Shalini Thakkar

Romance

4.6  

Shalini Thakkar

Romance

હેલો જિંદગી

હેલો જિંદગી

7 mins
1.5K


નિરવની ગાડી એકદમ ધીમી ગતિએ આગળ જઈ રહી હતી, કઈ દિશામાં જઈ રહી હતી એની ખુદ તેને પણ ખબર ન હતી. નીરવ ઘણીવાર આમ ઉદાસ થઈને ક્યાંક દૂર દૂર લાંબા રસ્તા ઉપર નીકળી જતો, જેની મંઝિલ ખુદ એને પણ ખબર ના હોય. એના એક હાથમાં સિગરેટ અને બીજા હાથમાં ગાડીનું સ્ટેરીંગ હતું. એના અંતરની ઉદાસીનો ગાડી સ્ટેરીંગ સાથે તાલમેલ ચાલી ગયો હતો. ગાડી મા એની મનપસંદ જગજીતસિંગની ગઝલ ચાલી રહી હતી,

" અપની મરજી સે કહા અપને સફર કે હમ હૈ,

રૂખ હવાઓકા જીધર કા થા ઉધર કે હમ હૈ......"! ગીત ગણગણતા એ ભૂતકાળમાં સરી પડ્યો, હંમેશની જેમ, સ્મૃતિનો ચહેરો એની આંખ સામે તરી આવ્યો. જીવનથી ભરપૂર એની ઊંડી આંખો જેમાં નીરવ કેટલીવાર ડૂબી જતો. સમય ક્યાં નીકળી જતો એની એમને ખબર પણ ન પડતી. ક્યારેક તો કોઈ શબ્દોની જરૂર પણ ન પડતી, માત્ર એક બીજાનો સાથ અને હાથમાં હાથ લઈને બંને ક્યાંક દૂર નીકળી જતા, એવા રસ્તાઓ પર જ્યાં મંઝિલ મહત્વની ના હોય બસ માત્ર એક બીજાનો સાથ ! સ્મૃતિ સાથેની એ પહેલી મુલાકાત, પછી મિત્રતા અને પછી પ્રેમ. હજી જાણે કાલની જ વાત હોય એમ લાગતું. નીરવ ખુબ જ સરસ ગાતો અને કોલેજની મ્યુઝિક ઈવનિંગનો રોકસ્ટાર બની જતો. એના સૂરીલા અવાજની દિવાની સ્મૃતિને ઓડિયન્સની પહેલી હરોળમાં બેસીને એના ગીત ના તાલ ઝૂમતી જોઈ ને નીરવ પણ એની અદાઓ પર ફિદા થઈ જતો. હંમેશા ભારતીય પોશાકમાં સજ્જ સ્મૃતિ દૂરથી જ્યારે સલવાર કમીઝ અને લહેરાતા દુપટ્ટામાં પોતાને લાંબા વાળને સવારતી એની સામે આવતી દેખાતી ત્યારે એના દિલના તાર ઝણઝણી ઉઠતા. એના જીવનમાં જાણે બહાર આવી જતી. થોડા સમયમાં તો બંને એકબીજામાં ખોવાઈ જઈ ને સદીઓ જીવી લીધી. પણ કોલેજ કાળ પૂરો હતાં બંનેની સપનાની દુનિયા નો અંત આવી ગયો અને જિંદગીની વાસ્તવિકતાનો સામનો થઈ ગયો. બંને રૂઢિચુસ્ત પરિવાર માં થી હતા જ્યા રીતરિવાજ અને પરંપરાનું મહત્વ હતું. બંનેની જ્ઞાતિ અલગ હોવાથી તેમના પરિવારોએ, એમની કેટલીયે કોશિશ પછી પણ તેમના સંબંધ પર મહોર લગાવવા રાજી ના થાય. પરિવાર ના વિરોધ સામે હારી ને બંનેએ આખરે અલગ થવાનો નિર્ણય કરી લીધો. નીરવ ને હજી યાદ છે સ્મૃતિ સાથેની એ છેલ્લી મુલાકાત. સફેદ સલવાર કમીઝ અને લાલ દુપટ્ટા માં સજ્જ સ્મૃતિ જ્યારે પવનમાં લહેરાતા લાંબા વાળને સવારતી નીરવ સામે આવીને ઊભી રહી અને નીરવ એની આંખો સામે જોઈ રહ્યો. સ્મૃતિની એ છબી તેણે પોતાની આંખો ના કેમેરાથી ક્લિક કરીને પોતાના દિલમાં ફેમ કરી ને સજાવી દીધી. સ્મૃતિ ત્યાંથી જતી રહી. નીરવ દૂર દૂર સુધી એને જોતો રહ્યો. ધીરે ધીરે એ દુનિયાની ભીડમાં અદ્રશ્ય થઈ ગઈ અને એનો ભૂતકાળ બની ગઈ. પાંચ વર્ષ વીતી ગયા એ વાત ને અને પછી તો ઘણું બધું બની ગયું નીરવના વિરાન થયેલા જીવનમાં પણ એનું મન તો ત્યાં જ થંભી ગયું હતું, જીવન ના એ જ મોઙ પર જ્યાંથી બંને અલગ થયા હતા.

