અનિરૂધસિંહજી ઝાલા

Abstract Children Stories Inspirational

4.5  

અનિરૂધસિંહજી ઝાલા

Abstract Children Stories Inspirational

હેત છલકતી ચોકલેટ

હેત છલકતી ચોકલેટ

2 mins
271


ગુરુજીનાં આશ્રમમાં સહપરિવાર ગયેલાં વિકાસભાઈએ ભક્તોની ભીડ વચ્ચે જઈને પગે લાગતાં ગુરુજીએ સહુને ચોકલેટ આપી. પ્રસાદ ગ્રહણ કરીને બધાં નીચે બેઠા ત્યારે તેમની નાનકડી દીકરી પપ્પા તરફ નવાઈથી જોઈ રહી હતી. 

કદાપિ ચોકલેટ ન ખાનારા તેનાં પપ્પા આજે સાવ સાદી ચોકલેટ ખાઈ રહ્યાં હતાં. આ જોઈને બાળકી પણ ચોકલેટ બહુ સારી હશે એમ માનીને ખાઈ ગઈ અને પપ્પાની પાસે સરકીને કાનમાં જઈને બોલી,

"તમે તો કોઈ દિવસ ચોકલેટ ખાતાં જ નથી તો આજે કેમ ખાઈ ગયાં ?"

 ભીડ બહુ હોવાથી વિકાસભાઈ દીકરીનાં કાનમાં બોલ્યાં,

"બેટા આ હેત છલકતી ચોકલેટ છે."

દીકરી મનમાં મૂંઝાણી કે, "આ વળી નવું સાંભળ્યું. "

 અંતર્યામી ઉચ્ચકોટીનાં સંતથી આ દીકરીનાં હૃદયની વાત છાની ન રહી. થોડીવાર પછી ગુરુજીએ દીકરીને બોલાવીને બીજી ચોકલેટ આપી એટલે દીકરી બોલી, 

"મારાં પપ્પાને પણ આપોને. તેમને આ હેત છલકતી ચોકલેટ બહુ ભાવે છે."

ગુરુજીએ હસીને વિકાસભાઈને બોલાવી તેમને પણ ચોકલેટ આપી એટલે દીકરી ખુશ થઈને બોલી, 

"ગુરુજી આવી હેત છલકતી ચોકલેટ કઈ દુકાને મળે છે.?"

નાનકડી બાળકીની નિખાલસ પણ ગહન વાત સાંભળી ગુરુજી બોલ્યાં, 

"હૈયાની હાટડીએથી હેત મિલાવીને પોતાનાં વહાલા લોકોને વહેંચી શકાય."

" હા હવે સમજી તમે હેત મિલાવો છો ચોકલેટમાં એટલે મારાં પપ્પાને તમારી ચોકલેટ ગમી. હવે હું પણ તમારી જોડે હેત છલકતી ચોકલેટ ખાવા આવીશ."

બહુ વાતો ન કરે એટલે વિકાસભાઈ ઊભાં થઈને દીકરીને હાથ પકડીને બેસાડવાં ગયાં પણ તેમણે રોકતાં ગુરુજી વહાલથી દીકરીનાં માથે હાથ મૂકીને બોલ્યાં,

"બેટા તારે અહી આવવાંની જરૂર નથી કેમ કે મારાં કરતાં પણ વઘુ હેત છલકતી ચોકલેટ તને આ તારી મા પાસેથી મળી જાશે."

"મમ્મી તને પણ હેત મિલાવતાં આવડે છે.?" બાળકી દૂર બેઠેલી મમ્મી તરફ જોતાં બોલી. 

"હા બેટા એમને તો મારાં કરતાં પણ સારુ જ આવડતું હોય."આમ કહેતાંક ગુરુજી તેની માતા સામું જોઈને બોલ્યાં,

"જો બેટા તારાં પિતાજીને હું ખુબ જ વહાલ કરું છું. એટલે તેમને મારી આપેલી ચોકલેટ હેત છલકતી લાગી. તને પણ સહુથી વઘુ વહાલ તારી મા કરે છે એટલે તને એ મારાં કરતાં પણ વઘુ હેત છલકતી ચોકલેટ ખવડાવી શકે છે."

બાળકી વાત માણીને હવે મમ્મી જોડે જઈને બેસી ગઈ. આ ગુરુજીની વાતો સાંભળતાં નીચે બેઠેલાં ભક્તો તરફ જોઈને ગુરુજી બોલ્યાં,

"એક માતાનાં હૃદયથી સંતાન માટે જે હેત છલકતું હોય એટલું હેત તો જગતમાં ક્યાંય ન મળે. ભોજન ગમે તેવુ હોય પણ તેમાં જો શુદ્ધ ભાવ ભળે તો ભોજન સ્વાદિષ્ટ લાગે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારાં પ્રિયજન પ્રત્યે સદાય હેત છલકતું રાખો અને જો ઈશ્વરને પણ સાચાં હૈયાનાં હેતથી છલકતી વાનગી અર્પણ કરશો તો ભગવાન પણ વૈકુંઠ છોડીને જરૂર જમવા પધારશે."

 પછી આસન પરથી ઊભાં થતાં ગુરુજી બોલ્યાં,

"આજે મારાં આશ્રમમાં પણ હેત છલકતું ભોજન બનાવ્યું છે જે હું પ્રભુજીને ધરાવી દઉ પછી બધાં જ ભક્તો પ્રસાદી માનીને હેત છલકતું ભોજન કરીને જ પોતપોતાનાં ઘેર પધારજો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract