Kalpesh Patel

Drama

4.8  

Kalpesh Patel

Drama

હાસ્યનો શિરપાવ - તેનાલીરામ “સ્ટ્રાઈક અગેઇન”

હાસ્યનો શિરપાવ - તેનાલીરામ “સ્ટ્રાઈક અગેઇન”

10 mins
2.2K


ક્રુષ્ણદેવરાયજી રાજાના દરબારમાં તેનાલીરામ ખૂબ જ બુધ્ધિશાળી દરબારી હતો. ક્રુષ્ણદેવરાયજી રાજા તેથી તેનાલીરામને ખૂબજ ચાહતા હતા અને તેને માન-સન્માન પણ આપતા. બીજા દરબારીઓને આ વાત બિલકુલ પસંદ નહોતી. તેમની નજરમાં તેનાલીરામ કાંકરાની જેમ ખૂંચતો હતો. ક્રુષ્ણદેવરાયજી આ વાત જાણતા હતા, પણ તે કશુ બોલતાં નહોતા. એક દિવસ તેમણે આ વાત દરબારીઓને સમજાવવાનું નક્કી કર્યુ.

એક દિવસે તેમણે બધા દરબારીઓને કહ્યુ કે ‘તેનાલીરામ તમારા બધાથી વધુ બુધ્ધિશાળી છે, તમે ચાહો તો તમે પણ મારા પ્રિય બની શકો છો, હું આવતે અઠવાડિયે નગરચર્ચા કરવા નિકળવાનો છું. અને તે દરમ્યાન હું તમારા બધાના ઘરના આંગણાના બગીચામાં વિહાર કરવા આવીશ. જે દરબારી તેના બગીચામાં ફરતા મારા બંને પગ બિલકુલ ચોખ્ખા રહે તેનો ખ્યાલ રાખશે તેને પણ તેનાલીરામ જેવું જ માન સન્માન મળશે.

ક્રુષ્ણદેવરાયજી રાજાના દરબારમાં હજુ સભા ચાલુ હતી તે સમયે તેમના પાડોશી દેશના મહારાજા ધનંજય રાજાએ એક દૂતને મોકલ્યો. આ પડોશી રાજાને તેના બળ અને ઐશ્વર્ય ઉપર ખુબજ અભિમાન હતું. મોકો મળે ત્યારે ક્રુષ્ણદેવરાયજી રાજાને નીચો બતાવવાના પેંતરા કરે રાખતો હતો. પરંતુ દર વખતે તેનાલીરામની ચાલાકીથી તેના મનની મુરાદ પૂરી નહતી થઈ. એટલે આ વખતે તેને તેના દૂત સાથે સંદેશો મોકલી તેના દેશના પહેલવાનની સામે લડી, તેને પરાજિત કરવા કહેણ મોકલ્યું, અથવા હાર સ્વીકારી દર વરસે એક લાખ સોના મહોરની ખંડણી ભરવા કહ્યું.

પાડોશી દેશના મહારાજા ધનંજયના પહેલવાનનું નામ “અજેય’ હતું, જેવા નામ તેવા, તે પહેલવાનના ગુણ ! ‘અજેય’ ધારેતો, લોખંડના સળિયાનું ઘૂંચળું વાળી ફીંડલું વાળી દે!, સંગેમરમર આરસને ચપટીમાં મશળી ભૂકો કરી નાખે ! એકી સાથે વીસ લિટર દૂધ અને પાંચ -છ ડઝન કેળાં, અને છાબડી ભરેલા લાડુ,દાળભાત રોજ ઝાપટી જનારા ‘અજય’ પહેલવાનમાં દસ હાથીનું બળ હતું. અને આવા વિરાટ પહેલવાન સાથે લડીને તેને હરાવવાનો હતો.  

દૂતનો સંદેશો સાંભળી, ક્રુષ્ણદેવરાયજીએ સેનાપતિને આદેશ આપી, પોતાના દેશના પહેલવાનોને ‘ઘી’ની માલિશ અને બદામ ખવરાવી તૈયાર રાખવા આદેશ આપ્યો. ત્યારે રાજકવિ તેનાલીરામ તેમના આસને બેઠા બેઠા હસતાં હતા,રાજા ક્રુષ્ણદેવરાયજીની નજર તેનાલીરામના હસવા ઉપર પડી,એમને અજુગતું લાગ્યું,પરંતુ તેઓ ગમ ખાઈ તે વખતે કઈ બોલ્યા નહીં.

