Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Rahul Makwana

Horror Thriller


4  

Rahul Makwana

Horror Thriller


હિલ સ્ટેશન

હિલ સ્ટેશન

12 mins 238 12 mins 238

સવાર આ શબ્દ સાંભળતાની સાથે જ આપણાં તન અને મનમાં એક અલગ જ પ્રકારની ઊર્જાનો સંચય થઈ જતો હોય છે, આગળનાં દિવસે કરેલ ભૂલ સુધારવા માટેની તક એટલે સવાર, એક નવી શરૂઆત કે પહેલ કરવાનો મોકો એટલે સવાર, રાતે આરામ કર્યા બાદ ફરી પાછા વ્યવસાય પર લાગવા માટેનો સમય એટલે સવાર, આ સવાર અલગ અલગ વ્યવસાય અને અલગ અલગ લોકો માટે અલગ અલગ મહત્વ ધરાવે છે, ખેડૂતો વહેલી સવારે ગાડુ લઈને ખેતરે ઉપડી જતાં હોય છે, નાના ભૂલકાઓ સ્કૂલ યુનિફોર્મ પહેરીને ભાર વગરનું શિક્ષણ મેળવવા માટે રિક્ષામાં ખીચોખીચ ભરાયને સ્કૂલે જતાં હોય છે, નોકરિયાત વર્ગ પોતાનાં ફરજનાં સ્થળે પહોંચવા માટે વાહન લઈને નીકળી પડતાં હોય છે. 

 અર્ચના પોતાનાં ઘરનું બધું રૂટીન વર્ક પૂરું કરીને પોતાની ઓફિસે જઈ રહી હતી, આજે સવારથી જ તેનો જીવ કોઈપણ પ્રકારનાં દેખીતા કારણ વગર જ મૂંઝાઈ રહ્યો હતો, પરંતુ ઘર અને ઓફિસનાં કામનાં ભારણને લીધે અર્ચના આ બાબતની અવગણના કરી રહી હતી.

 આથી અર્ચના એક્ટિવામાં સેલ્ફ લગાવીને તેની ઓફિસ તરફ જતાં રસ્તા પર એકટીવા ભગાવે છે, અર્ચના શહેરનાં જાણીતા એવાં "રાહુલરાજ" મોલમાં એકાઉટન્ટ તરીકે ફરજ બજાવતી હતી, અને તેનાં ઘરેથી મોલ સુધી પહોંચતાં 45 મિનિટ જેટલો સમય લાગતો હતો, અર્ચનાએ લગભગ વીસેક મિનિટ જેટલી એકટીવા ચલાવી હશે, એવામાં તેનું ધ્યાન એક્ટિવાનાં મિરર પર પડ્યું..જેમાં એક બી.એમ.ડબ્લ્યુ કાર પોતે ઘરેથી નીકળી ત્યારથી તેને ફોલો કરી રહી હોય તેવું લાગ્યું...આ જોઈ ગભરાહટને લીધે અર્ચનાનાં શ્વાસોશ્વાસ અને હૃદયનાં ધબકારા વધી ગયાં, ચહેરા પર પરસેવો બાઝી ગયો, હાથ - પગમાં એક અલગ પ્રકારની ધ્રુજારી આવવાં લાગી...આથી અર્ચનાએ પોતાની એકટીવા ભગાવી અને શોર્ટકટ લીધો...તો પણ પેલી બી.એમ.ડબ્લ્યુ કાર હજુપણ તેને ફોલો કરી રહી હતી...લગભગ આવું વીસેક મિનિટ સુધી ચાલ્યું હશે..એવામાં એકાએક પેલી કાર અર્ચનાને દેખાતી બંધ થઈ ગઈ.

