Nayanaben Shah

Tragedy

4  

Nayanaben Shah

Tragedy

ગુરૂતાગ્રંથિ

ગુરૂતાગ્રંથિ

3 mins
308


પરમે જયારે સગાસંબંધીઓને વાત કરી કે દીકરા તરલના વિવાહ પાર્થી સાથે નક્કી કર્યા છે ત્યારે બધા ખુશ થઈ ગયા હતા. ખુશી બે રીતે થાય એક તો ખરેખર હ્દયપૂર્વક અને બીજી ખુશી તમાશો જોવાની આશાએ.

પરમનો સ્વભાવ તોછડો. એ સહેજમાં સામી વ્યક્તિનું અપમાન કરતી. દરેક જણ એનાથી દૂર રહેવા પ્રયત્ન કરતું. પરમ હમેશાં માનતી કે પોતે સર્વગુણસંપન્ન છે. સગાવહાલા કે પડોશીઓનું અપમાન કરતાં એને સહેજપણ સંકોચ થતો નહીં. જો કે એની વાતનો મુખ્ય વિષય તો ચોખ્ખાઈ જ હોય.

એનું મુખ્યકારણ એ જ કે પોતે ભણી ન હતી. આજુબાજુવાળા છાપામાં આવતાં.

સમાચારની વાત કરે ત્યારે પોતાને એ વિષે કંઈ જ જ્ઞાન ન હોવાથી કહેતી,"ઘરમાં કંઈ જ કામ ના હોય એ લોકો આખો દિવસ છાપું પહોળું કરીને વાંચ્યા કરે.પરંતુ તેમના ઘરમાં ધૂળના થરના થર હોય.જયારે મારા ઘરનો કોઈ પણ રુમ કે રુમનો ખૂણો પણ જુઓ ક્યાંય ધૂળ ના મળે."

પરમ જયારે ઘરમાં જાય ત્યારે બધા કહેતાં,

"એકવાર તરલની પત્નીને આવવા દો એનું બધું અભિમાન ઉતરી જશે."

જો કે બધા પરમને ઘરમાં બોલાવતાં ડરતાં હતાં. પણ ઘણા તો જાણીને પરમને એમના ઘરમાં બોલાવતાં કારણ પરમ જેને ત્યાં જાય ત્યાં કહે,"આ ટેબલ કલોથ ધોવાનો થયો છે." તો કયારેક કોઈને ત્યાં જાય તો ભીનો કકડો લઈ ટ્યુબલાઈટ લૂછવા લાગતી કે સાબુ લઈ વોશબેઝીન કે સિન્ક સાફ કરવા બેસી જતી. સાથે સાથે બોલતી પણ ખરી કે,"મને તો બધુ ચકચકાટ ગમે."

જો કે બધા જાણતાં હતાં કે આ અભણબાઈ ગમે તે રીતે એવું સાબિત કરવા માંગે છે કે હું તમારા બધા કરતાં ઘણી જ હોંશિયાર છું.

એકવખત તો એક પડોશણે સફાઈ એજન્સી ને બોલાવી ઘર સાફ કરાવ્યું અને પરમને બોલાવી. ઘરમાં તો કંઈ જ ના મળ્યું. પણ પરમને કયાંથી ચેન પડે ? દાદર ઉતરતાં બોલી,"દાદરના નીચેના ભાગે બહુુ જાળાં છે "બધા પરમના સ્વભાવથી કંટાળી ગયા હતાં. એવામાં જ પરમે એના દીકરા તરલના વિવાહ ના સમાચાર આપ્યા.

તરલની ભાવી પત્ની એક સોલિસીટરની ઓફિસમાં કામ કરતી હતી એનો પગાર મહિને દોઢલાખ હતો. તરલતો ઈસરોમાં હતો. એનો પગાર એની ભાવિ પત્ની પાર્થી કરતાં પણ વધારે હતો.

લગ્ન બાદ તરલે કહેલું,"મારી મમ્મીની કોઈ પણ વાત પર બહુ ધ્યાન આપવું નહિ."

લગ્ન બાદ તો પાર્થી ને સાસુ વિષે બધી માહિતી મળી ચૂકી હતી.

લગ્નના મહિના બાદ પરમે એનો અસલ સ્વભાવ બતાવવા માંડ્યો. પાર્થીને બારીબારણા ઉપર ધૂળ બતાવવા લાગી કે રવિવારે તો ઘર સાફસુફ રાખવું જોઈએ કે નહિ ? એકલી નોકરી જ કૂટી ખાવાની.

પાર્થીએ કહ્યું,"મમ્મી હું એક એજન્સીમાં ફોન કરી દઉં છું. ઘર મશીનથી સાફ કરી જશે. બાકી હું ઘરની સાફસુફીમાં સમય નહિ બગાડું અને જો તમારાથી રસોઈ પણ ના થતી હોય તો રસોઈવાળી બાઈ રાખી લો. પરંતુ મારે ઘરમાં કચકચ ના જોઈએ. થોડા હજાર ઓછો પગાર હતો એવું માનીશ. પણ તમે શાંતિથી જીવો અને અમને જીવવા દો."

પરમ સ્તબ્ધ બની ગઈ. કોઈ એને આવું કહે એ તો એ માનવા પણ તૈયાર ન હતી.

પરમને લાગ્યું કે એ બહુ કચકચ કરશે તો એકનો એક દીકરો ગુમાવવો પડશે. સમાજમાં ખરાબ દેખાશે. કે એકનો એક દીકરો જુદો જતો રહ્યો. પરમ પાસે હવે બોલવા માટે જાણે કોઈ શબ્દ જ ન હતા.

ધીરે ધીરે પરમનો બોલવાનો સૂર બદલાઈ ગયો. હવે એ કહેતી ઘરમાં શાંતિ જ મહત્વની છે. આપણે રાતદિવસ એક કરીને દીકરાને ભણાવીગણાવીને સંસ્કારી બનાવ્યો હોય તો લગ્ન બાદ પણ એ સંસ્કાર દેખાયા વગર ના રહે.

તરલે તો મને કહી જ દીધું છે કે,"મમ્મી,હવે પાર્થી આવી ગઈ છે તારે કંઈ કરવાનું જ નહિ."

પરમ સમાજમાં હાસ્યાસ્પદ બનતી જતી હતી. કહેતાં," નોકરી કરતી સ્ત્રી ઘરનું કામ શું કરે ? સવાર પડે અને ખભે પાકીટ લટકાવીને નીકળી પડે. ઘરના કામમાં મીંડુ. નોકરી કરતી છોકરી શું ઘર સંભાળવાની છે ?"

પાર્થી તો આ વાતથી પરિચિત હતી. એને તો તરલને કહેલું જ,"તારા મમ્મી સારા છે પરંતુ એ ભણ્યા નથી તેનું તેમને દુ:ખ છે. માટે એ કંઈક છે એ વાત સાબિત કરવા પોતે બધાથી ચડિયાતા છે એવી ગુરૂતાગ્રંથિ બતાવે છે પણ આવી વ્યક્તિ લઘુતાગ્રંથિથી પીડાતી હોય છે. આવી વ્યક્તિ ખરેખર દયાને પાત્ર છે. નહિ કે ગુસ્સાને પાત્ર કે હાંસીને પાત્ર."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy