હૉરર મૂવી
હૉરર મૂવી


તમે એ વખતે મિત્રોના સમૂહમાં નવા પ્રવેશેલા, સૌરભ. ગૃપના બીજા મિત્રો એકબીજાને ઘણા સમયથી ઓળખતાં હતાં પણ તમે તમારા પિતાની બદલી થતાં આ શહેરમાં નવા જ આવેલા. કૉલેજમાં પણ નવા હતાં. તમારી પડોશમાં રહેતી માલતીના કારણે તમને આ ગૃપમાં ઝડપી પ્રવેશ મળી ગયેલો, કારણ કે માલતી આ ગૃપની સભ્ય હતી. બે છોકરાં અને ત્રણ છોકરી એમ મળીને આ ગૃપના પાંચ સભ્યો હતાં. તમારા પ્રવેશથી એની સંખ્યા છ થઈ ગયેલી.
સંકેત, સુકેતુ, માલતી, મનશ્રી, મિતાલી અને તમે. એક દિવસ તમારા ગૃપે મૂવી જોવાનું નકકી કર્યું. સુકેતુએ હોરર ફિલ્મ જોવાનો પ્રસ્તાવ મૂકયો. મિતાલીએ થોડી આનાકાની કરી પણ છેવટે બધાની સહમતિમાં એણે પણ સહમતિ આપી. તમે બધા પહોંચી ગયા મૂવી વર્લ્ડ થિયેટરમાં. ટીકીટ લઈ તમે બધા પોતપોતાની સીટ પર ગોઠવાઈ ગયાં. મૂવી શરુ થયું. શરુઆતમાં તો તમે બધા એન્જોયના મુડમાં હતાં પણ જેમ-જેમ મૂવી આગળ વધ્યું તેમ તેમ તમારાં બધાના ચહેરાં સફેદ પડવા લાગ્યાં.
બે ભૂતોની દુશ્મનાવટની એ ફિલ્મ હતી. સફેદ ભૂત અને કાળું ભૂત. ભૂતોની વસાહત, એમની વેશભૂષા વગેરે જોઈને પરસેવે રેબઝેબ થઈ ગયેલાં તમે બધા. માલતી અને મનશ્રીની હાલત તો એ એકબીજીને પકડીને બેઠી હતી એ પરથી જ નકકી થતી હતી. મિતાલી ઓછી ડરતી હોય એવું તમને લાગેલું. તમને તો બહુ ડર લાગતો હતો પણ તમારી એક બાજુ સુકેતુ હતો ને બીજી બાજુ મિતાલી એટલે એક પુરુષ સહજ સ્વભાવે તમે ન ડરવાનો ડોળ કરતાં હતાં. અચાનક સફેદ ભૂતની એન્ટ્રી થતાં જે ભયંકર સંગીત શરુ થયું એ સાંભળીને તમારી બાજુમાં બેઠેલી મિતાલીએ ડરના માર્યા તમારી છાતીમાં માથું સંતાડી દીધું અને જોશથી તમારો હાથ પકડી લીધો. તમે પણ ડરના માર્યા એને ચોંટી ગયાં.
પરિસ્થિતિનો ખ્યાલ આવતાં બંને અલગ થયાં. મિતાલી વધુ ડરી ગઈ અને ફિલ્મ અધવચ્ચે છોડીને જતી રહેવાની એણે જીદ પકડી. તમે પણ આટલી વખત તો ધીરજ ધરેલી પણ તમે પણ કહ્યું મને ડર લાગે છે હું પણ જાઉં છું. તમે બંને બહાર નીકળી ગયાં. પેલા ચાર જણ તો હિંમત કરીને બેસી રહ્યાં. બહાર નીકળીને મિતાલીએ કહ્યું 'સૌરભ, બહુ ડર લાગે છે મારે ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી રાહ નથી જોવી. તું મને મૂકી જા. 'શિયાળાની કડકડતી ઠંડીમાં સુમસામ રાત વધુ ડરામણી લાગતી હતી. મિતાલી છોકરી હતી અને તમે છોકરો
પણ હાલ તો ડરના મામલે બંનેની હાલત સરખી હતી. તમે હિંમત કરીને બાઈક પાર્કિંગમાંથી બહાર કાઢયું. મિતાલી તમારી બેકસીટ પર બેસી ગઈ. સુમસામ રસ્તા પર બાઈકને જોઈને કુતરું ભસ્યું. મિતાલી ઉછળીને સીધી તમારી પીઠ સાથે ચોંટી ગઈ, તમારા શરીરમાંથીય ભયનું લખલખું પસાર થઈ ગયું. કુતરું જ છે તેની ખાત્રી થતાં મિતાલી 'સૉરી' કહી પાછળ હટી ગઈ. તમે ડર્યા નથી એવો દેખાવ કર્યો પણ મિતાલીને તો ખબર જ હતી કે એની જેમ તમે પણ હોરર મૂવી છોડીને આવ્યાં છો.
