મારી માતા સર્વશ્રેષ્ઠ યોદ્ધ
મારી માતા સર્વશ્રેષ્ઠ યોદ્ધ


“આપી દે આપ બન્ને દીકરીઓને એના બાપને.... આ બબ્બે ભાર સાથે તુ કઈ રીતે આખી જિંદગી પસાર કરશે ?”
સામેની વ્યક્તિના વાક્ય એ મિતાના હૃદય પર જોરદાર ઘા કર્યો. એક તો હાલ જે પરિસ્થિતિ સર્જાઇ હતી એનાથી મીતા માનસિક રીતે ભાંગી પડી ચૂકી હતી અને એમાં કોઈએ આવી વણમાંગી સલાહ આપી જેમાં આટલી નિર્દયતા ઉભરાતી હતી. ભાંગી પડેલી હિંમત માંથી ઉભરીને મીતા એ સામેની વ્યક્તિને જવાબ આપ્યો, ”આ મારી દીકરીઓ મારો ભારો નથી. હવે આજ મારા જીવન જીવવાની પ્રેરણા છે હું ભલે બંને દીકરી જોડે ભુખી મરી જઈશ પરંતુ એના નિર્દય બાપને તો નહિ જ સોપું અને ક્યારેય એમને કોઈ તકલીફ ના આપીશ કે ક્યારેય પણ એમને બાપની કમી અનુભવવા નહિ દઉં.
આટલું કહેતાંની સાથે મીતા એ આંખોમાં આંસુ સાથે પોતાની બન્ને દીકરીઓને બાથમાં લઇ લીધી. અચાનક આવી પડેલા આ દુઃખના તાપમા મીતાને જાણે કોમલ ફૂલની પાંખડીઓનો સ્પર્શ થયો એવો અનુભવ થયો. અને મનમાં વિશ્વાસ હતો કે આજ મારા ફૂલો એક દિવસ મારા માટે ગર્વની સુગંધ ફેલાવશે. એમ તો એ દિવસે સૂર્ય સામાન્ય રીતે જ ઉઠ્યો હતો, પરંતુ મીતા બહેન ક્યાં અંદાજ પણ હતો કે આજે સૂર્યોદય એમના જીવનમાં અંધકાર લઈને આવશે.
મીતા બહેન દરરોજની જેમ પોતાની ડયુટી પર ગયા હતા. ૨ વર્ષ ની નાનકડી માહી અને ૭ વર્ષની તૃષિકા સ્કૂલ માં હતા. આ દરમિયાન બીજી બાજુએ જે થઇ રહ્યું હતું એની આ મા દીકરીઓએ કલ્પના પણ નહોતી કરી. કારણ કે આ દરમ્યાન મીતા બહેન ના પતિ એક નિર્દયતા ભર્યું કાર્ય કરી રહ્યા હતા. એક પુરુષ,એક પિતા અને પતિની ફરજ ભૂલી જાણે રાક્ષસ બની ચૂક્યા હતા. મીતા બહેન ડયુટી પર હતા. એમના પર પાડોશીઓ નો ફોન જાય છે. મીતા બહેન પર જાણે આભ તુટી પડે છે પરંતુ એ પોતાની જાતને સંભાળી ને તરત જ પોતાના ઘરે આવવા નીકળે છે.
એક સ્ત્રી જ્યારે પોતાના મહેનતના પૈસા થી પોતાનું ઘર વસાવે વસાવે છે ત્યારે જાણે સૂર્યની એક એક કિરણ ભેગી કરી પ્રકાશનો મહેલ બનાવે છે. ફૂલોની એક એક પાંખડી ભેગી કરી જાણે સુંગંધથી મહેકતો બગીચો બનાવે છે. અને જ્યારે એ સ્ત્રી પોતાની નજર આગળ આ બધું વિનાશ થતાં જોય છે ત્યારે એની સ્થિતિ શું થતી હશે એનો કોઈ અંદાજો પણ ના લગાવી શકે. આજ થઈ ચૂક્યું હતું મીતા બહેન જોડે.
પાડોશીઓનો ફોન આવતા જ મીતાબેન ઘરે આવવા નીકળ્યા અને આવી ને જોયું તો મહેનતથી વસાવેલી દરેક વસ્તુ લૂંટાઈ ચૂકી હતી. પ્રકાશનો એ મહેલ અંધકારમાં ડૂબી ચૂક્યો હતો. સુગંધ ભરેલો બગીચો ઉજ્જડ બની ગયો હતો કારણકે એમના પતિ આખા ઘરનો સામાન લઈને બંને દીકરી અને પત્નીને તરછોડી ને જતા રહ્યા હતા..
“અમે એમને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ રોહિતભાઈ બધો જ સમાન ટ્રકમાં ભરીને જતા રહ્યા” એક પાડોશી બોલ્યા.
સ્તબ્ધ થઈ ગયેલ મીતા બહેન કશું જ બોલી ના શક્યા. એમની પાસે હવે કશું જ ના બચ્યું હતું. ઘરનો તમામ સમાન, કપડા, પૈસા, ઘરેણાં,બેંકની પાસબુક બધુંજ લઈને રોહિત ભાઈ નિર્દયતાથી પોતાની પત્ની અને બે પુત્રી ઓ ને નિરાધાર કરી ને જતા રહ્યા હતા. પરંતુ કહેવાય છે ને કે જ્યારે સંતાનને સાચવવાની વાત આવે છે ત્યારે એક હરણી પણ સિંહણ બની જાય છે. બસ....મીતા બહેને પણ હિંમત રાખી અને સંકલ્પ કર્યો કે મારી આ બે દીકરીઓ મારી અનમોલ સંપત્તિ છે.
હું એમનું દુઃખ જોઈ ને જિંદગીમાં આવી પડેલ આ દુખનો સામનો હસતા મુખે કરી લઈશ. એટલું સરળ પણ ના હતું,એક એકલી સ્ત્રીને આ પુરુષપ્રધાન સમાજ માં કેટકેટલું સહન કરવું પડે છે, છતાં મીતા બહેને તમામ પડકારોનો વીર યોદ્ધા ની જેમ સામનો કર્યો. પોતાની જોબ હતી અને ઈશ્વરની કૃપા એટલે ધીમે ધીમે બધું સદ્ધર થયું. પ્રકાશનો મહેલ ફરી ચમક્યો અને ફૂલોનો બગીચો ફરી મહેક્યો. નવું ઘર વસાવ્યું અને દિકરીઓ સાથે નવી જિંદગી શરૂ કરી. પોતાની દીકરીઓ ને ભણવી ગણાવીને પગભર બનાવી...
આજે બંને દીકરી સરકારી નોકરી કરે છે.. એક દીકરી આજે શિક્ષણ આપી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે તો બીજી દિકરી પરિચારિકા તરીકે દર્દીની સેવા કરે છે અને હાલ “કોરોના વોરિયર” તરીકે પોતાની ફરજ બજાવે છે. મીતા બહેનનો વિશ્વાસ આજે સાચો સિદ્ધ થયો. એમની બંને દીકરીઓએ એમના માટે ગર્વની સુગંધ ફેલાવી. અને બંને દીકરીઓ ને પણ ગર્વ છે કે તેઓ એક સર્વશ્રેષ્ઠ યોદ્ધાની સંતાન છે.
આ દ્વારા મીતા બહેને સમાજને પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે સ્ત્રી શક્તિ બધુંજ કરી શકે..સ્ત્રી અબળા નથી, સ્ત્રી એક સર્વશ્રેષ્ઠ યોદ્ધા છે.