  આથી અર્ચનાનાં જીવમાં જીવ આવ્યો, તેનો તાળવે ચોંટેલો જીવ હવે શાંત પડ્યો હોય તેવું લાગી રહ્યું હતું, આથી અર્ચના ફરી અગાવની માફક જ બે ફિકર બનીને પોતાની એકટીવા ચલાવવા લાગી, એવામાં એકાએક પેલી બે.એમ.ડબલ્યુ કાર પોતાની સામેની તરફથી પુરઝડપે ઘસી આવેલ રહી હતી..આ જોઈ અર્ચનાને લાગ્યું કે આજે તો તે કોઈપણ સંજોગોમાં બચી શકે તેમ નથી..અને પેલી બી.એમ.ડબલ્યુ કાર જોત-જોતામાં તેની એકદમ નજીક આવી ગઈ..અને એકટીવા સાથે જોરદાર ધકડા સાથે અથડાઈ...આથી અર્ચના એ "બચાવો.!" - એવી મોટેથી બૂમ પાડી.

  આ જોઈ અર્ચના ગભરાઈને પોતાની પથારીમાંથી સફાળી જાગી ગઈ...અને પોતાનાં બેડની બાજુમાં રહેલ ટીપાઈ પર રહેલ પાણીની અડધી બોટલ એક જ શ્વાસમાં પી ગઈ..અર્ચનાની આવી મોટી બૂમ સાંભળીને તેનો પતિ સુશાંત પણ દાઢી કરતાં કરતાં બેડરૂમ સુધી દોડીને આવી પહોંચ્યો..આમ અર્ચનાને ખ્યાલ આવી ગયો કે હાલ તેણે એક ખરાબ સ્વપ્ન જોયેલ હતું..

"શું..? અર્ચના આજે પણ તે ફરી પાછું ડરામણું સપનું જોયું..?" - અર્ચનાનાં માથા પર પ્રેમથી હાથ ફેરવતાં - ફેરવતાં સુશાંત બોલ્યો.

"હા ! મને પણ એવું જ લાગી રહ્યું છે..!" - અર્ચના સ્વસ્થ થતાં બોલે છે.

"ઓકે...ધેન ડોન્ટ વરી..!" - સુશાંત અર્ચનાને હિંમત આપતાં બોલે છે.

"પણ...સુશાંત મને કોણ મારવા માંગતું હશે.? મેં કોઈનું શું બગાડ્યું છે..?" - અર્ચના અચરજ ભરેલાં અવાજે બોલી.

"ડાર્લિંગ ! એ એક સપનું હતું..જેને આટલું ગંભીરતાથી લેવાની કોઈ જ જરૂર નથી..માટે ડોન્ટ મોર થિંક અબાઉટ ધીસ મેટર..!" - સુશાંત હળવા અવાજે બોલ્યો.

"ઓકે.!" - અર્ચના પોતાનું માથું ધુણાવતા બોલી.

"મેડમ ! હવે તમે મારા માટે કંઈક નાસ્તો બનાવી આપો, તો મારા પર તમારી મોટી મહેરબાની રહેશે..અને એટલીવારમાં હું નાહીને આવું..!" - સુશાંત હસતાં - હસતાં બોલે છે.

  ત્યારબાદ સુશાંત નાહવા માટે બાથરૂમ તરફ જાય છે, અને અર્ચના નાસ્તો બનાવવા માટે રસોડામાં જાય છે, થોડીવારમાં સુશાંત તૈયાર થઈને નાસ્તો કરવાં માટે ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ જાય છે, અને અર્ચના નાસ્તો ડાઈનિંગ ટેબલ પર સર્વ કરે છે.

"અર્ચના ! તું આજે રાતે પૂરતી ઊંઘ ન થવાને લીધે ખુબ જ થાકેલી લાગી રહી છો...અને તારા ચહેરા પર થકાવટ સ્પષ્ટપણે જોઈ શકાય છે...માટે આજે તું એક કામ કર, તારી ઓફિસે કોલ કરીને રજા લઈ લેજે, અને ઘરનું બધું કામ પતાવીને એકતાનાં ઘરે આંટો મારી આવજે જેથી તેને સારું લાગે..!" - સુશાંત નાસ્તો કરતાં કરતાં બોલે છે.

"ઠીક છે.! તારી વાત મને યોગ્ય લાગે છે.! હું તે જણાવ્યું એ જ પ્રમાણે કરીશ આજે..!" - અર્ચના સુશાંતની વાત સાથે સહમતી દર્શવાતા બોલે છે.

