હળવાશ
હળવાશ


હૃદય જાણે એક ધબકારો ચૂકી ગયું. આવનારા રંગબેરંગી સપના સજાવતી એ આંખોની ચમક ફિક્કી પડી ગઈ. આઘાતના ધક્કા એ માધવીને જાણે નિષ્પ્રાણ બનાવી દીધી. પ્રેમથી પકડી રાખેલા ગુલાબના એ ફૂલો હાથમાંથી જમીન પર પડી ગયા અને સાથે સાથે કદાચ માધવીની લાગણી અને ભવિષ્યના સુંદર સ્વપ્નો બધુંજ જમીનધ્વસ્ત થઈ ચૂક્યું હતું.
મિહિરને પ્રેમથી જોવાની આશા લઈ ને આવેલી માધવી એ સામેનો નજારો જોઈ ને જાણે એનો પ્રેમ ઘૃણામાં પરિવર્તિત થઈ ગયો એમ લાગ્યું.
મિહિરને બાથમાં ભરી લેવાની ઈચ્છા સાથે આવેલી માધવી એ મિહિર ને કોઈ અન્ય યુવતી ને બાથમાં ભરેલી જોઈ. અમુક સમય માટે નિરીક્ષણ કર્યા બાદ માધવી સમજી ગઈ કે એને જે લાગણીના ફૂલોની માળા મિહિર માટે ગૂંથી હતી એ હવે વિખરાઈ ચૂકી છે.
પણ શા માટે. ..!?? મિહિર અને માધવી ની ઈચ્છા અને બંને પરિવારની ચર્ચા અને અનુમતિ થી જ તો લગ્ન નક્કી થયા છે. જો મિહિરને અન્ય યુવતી સાથે પ્રેમ હતો તો એણે લગ્ન માટે ના પાડી દેવી જોઈતી હતી ને. .શા માટે મારા સ્વપ્નો ની શાખા પર ફૂલ ખીલાવ્યું અને નિર્દયતાથી એને કચડી નાખ્યું. .!??
માધવી હજી સ્તબ્ધ થઈ ને ત્યાં જ ઊભી હતી. બાગનું વાતાવરણ માં લોકોના અવાજ થી ગુંજતું હતું પરંતુ માધવી ના મનમાં જાણે જીવનભર નો સન્નાટો છવાઈ ગયો. પાછળ થી હિંચકાનો અવાજ આવતો હતો. . એ “કિચૂડ કિચૂડ” અવાજ સાંભળીને માધવી ને લાગ્યું કે મારા અને મિહિરના સંબંધ માં જ આ “કિચૂડ કિચૂડ” આવી ગયો છે.
માધવી આ બધું વિચારી રહી હતી ત્યારે એક બાળક જોરથી દોડતું દોડતું જાય છે અને માધવીને સહેજ ધક્કો લાગી જાય છે. અને માધવી દુઃખના વિચારોમાંથી જરા બહાર આવે છે. . સામેનું દ્રશ્ય જોવાની હવે માધવી માં વધારે હિંમત રહી ન હતી. તેથી એ પાછી ઘરે જવા ફરી જાય છે. કદાચ માધવીએ હવે આ સંબંધથી દૂર જવા જ રસ્તો બદલી નાખ્યો હતો.
સુંદર એ આંખોમાંથી નીકળતા આસુંને સાફ કરતા કરતા માધવી ઘરે જવા નીકળી જાય છે.
રાતનો સમય હતો. . શીતળ ચાંદની લહેરમાં માધવી બાલ્કનીમાં ઊભી હતી પરંતુ એ શીતળ ચાંદની પણ એના હૃદયને લાગેલો આઘાત ને કારણે જાણે એના હૃદય અને આખા શરીરને બાળી રહી હતી.
પ્રેમની સ્મૃતિઓની ભૂલાવી જીવન જીવવું એટલું સરળ નથી હોતું પરંતુ કડવી હકીકત સાથે જીવવું પણ તો મુશ્કેલ જ હોય છે ને. ..
