હળવી વાત હળવેકથી - 16
હળવી વાત હળવેકથી - 16
રોજ સવાર સાંજ બસ એક જ શબ્દ કાને પડતો. 'એ બધાં તો રોજમદાર છે… હવે સરકારે પટાવાળાની ભરતી બંધ કરી કોન્ટ્રાક્ટ બેઝ પર આ બધાંની નિમણુંક કરી છે. એટલે આ કોરોના કાળમાં એમના માટે પચાસ ટકા સ્ટાફની હાજરી જેવું કંઈ ન હોય, અને આમ પણ પેલાં કોન્ટ્રાકટરનો કોન્ટ્રાક્ટ પણ પૂરો થઈ ગયો છે. એટલે બધાંને છૂટાં જ કરવાનાં છે. ઓફિસમાં વાતો થતી રહી...
ડાયરી હાથમાં લેતા જ મારાં માનસપટ પર ઑફિસના વારસો જૂના રોજમદારનો એક ચહેરો તરવર્યો. કલમ ઉપાડી અને સર્જન થયું-
' હવે શું?!'
આમતો તેને છુટા કર્યાનો કોઈ પત્ર કે હુકમ આપવામાં આવ્યો નથી. બસ મૌખિક કહી દીધું કે, 'હવે તમારો કોન્ટાક્ટ પૂરો થયો'...! કાલથી આવવાનું કે નહીં તે બધુજ અધ્યાહાર એટલે તે મૂંઝાયો.
વરસો પછી હવે જવું પણ ક્યાં ?
એટલે...!
આ વાતને આજે ત્રણ માસ પુરા થવા આવ્યા છે.
તે આદત મુજબ રોજ સવારે સમયસર ઓફિસમાં હાજર થઈ જતો. બધા કર્મચારીઓ તેમજ સાહેબ એના એજ એટલે કામ ચીંધે તો બે આંખની શરમ રાખી કામ કર્યે જતો. આમને આમ શરૂઆતમાં ચાલતું રહ્યું.
બધા પૂછે તો કહે;'આતો 'માનદસેવા' માંથી 'માનવસેવા' ચાલુ કરી છે. જયાં સુધી થાશે ત્યાં સુધી કરીશ'. તે પછી હસતાં હસતાં સોંપેલું કામ એજ ઉત્સાહ અને જોશથી કરતો રહેતો.
કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂરો થયો છે. નવો કોન્ટ્રાક્ટ મળ્યો નહોતો એટલે બધું લટકેલી તલવાર જેવી વાત. અને ગાડી આમને આમ આગળ વધી રહી છે. નવો કોન્ટ્રાક્ટ મળે તો કંઈક આશા રાખી શકાય તેમ છે !
આમ તે રોજ સવારે ઊઠીને ટેવ મુજબ ઓફિસમાં આવી જતો. હવે તેની ધીરજ ખૂટતી જતી હોય તેમ કામમાં હવે પહેલા જેવી ચપળતા રહી નહોતી. તે સાથે તેની રોજની વિચારધારા બદલાતી રહી... શરૂઆતમાં જે માનવસેવાની વાત કરીને હસી લેતો તે હવેથી ઘર અને પરિવારની ચિંતામાં પડ્યો.
હવે શું ? નવો ઓડર મળશે કે પછી !
તે રોજ પહેલાની જેમ જ વહેલી સવારે ઓફિસમાં આવી જાય છે પણ તે હવે કામ કરતા તેના ભવિષ્ય માટે જ વિચારતો રહેતો…!
આજે પણ તે ઓફિસની બારીમાંથી દૂર ઘેરાયેલું કાળું ડિબાંગ વાદળ તરફ એકીટશે જોઈ રહ્યો છે... ક્યાંક કાળા વાદળાં પાછળ કોઈ સોનેરી કિરણ દેખાય જાય તો ! અને આ આકસ્મિક આવી પડેલી મહામારીમાંથી છૂટકારો મળે તો કેવું સારું ? વિચારતો રહ્યો !
અને...આ તરફ મોટા સાહેબની ચેમ્બરમાંથી બેલની ઘંટડી વાગતી રહી… 'ટીંગ….ટીંગ…!
પણ તેને સાંભળનાર આજે કોઈ નહોતું.!
* * *
બિચારાએ કેટલા વરસથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. આ કોરોનાની મહામારી ને કારણે વિશ્વમાં કેટકેટલાં બેરોજગાર થયાં. હવે આ મહામારી જાય અને આ કોન્ટ્રાક્ટ અંગે જલ્દી નિર્ણય લેવામાં આવે તો સારું તેમ વિચારી મારી ડાયરી બંધ કરી.