  ત્યારબાદ સુશાંત પોતાની ઓફિસબેગ ખભે લગાવીને અર્ચનાનાં કપાળનાં ભાગે કિસ કરીને "ટેક કેર ! ડાર્લિંગ..!" - એવું કહીને ઓફિસે જવાં ઘરની બહાર નીકળે છે.

  થોડીવાર બાદ અર્ચના સુશાંતને બાઈ એવું કહેવા માટે પોતાનાં ઘરની ગેલેરીમાં આવે છે.. પરંતુ તેણે પોતાનાં ઘરની બહાર જે નજરો જોયો તે જોઈને અર્ચનાનાં હોશ ઊડી ગયાં..તેની આંખો નવાઈને લીધે પહોળી થઈ ગઈ...તેણે "સુશાંત" - એવી બે - ત્રણ બુમો પણ પાડી પરંતુ તે બુમનો અવાજ સુશાંતના કાન સુધી પહોંચ્યો નહીં..આથી અર્ચના ઝડપથી પોતાનાં બેડરૂમમાં ગઈ અને પોતાનો મોબાઈલ ફોન ઉઠાવીને સુશાંતને કોલ કર્યો.

"હા ! અર્ચના બોલ.!" - સુશાંત બોલ્યો.

"તમે કેમ આજે ઓફિસે જવાં માટે આપણી કાર કેમ ના લઈ ગયા.!" - અર્ચનાએ આશ્ચર્ય સાથે સુશાંતને પૂછ્યું.

"અરે...ડિયર. આજે આપણી કાર સર્વિસ માટે લેવા આવશે, મેં શો રૂમમાં વાત કરી લીધેલ છે, માટે મેં સવારે જાગીને જ કેબ બુક કરાવી લીધી હતી.!" - સુશાંત સ્પષ્ટતા કરતાં જણાવે છે.

"પણ.! એ કાર...તો..." - અર્ચના થોડુંક ખચકાતા - ખાચકાતાં બોલી.

"સારું ! ડિયર..ચિંતા ના કરીશ...હું તને પછી નિરાંતે કોલ કરું છું.!" - સુશાંત બોલ્યો.

"ઓકે...ધેન ટેક કેર.!" - અર્ચના કોલ ડિસ્કનેક્ટ કરતાં બોલી.

  ત્યારબાદ અર્ચના પોતાનાં બધું કામ પૂરું કરીને એકતાનાં ઘરે જાય છે, એકતા અને અર્ચના ખુબ જ વાતોચીતો કરે છે, ત્યારબાદ અર્ચના એકતાને પોતાનાં ગઈકાલે જે પેલું ડરામણું સપનું આવેલ હતું...તેનાં વિશે વિગતવાર જણાવે છે...જે સાંભળીને એકતા અર્ચનાને જણાવે છે.

"અર્ચના ! ડોન્ટ વરી ડિયર...ઈટ વોસ ઓન્લી અ ડ્રિમ એટ ઓલ...નથિંગ ટુ વરી.!" 

"પણ...એકતાં મને કોણ મારવા માંગતું હશે..મેં ક્યાં કોઈનું કંઈ બગાડ્યું છે.!" - હેરાની ભરેલાં અવાજે અર્ચના બોલી.

"અર્ચના ! મારું એવું માનવું છે કે તારે કોઈ સારા સાઈકોલોજીસ્ટ કે સાઈકિયાટ્રીસ્ટને એકવાર બતાવવું જોઈએ..!" - એકતા પોતાનો મંતવ્ય આપતાં બોલી.

"હા ! મને પણ તારી વાત સાચી લાગી રહી છે.!" - સોફા પરથી ઊભા થઈને પોતાનો મોબાઈલ બેગમાંથી બહાર કાઢતાં - કાઢતાં અર્ચના બોલે છે.

  ત્યારબાદ અર્ચના બારી પાસે જઈને પોતાનાં મોબાઈલ ફોનમાંથી સુશાંતને કોલ કરે છે, અને તેને જણાવે છે કે મારે કોઈ સારા સાઈકોલોજીસ્ટ કે સાઈકિયાટ્રીસ્ટને બતાવવું જોઈએ..આથી સુશાંત અર્ચનાની વાતમાં સહમતી દર્શાવે છે..અને સુશાંત અર્ચનાને મોબાઈલ ફોન પર એકતા સાથે પોતાની વાત કરાવવા માટે જણાવે છે.

"લે ! એકતા સુશાંત તારી સાથે ફોન પર વાત કરવાં માંગે છે..!" - અર્ચના પોતાનો મોબાઈલ ફોન એકતા તરફ આગળ ધરતા બોલે છે.

  આ સાંભળી એકતાનાં શરીરમાં એક અલગ જ પ્રકારનો ભય ફેલાઈ ગયો, તેનાં ચહેરા પર પરસેવો બાઝી ગયો, હાથ પગ ડરને લીધે ધ્રુજી રહ્યાં હતાં, શ્વાસોશ્વાસ અને હૃદયનાં ધબકારા વધી ગયેલાં હતાં, અચરજ અને નવાઈને લીધે એકતાની આંખો પહોળી થઈ ગઈ..આમ છતાંપણ એકતાએ હિંમત કરીને અર્ચનાનાં હાથમાં રહેલ ફોન પોતાનાં કાને રાખ્યો અને બોલી..

"હે..લો.!" - એકતા ડરેલા અવાજે અટકતા અટકતા બોલી.

"હેલો ! હાઉ આર યુ...ડિયર એકતા.!" - સામેની તરફથી એકતાને સુશાંતનો અવાજ સંભળ્યો..સુશાંતનો અવાજ સાંભળતાની સાથે જ એકતાનાં હાથમાંથી મોબાઈલ નીચે ફ્લોર પર પડી ગયો.

"શું થયું ..એકતા..?" - અર્ચના એકતાની સામે જોઈને બોલી.

"કંઈ નહીં.!" - ચહેરા પર રહેલ પરસેવો લુછતાં - લુછતાં એકતા બોલી.

  એવામાં એકતાનાં ઘરનો ડોર બેલ વાગ્યો, આથી એકતા એકદમ ઝડપથી દરવાજા તરફ ચાલવા માંડે છે, દરવાજો ખોલીને જોવે છે તો એકતાનાં પતિ...નિશાંત ઘરે લંચ માટે આવેલ હતાં.

"સારું ! તો હું હવે મારા ઘરે જાવ છું.મારે હજુ ઘણુંબધું કામ બાકી છે...!" - અર્ચના એકતાની સામે જોઈને બોલે છે.

"અર્ચના ! અહીં જમીને જજે.!" - નિશાંત અર્ચનાને વિવેક કરતાં કહે છે.

"નાં ! હું મારા ઘરે જઈને જમીશ.!" - અર્ચના પોતાનું પર્સ ખભે લટકાવતા બોલે છે.

"ઓકે.બાય ! અર્ચના.!" - એકતા બોલે છે.

 ત્યારબાદ અર્ચના પોતાના ઘરે પરત ફરે છે, આ દરમ્યાન એકતા અને નિશાંત બંને ડાઈનીંગ ટેબલ પર જમવા માટે બેસે છે..અને એક્તા નિશાંતને અર્ચના શાં માટે પોતાનાં ઘરે આવેલ હતી એ વિગતો વિગતવાર જણાવે છે.

"હા ! તો ! એમાં શું થયું..!" - નિશાંત બોલે છે.

"રહેવા દો..! તમને મારી વાત હાલ નહીં સમજાય.!" - એકતા કોઈ રહસ્ય છુપાવી રહી હોય તેવી રીતે બોલી.

  ત્યારબાદ નિશાંત લંચ કરીને પોતાની ઓફિસે પરત ફરે છે, અને એકતા પોતાનાં ઘરકામમાં વ્યસ્ત બની જાય છે.


એક મહિના પહેલાં.