માધવીના મનમાં હવે વધારે ને વધારે આઘાત ઘા કરવા
માંડ્યા હતા.. ઘરના ને કઈ રીતે કહું..?? મિહિર સાથે હવે લગ્ન કરવાની માધવીની ઈચ્છા ના હતી પરંતુ એને ચિંતા હતી કે મારા માતા-પિતા શું મારા આ નિર્ણયને માન્ય રાખશે..?? કે પછી મારે એવા વ્યક્તિ સાથે જ જીવન વિતાવવા પડશે જેણે લગ્નના સાત વચનો આપવા પહેલાં જ એનો ભંગ કરી દીધો હતો. !? માધવી વિચારોના ચક્રવ્યૂહમાં જોડાઈ હતી એટલામાં પાછળથી કોઈક એ એના ખભા ઉપર પ્રેમથી હાથ મૂક્યો.
માનસિક તાણ માં ડૂબેલી માધવીને જાણે ફૂલોની કોમળ પાંખડીનો સ્પર્શ થયો એવો અનુભવ થયો.
માધવીએ પાછળ ફરીને જોયું. .
“શું થયું છે તને બેટા. ??
આજે કેમ આટલી ઉદાસ લાગે છે??”
પિતાના આ પ્રશ્ને માધવીના ધૈર્યનો સેતુ તોડી દીધો અને પિતાને ભેટીને રડતા રડતા બધી વાતો કહી દીધી. .
પિતાએ માધવીને બાથમાં લઈને સાંત્વના આપી અને વચન આપ્યું કે તારા નિર્ણયને સન્માનપૂર્વક માન્ય રાખવામાં આવશે. માબાપ કે સમાજની ચિંતા કર્યા વગર તુ આ સંબંધને લગતો કોઈપણ નિર્ણય લેવા માટે મુક્ત છે. જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં તારી કોઈ ભૂલ નથી બેટા.. . અને મારી દીકરીને હું જાણી જોઈને દુઃખના દરીયામાં ડૂબવા તો નહિ જ દઉં. .
“મારી લાડલી. . હું છું ને તારી સાથે. .. તારે સમાજ કે અન્ય કોઈ પણ વાતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી બેટા. .”
આટલું કહેતા કહેતા માધવી ના પિતા માધવી ના આંસુ પ્રેમથી સાફ કરે છે અને એને બાથમાં લઈ લે છે.
માધવી નું હૃદય જે આખા દિવસથી માનસિક તાણના તાપમાન બળતું હતું એણે હવે “હળવાશ”નો અનુભવ કર્યો..
દરેક માતા-પિતા પોતાની પુત્રી માટે સારા ભવિષ્યની જ કામના કરે છે પરંતુ કોઈક વાર એવું બની શકે કે આપણે લીધેલો નિર્ણય ખોટો પણ સાબિત થાય. આવા સમયે આપણે આપણે દીકરીનો સાથ ના આપીએ તો એ કોઈપણ ખોટું પગલું ભરી શકે છે અથવા તો મા-બાપની ઈજ્જત અને સમાજના પ્રશ્નો ના ભય થી એવા જીવનમાં પ્રવેશ કરી લે છે જેમાં એણે આથી જિંદગી દુઃખી જ થવાનું હોય છે.
આ વાર્તા દ્વારા હું દરેક મા-બાપને નમ્ર વિનંતી કરવા માંગું છું કે દીકરીના સગપણ પછી પણ જો સામા પક્ષ માં કોઈક વાંધો જણાય તો દીકરીના હિતમાં જે કંઈ પણ નિર્ણય લેવા પડે એમાં ચૂકશો નહિ. પૂર્ણ રીતે દીકરીને માનસિક સહાય રૂપ બનો અને સમાજના ભયથી દીકરીને ખોટો નિર્ણય લેવા મજબૂર કરશો નહીં.
દીકરીને ભારનો નહીં પરંતુ પ્રેમ ભર્યા હળવાશનો અનુભવ કરાવો.