હૈયા ભીંજાયા
હૈયા ભીંજાયા
રોજની જેમ અમીત આજે પણ કોલેજ જવા માટે કૃષ્ણ બાગ બસસ્ટેન્ડ તરફ ગયો.
સવારનો સમય.
પણ આજે અડધો કલાક મોડો પડ્યો હતો.
આકાશમાં આષાઢી વાદળો ઘેરાયેલા હતા.
જાણે હમણાં પડુ પડુ કરતો હતો.
પણ પડે એવું પણ લાગતું નહોતું.
બસસ્ટેન્ડમાં ખાસ કોઈ દેખાતું નહોતું.
બસની રાહ જોતો હતો.
પણ બસ દેખાતી નહોતી.
આકાશમાંથી ધીમે ધીમે વરસાદના છાંટા પડવાના શરૂ થયા.
અમીતે વરસાદથી બચવા માટે સ્ટેન્ડમાં એક બાજુ ઊભો રહ્યો.
એણે નજર કરી બસસ્ટેન્ડની બીજી બાજુએ એક યુવતી ઊભી હતી. એ પણ વરસાદથી બચવા કોશિશ કરતી હતી.
થોડા પવન સાથે વરસાદ વધુ પડવાનો શરૂ થયો.
એટલામાં અમીતે એક બસ આવતા જોઈ.
અમીતે હાથ કર્યો.પણ ડ્રાઈવરે બસ ઊભી રાખી નહીં.
વરસાદ વધવા લાગ્યો. અમીત થોડો પલળી ગયો.
બીજી બસ આવતા જોઈ.
સ્ટેન્ડની બહાર આવીને બસ ઊભી રાખવાની કોશિશ કરી.
પેલી યુવતી એ પણ બસ ઊભી રાખવા પ્રયત્ન કર્યો.
પણ વરસાદના લીધે ડ્રાઈવરે બસ ઊભી રાખી નહીં.
અમીતે નક્કી કર્યું કે હવે રિક્ષા જ પકડવી પડશે.
આજે તો અગત્યનો પીરીયડ છે.
એક ઓટો આવતી જોઈ. ઊભી રાખવા પ્રયત્ન કર્યો.
પણ ઓટો ઊભી રહી નહીં.
આમને આમ ત્રણેક ઓટો જતી રહી.
અમીતે વિચાર કર્યો કે હવે ઘરે પાછું જવું જ પડશે.
એટલામાં એક ખાલી રિક્ષા આવતી જોઈ.
અમીતે હાથ કરીને રિક્ષા રાખી.
અમીત રિક્ષામાં બેસવા જતો હતો ત્યારે રિક્ષાવાળો બોલ્યો," સાહેબ,આ મેડમે રિક્ષા ઊભી રાખી છે."
અમીત ખચવાયો.
પેલી યુવતી રિક્ષામાં બેસીને બોલી," તમે પણ બેસી જાવ."
રિક્ષા વાળો બોલ્યો," તમારી સાથે છે ?"
"હા.."
"ક્યાં જવાનું છે ?"
"રાયપુર દરવાજા.."
અમીત બેસવા માટે આનાકાની કરવા લાગ્યો.
પણ પેલી યુવતીના આગ્રહના કારણે બેસી ગયો.
વરસાદ પવન સાથે વધતો ગયો.
રિક્ષા ધીમે ધીમે પુષ્પકુંજથી આગળ વધી. થોડાક આગળ જતા રિક્ષા આંચકા સાથે ધીમે પડી.
ને અટકી ગઈ.
કાંકરિયા તળાવ દેખાતું હતું.
રિક્ષાવાળો બોલ્યો," રિક્ષા બંધ પડી. હવે બીજા વાહનમાં જજો."
રિક્ષાવાળાએ ભાડુ લીધું નહીં.
વરસાદના કારણે બંને નજીકના એક નાનકડા વૃક્ષ નીચે ઊભાં રહ્યાં.
વરસાદના લીધે બંને પલળી ગયા હતા.
અમીત ત્રાંસી નજરે એ યુવતીને જોવા લાગ્યો.
પહેલીવાર જોઈ હોય એમ લાગે છે.
કોણ હશે ? નામ પૂછું ?
પેલી યુવતી પણ અમીતને જોઈને ધીમું હસી.
બોલી," અમીત ને !"
"હા..પણ તમને કેવી રીતે ખબર પડી ?"
એ યુવતી હસી..
એટલામાં આકાશમાં વીજળીના જોરદાર ચમકારા થયા.
ગભરાયેલી એ યુવતી અમીતને વળગી પડી.
બોલી.."બીક લાગે છે."
અમીત કંઈ બોલ્યો નહીં.
શરમાઈને યુવતી અમીતથી છૂટી પડી ને પાસે ઊભી રહી.
બોલી," તમને ઓળખું છું. તમારા પપ્પા મારા પપ્પાના મિત્ર છે. મારૂ નામ.."
.........
એટલામાં ચપટી વગાડવાનો અવાજ આવ્યો.
અમીત ચમકી ગયો.
જોયું..
ઓહ્.. સુરેખા !
"શું વિચાર કરો છો ? પાછી પહેલી મુલાકાતને જ યાદ કરતા રહેશો કે પછી બહાર પડતાં વરસાદનો આનંદ માણશો !"
અમીત હસ્યો...
"યાદ તો રહેને જ...હવે ગરમાગરમ ચ્હા મૂક ને ગરમાગરમ ભજીયા કર. વરસાદમાં ખાવાની મજા જ કંઈક જુદી છે."
"હા.. ભજીયાનું ખીરું તૈયાર છે. પણ ચાલોને આપણે બાલ્કનીમાં. બહાર વરસાદ પડે છે."
અમીત અને સુરેખા બાલ્કનીમાં ગયા.
વરસાદનો આનંદ માણતા હતા ને ગાજવીજ સાથે વરસાદ પડ્યો.
ગભરાયેલી સુરેખા અમીતને ફરી વળગી પડી.
અમીત," ફરીથી બીક લાગી ! છતાં પણ વરસાદનો આનંદ તો માણવોજ છે !"
એમ બોલીને અમીત સુરેખા સામે જોઈને ચુંબન કરવા માટે માથું નીચે કર્યું.
સુરેખા બોલી," તમે પણ નાના છોકરા જેવા છો. અહીં બાલ્કનીમાં ! એ વખતે તો હિંમત ના કરી ! ચાલો વરસાદ તો પડતો રહેશે. આપણે ઘરમાં જઈને ચ્હા ને ભજીયાનો નાસ્તો કરીશું"
અજાણ્યા લાગતા હતા એ,
એકબીજાને જાણતા થયા,
વરસાદમાં પલળતા,
મન પણ પલળી જાય,
હૈયું એકબીજા માટે,
ધબકતું,
બસ ફરી એકવાર.