થોડેક આગળ જતાં એક મોટું પક્ષી અચાનક ઉડ્યું ને તમારા બાઈક પરથી પસાર થયું ફરી એ જ ધટનાનું પુનરાવર્તન. તમે છેવટે મિતાલીને એના ઘરે ઉતારી તમારા ઘરે પહોંચ્યા. મિતાલીના ઘરેથી તમારાં ઘરે એકલાં આવતાં તમે પાંચ મિનીટના રસ્તામાં પાંચ વખત હનુમાન ચાલીસા બોલી ગયેલાં. એ રાત્રે તમને બે બાબતો એ સુવા નહી દીધેલાં એક હૉરર મૂવીએ અને બીજા મિતાલીના સ્પર્શે.
બીજા દિવસે તમારું અને મિતાલીનું નામ ડરપોક પડી ગયું. ગૃપના બીજા ચાર સભ્યો ડરપોક કહીને તમને બંનેને ચીડવવા લાગ્યાં. તમે બંનેએ પ્રતિકાર પણ કર્યો. મિતાલી જ્યારે તમારી સામે જોતી ત્યારે ગઈ કાલની ધટનાઓને યાદ તેની આંખમાં સ્પષ્ટ પણે જોઈ શકાતી હતી અને તમે તેના સ્પર્શને અનુભવી રહ્યાં હતાં સૌરભ.
આ હૉરર મૂવી તમારી વચ્ચે પ્રેમાંકુર ફૂટવાનું નિમિત્ત બની. તમે અને મિતાલી પ્રેમી પંખીડા બની ગયાં. પુરુષનું સાહસ સ્ત્રીને આકર્ષે છે, અહીં તમારા ડરે તમને મિતાલીના હ્રદય સિંહાસનમાં સ્થાપિત કરી દીધાં. બંનેના પરિવારો આ માટે રાજી ન હતાં. તમે અને મિતાલીએ કોર્ટ મેરેજ કરી લીધાં. એક સાંજે તમે મિતાલીને એના ઘરથી ભગાડીને લઈ આવ્યાં. પેલાં ચાર બહાદુર મિત્રો સુકેતુ, શિવાંગ, મનશ્રી અને માલતીની પણ તમને મદદ મળી. એકાદ મહિનાના ધમપછાડા પછી બંને પરિવારોએ મને -કમને સ્વીકૃતિ આપી દીધી.
હૉરર મૂવી જોતી વખતે કાલ્પનિક ભયથી ડરી ગયેલાં તમે મિતાલી સાથે પ્રેમ નિભાવવામાં સાહસવીર સાબિત થયાં.
ઘણાં સમય પછી આ નાતાલ પર તમે છ એ છ ભેગા થયાં છો, અલબત્ત પરિવાર સાથે. તમારા મિત્રોને કહો કે એમના લાઈફ પાર્ટનર પાસે બાળકોને મૂકી તમારી અને મિતાલી સાથે હૉરર મૂવી જોવા આવે, સૌરભ. હવે મિતાલી તમારી છે ને તમે મિતાલીના. ડર લાગે તો એકબીજાને ચોંટી જવાની છૂટ.