અર્ચના અને એકતા બંને એક સમયનાં કોલેજ ફ્રેન્ડ હતાં, જે બંને સદનસીબે લગ્ન પછી એક જ શહેરમાં રહેતાં હતાં, ધીમે - ધીમે તે બંને વચ્ચે પહેલાં જેવી જ ફ્રેન્ડશિપ ડેવલપ થઈ ગઈ...ધીમે - ધીમે દિવસો, અઠવાડિયા, અને મહિનાઓ વીતતાં ગયાં, ત્યારબાદ તે બધાએ મળીને એક હિલસ્ટેશન પર જવાં માટેની ટ્રીપ ગોઠવી.

  આથી અર્ચના, સુશાંત, એકતા અને નિશાંત ફરવાં માટે જાય છે, ત્યાં જઈને તે લોકો જાણે કુદરતનાં ખોળે ફરી રહ્યાની અનુભતી કરે છે, એકદમ આહલાદક વાતાવરણ, ચારેકોર લીલીછમ હરિયાળી, પર્વતો અને પહાડીનો નજરો, જાણે વાદળો પર્વતો સાથે વાતો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું.

  એવામાં એકતા આ કુદરતી સૌંદર્યનો વધુ લાહવો ઉઠાવવા માટે ટેકરીની કિનારી પાસે જાય છે, અને ત્યાં સુસવાટા મારતાં પવનની લેહરો જાણે એકતાનાં પુરેપુરા શરીરમાં એક નવા જ પ્રકારનાં ઉમંગ, ઉત્સાહ અને ચેતનાનો સંચાર કરી રહી હોય તેવું અનુભવી રહી હતી, એવામાં સુશાંત એકતાની નજીક જાય છે, તે બંને થોડીક વાતોચિતો કરે છે, એવામાં એકતા એકાએક જોરથી ચીસ પાડે છે..

"બચાવ.! બચાવ..!" 

  આ સાંભળીને અર્ચના, અને નિશાંત એક્તા હાલ જે સ્થળે ઊભા રહીને ચીસ પાડી રહી હતી, ત્યાં દોડીને ઝડપથી આવી પહોચે છે..આ દરમિયાન એકતા જોર - જોરથી રડી રહી હતી..અને પોતાની આંખોએ જે ઘટનાં જોઈ તે ઘટનાં વિશે અર્ચના અને નિશાંતને જણાવતાં બોલે છે કે..

"હું અને સુશાંત અહીં ટેકરીની કિનારી પાસે ઊભા રહીને વાતો કરી રહ્યાં હતાં, એવામાં સુશાંતનો પગ લપસ્યો, આથી તે આ ઊંડી ખીણમાં પડી ગયો, મેં તેને બચાવવા માટે ઘણાં પ્રયત્નો કર્યા, પરંતુ મારા બધાં જ પ્રયત્નો વ્યર્થ ગયાં...!" - એકતા રડતાં - રડતાં બોલી.

  આ સાંભળીને અર્ચના પર જાણે આફતો અને દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવું તે અનુભવી રહી હતી, તેનાં હૈયામાં એક ઊંડો ધ્રાસકો પડ્યો, હૃદય ચિરાઈ જાય એટલી તીવ્ર વેદના હાલ તે અનુભવી રહી હતી..એકાએક અર્ચનાની આંખો આડે અંધારું છવાઈ ગયું અને તે બેભાન થઈને જમીન પર પડી ગઈ..જ્યારે અર્ચનાંએ પોતાની આંખો ખોલી તો તે હોસ્પિટલમાં દાખલ હતી...અને બેડ પર સુતેલ હતી.

