Ashok Luhar

Drama Thriller Tragedy

4.5  

Ashok Luhar

Drama Thriller Tragedy

હૅલમેટ

હૅલમેટ

3 mins
14.1K


"ડૉ.નવિન શેલત?"

સિવિલ હોસ્પિટલમાં પ્રવેશતાની સાથે જ સબ-ઈન્સ્પેક્ટર વિજય જાડેજાએ સામેથી આવતી નર્સને પૂછ્યું. જવાબમાં નર્સે ઈમરજન્સી વોર્ડ તરફ આંગળી બતાવી પસાર થઈ ગઈ. સાથે આવેલાં હવાલદાર પાંડુને પાછળ આવવાનો ઈશારો કરી સબ-ઈન્સ્પેક્ટર જાડેજા આગળ વધ્યાં.

ડૉ.શેલત અત્યારે આઈ.સી.યુ.માં દર્દીની સારવારમાં વ્યસ્ત હતાં. દરવાજા પર સબ-ઈન્સ્પેક્ટર જાડેજાને જોઈ ડૉ.શેલતે પાંચ મિનિટનો ઈશારો કરી પોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગયા.

આશરે દશેક મિનિટ બાદ ડૉ.શેલત આઈ.સી.યુ.માંથી બહાર આવ્યાં.

"ડૉ.નવિન, રીંગરોડ ફ્લાયઓવર પર બે સ્ટુડન્ટ્સની બાઈક એક્સિડન્ટની વિગતો માટે અમે આવ્યાં છીએ." સબ-ઈન્સ્પેક્ટર જાડેજાએ ડૉ.શેલતને કહ્યું અને હવાલદાર પાંડુને વિગતો નોંધવાનો ઈશારો કર્યો.

"પ્રવિણ પટેલ અને કેયુર શાહ બંને સર જે.જે. કોમર્સ કોલેજનાં સ્ટુડન્ટ્સ છે. પ્રવિણ બાઈક ચલાવી રહ્યો હતો. રીંગરોડ ફ્લાયઓવર પર ટર્ન લેતાં બાઈક સ્લીપ થયું અને ડીવાઈડર સાથે ભટકાયું. વરસાદમાં ઓવરસ્પીડને કારણે કદાચ બાઈક સ્લીપ થયું હોવું જોઈએ. એક્સિડન્ટ થવાની થોડી જ મિનિટોમાં કોઈએ ૧૦૮ પર કોલ કરી એક્સિડન્ટની માહિતી આપી હતી. બંનેનાં આઈ-કાર્ડ્સ પરથી એમની ઓળખ કરી ૧૦૮માં હાજર ડૉ.માલતી શર્માએ પહેલાં કોલેજમાં અને પછી તેમના પેરેન્ટ્સને જાણ કરી હતી." ડૉ.શેલત પોતાની કૅબીન તરફ આગળ વધતાં માહિતી આપી રહ્યાં હતાં.

"બાઈક ડીવાઈડર સાથે ભટકાતાં પ્રવિણ ઉછળીને આગળની તરફ પટકાવાથી તેનાં જમણાં હાથ અને ખભા પર ફેક્ચર અને માથાં પર ઈજા થઈ. પણ અફસોસ તે હોસ્પિટલમાં પહોંચતા પહેલાં જ...." ડૉ.શેલતે એક નિઃસાસો નાંખ્યો.

"મોતનું કારણ?" સબ-ઈન્સ્પેક્ટર જાડેજાએ પૂછ્યું.

"સિરિયસ હેડ ઈન્જરી. ડીવાડર સાથે માથું ભટકાવાથી ખોપડી ફાટી જતાં."

"અને કેયુર શાહ?"

"કેયુર પાછળની તરફ પટકાતાં તેના જમણાં પગમાં, બંને હાથ અને ખભામાં મલ્ટીપલ ફેક્ચર્સ છે. છાતીની પાંસળીઓમાં ક્રેક અને પીઠ પર પણ ઘણી ઈજાઓ છે. તે હજી પણ બેભાન છે."

"આટલાં બધાં ફેક્ચર અને ઈજાઓ છતાં એ..." હવાલદાર પાંડુ આશ્ચર્ય સાથે પૂછવા જઈ રહ્યો હતો પણ સબ-ઈન્સ્પેક્ટર જાડેજા તરફ જોઈ ચૂપ થઈ ગયો.

