આપણે તેમાં દુબળા પાતળા જ દેખાતા હોઈએ છીએ.”
દીપા હસી પડી.
જૂની એ તસવીરો જોઈ મારી જૂની યાદો તાજી થઇ ગઈ. એ અમારું જૂનું મકાન! ઘરની જૂની સાજ સજાવટ! બધું આંખ સામે ઉપસી આવ્યું. જો તસવીરો ન હોય તો આપણે ક્યારેય આપણા ભૂતકાળને વાગોળી નહીં શકીએ એવી ભાવના મારા મનમાં ઉત્પન્ન થઇ.
એક તસવીર જોઈ દીપા બોલી, “અરે! આમાં તો તમારે માથે બે ચોટલા દેખાય છે.”
મેં હસીને કહ્યું, “હા, મારા માતાજીને બીજી દીકરી જ જોઈતી હતી. એટલે મોટા ભાઈ પછી જયારે મારો જન્મ થયો ત્યારે તેઓ મને દીકરીની જેમ જ રાખતા. તેઓએ મારા વાળ મોટા રાખેલા અને મારા માથે બે ચોટલા બાંધતા.”
બીજી તસવીર જોઈ દીપા બોલી, “આ તમે મોટાભાઈ સામે કેમ ફેટ ઉગામીને ઉભા છો?”
મેં કહ્યું, “બસ એમ જ અમે મસ્તી કરતા હતા ત્યારે અમારા સાગર કાકાએ એ પળને કેમેરામાં કંડારી લીધી હતી.”
અચાનક મેં દુઃખી વદને આલ્બમને બંધ કરી દીધું. આ જોઈ દીપા બોલી, “કેમ આગળ તસવીરો જોવી નથી?”
મેં કહ્યું, “દીપા, આ તસવીરોમાં દેખાતી વ્યક્તિઓ આજે આપણી સાથે નથી તેનું મને ઘણું દુઃખ છે. જે હવે જીરવાતું નથી. બસ... બસ કર.... હવે મને યાદ આવ્યું કે કેમ મેં આ આલ્બમને વર્ષો પહેલા આ બેગમાં મૂકી માળિયામાં ફેંકી દીધું હતું. પ્લીઝ દીપા એ જ્યાં હતું ત્યાં એને પાછું મૂકી દે.”
જૂની યાદો જેટલી હસાવે છે એટલી જ પીડા પણ આપે છે. મારા મનની આ ભાવના જાણી જતા દીપાએ આલ્બમને તરત બેગમાં મૂકી માળિયા પર પાછુ હતું તેમ મૂકી દીધું. સાચે જ જૂની તસવીરો આપણને હસાવે પણ રડાવે પણ!
(સમાપ્ત)