ત્યારબાદ નિશાંત અને એકતા અર્ચનાને સુશાંતના મૃત્યુ વિશે જણાવે છે, પરંતુ અર્ચના કોઈપણ સંજોગોમાં આ બાબત સ્વીકાર કરવાં માટે તૈયાર જ ન હતી..અર્ચના જાણે પોતાનાં મન પરનો કાબૂ ગુમાવી બેસેલ હોય તેમ પાગલની માફક વર્તન કરી રહી હતી...આથી ત્યાંના ડોકટરે રેફરન્સ માટે સાઈકીયાટ્રીસ્ટ ડૉ. હેમંતને બોલાવે છે..ડૉ. હેમંત અર્ચનાની તપાસ કરીને અમુક દવાઓ લખી આપે છે..અને જણાવે છે કે 6 મહિના સુધી આ દવા અર્ચનાએ ભૂલ્યા વગર લેવાની છે, જો આ દવા સમયસર લેવામાં નહીં આવે તો અર્ચનાની માનસિક હાલત ગમે ત્યારે બગડવાની શક્યતા રહેલ છે.બીજી એ બાબત તમારે ખાસ યાદ રાખવાની છે કે અર્ચનાને કોઈ શોકિંગ બાબત જણાવવી નહીં...તે હર્ટ કે દુઃખી ના થાય તે બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે....ત્યારબાદ અર્ચનાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવે છે અને અર્ચના પોતાનાં ઘરે પરત ફરે છે, અર્ચના ઘરે પરત ફરે એ પહેલાં જ નિશાંત અને એકતાએ સુશાંતનાં હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે અંતિમ સંસ્કાર વિધિ પણ પૂરી કરી લીધી હતી.


એ જ દિવસે રાતે..

  લગભગ રાતનાં 11 કલાક એકતા અને નિશાંત પોતાના બેડરૂમમાં સુતેલા હતાં, એવામાં એકાએક ડોરબેલ રણકી ઉઠે છે, આથી એકતા નિશાંતની ઊંઘમાં ખલેલ ના પડે માટે તે પથારીમાંથી હળવેકથી ઊભી થઈને દરવાજા તરફ જાય છે..દરવાજા પાસે પહોંચીને એકતા દરવાજા પર રહેલાં વિઝ્યુલ ગ્લાસમાંથી બહાર જોવે છે..બહાર જે દ્રશ્ય જોયું તે જોઈને એકતાનાં પગ નીચેથી જમીન સરકી ગઈ...એકતા એકદમથી ગભરાય ગઈ..ડરને લીધે તેની બંને આંખો પહોળી થઈ ગઈ..શું કરવું.? શું ન કરવું.? એ એકતાની કંઈ સમજમાં આવી નહોતું રહ્યું, આથી ડરીને જોરજોરથી ચીસાચીસ કરી મૂકે છે, અને જોર જોરથી "નિશાંત" એવી બૂમો પાડે છે, એકતાની આવી જોરદાર ચીસો સાંભળીને નિશાંત સફાળો પોતાનાં બેડમાંથી ઉભા થઈને એકતા જે જગ્યાએ ઊભા રહીને ચીસ પાડી રહી હતી ત્યાં દોડીને પહોંચે છે..

"નિશાંત ! ત્યાં..ત્યાં.! દરવાજે...સુ...શાં. ત.!" - ગભરાયેલા અવાજે ડરતા - ડરતાં એકતા બોલે છે.

"વોટ ! નોન સેન્સ.! સુશાંત ત્યાં ક્યાંથી હોય..!" - નિશાંત વિસ્મયતા સાથે બોલે છે.

"હા...ત્યાં સુશાંત જ છે..મેં તેને મારી આંખો વડે જોયો...તે આપણાં દરવાજા બહાર ઉભેલ હતો..!" - એકતા ધ્રુજતાં - ધ્રુજતાં બોલે છે.

"એકતા ! ભાનમાં આવ..તું શું કહી રહી છો..સુશાંત તો એક મહિના પહેલાં જ મૃત્યુ પામ્યો છે..એ આપણાં ઘરનાં દરવાજે કેવી રીતે હોઈ શકે..!" - નિશાંત થોડાક ગુસ્સા સાથે બોલે છે.

  ત્યારબાદ નિશાંત દરવાજો ખોલે છે,તો ત્યાં વાસ્તવમાં કોઈ જ હોતું નથી.આથી નિશાંત એકતાની સામે જોઈને બોલે છે.

"જો ! મેં તને કહ્યું હતું...ને...બહાર કોઈ જ નથી..!" 

"ના ! ત્યાં સુશાંત હતો જ જે મને મારવા માટે આવેલ હતો.જેનાં હાથમાં ધારદાર છરી હતી..!" - એકતા વધુ વિગત જણાવતાં બોલે છે.

