Abid Khanusia

Drama Thriller

3  

Abid Khanusia

Drama Thriller

ગુમનામ મિત્ર

ગુમનામ મિત્ર

19 mins
693


વોટસઅપ મેસેજ એપ્લીકેશન પર એક અનનોન નંબરથી દુનિયાના કોઈ ખુબસુરત સ્થળનો આથમતા સૂર્યના ફોટાવાળો ખુબ ટૂંકો મેસેજ હતો.


“સને ૧૯૭૨-૭૩ના શૈક્ષણિક વર્ષમાં હિંમતનગર આર્ટસ અને કોમર્સ કોલેજના અંગ્રેજી મુખ્ય વિષય સાથે ટી.વીય.બી.એ.માં ભણતાં મારા તમામ મિત્રોને નીચે જણાવેલ સમયે અને સ્થળે ભૂતકાળને જીવંત કરી થોડીક મધુર ક્ષણો મારી સાથે માણવા સહ કુટુંબ હાજર રહેવા આગ્રહ ભરી વિનતી કરું છું.“– તમારો ગુમનામ મિત્ર


 મેસેજના નીચે એક ફાર્મ હાઉસનું સરનામું અને ત્યાં સુધી પહોચવાના રસ્તાનું દિશા સુચન કરતો નકશો દોરેલો હતો. અમદાવાદ-રાજકોટ માર્ગ પર અમદાવાદથી લગભગ ૭૦ કી.મિ. દુરનું સ્થળ હતું.


આ મેસેજ અંગે થોડીક જીજ્ઞાસા જરૂર થઇ પરંતુ મેં તેની કોઈ ગંભીર નોંધ ન લીધી અને રાબેતા મુજબના પ્રાત: કાર્યોમાં પરોવાયો. લગભગ ૧૫ મિનીટ પછી મારા મિત્ર યશવંતનો ફોન આવ્યો. તેણે સીધોજ સવાલ કર્યો “ યાર, આજના સમાચારપત્રના પહેલા પાના પરની જાહેરાત વાંચી ?” મેં તેને જવાબ આપવાના બદલે સામે પડેલ સમાચારપત્રના પ્રથમ પાના પર નજર નાખી તો વોટસઅપ મેસેજએપ પર મને મળેલ સંદેશાની જ નકલ સમાચારપત્રના લગભગ અડધા પાનાની જાહેરાત તરીકે હતી. મારા મૌનથી અકળાઈ યશવંત બોલ્યો “ ક્યાં ખોવાઈ ગયો ?” મેં સીધો જ જવાબ આપ્યો કે મારા વોટસઅપ પર આ મેસેજ મને મળ્યો છે. યશવંતએ પણ તેને તેવો મેસેજ મળેલ હોવાની પુષ્ટિ કરી. પછી તો દિવસ દરમ્યાન અન્ય દસ બાર મિત્રોના પણ મોબાઈલ પર આ સંદર્ભના સંદેશા મળ્યા. દરેકને આમંત્રણના સંદેશા કરતાં સંદેશો કોનો છે તે જાણવામાં વધારે રસ હતો. હિંમતનગરમાં રહેતા અમે દસ બાર મિત્રો અવાર નવાર લાયબ્રેરી કે અન્ય અનુકૂળ સ્થળે એકઠા થઇ જૂની યાદો વાગોળતા રહેતા હતા. આજે તે બધા મિત્રો સાંજે મારા ઘરે આવી પહોચ્યા. અમારી આજની ચર્ચાનું કેન્દ્રબિંદુ દરેકને મળેલ આજના સંદેશા અને સમાચારપત્રમાં આવેલ જાહેરાત રહ્યું. અમે ઘણી કલ્પનાઓ દોડાવી પરંતુ એ ગુમનામ મિત્રનું નામ શોધી ન શકયા. હા એટલું તારણ કાઢી શકયા કે તે એકદમ નજીકનો મિત્ર હોવો જોઈએ અને ખુબ ધનિક હોવો જોઈએ કેમકે તેણે લગભગ દરેક લીડીંગ સમાચારપત્રના પ્રથમ પાના પર આમંત્રણની જાહેરાત આપી હતી જેનો ખર્ચો કોઈ સામાન્ય આવક ધરાવતો વ્યક્તિ ઉઠાવી શકે નહિ. આજે ગુરુવાર હતો અને આમંત્રણ રવિવારની સાંજનું હતું એટલે થોડાક દિવસોમાં અમારી જીજ્ઞાસાનો અંત આવવાનો જ હતો. અમે બધા મિત્રો એ પોત પોતાની રીતે સહ કુટુંબ ગુમનામ મિત્રની પાર્ટીમાં હાજર રહેવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો.   


આખરે રવિવારનીએ ખુબ આકાંક્ષીત સંધ્યા આવી પહોચી. અંધારું થવા આવ્યું ત્યારે હું અને મારી પત્ની જણાવેલ ફાર્મ હાઉસ પર પહોચી ગયા. આમંત્રણમાં સ્થળનો દિશા નિર્દેશ ખુબ સ્પષ્ટ હોવાથી તે સ્થળ પર પહોચવામાં કોઈ અગવડ પડી નહિ. છુપાતા પગલે ધીરે ધીરે રાત્રીનું આગમન થઇ રહ્યું હતું. ગેટ બહાર ઉભેલા યુનિફોર્મ ધારી સેવકો પૈકી એક સેવકે મારી ગાડીની ચાવી લઇ, ગાડી પાર્કિંગ તરફ હંકારી ગયો. બીજો સેવક મને ગંતવ્ય સ્થાન સુધી દોરી ગયો. હું પહોચ્યો ત્યારે ચાર-પાંચ મિત્રો મારાથી પહેલાં ત્યાં પહોચી ગયા હતા. ફાર્મ હાઉસની મધ્યમાં એક હવેલીનુમા મકાન હતું જે વિવિધ રંગ બેરંગી ઝબુકતી લાઈટોથી ઝળહળી રહ્યું હતું. ફાર્મ હાઉસના એકદમ લીલાછમ ઘાસથી આચ્છાદિત વિશાળ બગીચામાં સૌ મિત્રોને બેસવાની સુંદર અને અદ્યતન વ્યવસ્થા કરવામાં આવેલી હતી. હાલ ત્યાં થોડુક અંધારું હતું પરંતુ બગીચાના ચાર ખૂણે સળગતી એલ.ઈ.ડી. લાઈટોની અને મકાન પર ઝળહળતી અને ઝબુકતી લાઈટોની હળવી રોશની ત્યાં સુધી પહોચતી હોવાથી અંધારાનો અહેસાસ થતો ન હતો. મ્યુઝીક સીસ્ટમ પરથી સને ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકાની હિન્દી ફિલ્મોના જુના મધુર ગીતો ખુબ ધીમા અવાજથી વાતાવરણમાં સંગીતના સુરો રેલાવી રહ્યા હતા. કોઈ ઘોઘાટ ન હતો. બગીચાના એન્ટ્રન્સમાં અંગ્રેજીમાં ખુબ સુંદર અક્ષરે “વેલકમ” લખી નીચે સંદેશો હતો . "તમારા ગુમનામ મિત્રનું આમંત્રણ સ્વિકારી હાજર રહેવા બદલ ખૂબ ખૂબ આભાર”. બગીચામાં દેશી અને વિદેશી છોડવાઓ આકર્ષક અને કલાત્મક રીતે ઉગાડવામમાં આવેલ હતા. બગીચાની કિનારીએ કતારબંધ ઉભેલા ઉંચા પામના વૃક્ષોથી બાગ બેહદ રળીયામણો લાગતો હતો. બાગના સુગંધિત છોડવાઓ હવામાં તેની કુદરતી ફોરમ રેલાવી રહ્યા હતા તેમ છતાં આધુનિક ટેકનીકથી થોડી થોડી વારે હવામાં સ્વીત્ઝર્લેન્ડના માદક પરંતુ મનમોહક અત્તરની ખુશબુના છંટકાવ વડે વાતાવરણને ઓર માદકતા અને સુગંધિતતા બક્ષવામાં આવી રહી હતી. આવનાર મહેમાનોનું સ્વાગત સુગંધિત શરબતથી કરવામાં આવતું હતું. નાની નાની કિશોરીઓ પતંગિયાની જેમ આમથી તેમ દોડી દોડીને મહેમાનોને શરબત પીરસી રહી હતી. બાગથી થોડે દુર મહેમાનોને પીરસવા માટે વાનગીઓ રાંધવામાં આવી રહી હતી જેની સોડમે પણ વાતાવરણને ખુબ મોહક બનાવી દીધું હતું. 