ક્રુષ્ણદેવરાયજીએ પાડોશી દેશના ધનંજય રાજાની ચૂનોતીને સ્વીકારી આવતી પૂનમે, તેમના દરબારમાં ‘અજય’ પહેલવાનને પ્રતિયોગિતા માટે ઈંજન આપ્યું. આ વખતે પણ ક્રુષ્ણદેવરાયજી રાજાની નજર તેનાલીરામના હસવા ઉપર પડી, અને અજુગતું લાગ્યું,પરંતુ તેઓ ગમ ખાઈ આ વખતે પણ કઈ બોલ્યા નહીં.

હજુ દરબારની કાર્યવાહી ચાલુ હતી, ત્યાં દરબારમાં બે બ્રાહ્મણો એક બીજા સાથે લડતા ઝગડતા આવ્યા અને તેઓની સાથે એક ખૂબસૂરત યુવતી હતી. બંને બ્રાહ્મણો તે યુવતીને પોતાની પત્ની કહી પોતાની પાસે રાખવા ઝગડતા હતા. ક્રુષ્ણદેવરાયજીએ જોયું તો, કોઈ પણ થાપ ખાઈ જાય, તેવા આબેહૂબ એક સરખા બંને બ્રાહ્મણો હતા, દેખાવ, તન, કદ, વર્ણ, બોલી આબેહૂબ એક સરખા હતા, પોતે પણ ચક્રમાં પડી મુંજાઈ ગયા, આનો ન્યાય કેવી રીતે કરવો. ભાઈ તમે બંને આવતે અઠવાડિયે ન્યાય માટે આવજો, રાજાએ તે બંનેને ન્યાય માટે તેમના દરબારે આવેલા બ્રાહ્મણોને પાછા વાળ્યા. આ વખતે પણ ક્રુષ્ણદેવરાયજી રાજાની નજર તેનાલીરામના હસવા ઉપર પડી, પરંતુ રાજાનો મિજાજ આ વખતે તેઓના હાથ ન રહ્યો, અને તેનાલીરામનને, કહ્યું કવિરાજ, હજુ ક્રુષ્ણદેવરાયજીની સભા સમૃધ્ધ છે, અને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા સમર્થ છે. તમે તમારે ઘેર પાછા સીધાવો. તમારી સેવાની અમારે હવે જરૂર નથી.

ક્રુષ્ણદેવરાયજી રાજાનો આદેશ સાંભળી તેનાલીરામે સભામાં રહેલા દરબારીઓને પ્રથમ વંદન કર્યા અને પછી ક્રુષ્ણદેવરાયજી રાજા પાસે જઈ સૌમ્ય અવાજે કહ્યું, હે રાજન હું આપનો સેવક છું, એટલે આપનું દરેક કથન મારા માટે ફરજ હોવાથી આપની આજ્ઞા સ્વીકારી, હું સભામાંથી અત્યારેજ વિરમું છું, પણ હું આપની અહર્નિશ સેવા માટે સદા સમર્પિત છું,માટે મારા લાયક કોઈ સેવા હોય તો વિના સંકોચે કહેજો. તેનાલીરામે એવું કથન કરી, જ્યારે દરબારમાંથી વિદાય લીધી તે સમયે, કઈક ઈર્ષાળુ દરબારીઓના હૃદયે ટાઢક વળી હતી અને ખુશ થતાં હતા. તેનાલીરામની આમ અમથી વાતમાં દરબારમાંથી વિદાય થઈ હોવાથી, દયા અને જ્ઞાનના સાગર સમાં ક્રુષ્ણદેવરાયજીને ખોટું થઈ રહ્યાનો આશંકો થયો, પણ મોભાને આધીન તેનાલીરામને જતાં રોકી ન શકયા.