"એકતા...કેવી વાહિયાત વાતો કરે છે તું...તારું મગજ તો ઠેકાણે છે...ને.? મરેલ વ્યક્તિ કેવી રીતે આપણાં દરવાજે આવે..અને તે તને શાં માટે મારવા માંગે..?" - નિશાંત હવે ગુસ્સા સાથે બોલે છે.

"કારણ કે મેં જ એનું ખૂન કરેલ છે..!" - એકતા રડતાં - રડતાં સાચી વિગત નિશાંતને જણાવી દે છે.

  આ સાંભળતાની સાથે જ રૂમમાં એક નીરવ સન્નાટો છવાઈ ગયો, પળવાર માટે જાણે સમય રોકાઈ ગયો હોય તેવું નિશાંત અનુભવી રહ્યો હતો, પોતે એકતાનાં મોઢેથી જે હકીકત કે વાસ્તવિકતાં સાંભળે છે, તેના પર નિશાતનાં કાનોને વિશ્વાસ નહોતો આવી રહ્યો..

"પણ...સુશાંત તો પેલી ટેકરી પર પગ લાપસવાને કારણે મૃત્યુ પામ્યો હતો...ને.!" - નિશાંત આશ્ચર્ય અને નવાઈ સાથે એકતાની સામે જોઈને બોલે છે.

"નાં..એવું નહોતું..આપણે જ્યારે ફરવાં ગયાં, ત્યારે હું ટેકરીની કિનારી પાસે ઉભેલ હતી, બરાબર એ જ સમયે સુશાંત મારી પાસે આવ્યો અને તે મારી સુંદરતાના વખાણ કરવાં માંડ્યો...અને જોતજોતામાં તેણે મારો હાથ પકડી લીધો..અને મારી પાસે બોલી ના શકાય તેવી માંગણી કરવાં માંડ્યો..તેણે મને કહ્યું કે, " જો તું કાયમિક માટે મારી બની જઈશ તો તને નિશાંત કરતાં પણ વધારે સારી રીતે રાખીશ...એ સમયે મારે શું કરવું એ મને કોઈ વિચાર નહોતો આવી રહ્યો, આથી મેં મારો હાથ છોડાવવા માટે સુશાંતને ધક્કો માર્યો અને તે નજીક રહેલ ઊંડી ખીણમાં જઈ પડ્યો...!" - એકતા બંધ રહસ્યો પરથી પડદો હટાવતાં બોલે છે.

"ઓહ...માય...ગોડ..! તો તે આ વાત મારા અને અર્ચનાથી શાં માટે છૂપાવી..!" - નિશાંત પોતાનું માથું પકડતાં - પકડતાં બોલે છે.

"મને એવું હતું કે જો આ વાત હું તને કરીશ તો તું મારા ચારિત્ર પર શંકા કરીશ..અને જો આ વાત હું અર્ચનાને જણાવીશ તો અર્ચના ક્યારેય આ બાબત પર વિશ્વાસ નહીં કરે...આથી મેં આ રાજ હંમેશા માટે રાજ જ રાખ્યું..પરંતુ મને એવો સપનામાં પણ ખ્યાલ નહોતો કે એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થશે કે જેને લીધે મારે આ રાજ પરથી પડદો હટાવવાની પણ નોબત આવશે..!" - પોતાની જાતને નિર્દોષ પુરવાર કરતાં - કરતાં એકતા બોલી.

"ઓકે...હું કંઈક કરું છું..!" - ખિસ્સામાંથી મોબાઈલ ફોન બહાર કાઢતાં - કાઢતાં નિશાંત બોલે છે.

 આથી નિશાંત પોતાના જાણીતા એવાં પ્રખર ગુરુને પોતાનાં ઘરે તાત્કાલિક લઈને આવે છે...અને સુશાંતની આત્માને કાયમિક માટે કેદ કરી લે છે...અને મંત્રેલ તાવીજ અને દોરો આપતાં ગુરુ કહે છે કે..

"બચ્ચા ! મંત્રોચ્ચારથી અને તેની તાકાતથી પવિત્ર કરેલ આ તાવીઝ તારા ઘરનાં મંદિરમાં રાખજે.અને આ દોરો તારા, એકતા અને અર્ચનાના હાથ પર બાંધી દે જે...જેથી સુશાંત ફરી ક્યારેય તમારી નજીક નહીં ફરકે..!" 