મોબાઈલની રીંગટોન અવાજ સાંભળીને નીરવ એકદમ ચોંકી ને વર્તમાનમાં આવી ગયો. એની પત્ની કેતકીનો ફોન હતો. કેતકી ઉતાવળ અવાજે બોલી રહી હતી," નીરવ, ક્યાં છે તું ? તને યાદ તો છે ને જ્યારે આપણે ગોલ્ડન ક્લબ રિસોર્ટ જવાનો પ્લાન બનાવ્યો છે. ગોલ્ડન ક્લબ રિસોર્ટ નું નામ પડતા જ નીરવના હૃદયના ધબકારા ચૂકી ગયા. સ્મૃતિ સાથેની એ કોલેજની પીકનીક યાદ આવી ગઈ. કેટલી એ ભૂતકાળની યાદો દફન હતી ત્યાં. પણ કેતકીની ઈચ્છાને માન આપીને એ ત્યાં બે દિવસ માટે જવા રાજી થયો હતો, એણે એકદમ ઠંડા અવાજે જવાબ આપ્યો." હા, હા યાદ કેમ ના હોય. બસ હમણાં જ પહોંચ્યો છું." કહીને એણે ગાડી પોતાના ઘર તરફ વાળી.

સાંજ સુધી નીરવ અને કેતકી શહેરથી દૂર પર્વતોના વચ્ચે વસેલા ગોલ્ડન ક્લબ રિસોર્ટમાં પહોંચી ગયા. ત્યાં પહોંચતા જ નીરવનું મન એકદમ ભારે થઈ ગયું. ભૂતકાળની યાદો એના મન પર હાવી થઈ ગઈ. ગાડી પાર્ક કરીને બંને રિસેપ્શન તરફ ગયા અને રૂમની ચાવી લીધી. કેતકી ચાવી લઈને રૂમ તરફ ગઈ અને નિરવ પાર્કિંગમાં સામાન લેવા માટે ગયો. પાંચ વર્ષમાં રિસોર્ટમાં કંઈ ખાસ બદલાયું ન હતું. ત્યાં પહોંચતા નીરવ ને યાદ આવી ગયું કે પાર્કિંગ પાસે એક ગાર્ડન હતું જ્યાં ખૂણામાં એક હિચકો હતો. એ હિચકા પર બેસીને કોલેજ પિકનિક એક સાંજ એણે સ્મૃતિ સાથે વિતાવી હતી. બંને કલાકો સુધી વાતો કરતા કેવા એકબીજામાં ખોવાઈ ને ભવિષ્યના સુંદર સપના જોયા હતા. નીરવ મન અજાણતા જ એ દિશામાં જવા ખેંચાયું. ત્યાં જઈને એને દૂરથી નજર કરી એના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ જગ્યા પર સ્મૃતિ બેઠેલી દેખાઈ. દુનિયાની ભીડથી બેખબર સ્મૃતિ એના પતિ સાથે વાતોમાં મશગુલ હતી. સફેદ રંગની ટીશર્ટ, ભૂરા રંગની જીન્સ અને શોર્ટ હેરમાં સ્મૃતિ કેટલી અલગ લાગી રહી હતી. એના મનમાં વસેલી સ્મૃતિની છબી કરતા બિલકુલ અલગ. એકદમ નવા જ રૂપમાં હતી એ. દૂરથી એને ભાસ થયો જાણે સ્મૃતિની નજર પણ એના પર પડી અને એ ધીરેથી ત્યાંથી ખસી ગયો. એનું ભારી થયેલું મન કેટલાય વિચારોથી ઘેરાઈ ગયું. એને થયું કે શું એ ખરેખર સ્મૃતિ જ હતી ને ? કેટલી બદલાઈ ગઈ હતી એ. શું મને ભૂલી ગઈ હશે ?

