ગુજરાતી પુરુષ
ગુજરાતી પુરુષ
ગુજરાતી પુરુષ પહેલાં તો નાનું બાળક જ હતો, ધીમે ધીમે તે મોટો થતો ગયો.
ભણ્યો અને પછી પરણ્યો..
ઘૂંઘટ ઉઘાડ્યો તો એને અંદર ચંદ્ર સમો ચહેરો દેખાયો
પણ એ ભૂલી ગયો કે બીજી સવારે આગ ઓકતો સૂરજ
દાતિયા કરવાનો છે !
જેવો પરણ્યો, હા, હા, જેવો પરણ્યો કે
એની સમક્ષ એક નવી દુનિયા ખુલી ગઈ
બીજા દિવસે એને દાળ, ચોખા, મોરસ, તેલ વગેરેના ડબ્બાનો પરિચય કરાવવામાં આવ્યો.
પત્નીની આંખો ચાર થઈ
બોલવા લાગી: આ જો ખૂટી ગયું તો તને અહીંનો અહીં મૂકીને નાસી છૂટીશ !
ભોળો ભરથાર બોલ્યો, " ક્યાં જશો ? "
પહાડી અવાજમાં અર્ધાંગિનીએ કહ્યું: જે ઘરમાં આવું બધું ભરેલું જ રહે છે ત્યાં ! ખબર પડી ?"
સરેરાશ ગુજરાતી પુરુષ...હા, હા, સરેરાશ ગુજરાતી
પુરુષના અરમાન જ એટલા છે કે 60-70 વર્ષની જિંદગીમાં એ કેટલું દોડે !
જાણે અજાણે એની સરખામણી ધનિક ભરથારો સાથે કરવામાં આવે !
સ્કૂલ-કોલેજમાં તો એ વિવિઘ સ્પર્ધામાં દોડ્યો
પણ એ તો સ્કૂલનાં મેદાનમાં દોડવાની સ્પર્ધા હતી
આ તો જીવનના મેદાનમાં દોડવાની સ્પર્ધા છે.
દોડીને એણે મેડલ્સ પણ મેળવ્યા
પણ ચાર દીવાલ અને એક છતના મકાનમાં
મેડલ્સના ફાકા માર્યે ન ચાલે !
અને મેડલ્સના ફાકા થોડા મરાય !
એ તો અહમપોષક; શોભાના ગાંઠીયા સમાન છે.
ધર્મની….હા, હા, ધર્મની જે પ્રમાણેની જીવનની વિભાવના છે એનાથી તો સાવ ભિન્ન; એક સરેરાશ ગુજરાતી પુરુષનું જીવન છે.
મોઘાદાટ પરફ્યુમ અને બ્રાન્ડેડ કપડાંથી તિજોરી છલકાઈ જાય એ ઘટનાને એક સરેરાશ ગુજરાતી પુરુષ શાન માને છે.
પોતાના જીવનમાં…..બીજાના નહી….
પોતાના જીવનમાં ઓછામાં ઓછી બે સ્ત્રી હોવાની બાબતને એક સરેરાશ ગુજરાતી પ્રાથમિક જરૂરિયાત સમજે છે.
અને કુદરત પણ એની કેટલી ફેવર કરે છે કે એની 'રમત' રોકટોક વિના આરામથી ચાલે છે !
ગુજરાતી પુરુષ સોમથી શની ; હાડમાસના માણસોએ
ઊભી કરેલી સ્પર્ધામાં જોતરાયેલો રહે છે. ખરી વાત તો એ છે કે એને રહેવું પડે છે.
ગુજરાતી પુરુષને 'પ્રેમ' પણ કશુંક ઉકાળે તો મળે છે
માત્ર ૠત્વીક રોશન જેવો ચહેરો હોવાથી ચાલતું નથી.
ભાગ્યે જ એવો ગુજરાતી પુરુષ મળે જેને બજારે પોતાની જાળમાં ફસાવી દીધો ન હોય !
હજી બજાર કંઈક અંશે સારુ છે
પણ બજારમાં બેઠેલાની તો વાત જ ના પૂછશો
એ બધા ફાંદધારીઓ એક નંબરના બદમાશ છે.
એક સરેરાશ ગુજરાતી પુરુષ પોતાને ઘેર પહોંચે છે ત્યારે એક તરફ નળમાં પાણી આવેલું હોય છે અને બીજી તરફ પત્ની રાત્રિ ભોજન બનાવતી હોય છે.
ઘણાખરા ઘરોમાં એક તરફ બાળોતિયુ અથવા તો ડાઈપર પડેલું હોય છે !
આ બધા વચ્ચે એક સરેરાશ ગુજરાતી પુરુષ બેસે છે
અને દિવસ આખાનો થાક ઉતારે છે !
એ થોડો સંતાનમય બને છે. થોડો ધર્મમય બને છે.
ચેનલ સરફીન્ગ કરતા કરતાં પોતાના મગજને ઠંડું પાડવાના પ્રયત્નો કરે છે.
છેલ્લે જ્યારે તે પત્નીમય બનવા જાય છે ત્યારે એક કેનેડીયન કે અમેરિકન પુરુષમાં જે ઉલ્લાસ કે ઉત્સાહ હોય છે તે તેનામાં જોવા મળતો નથી.
ગુજરાતી પુરુષ સરખામણી કરવામાંથી ઊંચો આવતો નથી.
અને એટલે એની જે દશા થાય છે એ કફોડી હોય છે.
એક સરેરાશ ગુજરાતી પુરુષ જીવનની ખરી મજા શેમાં છે એ હજીયે જાણી શક્યો નથી.
આવું દ્રશ્ય કે આવી સ્થિતિ જોતા ગવાઈ જાય છે કે : બચા લે મેરે લોગો કો…..બચાલે મેરે.
