હળવી વાત હળવેકથી - 14
હળવી વાત હળવેકથી - 14
આજે ડાયરી લખવાની શરૂઆત કરી ત્યાં આજના ડિજિટલ યુગમાં બનતા અવનવા બનાવ અંગે માનસપટ પર એક વાત તરવરી કલમ ઉપાડી અને સર્જન થયું-
' લાઈક '
આજે રજા હોવાથી કલ્પનાએ મનોમન નકકી કર્યું કે આજે સૌથી સરસ સ્ટોરી તૈયાર કરી છેલ્લું સ્ટેટસ પોસ્ટ કરવું છે. પછી જોઈએ કે કેટલા લોકો આપણા હિતેચ્છુ અને તે કરતા તેણે પેલી સ્મિતાળીને બતાવી દેવું હતું !
આમ તો કલ્પના સ્માર્ટફોન વાપરતી નહોતી. પણ હાલમાં તેની શાખામાં હાજર થયેલી નવી સહકર્મી સ્મિતા તેને ટોકતી રહેતી તો, વળી વારંવાર તેના ફોનમાં તેને મળતા મેસેજ કે લાઈક બતાવી બતાવીને તેને બધા સામે નીચું જોવા જેવું કરતી રહેતી. તે છેવટે તેણે પણ સ્માર્ટફોન ખરીદી લીધો. અને દીકરી પાસેથી ફોન કઈ રીતે યુઝ કરવું તે શીખી લીધું.
શરૂઆતમાં તેને ગમ્યું. તે સાથે તેને એવુંતો વળગણ લાગ્યું કે તેને થોડાંક સમય માટે ફોન યુઝ કરવા ના મળે તો તે ઉદાસ થઈ જતી. ઓફિસમાં કે ઘરમાં અન્ય પ્રવૃત્તિમાં નિરસતા દાખવવી ઈન્ટરનેટ ગેમ્સમાં તેમજ સોશિયલ મીડિયા પર વધુ પડતી ઓનલાઈન રહેવા લાગી. અને આ કારણે શરૂ શરૂમાં ઓફિસમાં તેમજ ઘરે હાંસીને પાત્ર થતી આમ છતાં તે સતત ફોનમાં વ્યસ્ત રહેતી !
કોઈના મેસેજ કે લાઈક ન આવતા ચિંતા કરતી. તેની ક્લાર્ક સ્મિતાની હરીફાઈ કરતી હોય તેમ રોજ અવનવી પોસ્ટ ફેસબુક પર તેમજ વોટ્સએપ પર પોસ્ટ કરીને સતત ફોન પર ચેક કરતી રહેતી. સેન્ટ મેસેજ સામેવાળાએ જોયો કે નહીં તે પણ ચેક કરતી રહેતી. આ કારણે તેના શરીરમાં દુઃખાવો તેમજ થાક લાગતો. ઘણીવાર ભોજન કરવાનું ટાળતી.
પણ હવે આ સ્માર્ટફોન તેને માટે હેડેક બન્યો. આ કારણે તેનો શાંત સ્વભાવ ધીરેધીરે ગુસ્સાવાળો સ્વભાવ થતો ગયો. હવે તેની એકાગ્રતામાં અભાવ તેમજ તેની આંખો જાણે ત્રાંસી થઈ ગઈ હોય તેવું તેને લાગી રહ્યું. રાત દિવસ સતત ફોનનો ઉપયોગ થતા અનિંદ્રાનો ભોગ બની રહી હતી. તેમાં પણ એક ક્લાર્કને તેની પોસ્ટ કરતા વધુ લાઈક મળતી હોવાથી તે વધુ દુઃખી થઈ જતી. અને એટલે આજે તેણે મનોમન નક્કી કર્યું છે આજે આ છેલ્લું સ્ટેટ્સ પોસ્ટ કરવું છે અને જો પેલી ચિબાવલી સ્મિતા કરતા ઓછી લાઈક મળે તો આ ફોનને હાથ નહીં પકડું ! તેવા નીર્ધાર સાથે તેણે અંતિમ પોસ્ટ અપલોડ કરી અને સેન્ટ મેસેજ સામેવાળાએ જોયો કે નહીં તે જોવા વારંવાર ફોન ચેક કરતી રહી !
***
ટેકનોલજીના યુગમાં હું કેમ પાછો પડું ? તે વિચારે માણસ અવનવા પ્રયોગો કરી મન પરનો કાબુ ગુમાવી પોતાની જાતને કેવો લાચાર બનાવી દે છે !
ડાયરી બંધ કરી હું વિચારતો રહ્યો.