રૂમમાં પહોંચ્યા પછી નિરવ અને કેતકી ફ્રેશ થઈને નીચે લટાર મારવા નીકળ્યા. રિસોર્ટનું વાતાવરણ એકદમ ખુશનુમા હતું. ચારે બાજુ લાઈટનિંગ, ડેકોરેશન અને વચ્ચે લોનમાં લાઈવ મ્યુઝિક ચાલી રહ્યું હતું. કેટલાય લોકો ત્યાં મ્યુઝિક પર ઝૂમી રહ્યા હતા. બધા પોતાની દુનિયામાં મસ્ત હતા. શહેરની ભીડભાડથી દૂર પહાડો વચ્ચે વસેલા રિસોર્ટમાં લોકો પોતાને રિચાર્જ કરી રહ્યા હતા. કેતકી પણ એક અલગ જ દુનિયામાં પહોચી ગઈ હતી. અને નિરવ ? નીરવના મગજમાં એ જ કશ્મકશ ચાલી રહી હતી," શું ખરેખર સ્મૃતિ જ હતી ? એની નજર ચારે બાજુ સ્મૃતિને શોધવા માંડી. એના એક હાથમાં સિગારેટ અને બીજા હાથમાં કેતકીનો હતો અને નજર ચાલતા ચાલતા, આજુબાજુ દોડી રહી હતી. અચાનક એની નજર ફરી દૂર લોનમાં સ્મૃતિ પર પડી. સ્મૃતિ એના પતિ સાથે ડાન્સ કરતા કરતા વાતોમાં મસ્ત હળવી પળો માણી રહી હતી. એણે પણ કદાચ એને દૂરથી જોઈ લીધો હોય એવા અહેસાસથી એ વ્યાકુળ થઈ ગયો. એક ક્ષણ માટે બંનેની નજર મળી અને તરત જ કેતકી નીરવનો હાથ ખેંચીને એને બીજી દિશામાં લઈ ગઈ. જોતજોતામાં રાતનો સમય થઈ ગયો. કેતકી થાકીને રૂમમાં જઈને આરામ કરી રહી હતી. નીરવ હાથમાં સિગારેટ લઈને નીચે લટાર મારવા નીકળ્યો. એના મનમાં ઊંડી અસર હતી કે ક્યાંક કદાચ સ્મૃતિ દેખાઈ જાય. એનું મન જાણે-અજાણે ગાર્ડનમાં હિંચકા તરફ ખેંચાઈ ગયું. ત્યાં જઈને જોયું તો એ સ્તબ્ધ થઈ ગયો. ત્યાં સ્મૃતિ બેઠી હતી. જાણે એની જ રાહ જોઈ રહી હોય એમ. જાણે એને વિશ્વાસ હોય કે નીરવ ત્યાં આવશે જ. ચહેરા પર તાજગી અને આંખોમાં ચમક સાથે નીરવ ને જોઈને બોલી," હાય નીરવ." ધ્રૂજતા અવાજે નીરવ જવાબ આપ્યો," હાય" એના ચહેરા પરની ઉદાસી, આંખોમાં વીરાની અને હાથમા સિગરેટ જોઈને સ્મૃતિ મનોમન બધું જ સમજી ગઈ હતી. નીરવ હિંમત કરીને કહ્યું." સ્મૃતિ તું કેટલી બદલાઈ ગઈ છે ? તારી નજરમાં હવે મારા માટે પ્રેમ નથી દેખાતો." સ્મૃતિ એ હસીને કહ્યું નીરવ પેલું ગીત યાદ છે, તારું ફેવરિટ,

" વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકીન ઉસે એક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા..." આપણે પણ એ જ તો કર્યું હતું પાંચ વર્ષ પહેલા. એકબીજાથી છૂટા પડતી વખતે. જીવનમાં આગળ વધીને ખુશ રહેવાનું વચન આપ્યું હતું એકબીજાને. બસ, તને આપેલું એ વચન જ તો નિભાવી રહી છું. પણ તું તો લાગે છે ત્યાંનો ત્યાં જ રહી ગયો, જ્યાંથી આપણે બંને છૂટા પડયા હતા. કોલેજની એ સુંદર યાદો હવે ભૂતકાળ બની ગઈ છે. હવે આપણે બંને આપણા વર્તમાન સાથે બંધાયેલા છીએ. ભૂતકાળને વર્તમાનના સંબંધ પર હાવી થવા દેવું એ પ્રેમ નથી એ તો પલાયન વાત છે, બેવફાઈ છે વર્તમાન સાથેની. તું કદાચ સમજી ગયો હશે કે હું શું કહેવા માગું છું. નીરવ સ્મૃતિની વાત સાંભળતાં જ રહ્યો. એને થયું કે સ્મૃતિ કેટલું સાચું બોલી રહી છે. એ ખરેખર બદલાઈ ગઈ હતી. પહેલા કરતા વધારે સમજદાર વધારે મેચ્યોર." ઓલ ધ બેસ્ટ નીરવ, તારી નવી જિંદગી તારી રાહ જોઈ રહી છે. કહેતા હળવું સ્મિત આપીને સ્મૃતિ ત્યાંથી જતી રહી અને નિરવ એને જોતો જ રહી ગયો. એ રાતે એ મોડે સુધી વિચારતો રહ્યો. સ્મૃતિની એ અચાનક મુલાકાતથી જાણે એનું મન એકદમ હળવું થઈ ગયું જેમજેમ એનું ગૂંચવાયેલા મન જુના અને નવા સંબંધોની બાદબાકી અને સરવાળા કરતું ગયું એમ જાણે ઉકેલ આવતો ગયો. જાણે કોઈ ખૂબ જ અઘરો લાગતો ગણિતનો કોઈ દાખલો માત્ર સાચું સૂત્ર મળી જવાથી એકદમ સરળ થઈ જાય છે બસ એમ જ સ્મૃતિના આપેલા સૂત્રોથી બધું સરળ લાગવા માંડ્યું.

બીજા દિવસે સવારે એની આંખ વહેલી જ ખુલી ગઈ. નવો દિવસ, નવી તાજગી અને નવી શરૂઆત સાથે નિરવ નીચે વોક કરવા નીકળ્યો. આજે દુનિયા એકદમ અલગ લાગતી હતી. એકદમ પહેલા જેવી જ. વર્ષો પછી એ પોતાની જાતને મળી રહ્યો હતો. બહાર ફૂલોના ગુલદસ્તાની દુકાન જોઈને ગુલદસ્તો લેવાનું મન થઈ ગયું, કેતકી માટે. ગુલદસ્તો લઈને રિસોર્ટ તરફ વળ્યો. દૂરથી ગાડીમાં સ્મૃતિને પસાર થતી જોઈ. ગાડી એની બાજુમાંથી પસાર થઈને દૂર ભીડમાં મળી ગઈ અને એણે પાછળ ફરીને શોધવાનો પ્રયત્ન ન કર્યો. ખિસ્સામાંથી સિગરેટ કાઢી પણ પીવાનું મન ના થયું. જિંદગીનો નશો કદાચ ફરી એક વાર ચડી રહ્યો હતો. હવે સિગરેટની ક્યાં જરૂર હતી. હાથમાં રહેલા રંગબેરંગી ફૂલો પર નજર પડી. કેતકીનો ચહેરો નજર સામે આવી ગયો અને ચહેરા પર સ્મિત ફરક્યું. એની જીંદગી બંને હાથ ફેલાવીને એની રાહ જોઈ રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Romance