હળવી વાત હળવેકથી - 8
હળવી વાત હળવેકથી - 8
આજે આખો દિવસ વ્યસ્તતામાં પસાર થયો.
સાંજે ઘરે આવી ફ્રેશ થવાના ઇરાદે મેં બાજુમાં પડેલ અંગત ડાયરીનાં પાનાં ઉથલાવ્યાં ત્યાં- વરસો પહેલાં ટપકાવેલી વાર્તા પર નજર પડી.
' તે ચાલ્યો ગયો…'
" પછી દોસ્તોની શિકાયત શું ઘાયલ
નથી કામ આવ્યો હુંય મને મોકે ! "
ઘાયલ સાહેબના શેરની વેદના સાથે...
'દવે જો તને સમય હોય તો તરત જ આવી જા.' મોબાઈલ ફોન પર સંદેશો મળતાજ તેણે પણ કહ્યું; 'હા… હા, હું બસ આ નીકળ્યો.'
પાર્કિગમાં ગાડી સ્ટાર્ટ કરતો હતો ત્યાં...
'મિ. દવે પાછા આવો ! ' મોટા સાહેબનો ફોન.
કઈ તરફ જવું તે વિચારે પાછા પગલે તે અસહ્ય વેદના સાથે ઓફિસ તરફ વળ્યો.
ઓફિસમાં આવી ભાર્ગવ દવે તેની ચૂંટણીની ફરજ નિષ્ઠાથી બજાવી રહ્યો છે, ત્યાં સાંજે પેલાં મિત્રનો ફોન આવ્યો.
' ... તે આપણને છોડીને ચા..લ્યો...ગયો !
ઓફિસ કામ પુરું થયું તે સાથે જ તે ઉતાવળે ઉતાવળે પેલાં મિત્રનાં ઘરે જવા નીકળ્યો.
બાળપણનાં મિત્રનાં અંતિમ દર્શન પણ ન કરી શક્યાનો એક વસવસો તેને રહી ગયો.
'તું તો આવવા માટે નીકળી ગયો હતોને છેક અત્યારે...?! બધા મિત્રો એક સાથે ભાર્ગવને ઘેરી જ વળ્યા.
'હા, હું નીકળતો જ હતો પણ તેનાં ગળે ડૂમો વળ્યો… 'તે તેની વેદનાને મિત્રોથી છૂપાવી ન શક્યો.'
* * *
એક બાજુ પવિત્ર ફરજ બજાવવાની તો એક બાજુ પ્રિયજનો સાથેનાં સંબંધો સાચવવાની ક્ષણ આવે ત્યારે જે વેદના થતી હોય છે તે અસહ્ય થઈ પડે છે. ડાયરી બંધ કરી હું ભાર્ગવ દવે વિશે વિચારી રહ્યો.
