Mariyam Dhupli

Drama Tragedy Inspirational

4.4  

Mariyam Dhupli

Drama Tragedy Inspirational

ગરમ મસાલો

ગરમ મસાલો

7 mins
465


તાજા વરસેલા મેઘથી બહાર તરફ ભીંજાયેલું ઘાસ શયનખંડ ને એની મધુર સુગંધથી મહેકાવી રહ્યું હતું. અરીસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળી રહેલી સ્વાતિને પોતાનું રૂપ વધુ નિખરી ઊઠેલું અનુભવાઈ રહ્યું હતું. ઘેરા લીલા રંગની સાડી એના શ્વેત રંગને વધુ નિખાર આપી રહી હતી. લગ્નની મહેંદી હજુ હાથોમાં એના ગાઢ રંગ અને મહેક જોડે ચળકી રહી હતી. એ લાલ મહેંદીવાળા હાથ વડે એણે સિંદૂરની ડબ્બીમાંથી માથાનો સેંથો પૂર્યો જ કે હાથમાંની લાલ બંગડીઓના અવાજથી શયનખંડ ગુંજી ઊઠ્યો. ગળામાં મંગળસૂત્ર ચઢાવી, સાડીનો પાલવ માથા ઉપર વ્યવસ્થિત ગોઠવી એ ધીમે ડગલે રસોડા તરફ ઊપડી. 

આખું રસોડું મસાલાની તીખી સુગંધથી મહેકી રહ્યું હતું. આવી રહેલી છીંકને સાડીના પાલવ વડે સ્વાતિએ શીઘ્ર રોકી લીધી. પથ્થર ઉપર છુંદાઈ રહેલા મસાલાઓ વૃદ્ધ ચહેરા ઉપર સંતોષ અને આનંદના ભાવો પહોંચાડી રહ્યા હતાં. સ્વાતિના ચહેરા ઉપર એનાથી વિપરીત અણગમાના હાવભાવો વ્યાપી ગયા. આજે પણ એજ પથ્થરની કટકટ. ગઈ કાલે મનોજને એકાંતમાં વાત તો કરી હતી. પણ એ ક્યાં રહી ગયા? બજારમાં આટલી વાર? શાકભાજી સાફ કરતા કરતા સ્વાતિએ રસોડાની બારીમાંથી એક નજર રસ્તા તરફ નાખી. 

સામે તરફથી બંને હાથમાં બજારનો સામાન ખરીદીને આવી રહેલા મનોજને નિહાળતાંજ સ્વાતિને હાશકારો થયો. 

" લે બા, બધુંજ લઈ આવ્યો."

દીકરા પાસે મંગાવેલી દરેક સામગ્રી યોગ્ય માત્રામાં અને યોગ્ય ગુણવત્તાયુક્ત આવી કે નહીં એની ચકાસણી કરવા વૃદ્ધ શરીર પથ્થર છોડી ઊભું થયું. 

" લે વહુ. અહીં આવતી રે. આ મસાલા વાટ એટલે હું સગવડ કરું. "

શાકભાજી છોડી સ્વાતિ પથ્થર પાસે ગોઠવાઈ. એના ચહેરાના હાવભાવોમાં અણગમો બમણો થઈ ઊઠ્યો. પથ્થર પર એના હાથ વડે છૂંદાઈ રહેલા મસાલાઓ કરતા એની આંખોમાં વ્યાપેલી તીખાશ વધુ તેજ હતી. મનોજની આંખો એ તેજ તીખાશથી બળી ઊઠી. ગઈ કાલે રાત્રે પલંગ ઉપર સ્નેહની એ પળમાં સ્વાતિને વાત કરી જોવાનું વચન આપી તો બેઠો હતો. પણ બાની આગળ મોઢું ખોલવું એટલે પોતાના જ પગ ઉપર કરવત ફેરવવી. એક તરફ બાનો તીખો સ્વભાવ અને બીજી તરફ પત્ની માટેનો પ્રેમ. સૂડી વચ્ચે સુપારી જેમ એ લટકી રહ્યો હતો. સ્વાતિને અચાનક ઉધરસ ચઢી. સ્વાતિ તરફ પીઠ ફેરવી બજારની સામગ્રી જોવામાં વ્યસ્ત બાએ પીઠ ફેરવયા વિના જ હુકમ આપ્યો. 

" આને થોડું પાણી આપ."