મિત્રોનું આગમન શરુ થઇ ગયું હતું અને પંદર-વીસ મિનિટના સમયગાળામાં બાગમાં રાખવામાં આવેલ ખુરશીઓ પૈકીની મોટા ભાગની ખુરશીઓ ભરાઈ ગઈ હતી. આખો કાર્યક્રમ કોઈ પ્રોફેશનલ ઇવેન્ટ મેનેજમેન્ટ કરનારના હવાલે હોય તેમ લાગતું હતું. જુના મિત્રો એક બીજાને ગળે મળી આનંદ વ્યક્ત કરતા હતા. ઘણા મિત્રો ને કોલેજ છોડ્યા પછી પ્રથમ વાર મળવાનું થયું હતું. કોલેજના જુના દિવસો યાદ આવી ગયા. અમારી સાથે ત્રણ-ચાર છોકરીઓ પણ ભણતી હતી પરંતુ તે પૈકી કોઈનું હજુસુધી આગમાન થયું ન હતું. અમે બધા ભૂતકાળની યાદોની ચર્ચાની સાથોસાથ આજનો આ ગુમનામ યજમાન કોણ છે તેની પણ ચર્ચા કરી રહ્યા હતા.


એકએક બાગ રોશનીથી ઝળહળી ઉઠ્યો. બાગમાં બાનાવેલ નાનકડા સ્ટેજના ખુણામાં ગોઠવાયેલ માઈકની પાછળ એક ખૂબસૂરત યુવતી ગોઠવાઈ અને તેની મદહોશ આંખોમાં કૃત્રિમ કૃતજ્ઞતાનો ભાવ લાવી સસસ્મિત ઉર્દુ લહેજાથી ભરપુર એક મશહુર હિન્દી શાયરી “ આજકી શામમે અજીબ કશીશ હૈ યારો તુમ માનો યા ના માનો, ચુરાલું ચંદ લમ્હે તુમસે ગર બુરા ના માનો” ઉચ્ચારી તેના પ્રોફેશન આવાજમાં સુંદર ડાયલોગ ડિલીવરી સાથે અમારા સૌનું સ્વાગત કર્યું. પછી તેણે અમારા યજમાનના આમંત્રણને માન આપી હાજર રહેવા બદલ સૌનો આભાર માની જણાવ્યું કે “આપના યજમાન થોડીક ક્ષણોમાં પધારી રહ્યા છે તેથી આપને થોડોક વધુ 

સમય ધીરજ રાખવા વિનંતિ છે. આપને આજના આ યજમાન વિષે જાણવાની ખૂબ ઇંતેજારી હશે અને આટલી બધી ગુપ્તતા શા માટે રાખવામાં આવી રહી છે તે અંગે પણ આશ્ચર્ય થતું હશે. તે ઉપરાંત હજુ સુધી આપના યજમાન આપને આવકારવા રૂબરૂ હાજર થયા ન હોઈ કદાચ આપને થોડુક માઠું પણ લાગ્યું હશે પરંતુ મને વિશ્વાસ છે કે જયારે આપ આપના યજમાનના સ્વમુખે વિગતો સાંભળશો તો આપને આપના બધા સવાલોના ઉત્તરો મળી જશે. આપ સૌ જે ધીરજ દર્શાવી રહ્યા છો તે બદલ આપનો ખુબ ખુબ આભાર. 


યુવતીના વક્તવ્ય બાદ ફક્ત બે જ ક્ષણમાં અંદાજે ૬૦ વર્ષની આધેડ પરંતુ ખૂબ જાજવલ્યમાન એક સ્ત્રી ખુશીમાં પોતાનો હાથ હલાવતી અને પોતાના મુખારવિંદ પર સૌજન્યભર્યું સ્મિત રેલાવતી સ્ટેજ પર હાજર થઇ. તેના કપડાં અને આભૂષણોમાં તેની શ્રીમંતાઈ ટપકતી હતી પરંતુ તેમાં ક્યાંય ઘમંડ કે આછકલાઈ જણાતી ન હતી. તે એકદમ સુંદર શરીર સૌષ્ઠવ, મજબુત બાંધો અને સ્ફૂર્તિલું બદન ધરાવતી ખુબસુરત માનુની હતી. તેને જોતાની સાથે જ મને તેણીને આ અગાઉ કયાંક જોઈ હોવાનો આભાસ થયો. હું તેની મુખાકૃતિ પર નજર રાખી કઈક યાદ કરવાનો પ્રયત્ન કરતો હતો ત્યાંજ રૂપાની ઘંટડીના રણકારનો અનુભવ કરાવતો તેનો મૃદુ આવાજ માઈક્રોફોન પર ગુંજી ઉઠ્યો. “ હાઈ...!! વેલકમ એવરીબડી “ હું આપના ગુમનામ મિત્ર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આપના એ ગુમનામ મિત્રના આમંત્રણને માન આપી અત્રે હાજર રહેવા બદલ આપ સૌનો આભાર પણ માનું છું.”


તેણીએ કહ્યું “કદાચ આપનામાંથી મને કોઈ ઓળખતું નહિ હોય પરંતુ હું આપ સૌને એકદમ નજીકથી ઓળખું છું. આપના ગુમનામ મિત્રએ આપના કોલેજના વિદાય સમારંભના ગ્રુપ ફોટામાંથી આપ સૌની મને ઓળખ કરાવી ખુબ ઝીણવટથી માહિતગાર કરી છે. અમો છેલ્લા બે વર્ષોથી આપ સૌને મળી ભૂતકાળના દિવસોની યાદ તાજી કરવાનો પ્રોગ્રામ ગોઠવવાનું નક્કી કરેલ હતું. તે માટે આપ સૌની વિગતો મેળવવા માટે અમોએ સોસીયલ મિડીયાનો સહારો લીધો છે તેમજ પ્રોફેશનલ માણસો રોકી આપની માહિતી એકત્ર કરવાનો પ્રયત્ન કર્યો છે. આમછતાં બધા મિત્રોની માહિતી ન મળી શકી એટલે સમાચારપત્રોમાં જાહેરાત આપી આપને આમંત્રણ પાઠવ્યું છે. હું સીસીટીવી કેમેરા મારફતે મારા લેપટોપ પર આપના આગમનની નોંધ લઇ રહી હતી અને આપને ઓળખવાનો પ્રયત્ન કરી રહી હતી. ઘણાના ચહેરા બદલાઈ ગયા છે. કેટલાકના માથે ટાલ પડી ગઈ છે એટલે તમને ઓળખવામાં હું જ્યાં ગુચવાઈ ત્યાં તમારા એ ગુમનામ મિત્રએ મને તમારી ઓળખાણ કરાવી છે. અમારા અંદાજ મુજબના બધા મિત્રો હાજર રહ્યા નથી પરંતુ ૮૦% મિત્રો અત્રે હાજર છો તેથી અમોને ખુબ આનંદ થયો છે.”


તે એકદમ ઇન્ફોર્મલ બનીને અમને આપ બદલે તમેથી સંબોધવા લાગી. તેની આત્મિયતા મને ગમી. તેણીએ આગળ ચલાવ્યું “તમારા એ ગુમનામ મિત્ર અને આજના યજમાનને મળવા તમારા સૌની આતુરતા અને વિહવળતા હું અનુભવી શકું છું. પરંતુ તે પહેલાં તમારા કોલેજ કાળ પછી આજદિન સુધીના અમારા અજ્ઞાતવાસની વિગતો તમોને આપવાનું હું ઉચિત સમજુ છું. મારું નામ કેતકી શાહ. હું તમારાથી ચાર વર્ષ પાછળ અભ્યાસ કરતી હતી. હું વખારીયાવાડમાં રહેતી હતી. મેં પ્રાથમિક શિક્ષણ મારા ઘરની નજીક આવેલી કન્યા શાળામાં અને માધ્યમિક શિક્ષણ ખાડીયા ચાર રસ્તા પર આવેલ મનોરમ હાઈસ્કુલમાં મેળવ્યું હતું. સને ૧૯૭૩માં મેં ઓલ્ડ એસ.એસ.સી.ની પરીક્ષા આપી હતી. કન્યા શાળાની બાજુમાં જુના દરબારગઢમાં તમારો મિત્ર રહેતો હતો.” આટલું બોલી કેતકીએ અમારા પ્રતિભાવો જાણવા સૌની તરફ નજર નાખી. મારી સમક્ષ ભૂતકાળ તરવરી ઉઠ્યો અને હું કેતકીને ઓળખવાનો પ્રયત્ન કરું તે પહેલાં મારી બાજુમાં બેઠેલા મારા મિત્ર અનીલે મારા કાનમાં કઈક ફૂસફૂસી કરી પણ હું સમજી ન શકયો. કેતકી કદાચ સમજી ગઈ હતી એટલે તે મારા મિત્ર અનિલને ઉદ્દેશીને બોલી “હા, અનીલ ભાઈ તમે દેસાઇવાડામાં રહેતા હતા એટલે મને તરત જ ઓળખી ગયા હતા પરંતુ કદાચ તમે સ્યોર ન હતા એટલે તમે અવઢવમાં હતા તેવું મેં અનુભવ્યું.” મને કેતકીની પારખું નજર પર માન થયું.


એક ક્ષણ રોકાઈ કેતકી બોલી “ એની વે, હવે તમે બધા તમારા એ ગુમનામ મિત્રને ઓળખી જ ગયા હશો.” કેતકીના શબ્દોમાં જીજ્ઞાસા હતી. મારાથી ન રહેવાયું. મેં કહ્યું “ કેતકી, તમે નયન પાઠકની વાત કરો છો ?” કેતકીએ હકારમાં માથું હલાવ્યું. અમારામાંથી હાજર રહેલ તમામની સમક્ષ નયન પાઠકનો ચહેરો ઝળકી ઉઠ્યો અને બધાની નજર તેને જોવા આમ તેમ ફરવા લાગી. 


કેતકી આમારી આતુરતાથી વાકેફ હતી તેણે કહ્યું, “ પ્લીઝ, તમારી આતુરતાનો અંત તુરતજ આવશે. તમને પણ મળવા નયન ખુબ આતુર છે. તે અત્યારે તમને સૌને સીસીટીવી કેમેરા મારફતે તેના લેપટોપ પર નિહાળી રહ્યો છે અને થોડીક ક્ષણોમાં તમારી સમક્ષ ઉપસ્થિત થશે.


કેતકી બોલી “ હવે હું અમારી પ્રેમ કથાની અને અમારા અજ્ઞાતવાસની વાત જાણાવું. હું ધોરણ ૧૦ માં ભણતી હતી ત્યારે મારી એક બેનપણીની સાથે અંગ્રેજી વ્યાકરણ શીખવા નયનના ઘરે ગઈ હતી. નયન અને તેની વિધવા બા એમ બે જણા જુના દરબારગઢની ચાલીમાં એક નાનકડી ઓરડીમાં રહેતા હતા. નયન તે વખતે એસ.વાય.બી.એ. માં અભ્યાસ કરતો હતો. તે અચ્છો ફોટોગ્રાફર હતો. ફોટોગ્રાફી તેનો શોખ અને આજીવીકાનું સાધન હતું. તેનો શોખ પૂરો કરવા તે ટાવર રોડ પર આવેલ એક પ્રખ્યાત ફોટો સ્ટુડિયોમાં ફોટોગ્રાફીનું કામ કરતો હતો. તેનું અંગ્રેજી વ્યાકરણ પર પ્રભુત્વ ખુબ સારું હતું. તેની રમતીયાળ આંખો પાછળ આર્થિક સંકળામણનો વિષાદ હું અનુભવી શકતી હતી. પરંતુ તેની જિંદાદિલી અને વાકપટુતાથી હું અંજાઈ ગઈ અને તેની સાથે પ્રેમ કરી બેઠી. શરૂઆતમાં મારો પ્રેમ એક તરફી હતો. સને ૧૯૭૨ના ઉનાળાના વેકેશનમાં હું મારા કુટુંબ સાથે યુરોપના પ્રવાસે ગઈ હતી. મેં ત્યાં નયનને ખુબ મિસ કર્યો. મેને એહસાસ થયો કે હું નયનને ખુબ ચાહું છું અને તેના વિના નહી જીવી શકું. મેં ફ્રાંસના એફિલ ટાવર પાસેથી એક નાચતા અંગ્રેજ પ્રેમી જોડાનું રમકડું નયનને ભેટ આપવા માટે ખરીદ્યું. પ્રવાસેથી પરત ફરી હું નયનને તે રમકડું ભેટ આપવા ગઈ. મને જોઈ નયન એકદમ ખુશ થઇ ગયો. તેની આંખોમાં મારા પ્રત્યે છલકતો પ્રેમ મેં અનુભવ્યો. મને સમજાઈ ગયું કે નયન પણ મને ખુબ પ્રેમ કરે છે. ધોરણ-૧૧ માં મારી અને નયનની મુલાકાતો વધી ગઈ. તે કોલેજના છેલ્લા વર્ષમાં હતો. સમાજ અને અમારું કુટુંબ અમોને લગ્ન કરવાની પરવાનગી નહી આપે તે અમે જાણતા હતા તેથી અમોએ પરીક્ષા પછી ભાગેડુ લગ્ન કરી લેવાનું નક્કી કરી લીધું. મારી એસ.એસ.સી.ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂરી થઇ ગઈ. નયનની પરીક્ષા એપ્રિલ મહિનાના અંતમાં હતી. આ સમય દરમ્યાન મારે ઘણું કામ કરવાનું હતું. મેં ઘણું બધું વિચારી રાખ્યું હતું. નયન સાથે હું તે અંગે ચર્ચા વિચારણા પણ કરતી. મારી પાસે પાસપોર્ટ હતો. મેં નયનને પાસપોર્ટ બનાવડાવી લેવા સમજાવ્યું. તે સંમત થયો. પાસપોર્ટ બનીને મળી પણ ગયો. નયનનું મૂળ વતન ધોળકા હતું. વતનમાં તેના મોટાભાઈ રહેતા હતા. પરીક્ષા પછી નયન તેની માતાને મોટાભાઈના ઘરે ધોળકા મૂકી પરત આવ્યો. તેની માતા આમારા પ્રેમથી વાકેફ હતા અને અમારા ભાગેડુ લગ્નમાં તેમની મૂક સંમતી પણ હતી. 


નયને અમદાવાદના એક વકીલને અમારા કોર્ટ મેરેજ કરી આપવા હાયર કર્યો પરંતુ ત્યારે મારી ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોઈ તે શક્ય ન બન્યું આમ છતાં અમોએ ભાગી જવાનું નક્કી કર્યું. મેં નક્કી થયેલા દિવસે મારા બાપુજીના ઘરમાંથી મારી માતાના ૨૫ તોલાના સોનાના દાગીના અને ૩ લાખ રૂપિયા રોકડા તફડાવી લીધા અને તે રાત્રે અમે મુંબઈ ભાગી ગયા. મુંબઈ જઈ મેં એક ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરી અમને અમેરીકા પહોચાડવાની વ્યવસ્થા કરવા જણાવ્યું. તેણે જણાવ્યું કે અમેરિકાના વિઝા મેળવવામાં ઘણો સમય લાગશે પરતું જર્મની સરકાર સાથે થયેલ સંધી મુજબ ભારતીયોને જર્મનીની સરકાર ઓન એરાઈવલ વિઝા આપે છે માટે તમે જર્મની ચાલ્યા જાઓ. તેણે પોતાની ફી લઇ અમોને જર્મની જવાની વ્યવસ્થા કરી આપી. 


ટ્રાવેલ એજન્સીએથી પરત થતા હતા ત્યારે રસ્તામાં મારી નજર એક નાનકડા શીવ મંદિર પર પડી. ટેક્ષી થોભાવરાવી મંદિરની બાજુમાંની ફૂલોની દુકાનમાંથી બે ફૂલહાર અને મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ લઇ અમે મંદિરમાં દાખલ થયા અને મંદીરના ગર્ભગૃહ સુધી પહોચી ગયા. સાંધ્ય આરતીની તૈયારી કરતા વૃદ્ધ પુજારીએ અમારા હાથમાં રહેલા ફૂલહાર જોયા. તેની પારખું નજર પરિસ્થિતિ સમજીને અમારી સામે પ્રશ્નાર્થ દષ્ટિ ફેકી. અમે તેને અમારા લગ્ન કરાવી દેવા વિનંતિ કરી. તેણે અમારી સામે થોડીક ક્ષણો તાકી મનમાં કઈક નિર્ણય લઇ થોડાક શ્લોકોનું ઉચ્ચારણ કર્યું અને અમને એક બીજાને ફૂલહાર પહેરારી દેવા ઈશારો કર્યો. અમે એક બીજાને ફૂલહાર પહેરાવી પ્રભુતામાં પગલાં માંડ્યાં. પુજારીએ અમારા માથે હાથ મૂકી અમને આશીર્વાદ આપ્યા અને મંદિરમાંથી સિંદુર લાવી નયન સામે ધર્યું. નયને મારી માંગમાં તેના નામનુ સિંદુર ભરી મને પત્ની તરીકે સ્વીકારી. હું શરમાઈ ગઈ. અમે પુજારીને દક્ષિણા આપી ભગવાનના ચરણોમાં મીઠાઈ ધરાવી રવાના થયા. ટેક્ષી ડ્રાઇવર અધીરાઈથી અમારી રાહ જોઈ રહ્યો હતો. અમે મીઠાઈથી તેનું પણ મોઢું મીઠું કરાવ્યું અને અમારી હોટલ તરફ રવાના થયા. ઘરેથી ભાગવાના ચોથા દિવસે અમે જર્મનીની રાજધાની બર્લિન પહોચી ગયા.”     


