હાથનાં કર્યાં હૈયે વાગ્યાં
હાથનાં કર્યાં હૈયે વાગ્યાં
હર ફિકર કો ધુંએ મેં ઉડાતાં ચલા ગયા .. દેવાનંદ અભિનીત ગીતને ગણગણતો અભિ હંમેશની જેમ સીગારને મોંમાં દબાવી ચિત્ર દોરતો. તેની કલાને લોકોએ ખૂબ વખાણી હતી. તેનાં ચિત્રો જોનારનાં મોંમાંથી 'આહ" અને 'વાહ' ના સરે તો જ નવાઈ.
તેની કલાથી આકર્ષાઈને એનાં કેટલાંયે ફેન તેને મળવા ઉત્સુક રહેતાં. બહુ જ નાની ઉંમરમાં મોટી નામના મેળવનાર અભિનાં ચિત્રકાર બનવા પાછળ શીયાનો હાથ હતો. રંગો અને પીંછી તેનાં નાનપણનાં સાથી. પરંતુ શીયાનાં ગળાડૂબ પ્રેમમાં દુનિયા ભૂલી જનારને રંગોની તો શી વિસાત ? બધું કોરાણે મૂકીને ફક્ત શીયાની પાછળ ફરતો, ત્યારે તેનાં મિત્રો તેને કહેતાં, "પહેલાં શીયાને તો પૂછી જો, એ તને પ્રેમ કરે છે કે ખાલી ટાઈમપાસ કરે છે ? રૂપિયા ખંખેરવા માટે ?" પછી મિત્રોનું અટ્ટહાસ્ય અને તેમનાં શબ્દો બાણની જેમ હૃદય પર એવાં તો ભોંકાયા કે ફરી વખત એણે એ મિત્રો તરફ નજર સુધ્ધાં ના કરી.
શીયા છેલ્લી વખત હોસ્પીટલે તેની મમ્મીની ખબર લેવાં આવી ત્યારે તેને શીયાને કહ્યું, "પપ્પા એક્સીડન્ટમાં ગુજરી ગયા પછી મમ્મીની લાંબી બિમારીને કારણે, રૂપિયાથી તો હું સાવ ખાલી થઈ ગયો છું. પપ્પાનાં બિઝનેસમાં પૂરતું ધ્યાન નથી આપી શકતો. સગા-વહાલાંઓએ મોં ફેરવી લીધું છે. તારા સિવાય બીજા કોઈ દોસ્ત તો રહ્યાં નથી. હવે શું કરવું તે સમજાતું નથી. મમ્મીની દવાનાં રૂપિયા ક્યાંથી લાવવા તે સમજાતું નથી." આ સાંભળીને અત્યાર સુધી લાખો રૂપિયાની ગીફ્ટ લઈ ચૂકેલી શીયા સડસડાટ હોસ્પીટલનાં પગથિયાં ઉતરી ગઈ.
હવે તે કોનો સહારો લે તે તેને સમજાતું નહોતું. બધું ભૂલીને એનાં મિત્રો એની મદદે આવ્યાં. પરંતુ અભિએ એમ કહીને કાઢી મૂક્યાં કે, "મારે કોઈનું અહેસાન નથી જોઈતું."
ત્યારપછી અભિ રોજ શીયાની રાહ જોતો કે તે રૂપિયાની વ્યવસ્થા કરીને હમણાં આવતી જ હશે. પરંતુ ના તો શીયા આવી કે ના શીયાનો ફોન આવ્યો. અભિ ફોન કરતો તો નંબર બંધ આવતો. તેની મમ્મીએ વહુનાં અભરખાં મનમાં જ ધરબી દઈને આ દુનિયા છોડી દીધી. અભિ એકલો પડી ગયો. તેને રંગો યાદ આવ્યાં. ફરીથી તે તેની બેરંગ જિંદગીમાં રંગો ભરવાની કોશીશ કરવા લાગ્યો. નામ, દામ અને કામ બધું જ મળ્યું. પણ, તેની સાથે ના તો સારા મિત્રો હતાં કે ના તો પ્રેમ.
અભિની તબિયત બગડતાં હોસ્પીટલમાં દાખલ કર્યો. વધારે પડતી સિગારેટ પીવાને કારણે ફેફસાંનાં કેન્સરનું નિદાન થતાં તે ભાંગી પડ્યો. ફરી તેનાં મિત્રો તેની વહારે આવ્યાં. આ વખતે તેનાં મિત્રો સામે લાચારીવશ જોઈને કહેવા લાગ્યો, "યાર, તમારી વાત સાચી હતી. 'મને તો હાથનાં કર્યાં હૈયે વાગ્યાં.' હું એનાં પ્રેમમાં પડીને પસ્તાયો ને દેવદાસની જેમ જીવતો રહ્યો. સીગારેટનાં સહારે મારું જીવન બરબાદ કરી નાંખ્યું. હવે મને કોઈ બચાવી શકે એમ નથી." એમ કહીને તેને ફરીથી સીગરેટનાં બે-ત્રણ કસ ખેંચ્યાં.