હવે તેનાલીરામના ગયા પછી દરબારની કાર્યવાહી આગળ ધપાવતા,ક્રુષ્ણદેવરાયજીએ ઉપરોક્ત બંને સમસ્યા માટે હાજર રહેલા દરબારના દીવાનોનો આજના પ્રશ્નોના, હલ-ઉકેલ- સમાધાન માટે સુઝાવ આપવા આદેશ આપ્યો, ત્યારે ક્ષણ પહેલાની તેનાલીરામના દરબારમાંથી જવાથી અનુભવેલી ટાઢક હવે, બધા દરબારીઓને દઝાડી રહી હતી. “આજનું મોત કાલ ઉપર ઠેલવાની” નીતિ અપનાવી બીજી સભા દરબારમાં મળે ત્યારે ઉકેલ આપશુ, એવું કહી સૌ દરબારી વિખરાઈ ગયા.

તેનાલીરામ ઘેર ગયા, ત્યારે તેમનું મોઢું ઉતરેલું હતું અને, તેઓ સતત તેમની ચોટલીને આમળતા કઈક વિચારી રહેલા હતા. તેઓએ આંગણામાં જોયું તો તેઓની પત્ની શારદા હાથમાં મોજા પહેરી રસોઈ માટેના ગાયના છાણના છાણાં બનાવતી હતી. એક જ ક્ષણમાં તેમના મુખ ઉપર હાસ્ય આવ્યું અને પાછું તરત તે વિલાઈ પણ ગયું. શારદાએ તેનાલીરામને દરબારેથી વહેલા આવેલા જોઈ, પૂછ્યું, અરે પંડિતજી, આજે કઈ વહેલા ! સૌ ક્ષેમ કુશળ તો છેને ? લો આ આસન, અને અહી બેસો, હું તમારા સ્નાન માટે પાણી ગરમ કરી અને સ્નાનાગરમાં મૂકી આપું છું. થોડા સમય પછી તેનાલીરામ સ્નાન કરવા સ્નાનાગરમાં ગયા. તેમની પત્નીએ પાળી ઉપર રાખેલો નાહવાનો સાબુ ગરમ પાણીની કુંડીમાં પડી ગયેલો હતો, તે પકડીને, તેનાલીરામ સ્નાન માટે બહાર કાઢતા હતા, તેમ – તેમ તેઓના હાથમાંથી લસરી જતો હતો. જોઈ, તેનાલીરામના મુખ ઉપર હાસ્ય આવ્યું અને ફરી પાછું ક્ષણમાં તે વિલાઈ પણ ગયું. સ્નાન કરીને આવ્યા ત્યારે શારદાએ ભાવતા ભોજન પીરસી રાખેલા તે જમ્યા,પણ તેનાલીરામનના મુખ ઉપર વિષાદની છાયા હજુ ડોકાતી હતી, એટલે તેમની પત્ની શારદાએ પંડિતજીને વિષાદનું કારણ ફરીથી પૂછ્યું પણ ખરું. પણ તેનાલીરામ, કઈ બોલ્યા વગર પૂજાના રૂમમાં જઈ શાસ્ત્રોના પુસ્તકોનું અધ્યન કરવા બેસી ગયા.

ક્રુષ્ણદેવરાયજી રાજાના દરબારની બીજી સભા મળી તે વખતે દરબારીઓ ગુસપુસ કરી રહેલા અને તેઓ બધાના ચહેરા નિસ્તેજ અને ભૂમી ઉપર નમેલા હતા, એક દરબારી બીતા બીતા કહ્યું, રાજાજી દરબાર પાસે આવેલી બંને સમસ્યા ગહન છે, અને યોગ્ય ઉકેલ માટે અમારુ અધ્યન ચાલુ છે, બીજી સભા મળશે ત્યાં સુધી જરૂર ઉકેલ આવી જશે.ક્રુષ્ણદેવરાયજી ને હવે સમજાયું હતું કે તેમણે, સાચા પાણીદાર હીરાને ઠોકર મારી, દરબારમાં નાહકના કાચના ટુકડા ભેગા કરી રાખ્યા છે. ક્રુષ્ણદેવરાયજી રાજાએ નિરાશા ખંખેરી, એક મનોમન નિશ્ચય કર્યો, અને બીજી પળે દરબારીઓને આદેશ આપ્યો કે, આવતી કાલે હું નગર ચર્ચા કરવા નિકળવાનો છું. અને તે દરમ્યાન તમારા બધાના ઘરના બગીચામાં વિહાર કરવાનો છું, મારા પગ આ દરમ્યાન બિલકુલ ચોખ્ખા રહે તેનો ખ્યાલ તમે રાખજો.જે બરાબર ખ્યાલ રાખશે,તેને તેનાલીરામની જગ્યાએ નિમણૂક મળશે અને તેના જેવું જ માન સન્માનનો હક્કદાર બનશે.

અને સભા વિખેરાઈ ગઈ સૌ દરબારીઓ પોતાને ઘેર જઈ સફાઈએ લાગી ગયા. કોઈ દરબારીએ આંગણામાં લીપણ કરાવ્યુ, કોઈએ જાજમ ભાડે લાવી પાથરી, કોઈએ આરસ જડાવ્યા.તો કોઈ અમિર દરબારીએ તેના આંગણામાં ચાંદીના પતરા ગોઠવ્યા. આમ બધા દરબારીઓ બીજુ બધુ ભૂલી રાજા ક્રુષ્ણદેવરાયજીની નગરયાત્રાની તૈયારી માટે લાગી ગયાં. આખાય નગરમાં એક સાથે ચાલતી સફાઈથી ચારેય બાજુ ધૂળની ઊડતી ડમરીઓનું સામ્રાજ્ય હતું, એક દરબારી તેનું આંગણું સાફ કરે, તો તેની ધૂળ બીજા દરબારીના આંગણામાં, બીજાની ત્રીજા ઘેર, ચોથાની પાંચમા ઘેર, આમ અવિરત ક્રમ આખો દિવસ અને તે રાત્રિએ તેમજ બીજા દિવસની વહેલી સવારે પણ ચાલતો રહ્યો હતો...અને આમ આખા નગરના સફાઈ માટેના ઝાડુના જથ્થાનો ખુરદો વળી ગયો.

બીજે દિવસે રાજા ક્રુષ્ણદેવરાયજી પાલખીમાં બેસી નગરચર્ચા કરવા નીકળ્યા, એક પછી એક દરબારીઓના આંગણની મુલાકત લેતા લેતા બપોર પડે તે પહેલા, તો ધૂળ અને કચરાથી તેમના બંને પગ ખરડાઇ ગંદા થઈ ગયાં. હવે રસ્તામાં તેનાલીરામના ઘરનું આંગણ આવતું હતું, તેનાલીરામના હાસ્યથી નારાજ થયેલા રાજા ક્રુષ્ણદેવરાયજી, પાલખીવાળાઓને કઈ કહે, કે રોકે તે પહેલા તેઓની પાલખી તેનાલીરામના આવાસના આંગણે પહોચી ગઈ હતી. રાજાએ નારાજગીથી પાલખીમાથી બહાર પગ મૂકયો ત્યાં, તેનાલીરામની પત્ની શારદાએ ચાંદીનો થાળ મૂક્યો અને રાજા ક્રુષ્ણદેવરાયજીના પગ ગુલાબના સુગંધિત જળ વડે પખાળ્યા અને તેનાલીરામે તેણે મલમલના સુંવાળા કાપડના કટકા વડે લૂસી કોરા કર્યા, અને ક્રુષ્ણદેવરાયજી રાજાના બંને પગે રેશમના સુંવાળા મોજા પહેરાવી તેઓને આદર સહિત પોતાના આવાસમાં આવેલા દેવાલયમાં લઈ ગયા. તેનાલીરામના પત્ની શારદાએ બત્રીસ પકવાન જમાડી રાજાને પ્રસન્ન કરી દીધા.અંતમાં તેનાલીરામે એલચી સાકર, સોપારી, લવિંગ, તજ અને કેસર ભીના પાનના બિડાં રાજાને મુખવાસમાં આપી, પોતે ચામર ઢાળતા રાજાની સામે ઊભા રહ્યા.આવા ભવ્ય સ્વાગતથી અભિકૃત થયેલા ક્રુષ્ણદેવરાયજીનો બધો રોષ ઉતરી ગયો, તેઓએ તેમના ગળામાં પહેરેલો બસરાઈ મોતીનો હાર શારદાને ભેટ આપ્યો, અને તેનાલીરામને દરબારની સભામાં માનભેર આવવા વિનવ્યો.તેનાલીરામે વિનમ્ર ભાવે રાજાને કહ્યું, હે રાજન, હું તો આપનો નાચીઝ સેવક છું, તમારે મને માત્ર આદેશ કરવાનો હોય, વિનંતી નહીં. હું આવતી કાલે દરબારમાં આપની સેવામાં જરૂર આવીશ અને આવતીકાલેજ આપણાં પાડોશી દેશના પહેલવાનને બોલાવી રાખજો, હું તેની સાથે મુકાબલો કરી, આપણાં દેશનું નામ પણ રોશન કરીશ.

આજે ક્રુષ્ણદેવરાયજીની સભામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો.આજે મહા જંગ જોવા મળવાનો હતો, અને બપોરનું જમવાનું રાજ’ના રસોડે હતું,એટલે સૌ બહુ ખુશ હતા સાથે કેટલાક ઈર્ષાળુ દરબારીઓ પણ ખુશ હતા. જો કે,તેઓની ખુશીનું કારણ અલગ હતું. તેનાલીરામનો કાંટો આજે હંમેશને માટે નીકળી જવાનો હતો. અજય પહેલવાન સાથે કઈ શાસ્ત્રોના વાદ-વિવાદ નહતા કરવાના, અંહી તો અંગ-બળથી કામ લેવાનું હતું, અને તેમાં તેનાલીરામની હાર નક્કી હતી.

દરબારની કામગીરી ચાલુ થઈ, અને ‘અજય’ પહેલવાન તેની મુંછે તાવ દેતો,આવ્યો અને તેણે સભામંડપની વચ્ચે આવી જોરથી હાંકોટો પડ્યો, તે વખતે કઈક દરબારીઓના દિલ થડકો ખાઈ પળ માટે ધડકતા અટકી ગયાં. પરંતુ તેનાલીરામ સ્વસ્થ હતા,નિર્મળ હાસ્ય રેલવતાં તે પણ એક જળ ભરેલા સુવર્ણ પાત્ર લઈ, રાજા સમક્ષ ઊભા રહી ગયાં. તેઓએ અજય પહેવાનને કહ્યું, અરે ઓ મહાન અજય પહેલવાન, હું તારી સાથે યુધ્ધ કરી તને, એકજ પળની અંદર પરાજિત કરવાનો છું. પણ પહેલા આ જળમાં રહેલ વસ્તુનો ભૂકો કરી બતાવ, તો જ હું મારા હાથ તારી સાથે લડીને મેલા કરું. 

ક્રુષ્ણદેવરાયજીને તેનાલીરામન ઉપર અનહદ ભરોસો હતો, એટલે તેઓએ પણ તેનાલીરામની ટહેલને સાથ આપતા,હવે અજય પહેલવાન તેનાલીરામના હાથમાં રહેલા જળ ભરેલા સુવર્ણ પાત્ર પાસે દોડી ગયો, અને જળમાં હાથ નાખી, તેમાં રહેલી વસ્તુને મુઠ્ઠીમાં લઈ ચૂરો કરવા જાય છે ત્યાં તે તેની મુઠ્ઠીમાંથી સરકીને તે વસ્તુ ભોંય પડી ગઈ, અજય પહેલવાને તે વસ્તુને ભોંયથી પકડી પાછો તેણે મશળી ચૂરો કરવા મુઠ્ઠીથી દબાવી, અને પાછી તે વસ્તુ સરકી ગઈ, આમ ઘણી વાર અજય પહેલવાને તેના પ્રયાસો ચાલુ રખ્યા, પણ કોઈ સફળતા હાથ ન લાગી,તેનાલીરામના હાથમાં રહેલા જળ ભરેલા સુવર્ણ પાત્રમાં નાહવાના સાબુની એક ગોટી હતી, પાણીમાં ભીની થવાથી તે ચીકણી દિવેલ જેવી થઈ હોવાથી, અજય પહેલવાનના હાથમાં રહેતી નહતી. આખરે અજય પહેલવાને નીચી મુંડીએ હાર સ્વીકારી બેસી ગયો. સભામાં હાજર રહેલા નગરવાસીઓએ તેનાલીરામનો જયકારો બોલાવી લીધો, ત્યારે પેલા ઈર્ષાળુ દરબારીઓ હવે ઈર્ષાની આગમાં ભરપૂર શેકાતા હતા.