બાનો પડ્યો બોલ ઝીલવાની ટેવથી વિવશ મનોજ તરતજ પાણી લઈ સ્વાતિ નજીક પહોંચ્યો. સ્વાતિએ પાણીનો લોટો હાથમાં ન લીધો. ફક્ત તીખી આંખે મનોજ ઉપર પ્રહાર કર્યો. ત્યારે મનોજને સમજાયું સ્વાતિને સાચેજ ઉધરસ આવી ન હતી. એ તો ફક્ત એક સંકેત હતો. એને ગઈ કાલે રાત્રે શયનખંડમાં આપેલ વચન યાદ કરાવવા. સ્વાતિને આંખો વડેજ આશ્વાસન આપી મનોજ જાતેજ બધું પાણી ગટગટાવી ગયો. એ પાણી દ્વારા જાણે એનું ગળું સશક્ત થયું હોય એમ હિંમત ભેગી કરતો એ બા નજીક પહોંચ્યો. 

"બા, હું શું કહેતો હતો...." 

પથ્થર ઉપર મસાલા ફૂટી રહેલી સ્વાતિની નજર અત્યંત ધ્યેયબઘ્ધ મનોજને તાકી રહી. બજારની સામગ્રી જોવામાં વ્યસ્ત બાએ મનોજને નિહાળ્યાં વિનાજ મોટા અવાજે પ્રશ્ન પૂછ્યો. 

" શું છે.....?" 

બાના અવાજથી આત્મવિશ્વાસમાં કમી આવી હોય એ રીતે પોતાનું ગળું ખોંખરી મનોજે વાત આગળ વધારી. સ્વાતિના હાથ પથ્થર ઉપર પહેલાથી પણ વધુ ગતિમાં આગળપાછળ ફરી રહ્યા. જાણે એ પોતાની ઝડપથી મનોજને વાત વધુ ઝડપથી આગળ વધારવાનો સંકેત આપી રહી હોય. 

"બા હવે આ ઉંમરે પથ્થર ઉપર મસાલા કરવાનું છોડ. તારા હાડકાઓને થોડો આરામ આપ. તે બહુ કર્યું. બસ હવે." 

દીકરા તરફ ગર્વની દ્રષ્ટિ ફેંકી વૃદ્ધ હાથ ફરી પોતાના કાર્યમાં વ્યસ્ત થયાં. 

"હા, હવે વહુ આવી ગઈ છે તો મને ચિંતા જ નથી. ધીરે ધીરે બધું એને શીખવી દઉં એટલે હું છૂટું."

પથ્થર ઉપર ઘસાઈ રહેલા હાથમાં ક્રોધ અને અકળામણ ભળતા એ હજી વધુ ઝડપ ગ્રહણ કરી રહ્યા. એ ઝડપથી ડરી મનોજનું થૂંક ગળામાં ઉતર્યું અને શબ્દો ગળાની બહાર ઉછળી આવ્યા. 

"બા હવે તો બધા નવું મશીન વસાવે છે. વીજળીથી ચાલે. મસાલા તો એવા ઝડપે પીસી આપે... અને હાથ પણ નહીં દુઃખે. બધુજ આપમેળે થઈ જાય." 

બજારની સામગ્રી પડતી મૂકી વૃદ્ધ શરીર પાછળની દિશામાં ફર્યું. એ સલાહ કઈ દિશામાં થઈ આવી હતી એ વર્ષોના અનુભવવાળી આંખો ક્ષણભરમાં પામી ગઈ. એ આંખોની અગનજ્વાળા સહન ન થતા સ્વાતિની નજર પથ્થર પર પીસાઈ ચૂકેલા મસાલાઓ ઉપર સ્તબ્ધ થઈ થંભી ગઈ. વૃદ્ધ શરીર અન્ય દિશામાં ફર્યું. મનોજ તરફ એક આંગળી ચેતવણી સ્વરૂપે ઉપર ઉઠી. 

"વર્ષોની પરંપરા આમ આજકલના નવા વિચારોથી અટકી ન પડે. આ પથ્થર મને મારી સાસુએ આપ્યો હતો અને હું મારી વહુને આપીશ. આ ઘરમાં આજ સુધી હાથમહેનતે તૈયાર થયેલા મસાલાઓએ જ જમવાની લજ્જત જાળવી છે અને આગળ પણ જાળવશે. સમજી લેજો. આજ પછી આ વિષય ઉપર કોઈ ચર્ચા ન થશે." 

એ દિવસે ન્યાયાધીશનો હથોડો એવો અફળાયો કે એ રસોડામાં કદી અર્વાચીન મશીન વસાવાની કોઈ વાત નીકળીજ નહીં. વર્ષો વીતતા ગયા અને સ્વાતિના હાથ એ પ્રાચીન પથ્થર ઉપર આગળથી પાછળ ઘસાતા રહ્યા. હાથ મહેનતે તૈયાર થયેલા એ મસાલાઓ પરિવારના જમણને પારંપરિક સ્વાદની ભેટથી મહેકાવતા રહ્યાં. 

આખરે એક દિવસ આવ્યો જયારે એ પ્રાચીન પથ્થર જુના નકામા સામાનના સંગ્રહ- સ્થાન સમા ઘરના સ્ટોરરૂમમાં જઈ પટકાયો. એના સ્થાને રસોડામાં નવી ચળકતી મિક્સી ગોઠવાઈ ગઈ. સ્વાતિના હાથ રાહતનો શ્વાસ ભરી રહ્યા. એક પછી એક ઘરમાં સાફ કરી સૂકવેલા મસાલાઓ એ મિક્સીમાં પડવા લાગ્યા અને નામના જ સમયમાં બધુજ સુંવાળું પીસાઈને તૈયાર થઈ ગયું. ફૂલોનો હાર પહેરી વૃદ્ધ બા પોતાની ભીંત ઉપર શણગારાયેલી તસ્વીરમાંથી એ દ્રશ્ય નિ:સહાય નિહાળી રહ્યાં.

૨૫ વર્ષ પછી....... 

ઘરનું બારણું ધીમે રહી ખૂલ્યું. રેવતીએ ઘરમાં પ્રવેશતા જ કાંડા ઘડિયાળ ઉપર નજર કરી. બેઠક ખંડમાં સામેની ભીંત ઉપર સજ્જ ઘડિયાળે પણ એક સમાન આંકડાઓ દર્શાવ્યા. મોડું થઈ ગયું. અત્યંત ઝડપે પોતાના શયન ખંડમાં જઈ એણે ત્વરિત સ્નાન લીધું. કાળી ટાઈટ સ્લેક્સ ઉપર પીળા રંગની ઘૂંટણ સુધીની કોલરવાળી કુર્તી ચઢાવી. અર્ધ ભીના વાળને મહેંદીથી સુશોભિત હાથ વડે ખભા ઉપર છૂટાં મૂક્યા કે લાલ રંગની બંગડીઓથી આખો શયનખંડ ગુંજી ઊઠ્યો. સેંથામાં સિંદૂરનો સ્પર્શ કરી, ગળામાં મંગળસૂત્ર પહેરી, ઘરે પરત થતી વેળા સુપર માર્કેટથી સાથે લઈ આવેલ બજારની સામગ્રી જોડે એ સાસરેના રસોડામાં પોતાનું પહેલું જમણ તૈયાર કરવા ભાગતા ડગલે ઉપડી. 

લગ્ન પછી નોકરી કરવાની પરવાનગી આપે એવું કુટુંબ મળી ગયું હતું. પોતાનું સદ્દભાગ્યજ વળી. હવે પોતાના તરફથી અન્ય કોઈ ભૂલ થવી જોઈએ નહીં. બપોરનું ભોજન સાસુમા તૈયાર કરી નાંખતા. ફક્ત રાત્રિનું ભોજન પોતાના હિસ્સે આવ્યું હતું. એમાં કોઈ કચાશ રહેવી ન જ જોઈએ. વિચારોના વમણ જોડે રેવતી રસોડામાં પ્રવેશી. સ્વાતિ પોતાની નવી વહુના રસોડામાં પ્રથમ દિવસને પોતાના અનુભવી માર્ગદર્શન જોડે સરળ બનાવવા અગાઉથીજ ત્યાં હાજર હતી. સાસુને પગે લાગી રેવતીએ ઝડપ વધારી પોતાની સાથે લઈ આવેલ વાનગી માટેની સામગ્રીઓને એક પછી એક રસોડાના પ્લેટફોર્મ ઉપર ગોઠવવાની શરૂઆત કરી. સ્વાતિની નજર સંતોષ ભર્યા હાવભાવો જોડે દરેક સામગ્રી ઉપર ફરવા માંડી. અંતિમ સામગ્રી કોથળીમાંથી બહાર નીકળી જ કે સ્વાતિના હાવભાવોનો રંગ બદલાઈ ગયો. 

"આ શું છે.... ?" 

એક તીખો પ્રશ્ન રસોડાના વાતાવરણ ને ઉષ્ણ બનાવી રહ્યો. 

"આ મસાલો છે, મમ્મી. આ કંપનીનાં મસાલાઓ જ મારા ઘરે વપરાય છે એનો સ્વાદ ...." 