પાસે પડેલી મિનરલ વોટરની બોટલમાંથી કેતકીએ પાણી પીવા વિરામ લીધો. અમે બધા કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોય તે રીતે એક ચિત્તે કેતકીની કહાની સાંભળી રહ્યા હતા. પળ એકના વિરામબાદ કેતકીએ આગળ ચલાવ્યું. કેતકી બોલી “ જર્મની પહોચી ગયા ત્યાં સુધી અમને કોઈ તકલીફ પડી ન હતી તેથી અમે ખુબ ખુશ હતા. પરંતુ આ ખુશી લાંબી ટકી નહિ. જર્મનીમાં તકલીફો અમારી વાટ જોઈ રહી હતી. મારી પાસેના પૈસા પુરા થવા આવ્યા હતા. હવે દાગીના વેચીને આગળનો ખર્ચ કરવાનો હતો. જર્મની અમારી માટે નવું હતું. દાગીના કેવી રીતે વેચવા અને ક્યાં વેચવા તેની કોઈ માહિતી પણ ન હતી. અમે જે હોટેલમાં રોકાયા હતા તેના રિસેપ્નીસ્ટને અમારી મુઝવણ જણાવી. તેણે જણાવ્યું કે જર્મનીમાં જ્યાં સુધી તમે તમારો માલિકી હક પુરવાર નહી કરો ત્યાં સુધી કોઈ વેપારી તમારા દાગીના ખરીદશે નહી અને વધારામાં પોલીસને જાણ કરશે તો તમે મુશ્કેલીમાં મુકાશો. અમે પોલીસના નામથી ગભરાયા. અમે તેને અમારા માટે કોઈ નોકરીનો બંદોબસ્ત કરવા વિનંતિ કરી. તેણે જણાવ્યું કે ટુરીસ્ટ વિઝા પર દાખલ થયેલ કોઈ વ્યક્તિ સરકારની મંજુરી વિના જર્મનીમાં નોકરી કરી શકશે નહી અને કોઈ નોકરી પર રાખશે પણ નહિ. અમે નિરાશ થઇ રૂમમાં પાછા ફર્યા. મેં મારી પાસેની બચત ગણી. મારી પાસે તે વખતના ફક્ત ૨૪૮૫ જર્મન માર્ક અને ૨૦,૦૦૦ જેટલુ ભારતીય ચલણ બચતમાં હતું. આ રકમથી 

અમે વધુમાં વધુ સાત દિવસ ગુજારો કરી શકીએ તેમ હતા. દોડધામ અને ચિંતાથી અમે થાકી ગયા હતા તેથી અમે રૂમમાં આવી સુઈ જવાનો પ્રયત્ન કરવા લાગ્યા પરંતુ ભવિષ્યની ફિકરમાં અમને બંનેને ઊંઘ આવી નહી.” 


કેતકીએ આગળ ધપાવ્યું, “નયન સવારે વહેલો ઉઠી ગયો અને નીચે રેસ્ટોરન્ટમાં ગયો. તેણે વેઈટરને મની એક્ષ્ચેન્જ વિષે પુછયું. વેઈટરે બાજુના માર્કેટમાં તેમજ હોટલમાં મની એક્ષ્ચેન્જ કરી શકાશે તેની સમજ આપી. નયન મારી પાસેથી ભારતીય ચલણના રૂ. ૨૦,૦૦૦ લઇ તેને જર્મન માર્કમાં બદલાવી લાવ્યો. અમે તે દિવસે હોટલમાંથી ચેકાઉટ થઇ ગયા. બર્લિન શહેરની ગણના દુનિયાના ઐતિહાસિક શહેરોમાં થાય છે. બીજા વિશ્વ યુદ્ધ વખતે જર્મનનીના શાશક હિટલરનું પતન થયું હતું. બર્લિનની ભવ્ય ઇમારતો,આકર્ષક સ્વચ્છ રસ્તાઓ અને નિયોન લાઈટના આકર્ષક થાંભલા મનમોહક હોવા છતાં અનેક વિચારો અને ચિંતાઓ ઘેરાયેલા અમારા મનને તે વખતે આકર્ષી શકયા ન હતા. હોટલની બહાર નીકળી થોડુક ચાલી ફૂટપાથ પર ઉભા હતાં ત્યાં એક ભારતીય યુવાન સરદારજી અમને પ્રવાસી ભારતીય માની અમારી પાસે તેની ટેક્ષી થોભાવી અને પોતાના મોઢાપર સજ્જનતા ભર્યું સ્મિત રેલાવી અમારે ક્યાં જવું છે તેવું હિન્દીમાં પૂછયું. એક ભારતીયને જોઈ અમને તેની પાસેથી મદદની આશા બંધાણી. નયને તેની સાથે હિન્દીમાં વાતચીત કરી આમારી મુશ્કેલી જણાવી. યુવાન ટેક્ષી ડ્રાઇવરનું નામ હરપ્રિતસિંહ હતું. થોડોક વિચાર કરી તેણે કહ્યું ચાલો મારી સાથે, હું કંઇક બંદોબસ્ત કરી આપીશ. અમે ટેક્ષીમાં બેઠા. તે અમને એક એપાર્ટમેન્ટમાં લઇ ગયો. એપાર્ટમેન્ટના બેજમેન્ટમાં એક પાકિસ્તાની મુસ્લિમ દંપતી નાસ્તો કરી રહ્યું હતુ. હરપ્રિતસિંહે તેમની સાથે વાતચીત કરી અને અમને પેઈંગગેસ્ટ તરીકે ત્યાં રોકાવવાની વ્યવસ્થા કરી આપી. અમે હરપ્રિતસિંહને ટેક્ષી ભાડું અને ટીપ આપી રવાના કર્યો. પાકિસ્તાની દંપતી સલમાબેન અને સુલેમાનભાઈ ખુબ માયાળુ હતા. એકજ દિવસમાં તે અમારી સાથે હળી મળી ગયા. તેમને આમારી જરૂરિયાતની જાણકારી હોવાથી તેમણે બીજાજ દિવસે અમને તેમના પોતાના ગ્રોસરી હાઉસમાં નોકરી આપી દીધી અને તાકીદ પણ કરી કે આ નોકરી બિન કાયદેસર છે એટલે સાચવીને નોકરી કરવી પડશે. જો કોઈ ઈન્કવાયરી થશે તો હું પહોચી વળીશ. અમારા માટે આ પાકિસ્તાની દંપતી ખુદાના ફરિસ્તાથી કમ ન હતું.”