તેનાલીરામે, રાજા ક્રુષ્ણદેવરાયજીને વિનંતી કરી,કે હવે તેઓ, આજેજ અને અબ ઘડી,પેલા બંને ફરીયાદી બ્રાહ્મણો અને તે યુવતીને હાજર કરાવે જેથી, તે યુવતીનો ખરો પતિ કોણ છે તે અંગે ચકાસણી કરી રાજાને ન્યાય માટે માહિતગાર કરી, ન્યાય કરવામાં સહાયતા કરે.

રાજાના આદેશ સાથે બંને બ્રાહ્મણો અને તે યુવતીને દરબારમાં ઉપસ્થિત કરવામાં આવ્યા. તેનાલીરામે બંને બ્રાહ્મણોને તેઓના ઘરના વાસણો, વસ્ત્રો,દાગીના, તેમના ઘરની બીજી સૂક્ષ્મચીજો, વગેરે ગણી બતાવા ઉપરાંત તે યુવતીના અંગના ગુપ્ત ચિન્હો કહી સંભળાવા કહ્યું.

આ સાંભળી પહેલા બ્રાહ્મણે કહ્યું કે હું સોના ચાંદીના વાસણો, કિંમતી વસ્ત્રો પૂછો તો હું ગણાવી શકીશ. તેમજ આ યુવતી જે મારી પત્ની છે તેના બાહ્ય ચિન્હો પણ કહી શકીશ. પરંતુ આપના પૂછ્યા પ્રમાણે બધીજ નાનીસૂની હકીકત હું બરાબર કહી શકું તેમ નથી.

આટલું સાંભળતા બીજો બ્રાહ્મણ તરતજ ઉત્સાહથી ટપકી પડ્યો અને બોલ્યો મારૂ ઘર, અને આ યુવતી મારી પત્ની છે, તો મને તો, બધી ખબર હોયજ ને? તેણે બધુજ ફટા-ફટ ગણાવા માંડયું, દાગીના, કપડાં, ઘરની ઈંટો, અને તે યુવતીના અંગોનું વિવરણ કરવા જતો હતો ત્યાં, તેનાલીરામે, આગળ બોલતા રોક્યો,આટલું ઘણું છે ! અને પછી કહ્યું કે, હવે તમે બંને તમારે ઘેર જાવ અને આ યુવતીનું કોઈ પણ એક વસ્ત્ર લઈ અહી હજાર થાવ, જે પહેલો આવશે, તે આ યુવતીનો ખરો પતિ ગણાશે. બંને બ્રાહ્મણોએ દોટ મૂકી અને, થોડીક જ પળમાં બીજો બ્રાહ્મણ તે યુવતીની કંચુકી લઈ પહેલ વહેલો, દરબારમાં સૌના અચંબા વચ્ચે હાજર થયો, અને પહેલો બ્રાહ્મણ, ત્રણ ઘડીના સમય વીતે માંડ માંડ, હાંફ ખાતા તે યુવતીનો ખેસ લઈ દરબારમાં હાજર. થયો. દરબારીઓ આ જોઈ વિસ્મય પામ્યા અને અંદર અંદર કહેવા લાગ્યા કે આ બીજો બ્રાહ્મણ યુવતીનો સાચો ભરથાર છે, પહેલો બ્રાહ્મણ જે ખેશ લઈને પાછળથી આવ્યો તે ખોટું બોલે છે.

હજુ ગણગણાટ સમે તે પહેલા, તેનાલીરામને કહ્યું, ઑ મારા વહાલા બ્રાહ્મણો, હવે આ મારી છેલ્લી પરીક્ષા છે જે તેમાં ઉતીર્ણ થશે તેને આ યુવતીનો, અને ઘરનો રાચ રચીલા સહિત હવાલો મળશે, માટે ખૂબ સાવચેતી રાખી જો-જો, કોઈ ભૂલ ન થાય, અને ધ્યાનથી સાંભળજો.એમ કહી તેનાલીરામે એક તાંબાની ઝારી મંગાવી બંનેને કહ્યું કે તમે બંને આ ઝારીના મોં વાટે, ઝારીની અંદર પેસી તેની ટોટી વાટે જે પહેલો બહાર નીકળે, તે આ યુવતીનો સાચો પતિ ગણાશે અને આ યુવતી અને ઘરનો હવાલો તેને મળશે ! બીજો બ્રાહ્મણ ભાન ભૂલ્યો, તે ફટ કરતો ઝારીમાં દાખલ થયો, કે તરત તેનાલીરામે તાંબાની ઝારીના મોં અને તેની ટોટીના દ્વારો સજ્જડ બંધ કરી દીધા.

