હેતલની હૉસ્ટેલ
હેતલની હૉસ્ટેલ
હેતલ,આજે તમારા ધરે સોસાયટીની તમામ મહિલાઓ પાર્ટી માટે આવેલી છે. કંઈ ખાસ કારણ નથી. દર મહિને સોસાયટીના મહિલા મંડળ દ્વારા યોજાતી આ પાર્ટી આજે તમારા ઘરે યોજાઈ છે. કામથી પરવારી ગૃહીણીઓ આનંદ માટે ભેગી થયેલી જણાય છે. પાર્ટીની એક માત્ર શરત છે 'એન્જોય'આજે જે ટોપીક પર ચર્ચા થઈ રહી છે તે ટોપીક છે 'પોતાના યૌવન કાળના રેશમી કિસ્સાઓ' યૌવનકાળ દરમિયાન કોઈને કોઈ સમયે દરેક જણે રેશમી લાગણીઓનો અનુભવ કર્યો જ હોય છે.મોટા ભાગે એમાંથી કોઈ બાકાત નથી હોતું. પછી એ કિસ્સાઓ સુખદ હોય કે દુઃખદ.સારા હોય કે નરસા.
એક પછી એક કિસ્સાઓ કહેવાની શરુઆત થઈ. વર્તમાન જીવનની પળોજણોમાંથી મુકત થઈ સૌ ભૂતકાળમાં સરી પડ્યાં. કોલેજ કાળના એ દિવસોની યાદ દરેકને રોમાંચિત કરી રહી હતી. કોઈની પાસે રેશમી યાદો હતી તો કોઈની પાસે ગમની દાસ્તાન. દરેક માણસ પાસે એક ભૂતકાળ હોય છે, કોઈની પાસે ભવ્ય ઈમારત તો કોઈની પાસે ખંડેર. સૌની વાત પુરી થઈ હવે તમારો વારો છે હેતલ.
તમને તમારી હોસ્ટેલ યાદ આવી ગઈ, બહુ જ કડક વાતાવરણ હતું. કોલેજથી હોસ્ટેલ અને હોસ્ટેલથી કોલેજ. બીજું કંઈ વિચારવાનુંજ નહીં. સમયની પાબંધી પણ વિશેષ. ગૃહમાતામાતા હોવા કરતા જેલર વિશેષ લાગતાં. દરેક છોકરી પર તેમનો કડક જાપ્તો રહેતો. ડર પણ એટલો કે ના પૂછો વાત. આવા કડક વાતાવરણમાં કોઈ રેશમી કથાબીજના અંકરુણની શકયતા દેખાતી ન હતી. કૉલેજના સમય દરમિયાન તો ભણવા સિવાય બીજી વાતજ શી કરવી !
પણ હોસ્ટેલની બરાબર સામેની બાજુએ અડીને આવેલા ફલેટમાં એક દંપતિ રહેતું હતું. તમારે એમની સાથે કોઈ જાજો પરિચય નહી. આસપાસના લોકો સાથે પણ વાત કરવાની મનાઈ ફરમાવેલી તમારા હોસ્ટેલના ગૃહમાતાએ. હોસ્ટેલ આસપાસ કર્ફયુ જેવું વાતાવરણ રહેતું. તમારા હોસ્ટેલ રૂમની બારી ફ્લેટની બાલ્કનીની સામેજ પડતી. એક દિવસ તમે એ બાલ્કનીમાં એક ફૂટડા યુવાનને જોયો. એ આશિષ હતો હેતલ. ફલેટમાં રહેતાં શિક્ષક દંપતિનો એકનો એક દીકરો. દાક્તરીમાં અભ્યાસ કરતો હતો. મેડીકલ કૉલેજમાં રજા પડે ત્યારે એ આવતો. તમે એને પહેલીવાર જોયો ત્યારે તમે કૉલેજના બીજા વર્ષમાં હતાં અને એ મેડીકલના બીજા વર્ષમાં. એ મોટા ભાગનો સમય બાલ્કનીમાં બેસી વાંચતો હોય. તમારી આર્ટસ કોલેજ પણ સવારની હતી. એથી બપોર પછી તમે હોસ્ટેલમાં અલબત્ત જેલખાનામાં રહેતાં.તમારી બારી અને ફલેટની બાલ્કની આશિષ અને તમારી આંખોના મિલનનું કારણ બની.
એક દિવસ જાન્યુઆરીની વહેલી સવારે એ તેના ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. તેની પતંગનો દોરો તમારી બારીના છજામાં પડેલી તિરાડમાં આવીને ભરાઈ પડ્યો .પતંગ તમારી બારીની બિલકુલ સામે. એ વખતે તમે રુમમાં એકલાં હતાં હેતલ. પતંગ પરના લખાણને તમે જોયું'આઈ લવ યું' તમે પતંગ હાથમાં લીધી ને ધાબા તરફ જોયું. આશિષ જવાબની પ્રતીક્ષામાં હતો. તમે પેનથી પતંગ પર too લખ્યું. પતંગને તમારી બારીની કેદમાંથી મુકત કર્યું. આશિષને ઈશ્વરની આશિષ મળી ગઈ.
એ ઊતરાયણ પર તમે ઘેર જવાનું માંડી વાળેલું. બારીમાંથી આશિષને સવારથી સાંજ સુધી જોયે રાખેલો. કહે છે ને કે ખુદા આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે. એ રાતે તમે અચાનક બિમાર પડેલાં. હોસ્ટેલમાં જે લેડી ડોકટર આવતાં તે આઊટ ઑફ સ્ટેશન હતાં. ગૃહમાતાને ખબર હતી કે આશિષ મેડીકલમાં અભ્યાસ કરે છે. તેને બોલાવી લાવેલાં. એને તમારી હોસ્ટેલમાં તમારા રુમના દરવાજે જોતાંજ તમારો તાવ ઉતરી ગયેલો.
એ દિવસે ડૉ.આશિષનો પહેલો સ્પર્શ તમને થયેલો એવું કહેતાં હાલ પણ તમારા ચહેરા પર શરમની લાલી તરી આવી છે હેતલ. પછી તો આશિષ જ્યારે આવતો ત્યારે હોસ્ટેલથી થોડે દૂર કૉલેજ જવાના સમયે કૉલેજ જવાના રસ્તે ઉભો રહેતો. તમે બંને ચાલતાં-ચાલતાં કૉલેજ જતાં. આ રીતે આશિષ તમને ડેટ પર લઈ જતો. આ સંબધ સમય જતાં બંનેના માતા-પિતાની સંમતિથી પરિણયમાં પરિણમ્યો.આજે તમે મિસિસ ડૉ.આશિષ છો.
શરદ ત્રિવેદી