"જી..બાબા..!" - એકતા અને નિશાંત માથું ઝુકાવતા બોલે છે.

 ત્યારબાદ નિશાંત અને એકતા પોતાનાં હાથ પર ગુરુએ આપેલ દોરો બાંધી લે છે...અને નિશાંત ગુરુને તેનાં આશ્રમે મુકવા માટે જાય છે.

 એ દિવસથી માંડીને આજદિવસ સુધી એકતાને ક્યારેય સુશાંત દેખાયો નહીં..અને બીજે જ દિવસે એકતાએ ખુબજ બુદ્ધિપૂર્વક પેલો મંત્રીત દોરો અર્ચનાનાં કાંડે પણ બાંધી દીધો..ત્યાર પછી અર્ચનાને ક્યારેય પેલાં ડરામણા સપનાઓ આવેલ ન હતાં, ધીમે -ધીમે અર્ચના તે પરિસ્થિતિમાંથી બહાર આવી અને ફરી પાછી પોતાની નોર્મલ લાઈફ જીવવા લાગી..અને એકતાએ પણ હિંમત કરીને અર્ચનાને બધી જ સાચે સાચી હકીકત જણાવી દીધી..એકતા પાસેથી આખે-આખી વાસ્તવિકતા અને હકીકત જાણ્યા બાદ અર્ચના બોલી કે.

"એકતા ! આમાં તારો પણ વાંક નથી..આપણી આસપાસ રહેતાં આવા ડબલ પર્સનાલિટી વાળા લોકોને સમજવા ખુબ જ મુશ્કેલ હોય છે..જેઓ બહારથી કઈક અલગ હોય છે અને અંદરથી કંઈક અલગ હોય છે..જેમાંથી મારો પતિ સુશાંત પણ એક હતો..મારી સાથે લગ્ન કર્યા હોવા છતાં બીજા સાથે ફલર્ટ કરવું તેને ખુબજ ગમતું હતું..આથી તેની સાથે જે થયું એ બરાબર જ છે...અને તે એને જ લાયક હતો..!" 

  બરાબર આ જ સમયે એકતાની નજર અર્ચનાની હોસ્પિટલની ફાઈલ પર પડી..જેમાં નિદાનના ખાનમાં મોટા અક્ષરે લખેલ હતું.."PTSD" એટલે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર.(એટલે કે જ્યારે કોઈ વ્યક્તિને એકાએક આઘાત લાગે..ત્યારે એવી પરિસ્થિતિ ફરીવાર નિર્માણ પામશે એવો સતત ભય લાગ્યા કરે છે..જેને લીધે વ્યક્તિ વ્યવસ્થિત જમી કે સૂઈ પણ શકતો નથી..જેની સુધી અસર તેનાં શરીર પર થાય છે..જેને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર કહે છે.) આથી એકતાને એ બાબત સારી રીતે સમજાય ગઈ...આથી એકતા અર્ચનાને કાયમિક માટે પોતાનાં જ ઘરે રહેવાં માટે લઈ ગઈ...અને એકતાનાં આ નિર્ણયને તેનાં પતિ નિશાતે પણ માન આપ્યું.

 મિત્રો, આપણી આસપાસ ઘણાં એવાં વ્યક્તિ હોય છે કે જે આપણી સાથે સારો એવો વ્યવહાર કરતાં હોય છે, પરંતુ અંદરખાને તેઓ આપણું ખરાબ ઈચ્છતા હોય છે, આવા લોકોની સ્પ્લિટ પર્સનાલિટીને ઓળખવી ખૂબ જ મુશ્કેલ હોય છે, અને આવા વ્યક્તિઓને કુદરત કોઈને કોઈ રીતે તેનાં કર્મોની સજા આપે જ છે...જેવી રીતે સુશાંતને તેનાં કર્મોની સજા મળી..જેમાં એકતા માત્ર નિમિત્ત બનેલ હતી.


Rate this content
Log in

More gujarati story from Rahul Makwana

Similar gujarati story from Horror