રેવતીના શબ્દો ઉપર બળજબરીએ પૂર્ણવિરામ મૂકતા સ્વાતિએ એક વેધક દ્રષ્ટિ રેવતી ઉપર ફેંકી ને એનું વાક્ય આગળ વધતું અટકી પડ્યું. સ્વાતિએ પોતાના હાવભાવો નિયંત્રણમાં લેતા રસોડાના નિયમોથી રેવતીને માહિતગાર કરી. 

" જો બેટા. તારા ઘરે જે કઈ થતું હોય એમાં હું દખલગીરી ન કરી શકું. એ જ રીતે મારા ઘરના નિયમોમાં અન્ય કોઈ દખલગીરી ન જ કરી શકે. વર્ષોથી આ ઘરમાં ઘરે તૈયાર થતા મસાલાઓ જ જમણને પરંપરાથી બાંધી રાખતા આવ્યા છે. ઘરે બધુ જ હાજર છે. જે વાનગી બનાવવાની હોય એને અનુરૂપ સામગ્રી પસંદ કરી, ધોઈ, સૂકવી આગળથી તૈયાર કરી રાખવી ને પછી આ મિક્સીમાં પીસી નાંખવી. ખબર નહીં બહારના આ રેડીમેડ મસાલાઓમાં શું ભેળસેળ થયું હોય. સ્વચ્છતાના ધોરણ જળવાયા હોય કે નહીં ? "

સ્વાતિના ભાષણથી રેવતીના મોઢા ઉપર કંટાળાના ભાવો પારદર્શક થવા માંડ્યા. પણ નોકરી બચાવવાના ચક્કરમાં આ બધું સાંભળવું પડશે એ વિચારે મનોમન ચીઢ કરતી રેવતી નિ:સહાય જૂની પેઢીનું લાંબુંલચક ભાષણ સાંભળતી રહી. 

" ને હવે તો આપણા સમયમાં મસાલાઓ ઘરે પીસવું કેટલું સહેલું છે ! મારા સાસુ તો જાતે પથ્થર ઉપરજ બધું વાંટતા ને મારી પાસે પણ એજ કરાવતા. પણ તારી સાસુ તો સમજે છે. મારા હાથ દરેક પીડા સહી ગયા પણ તારા માટે તો આ છે.." 

પોતાની નવી વહુને નવી મિક્સી ભેટમાં આપી સ્વાતિ રસોડાની બહાર નીકળી ગઈ. પોતાની જોડે રેવતીએ ખરીદેલ ઈન્સ્ટન્ટ મસાલાનું પેકેટ પણ લઈ ગઈ. 

રસોડામાં એકલી પડેલી રેવતીના દાંત ભીંસાયા પણ નોકરીનો વિચાર આવતાજ એણે હાથમાં થમાવવામાં આવેલ નવી મિક્સીનું પ્લગ ઈલેક્ટ્રિક સર્કિટમાં બળજબરીએ છણકા જોડે ભીંસી દીધું. 

એ દિવસ પછી એ મિક્સી નિયમિત ફરતી રહી અને ઘરે જ ધોઈને સાફ થઈ સૂકાયેલી સામગ્રીઓને પીસી પીસી ઘરના જમણને પારિવારિક પરંપરાગત સ્વાદનો સેતુ બનાવતી ગઈ.

આખરે વર્ષો પછી એક દિવસ રેવતીએ રસોડામાં રાહતનો દમ ભર્યો. વર્ષોથી ઘસાયેલી મિક્સી ઘરના સ્ટોરરૂમમાં પડી ધૂળ ખાઈ રહેલા મસાલા ફૂટવાના પથ્થરની બાજુમાં પટકાયેલી હતી. રેવતીએ મન્ચુરિયન મસાલાનું રેડીમેડ પેકેટ ખોલી સ્ટવ ઉપર તૈયાર થઈ રહેલી પોતાની વાનગીમાં એ મસાલો નિરાંતે ઉમેર્યો ને ચહેરા ઉપર પરમ સંતોષ વ્યાપી ગયો. એની પાછળની રસોડાની અલમારીના પારદર્શક કાચમાંથી છોલે મસાલા, પનીર ટિક્કા, પાવભાજી મિક્ષ, પાણીપુરી મસાલા, સાંભાર મસાલા જેવા નામો દર્શાવતા વૈવિધ્યપૂર્ણ રેડીમેડ મસાલાઓ શ્રેણીબઘ્ધ દર્શન આપી રહ્યા હતાં. એ અલમારીના સામેની ભીંત ઉપર શણગારાયેલી તસ્વીરમાંથી ફૂલોની માળા પહેરી સ્વાતિ નિ:સહાય જડ આંખોએ એ મસાલાઓને અવિરત નિહાળી રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama