હજુયે તે ભૂલી નહોતી
હજુયે તે ભૂલી નહોતી


બે બે વર્ષ થઇ ગયા હોવા છતાંયે એ ઘટનાને હજુયે તે ભૂલી નહોતી. કે લોકો તેને ભૂલવા દેતા નહોતા. એ ઘટનાથી ડઘાયેલી તે ચુપચાપ એક ખૂણામાં પડી રહેતી. આંસુ સારી મનોમન એ દુષ્ટને ખૂબ ગાળો આપતી. એના કારણે જ. હા, એના કારણે જ. તે ઘરમાંથી બહાર નીકળતા ડરતી. સ્કુલમાં જતાં ડરતી. બજારમાં કે મંદિરમાં જવાનું ટાળતી. બસ મૌન ધારણ કરી ચુપચાપ ઘરમાં જ પુરાઈ રહેતી. તેને મનમાં સતત એ વાતનો ડર રહેતો કે. તે જેવો ઘરમાંથી બહાર પગ મુકશે કે તરત. કો’ક આવીને તેને પકડી લેશે. તેને ઉઠાવીને પાછી ઘરે લઇ આવશે. અને તેના માતાપિતાને ઠપકો આપતા કહેશે કે. “દીકરીને સંભાળો સાહેબ, એ તો ઈશ્વરનો આભાર માનો કે ગઈકાલે જ મેં વોટ્સએપ પર તેના ફોટા સાથેનો ‘ખોવાયેલ છે’ નો મેસેજ જોયો હતો!!!”
બે વર્ષથી ધારણ કરેલા મૌનને તોડતા આજે તે પહેલીવાર હૈયાફાટ રુદન કરતા બોલી, “કેમ? કેમ? એ દુષ્ટે બે વર્ષ પૂર્વે મારા માતાપિતાએ મારી માટે તૈયાર કરાવેલા ખોવાયેલના મેસેજને આગળ મોકલતા પહેલા તેમાંની તારીખ કાઢી નાખી હતી ?”
બિચારી. એ ઘટનાને હજુયે તે ભૂલી નહોતી.