"હૅલમેટ. કેયુરે હેલમેટ પહેરેલી હતી." ડો.શેલત હવાલદાર પાંડુનો સવાલ સમજી ગયાં.

"પણ, કેયુર તો પાછળ બેઠો હતો ને?" સબ-ઈન્સ્પેક્ટર જાડેજાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

"હા, કેયુર પાછળ બેઠો હતો. ડૉ.માલતી શર્માની નોંધ મુજબ કેયુરનું માથું પણ ડીવાઈડર સાથે જોરદાર ભટકાયું હતું પણ હૅલમેટને કારણે તેને માથામાં કોઈ ગંભીર ઈજા ન થઈ."

"અત્યારે કેયુરની શું કન્ડીશન છે?" સબ-ઈન્સ્પેક્ટર જાડેજાએ પૂછ્યું.

"વૅલ, અત્યારે કશું કહી શકાય તેમ નથી. ચારેક કલાકમાં જો એ ભાનમાં ન આવે તો કદાચ એ કોમામાં પણ જઈ શકે છે."

"ઓકે, ડૉ.નવીન, જો કેયુર ભાનમાં આવે તો અમને જણાવજો. અમારે તેનું નિવેદન પણ લેવું પડશે." ડૉ.શેલત સાથે હાથ મિલાવતાં સબ-ઈન્સ્પેક્ટર જાડેજાએ કહ્યું.

"ચોક્કસ." ડૉ.શેલતે કહ્યું.

* * *

કેયુરનાં ભાનમાં આવ્યા પછી આશરે એકાદ કલાક બાદ સબ-ઈન્સ્પેક્ટર જાડેજા કેયુરના બેડની પાસે બેઠા હતાં.

"કેયુર, તું બોલી શકશે? અમારે આ એક્સિડન્ટની બધી વિગતો જાણવી છે."

"હા... સાહેબ..." કેયુરને હજી બોલવામાં તકલીફ પડી રહી હતી.

"એક્સિડન્ટ કેવી રીતે થયું?" સબ-ઈન્સ્પેક્ટર જાડેજાએ પૂછ્યું અને હવાલદાર પાંડુને નિવેદન લખવાં માટે ઈશારો કર્યો.

"સાહેબ, બાઈક ફૂલ સ્પીડમાં હતું અને ફ્લાયઓવર પર ટર્નિંગમાં સ્લીપ થઈ ગયું." કેયુરે કહ્યું.

"કેયુર, પ્રવિણનાં મમ્મીનું કહેવું છે કે, જ્યારે એ ઘરેથી નીકળ્યો ત્યારે હૅલમેટ એણે પહેરેલી હતી. તો પછી એક્સિડન્ટ સમયે હૅલમેટ તારી પાસે કેવી રીતે આવી?" સબ-ઈન્સ્પેક્ટર જાડેજાએ પ્રશ્ન પૂછ્યો.

"સાહેબ, રોજની જેમ પ્રવિણે મને હૅલમેટ પકડાવી દીધી હતી."

"એટલે? મને વિગતે જણાવ."

"રીંગરોડ પર ત્રણ જગ્યાએ મામાઓ હોય છે, એટલે રીંગરોડ પર તો પ્રવિણે હૅલમેટ પહેરી રાખી..."

"એટલે તમે લોકો માત્ર પોલીસથી બચવા માટે હૅલમેટ પહેરો છો?" સબ-ઈન્સ્પેક્ટર જાડેજાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

પણ કેયુર ચૂપ રહ્યો.

"પછી આગળ?" જાડેજાએ પૂછ્યું.

"અમે રીંગરોડ ફ્લાયઓવર પર પહોંચ્યા તે પહેલાં પ્રવિણે હૅલમેટ કાઢીને મને આપી દીધી. ફ્લાયઓવર પર ચઢતાંની સાથે જ વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. માથું ભીનું ન થઈ જાય એટલાં માટે એ હૅલમેટ મેં પહેરી લીધી." આટલું બોલતાં કેયુર જાણે હાંફી ગયો.

"એટલે તે હેલમેટ માત્ર વરસાદથી માથું ભીનું ન થઈ જાય એટલાં માટે પહેરી હતી જેને કારણે તારો જીવ બચ્યો?" સબ-ઈન્સ્પેક્ટર જાડેજાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

પરંતુ કેયુર પાસે આનો કોઈ જવાબ ન હતો.


Rate this content
Log in

Similar gujarati story from Drama