પાછું થોડુક પાણી પી કેતકીએ આગળ વાત ચાલુ કરી “સમય વિતતો ગયો. બે મહિના પછી આ પાકિસ્તાની દંપતીએ અમને એક એજન્ટ સાથે મુલાકાત કરાવી જેણે એક લિગલ એડવાઈઝર મારફતે અમને જર્મનીનું વર્ક પરમીટ અપાવી દીધું. તેના ખર્ચા માટે મારે મારીમાતાના ઘરેણા પૈકી બે ત્રણ ઘરેણા કમને વેચવા પડ્યા હતા. બાકીના દાગીના મેં મારી માતાની યાદગીરી રૂપે હજુએ જતનથી સાચવી રાખ્યા છે. અમારા માથેથી ખુબ મોટો બોજો ઓછો થઇ ગયો. એક દિવસે સુલેમાનભાઈએ નયનને કહ્યુંકે હવે અમારી પાસે વર્ક પરમીટ છે માટે અમે બર્લિન સિવાય અન્ય શહેરોમાં નોકરી શોધી લઈએ જેથી અમને થોડુક સસ્તું પડે અને ભવિષ્ય માટે થોડીક બચત પણ કરી શકાય. અમે તેમની વાત વધાવી લીધી. નયને બીજાજ દિવસથી સમાચારપત્રોમાં મ્યુનિચ, ફ્રેન્કફર્ટ, હેમ્બર્ગ વિગેરે શહેરોની જાહેરાતો જોવાની શરુ કરી અને ત્યાં નોકરી માટે અરજીઓ કરવાનું શરુ કર્યું. લગભગ બે મહિના પછી ફ્રેન્કફર્ટની એક લીડીંગ હોટલ “જીમાલ્ડી”માં ખુબ સારા પગારે નયનને ટેલીફોન ઓપરેટ તરીકે નોકરી મળી ગઈ. અમે પાકિસ્તાની દંપતીનો આભારમાની ફ્રેન્કફર્ટ શિફ્ટ થઇ ગયા. 


થોડાક દિવસોમાં મને પણ એક ગુજરાતોની મોટેલમાં નોકરી મળી ગઈ. ફ્રેન્કફર્ટમાં ઘણા ગુજરાતીઓ વસે છે. તેમની હુંફથી અમારું જીવન થાળે પડી ગયું હોય તેમ લાગ્યું. મને મારા માબાપની ખુબ યાદ આવતી હતી પરંતુ કોઈ સમાચાર ન હતા. મેં મારા પિતાજીને ઉદ્દેશીને એક રજીસ્ટર્ડ પત્ર રવાના કર્યો જે બે માસ પછી “એડ્રેસી લેફટ” ના શેરા સાથે મને પરત મળ્યો. આમને આમ એક વર્ષ વિતી ગયું. નયનની હોટલમાં ઇટાલીના સિસિલી ટાપુના એક માલેતુજાર વેપારી મિસ્ટર અર્નાલ્ડો અવાર નવાર આવતા હતા. તેઓ મોઘી અને અદ્યતન ક્રુઝના માલિક હતા. મિસ્ટર અર્નાલ્ડોને નયન સાથે ખુબ સારું બનતું હતું. તેમને કોઈ બાળકો ન હતા એટલે તેમના ધંધાને સંભાળી શકે તેવા એક વિશ્વાસુ માણસની જરૂર હતી. એક દિવસે નયન પર અર્નાલ્ડોનો ફોન આવ્યો અને જણાવ્યું કે તે ખુબ બિમાર છે અને તેમને અમારી ખુબ જરૂર છે માટે અમોને સિસિલી આવવાની તૈયારી કરવાનો રીતસરનો આદેશ કર્યો. નયન મિસ્ટર અર્નાલ્ડોને ના ન પાડી શકયો. ત્રણ દિવસમાં મિસ્ટર અર્નાલ્ડોનો એક માણસ ફ્રેન્કફર્ટ આવી અમારા બંનેના પાસ પોર્ટ લઇ ગયો અને ફક્ત સાત જ દિવસમાં વિઝા સાથેના પાસપોર્ટસ લઇ તે માણસ અમને લેવા ફ્રેન્કફર્ટ આવી પહોચ્યો. અમે બીજાજ દિવસે ફ્રેન્કફર્ટને બાય બાય કરી સિસિલીના સેલીના ટાપુ જવા રવાના થઇ ગયા.”


કેતકી, થોડોક શ્વાસ લેવા ફરી થોભી અને બોલી “ કદાચ તમને આ બધું બોરિંગ લાગતું હશે પરંતુ નયનની ઈચ્છા છે કે હું તમને આ બધું જ જાણાવું તેથી થોડુક બોરિંગ ભાષણ પણ ચલાવી લેજો. કેતકીએ અમારા સૌ પર અછડતો દ્રષ્ટિપાત કરી આગળ ચલાવ્યું. “ અમે જયારે સિસિલીના સેલીના ટાપુ પર પહોચ્યા ત્યારે મિસ્ટર અર્નાલ્ડો અમને આવકારવા હસતા મોઢે એરપોર્ટ પર હાજર હતા. અમને તે બિમાર જણાય નહી પરંતુ અમે તે બાબતે કોઈ પ્રશ્ન ન કર્યો. બીજા દિવસે સવારે નાસ્તાના ટેબલ પર મિસ્ટર અર્નાલ્ડોએ સામેથી જણાવ્યું કે તે બિમાર નથી પરંતુ અમને અહી બોલાવવા માટે તે જુઠું બોલ્યા હતા અને તે માટે તેમણે અમારી માફી માગી લીધી. નયનને મિસ્ટર અર્નાલ્ડો સાથે આત્મિયતા થઇ ગઈ હતી તેમની પત્ની એલીના સાથે મારે પણ બે ત્રણ દિવસમાં ગોઠવાઈ ગયું. તેઓ અમને પોતાના બાળકોની જેમ રાખતા અને સાચવતા હતા. અમને જાણે પોતાના મા બાપ મળી ગયા હોય તેવો એહસાસ થવા લાગ્યો. થોડાક દિવસોમાં નયને તેમના કારોબાર વિષે બધી માહિતી મેળવી લીધી અને મિસ્ટર અર્નાલ્ડોને કારોબારમાં મદદ કરવા લાગ્યો. એલીના મેડમ મને પોતાની દિકરીની જેમ સાચવતા હતા. તેમની હૂફ અને આર્થિક ચિંતા દુર થવાના કારણે હું હળવાશ અનુભવવા લાગી. પરીણામે સિસિલી આવ્યાના એક વર્ષ પછી મારી કુંખે દિકરી અવતરી. મિસ્ટર અર્નાલ્ડો અને એલીના મારી દિકરીના જન્મથી ખુશ ખુશ થઇ ગયા. તેમણે મારી દિકરીના આગમનને ઊજવા પોતાની મોઘી ક્રુજમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું અને તે પાર્ટીમાં જ તેમણે મારી દિકરીનું નામ એરિયાના રાખ્યું. મારી દિકરી તેમના સહેવાસમાં મોટી થવા લાગી. પાંચ વર્ષ પછી મારી કુંખે મારા દીકરાનો જન્મ થયો. પરંતુ આ વખતે તેને રમાડવા એલીના મેડમ જીવતાં ન હતાં. ખુબ ટૂંકી માંદગીમાં એક વર્ષ પહેલાં તેમનો જીવનદીપ બુજાઈ ગયો હતો. એલીનાના મૃત્યુ પછી મિસ્ટર અર્નાલ્ડો એકલવાયું જીવન જીવવા લાગ્યા. તેમને જીવવામાંથી રસ ઉઠી ગયો હતો. બધો કારોબાર નયન એકલો સંભાળતો હતો. અમે મિસ્ટર અર્નાલ્ડોને અમારા દીકરાનું નામ સૂચવવા જણાવ્યું તો તેમણે કહ્યું તમેજ કોઈ ઇન્ડિયન નામ રાખીલો. નયને અમારા બંનેના નામનો સમન્વય કરી અમારા દીકરાનું નામ કેતન રાખ્યું છે. કેતનના જન્મ પછી ત્રણજ માસમાં આખો કારોબાર નયનના નામે કરી મિસ્ટર અર્નાલ્ડો અમને નિરાધાર મૂકી આ ફાની દુનિયાથી પરલોક સિધાવી ગયા. સેલીના સ્થિત કેથોલિક ચર્ચના પાદરીની દોરવણી મુજબ અમે ઈસાઈ ધર્મની પરંપરા અનુસાર તેમની અંતિમ ક્રિયા અને તર્પણ કરી તેમનો ઋણભાર અદા કરી ફરજ મુક્ત બન્યા. મારી દિકરી એરિયાના એક ઈટાલીયન ફાંકળા યુવાનને પરણી છે અને ખુબ સુખી છે. કેતન સોફ્ટવેર એન્જીનીયર થયો છે અને ન્યુયોર્કમાં એક વિશ્વ વિખ્યાત કંપનીમાં ટીમ લીડર તરીકે જોબ કરે છે. ખુબ સારું કમાય છે પરંતુ હજુ કુવારો છે. મારી દિકરી, જમાઈ અને કેતન અમદાવાદ એરપોર્ટથી તમને સૌને મળવા અહી આવવા રવાના થઇ ગયા છે અને ગમે તે ક્ષણે અહી આવી પહોચશે. 


વાતાવરણમાં ઠંડક પ્રસરતી જતી હતી. અમે સૌ નયનને જોવા ખુબ આતુર હતા. કેતકી અમારી વિહ્વળતા સમજતી હતી. એક આછો નિશ્વાસ નાખી તે બોલી. “મિસ્ટર અર્નાલ્ડોના નિધન બાદ અમને વતનની, મા બાપ, કુટુંબ કબીલા, યાર દોસ્તોની ખુબ યાદ આવવા લાગી તેથી નયને ઇન્ડિયા આવવાનું નક્કી કર્યું અને અમોએ તમને મળવાનો પ્લાન બનાવ્યો. પરંતુ કામના બોજ તળે ભારત આવવામાં વીસ વર્ષ જેટલો સમય નીકળી ગયો. દરમ્યાન મેં અને નયને સોસીયલ મીડિયા પરથી તમારા સૌની વિગતો એકઠી કરવા માંડી. તેણે તમારી સૌની રજેરજ માહિતી મને આપી હતી. તેથી હું તમને સૌને મળ્યા વિના પણ ખુબ નજીકથી ઓળખું છું. તે કહેતો કે જયારે તમે કોલેજમાં ભણતા હતા ત્યારે પૈસાના અભાવે તે હમેશાં તમારા પૈસેજ નાસ્તા કર્યા કરતો હતો જેથી કેટલાક મિત્રો તેનાથી કતરાતા પણ હતા. મારે આ બધાજ મિત્રોને ખુબ સરસ વ્યંજનો અને કોન્ટીનેન્ટલ ડીશ જમાડી તેનો બદલો વાળવો છે.અગાઉ જણાવ્યું તેમ તે માટે પ્રોફેશનલ માણસો રોકી તમારી માહિતી એકત્ર કરી તમને બધાને અત્રે આમંત્રણ આપ્યું છે.” 


કેતકી થોડીક વિહ્વળ બની. પોતાની જાતને સંભાળી તે બોલી “ અમોએ છ માસ પહેલાં ઇન્ડિયા આવવાનો ફાઈનલ પ્રોગ્રામ બનાવી લીધો હતો પરંતુ કમનશીબે નયનને બ્રેઈન સ્ટ્રોકનો એટેક આવી ગયો અને તે કોમામાં ચાલ્યો ગયો. બે માસ કોમામાં રહી તે ભાનમાં તો આવ્યો પરંતુ તેની હલન ચલનની અને બોલવાની શક્તિ ગુમાવી બેઠો છે. હાલ તે વ્હીલ ચેરના સહારે જીવે છે. કદાચ ભગવાને આ રીતે મળવાનું નિર્માણ કરેલ હશે” કેતકીનો અવાજ ભારે થઇ ગયો. અમે સૌ પણ સ્તબ્ધ થઇ ગયા. કેતકી આગળ બોલી “બ્રેઈન સ્ટ્રોકના એટેક પછી પણ નયનને તમારી સાથે મુલાકાત કરવાની ખુબ તિવ્ર ઈચ્છા હતી. હું તેના નયનોને વાંચી શકું છું. તેણે મને ૧૫ દિવસ પહેલાં અહી આવવાનો અને તમોને સૌને મળવાનો કાર્યક્રમ ઘડી કાઢવા જણાવ્યું. મેં તેની ઈચ્છા પૂર્ણ કરવા ખુબ ટૂંકા ગાળામાં આ કાર્યક્રમ ગોઠવી દીધો છે જો તેમાં કોઈ ઉણપ જણાય તો માફ કરવા વિનંતિ છે. અગાઉ કહ્યું તેમ નયન હાલ તેની વ્હીલ ચેર પર બેઠાં બેઠાં મને સાંભળી રહ્યો છે અને તમને સૌને જોઈ આનંદ લઇ રહ્યો છે.” 


કેતકી ખુબ થાકી ગઈ હતી તે ખુરશી પર બેસવા જતી હતી ત્યારેજ કોઈક ગાડીની હેડ લાઈટો અમારા સૌના પર પડી. કેતકી એકદમ ઉભી થઇ ગઈ અને સ્ફૂર્તિથી બોલી “ લો કેતન, એરીયાના અને એન્ડ્રુઝ આવી ગયા “ અમે સૌ ઉભા થઇ ગયા ગાડીમાંથી ત્રણ યુવાનો ઉતર્યા અને સીધા અમારી પાસે આવી અમને સૌને પગે લાગ્યા. અમે તેમનો વિવેક જોઈ દંગ રહી ગયા. એરીયાના અને એન્ડ્રુઝ હવેલીમાં જઈ નયનની વ્હીલચેર દોરી નયનને અમારી વચ્ચે લઇ આવ્યા. અમે સૌ લગભગ દોડીને નયન પાસે પહોચી ગયા. અમને સૌને જોઈ નયનની આંખોમાં એક ચમક સાથે તેના શુષ્ક ચહેરા પર એજ વર્ષો પહેલાનું પરિચિત સ્મિત ફરી વળ્યું” 


અમારા બધાની સાથે નયનની મુલાકત પૂરી થઇ એટલે કેતન બોલ્યો “ વડીલો, ઇન્સીડેન્ટલી આજે મારા મોમ અને ડેડનું ફોર્ટી ફિફ્થ મેરેજ એનીવર્સરી છે. આપ સૌ અહિયાં પ્રેઝન્ટ રહી મારા પેરેન્ટ્સને જે ખુશી આપ્યું છે તે બદલ હું આપને થેન્ક્સ કરું છું.” તેના અંગ્રેજી મિશ્રિત ગુજરાતી ઉચ્ચારણથી થોડીક રમુજ ફેલાઈ. તે અમને સૌને ફાર્મ હાઉસના બેજમેંટમાં આવેલ બેન્કવેટ હોલ તરફ દોરી ગયો. નયન પણ પોતાની દિકરીના સહારે વ્હીલ ચેરમાં બેન્કવેટ હોલમાં અમારી વચ્ચે આવી પહોચ્યો. તેણે કેતકીને કઈક ઈશારો કર્યો. કેતકી નયનની આંખોમાં જોઈ તેના ભાવ વાંચી બોલી “ નયન કહે છે કે તે તમને ખાવામાં સાથ નથી આપી શકતો તે બદલ માફ કરજો “ નયનના નજરના ઇશારાની ભાષા વાંચવાની કેતકીની સમજણથી મને તેના તરફ ખુબ માન ઉપજયું. 


અમો સૌ નયનની અમારા તરફની અહોભાવના જોઈ ભાવવિભોર થઇ ગયા અને તે ગુમનામ મિત્રની પીસ્તાલીસમી મેરેજ એનીવર્સરીની ઉજવણીમાં સામેલ થવાનું સદભાગ્ય સાંપડવા બદલ અમારી જાતને ભાગ્યશાળી માની અને નયન દ્વારા મહેમાનગતિમાં અમને પીરસાએલ કોન્ટીનેન્ટલ ડીશની રસપૂર્વક લિજ્જત માણી રહ્યા. પાર્ટી ખુબ લાંબી ચાલી. બધાએ ભૂતકાળ યાદ કરી કરીને ઘણા ભુલાએલા પ્રસંગો વાગોળ્યા. નયન આમારા વાર્તાલાપને રસ પુવક સાંભળી આનંદ લેતો રહ્યો. સાથે સાથે કેતકીના માતા પિતા અને ભાઈઓ વિષે પણ અમે માહિતી મેળવી. કેતકીના વડવાઓ મૂળ મધ્યપ્રદેશના હતા. કેતકીના ગયા પછી સમાજમાં વગોવણી થવાથી તેના પિતાજીએ કુટુંબ કબીલા સાથે હિંમતનગરની કાયમી વિદાય લઇ હૈદરાબાદમાં વસવાટ કરી લીધો હતો. હાલ કેતકીના માતા પિતા હયાત નથી પરંતુ તેના બે નાના ભાઈઓ પોતાના કુટુંબ કબીલા સાથે હેદરાબાદમાં ખુબ સુખી અને સમૃદ્ધ છે. કેતકીના તેમની સાથેના સબંધો પણ સુમધુર છે. નયનની માતાનો સ્વર્ગવાસ થઇ ગયો છે. તેના મોટા ભાઈ પણ હયાત નથી. તેના બે ભત્રીજા હાલ અમદાવાદમાં સ્થાઈ થયા છે અને સુખી છે. પાંચ એકર જમીન સાથેનું આ હવેલીનુમા લગ્ઝુરીયસ ફાર્મ હાઉસ નયને એક એન.આર.આઈ. પાસેથી ખુબ મોટી રકમ આપી ખરીદી લીધું છે. કેતકીએ અમને સૌને આખું ફાર્મ હાઉસ બતાવ્યું. બેજમેંટમાં વિશાળ બેન્કવેટ હોલ છે જેમાં અમોએ આજ ભોજન લીધું હતું. ગ્રાઉન્ડ ફલોરમાં એક વિશાળ અને ભવ્ય સીટીંગ રૂમ, એક માસ્ટર બેડ રૂમ, એક ગેસ્ટરૂમ, કિચન અને પેન્ટ્રી છે. પ્રથમ માળે ચાર બેડ રૂમ અને બીજા માળે ત્રણ બેડ રૂમ આવેલા છે. બંગલાની પાછળ ચાર ફોરવ્હીલરના પાર્કિંગ માટે એક મોટું ગેરેજ, દસ જેટલા સર્વન્ટ ક્વાટર્સ વિગેરે આવેલા છે. મકાનની ભવ્યતા અને આધુનિક સગવડો જોઈ અમે આશ્ચર્યચકિત થયા. કેતકીએ જણાવ્યું કે સિસિલી ખાતેનો ધંધો તેમની દિકરીના હવાલે કરી તેમણે થોડાક સમયમાં તેમના દીકરા પાસે અમેરિકામાં સ્થાઈ થવા વિચારેલ છે.

  

અમારા ગુમનામ અંગત મિત્રની ખૂબ સંગત માણી કેતકી અને નયનનો આભાર માની અમો સૌ વહેલી પરોઢે રવાના થયા. બંને જણા અમને પાર્કિંગ સુધી વળાવવા આવ્યા અને અમને અશ્રુભીની આંખે વિદાય આપી. તેમના ભરપુર આતિથ્યની અને સૌજન્યતાની છાપ સાથે નયનના નયનોમાં અમારા માટે છલકાતા અહોભાવથી પાવન થઈ આજની પાર્ટીને અમારા હદયમાં કાયમી સુખદ સંભારણા તરીકે વસાવી અમે સૌએ પોત પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Drama