તેનાલીરામે, રાજા ક્રુષ્ણદેવરાયજીને કહ્યું, હે રાજન આ બીજો બ્રાહ્મણ એ નર પીચાસ હતો, તે આ દયાળુ પહેલા બ્રાહ્મણનો વેશ લઈ, ખોટો આ યુવતી ઉપર પતિનો હક્ક જતાવતો હતો. આ હેવાન આપણાં કેટલાય ભોળા નગરવાસીઓને કનડી ચૂક્યો હતો. હું તેની શોધમાં ઘણાજ સમયથી હતો, આજે તે આપણાં સપાટે આવી ચડ્યો છે. આપણે આજે આ શેતાનને તાંબાની ઝારીમાં પૂરી શક્યા છીએ, હે રાજન લો આ ઝારીને,તેને રાજના સિપાઈઓ દ્વારા પર્વતોમાં ઊંડે ઊંડે દટાવી નાખો, જેથી નગરજનોને પીડતો,આ બાબરો-હેવાન કાયમને માટે દૂર થાય.

નગરના લોકો હવે તેનાલીરામની જય-જય બોલવા લાગ્યા, પહેલો બ્રાહ્મણ અને તેની પત્નીએ તેનાલીરામને નમસ્કાર કર્યા. હવે રાજા ક્રુષ્ણદેવરાયજીએ તેનાલીરામને તેમના હસવા અંગે પૂછ્યું, તેના જવાબમાં તેનાલીરામે કહ્યું,મુસીબત કદીય કહીને નથી આવતી,આપણે આપણાં સૈનિકોને પહેલેથીજ તૈયાર રાખવાના હોય, નહિકે ‘અજય’ જેવા પહેલવાન તરફથી આહવાન મળે ત્યારે તૈયારી કરવાની હોય, અને વધુમાં આપને વિદિત થાય કે, “દર્દ, ભય અને દુશ્મનોને ઊગતા દાબવાના હોય”, તેઓને ચૂનોતી પછી ક્યારેય વધારે સમય ન અપાય, આને લઈને મને બે વાર હસવું આવેલું હતું.

અને ત્રીજીવાર તમે આ બ્રાહ્મણ દંપતિની ન્યાયની માંગણીને મુદત પાડી, તરત ન્યાય ન કર્યો,ત્યારે હસવું આવેલું હતું.પ્રજાજનની સૂખાકારીને લગતા પ્રશ્નોને મુદત પાડી લટકાવનાર રાજાનું શાસન લાંબુ નથી ચાલતું,આમ આવા કારણોથી હસવું રોકી શક્યો નહતો, હે રાજન હું આ બદલ માફી ચાહું છું. મારો આપશ્રીના અપમાનનો કોઈ ઇરાદો નહતો. રાજાના મનની મૂંઝવણ મટી ગઈ હોવાથી તેઓ પણ સૌની ખુશીમાં સામેલ થયા.

રાજા ક્રુષ્ણદેવરાયજીએ એક થાળ ભરી સુવર્ણના સિક્કા તેનાલીરામને ભેટમાં આપ્યા પછી હસતાં હસતાં દરબારીઓને કહ્યુ કે ‘જોયુ તમે ? હવે તો તમે તેનાલીરામની બુધ્ધિને માનો છો ને ?જુવો તેનાલીરામ ખાલી હસીને પણ શિરપાવ મેળવી જાણે છે!

બધા દરબારીઓના મોઢા પડી ગયા, અને તેઓ મનોમન પોતાની જાતને દોષ આપવા લાગ્યા કે થોડી બુધ્ધિ,આપણે પણ વાપરી હોત તો ?આવું તો તેઓ પણ કરી શકતાં હતાં ! પણ હવે તેનાલીરામનું આસન ક્રુષ્ણદેવરાયજી રાજાની બાજુમાં સ્થપાઈ ચૂકેલ હતું.


Rate this content
Log in

Similar gujarati story from Drama