હાંસડી
હાંસડી


બરાબર રાતનો દોઢ વાગ્યો હશે. ભગો ખેતરમાં આંટો મારી આવ્યો. કોઈ ઢોર-ઢાંખર તો પેસી નથી ગયાને ? કોઈ ઢોર-ઢાંખર ન હતાં. એણે નિરાંતનો દમ લીધો. આ વખતે તો ખેતરમાં સરસ પાક લહેરાતો હતો. એ ખાટલામાં આડો પડ્યો. વિચારે ચડી ગયો. આ વખતે જો ખેતરમાંથી સારી ઉપજ મળે તો રતુને સરસ કડલાં કરાવી દઉં. બિચારી મારા જેવા ગરીબને પૈણીને કેટલાય વખતથી કડલાં વગર ફરે છે.
આખા ગામની બૈરીઓ સાથે જ્યારે એ કૂવે પાણી ભરતી હોય છે ત્યારે મારી રતુના પગ સાવ સૂના જોઈને મારી આંખમાંથી પાણી નીકળી જાય છે પણ શું કરું ?એક તો જમીન ઓછી છે ને એમાંય પાછા કુદરતના ધા. માંડ બે છેડા સરખાં થાય છે. કંઈક વધે તો એની ઈચ્છા પુરી થાય. આ વખતે લાગે છે કે મારો નાથ સામું જોશે. મારી રતુને હાંસડી લાવી દઈશ. વિચારોમાંને વિચારોમાં એને કયારેય ઊંઘ આવી ગઈ.
રતુ, ભગાની વહુ, ભગાને ખૂબ વહાલી હતી. કેમ ન હોય ભગાની સુખ દુઃખની સાથી હતી. ભગાના બાપા મઘો બા સ્વર્ગે સિધાવ્યાં ત્યારે એમનું કારજ કરવાના ભગા પાસે પૈસા ન હતાં. આ રતુડીએજ કોઈને ખબર ન પડે એમ એની હાંસડી વેચી પૈસા લાવી આપેલા અને ભગલાની ઈજજત સાચવેલી. છેલ્લા પાંચ વર્ષથી ભગો હાંસડી લાવી આપવાના સપના જૂએ છે. કોઈને કોઈ કારણસર એની ઈચ્છા અધૂરી રહી જાય છે.
બાપા મરી ગયાં એના બીજા વરસેજ પૂર આવેલું. રેગીસ્તાન જેવી જમીનમાં વરસાદ ના પડતો ત્યાં બારે મેધ ખાંગા થયેલાં. એક મહિનો ભગાના ખેતરમાં પાણી પડી રહેલું. આખું વરહ ફેલ ગયેલું. એના પછીનું વર્ષ થોડું સારું રહેલું એટલે ગયા વર્ષનું દેવું ચુકવી શકેલો ભગલો. એમાંય બેનને અગેણી તેડેલી અને આણું કરાવેલું. નેઠ પુરું કર્યુ ભગાએ. ત્રીજે વરસે પૂર તો ન આવ્યું પણ વરસાદ બંધજ ન રહેલો. ત્રણ-ત્રણ વાર વાવણી કરવી પડેલી. પણ ઉપરવાળો ઉગવા દે તો ને. એની ચિંતામાં ને ચિંતામાં હાંસડી તો યાદજ ન આવેલી એ વર્ષે. સારું છે કે રતુડી બે-ચાર ઢોર રાખે છે તે એના આધારે ગાડું ગબડે ગયેલું.
એના પછીનું વર્ષ સાવ કોરું ધાકોર રહેલું. પાણીનું એક ટીંપુય ન હોતું પડ્યું એમ કહીએ તો પણ ચાલે. રાહ જોઈ જોઈને આંખના પાણી સુકાઈ ગયેલાં. હાંસડી એમની એમ ભગાના વિચારોમાં જ રહી ગયેલી.
આ વખતે પાક સારો હતો. ઉપરવાળો મહેરબાન રહે તો રતુની હાંસડી આ વખતે પાકી હતી. સોની તો જ્યારે ભગો હાંસડી ધડાવવા આપે ત્યારે ધડવાનો હતો પણ ભગાના મનમાં તો ધડાઈજ ગઈ હતી.
પણ આ શું ? સવારે ભગો ઉઠયો એવા જ વાવડ મળ્યાં કે તીડના ટોળે ટોળાં આવી રહ્યાં છે. બસ ગામની સીમમાં પહોંચે એટલીજ વાર છે. ભગાએ શેઢે ધુમાડા કર્યા. રતુડી પણ થાળી લઈને દોડી,મંડી પડી વગાડવાં. પણ તીડ આવ્યાં ને પલકવારમાં તો પાકનો સફાયો કરી નાંખ્યો. રતુડીને ભગો માથે હાથ દઈને બેઠાં. ભગાનાં મનમાં હાંસડી ધડાતાં પહેલાં જ ફરી વાર ભાંગી ગઈ.